સ્વામીનારાયણ સંપ્રદાયના મહાસંતઃ શ્રી યોગીજી મહારાજ

Wednesday 01st June 2016 09:20 EDT
 
 

સ્વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ ઝીણા ભગત)નું નામ આજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. ઝીણા ભગતનો જન્મ અમરેલી જિલ્લાના ધારી ગામે સંવત ૧૮૯૨ વૈશાદ વદ બારસે દેવચંદભાઈ ઠક્કરને ત્યાં, માતા પુરીબાઈની કૂખે થયો હતો.
ઝીણા ભગતના પૂર્વજોની ચાર પેઢીથી કુટુંબ સ્વામીનારાયણ ધર્મ પાળતું હતું અને સત્સંગી હતું. ઝીણાભાઈ બચપણથી શાંત અને સૌમ્ય સ્વભાવના હતા. તેઓને અભ્યાસાર્થે શાળામાં બેસાડ્યા ત્યારે ત્યાં પણ તેઓ કોઈ સાથે બહુ બોલતા નહીં. નાની વયે વહેલી સવારે ઊઠી જઈ શેત્રુંજી નદીનાં ત્રિવેણી સંગમે આગળ સ્નાન કરી કાંઠે લાંબો સમય સ્થિતપ્રજ્ઞની જેમ બેસી રહેતા. એમના કાકા મોહનભાઈ સ્વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરવા જતા. ઝીણા ઘણી વાર કાકા સાથે મંદિરે જાય અને ત્યાં જ સૂઈ જાય. આમ, ભગવાન સ્વામીનારાયણના સાનિધ્યમાં રહેવાનું તો બચપણથી જ શરૂ થયું હતું.
શાળામાં બપોરે આરામના સમયે બીજા છોકરાઓ ખેલકૂદ કરતા હોય ત્યારે ઝીણા વાંચન કરતા હોય અથવા ખૂણામાં બેસી ઊંડા વિચારે ચડી જાય. ઘણી વાર છોકરાઓ મશ્કરી કરતા કે, ઝીણા તારે તો બાવા બની જવું જોઈએ અને ઝીણાભાઈ કહેતા કે, હા એવો જ વિચાર છે.
એક વાર ભીમ અગિયારસના દિને વડીલો જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરે ઊજવાતા સામૈયામાં ગયા ત્યારે ઝીણાભાઈ પણ તેમની સાથે ગયાં. ત્યાં તેના મનમાં સાધુ બનવાની ઈચ્છા જાગી ઊઠી અને પછી તો શિક્ષણમાંથી રસ જ ઊડી ગયો.
એક વાર કૃષ્ણચરણ દાસ સ્વામી ધારી પધાર્યા ત્યારે ઝીણાભાઈને ભક્તિનો માર્ગ મળી ગયો. તેઓ સ્વામીની સેવામાં લાગી ગયાં. કૃષ્ણચરણદાસ સ્વામીએ આ બાળકની સેવાભક્તિ જોઈ તેને પ્રસાદી આપતાં કહ્યું, ‘ઝીણા સાધુ થઈશ?’ આ સાંભળીને તેમને ખૂબ જ આનંદ થયો અને બોલ્યા, ‘હા, સ્વામીજી’ ઝીણાના આ ભક્તિરસની વાત સ્વામીજીએ મોટા ભાઈ કમળશીને કરી. કમળશી પણ આવી વૈરાગ્યવૃત્તિ જ ધરાવતા હતા. તેમણે આ વાત તરત માતા પુરીબાઈને કરી. પણ માતા સંમતિ આપે તે પહેલાં બાળક ઝીણા તો ફઈબાના પુત્ર જેરામભાઈ સાથે ઘર છોડી જૂનાગઢ જવા નીકળી ગયા.
માતાને જાણ થઈ ત્યારે તેને આઘાત લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યાં. પુરીબાઈનું કલ્પાંત જોઈ વિરજીબાપાએ ઝીણા જ્યાં હોય ત્યાંથી શોધી લાવવા બે ભાઈઓને મોકલ્યા. બંને ભાઈઓ ઝીણાભાઈની તપાસ કરતાં કરતાં માંડણપરા પહોંચ્યાં, ત્યાં ખબર પડી કે, અહીં સ્વામીનારાયણ મંદિરમાં ઝીણા છે. બંને ભાઈઓએ ઝીણાભાઈને માતાની સ્થિતિની વાત કરી અને તેને ઘરે તેડી આવ્યાં.
૧૯ વર્ષની ઉંમરે એમણે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લઈ લીધી અને જ્ઞાનજીવનદાસ તરીકે ઓળખાયા. તેમનાં પગ જોઈ સામુદ્રિક વિદ્યાના જાણકાર એક હરિભક્તે એવું ભાવિ ભાખેલું કે, તમો મોટા સદ્દગુરૂ થશો અને લાખો મનુષ્યો તમારો સંગાથ ઝંખશે. આ હરિભક્તે કહ્યા મુજબ ઝીણાભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયમાં યોગીજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયાં.
યોગીજી મહારાજે ગાંધીબાપુની સ્વરાજપ્રાપ્તિની ચળવળની સફળતા માટે દરરોજ ૨૫ માળા જપવાનો સંકલ્પ કર્યો હતો, જે સ્વરાજ પ્રાપ્તિ સુધી તેમણે પાળ્યો હતો. સારંગપુર અને ગોંડલના અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના બાંધકામમાં સેવારૂપે યોગીજી મહારાજે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ગુજરાત તેમજ વિદેશોમાં પરિભ્રમણ કરી તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયનો, સત્સંગનો પ્રચાર-પ્રસાર કરી મહિમા વધાર્યો હતો. તેમણે મુંબઈમાં ભવ્ય અક્ષર ભુવન સ્થાપ્યું હતું તેમજ રાજકોટ અને ગોંડલમાં ભવ્ય ગુરુકૂળ પણ સ્થાપ્યા હતા. તેમને ૭૬મી જન્મજયંતી પ્રસંગે તેમનાં જીવનનો ઝાંખી કરાવતો, અમૃતપર્વ નામનો ખાસ ગ્રંથ પ્રગટ કરાયો હતો. ૧૯૭૧ની ૨૩મી જાન્યુઆરીએ યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા હતા.
બ્રહ્મસ્વરૂપ સંતશ્રી યોગીજી મહારાજના દિવ્ય કાર્યને વહેતું રાખનાર સંત ભગવંત સાહેબજીના દિવ્ય સાનિધ્યમાં યોગીજી મહારાજનો ૧૨૫મો પ્રાગટ્યોત્સવ યોગી જયંતીની ઊજવણી નિમિત્તે સૌને સત્સંગ અને ભક્તિમાં ભાગ લેવા આમંત્રણ છે.
• તા. ૫ જૂન, ૨૦૧૬ - રવિવાર
• સમયઃ સવારના ૧૦-૩૦થી બપોરના ૧-૦૦ સુધી
• સ્થળઃ અનુપમ મિશન ડેન્હામ, અક્સબ્રીજ UB9 4NA


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter