સાધુતાનું વંદનીય શિખર મહંત સ્વામી મહારાજ

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક અનુપમ ભેટ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ

સાધુ અક્ષરવત્સલદાસ Wednesday 13th September 2017 00:55 EDT
 
 

સાધુ થવું સહેલું છે, પરંતુ સાધુતાને સિદ્ધ કરવી કપરી છે. આજકાલ સાચી સાધુતાનો પર્યાય શોધવાની એક વિમાસણ પેદા થઈ છે ત્યારે એવું એક જીવાતું જીવન છે - પૂજ્ય મહંત સ્વામી મહારાજ. એમના ૮૪ વર્ષીય જીવનમાં લાખો લોકોએ અનુભવ્યું છે - સાધુતાનું એક પરમ વંદનીય શિખર.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને અસંખ્ય લોકોના પ્રેરણામૂર્તિ ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એક અનુપમ ભેટ એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું દીક્ષિત નામ છે સાધુ કેશવજીવનદાસજી. મૂળ ચરોતર પ્રદેશના આણંદના વતની અને વ્યવસાય માટે મધ્ય પ્રદેશમાં જબલપુર સ્થાયી થયેલા પાટીદાર શ્રી મણિભાઈ નારણભાઈ પટેલ અને ડાહીબાના ખોળે તેમનો જન્મ જબલપુરમાં ૧૩ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ થયો હતો. પરિવારજનો બાળકને તેના હુલામણા નામ વિનુ તરીકે બોલાવતા.
જબલપુરમાં ઉછેર અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પામેલા વિનુભાઈએ સ્થાનિક અંગ્રેજી માધ્યમની શાળામાંથી કેમ્બ્રિજનો અભ્યાસ કર્યો હતો. એક પ્રખર તર્કશીલ અને બૌદ્ધિક અભિગમ ધરાવતા વિનુભાઈના હૈયે અધ્યાત્મ અને ધર્મબીજ જન્મજાત હોવા છતાં, એમના હૃદયને એવા મહાન પ્રત્યક્ષ ગુરુદેવની અપેક્ષા હતી જે એમની તર્કશીલ બુદ્ધિમત્તાનો સંતુષ્ટ કરે.
યોગીજી મહારાજની દિવ્ય આધ્યાત્મિક પ્રતિભા અને નિર્વ્યાજ વાત્સલ્યવર્ષાએ એમને એવી દિવ્ય અનુભૂતિ કરાવી, જે તર્કથી અનેકશઃ ઉપર હતી. સન ૧૯૫૧-૫૨ના અરસામાં નવયુવાન વિનુભાઈના હૃદયને યોગીજી મહારાજે દિવ્યતાથી ઝંકૃત કરી દીધું અને તેઓ સદાને માટે યોગીજી મહારાજના સમર્પિત શિષ્ય બની રહ્યા. યોગીજી મહારાજની એ પ્રેમવર્ષાએ જ એમને સાધુદીક્ષા લેવા માટે પ્રેર્યા.
તા. ૧૧ મે ૧૯૬૧ના રોજ તીર્થધામ ગઢડા ખાતે યોગીજી મહારાજે એક સાથે ૫૧ સુશિક્ષિત નવયુવાનોને ભાગવતી દીક્ષા આપી ત્યારે વિનુભગતને ‘કેશવજીવનદાસ સ્વામી’ નામ ધારણ કરાવ્યું. આ સાથે જ શાસ્ત્રીજી મહારાજે બાળવયે તેમને આપેલા ‘કેશવ’ નામનું અનુસંધાન સ્વતઃ જોડાઈ ગયું! આ નવદીક્ષિત યુવાનોને યોગીજી મહારાજે મુંબઈ ખાતે સંસ્કૃતના અધ્યયન માટે મૂક્યા ત્યારે એ સૌના મહંત તરીકે કેશવજીવનદાસ સ્વામીને મૂક્યા, ત્યારથી તેઓ ‘મહંત સ્વામી’ના નામે સૌમાં આદરણીય બન્યા.
તા. ૨૦ જુલાઇ ૨૦૧૨ના રોજ અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજે લખેલા એક પત્ર દ્વારા તેઓને પોતાના ભાવિ ઉત્તરાધિકારી તરીકે સ્થાપીને તેમને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે આદરણીય સ્થાન આપ્યું છે.
પૂજ્ય મહંત સ્વામી મહારાજ ૮૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કોટિ કોટિ વંદન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter