હજઃ જીવન સિદ્ધિનો અવસર

પર્વવિશેષ

યુસુફ એમ સિદ્દાત, લેસ્ટર Friday 17th August 2018 10:12 EDT
 
 

હજયાત્રા ઈસ્લામિક જગતમાં એક મહત્ત્વનું અંગ ગણાય છે. આમ તો શક્તિશાળી અને કેટલીક શરતોને આધિન આર્થિક રીતે સદ્ધર મુસલમાન પુરુષ કે સ્ત્રી ઉપર ફરજ કરવામાં આવી છે. પાંચ મુખ્ય કર્તવ્યો પૈકીનું એક ગણાય છે, પરંતુ અમીરો જ નહીં, અદના ગરીબ વ્યક્તિ પણ જીવનમાં એક વાર હજનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય એવી અભિલાષા રાખતા હોય છે. આ એક એવું કર્તવ્ય છે કે માણસના જીવનમાં પરિવર્તન આવી જાય છે.

હજની મુખ્ય વિધિઓ ઈસ્લામિક હિજરી વર્ષના છેલ્લા ૧૨મા માસ ઝિલહજમાં કરવામાં આવે છે. આ માસની ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ તારીખ - આમ છએક દિવસનો ભરચક અને વ્યસ્ત કાર્યક્રમ હોય છે. સાઉદી અરબના મક્કા, મિના, અરફાત અને મુઝદલેફા નામના સ્થળોએ હજની વિધિ અદા કરવામાં આવતી હોય છે. મક્કા શહેરમાં પવિત્ર કાબાનું સ્થાન છે. આ તે જ કાબા છે કે વિશ્વભરમાં કોઈ પણ સ્થળે વસતો મુસલમાન એ તરફ મુખ કરી પાંચ સમયની નમાઝ પણ પઢે છે. પવિત્ર ધર્મપુસ્તક કુર્આન અને પયગમ્બર મોહંમદ (સલ.)એ હજ સંબંધી વર્ણન કર્યું છે. એવી માન્યતા છે કે જે જે આત્માઓએ જેટલી વાર ‘લબ્બૈક’ એટલે કે ‘ઉપસ્થિત છું’ કહ્યું હશે તેટલી વાર જીવનમાં હજ કરશે. હજ કરીને આવેલાઓ હાજીનું બિરુદ પામે છે. પાપોથી પવિત્ર થઈ જાય છે.

હજનો પ્રારંભ તો પૃથ્વીના અસ્તિત્વ કાળથી જ થયેલો હોવાનું મનાય છે. પ્રથમ માનવી હઝરત આદમ (અલૈ.)એ પણ હજ કરી હતી. એમણે તે સમયના હિન્દુસ્તાનથી પગપાળા હજ કરી હતી. એટલે એમ કહી શકાય કે પ્રથમ વ્યક્તિ ભારતથી હજ કરવા ગયા હતા, જે ગૌરવ લેવા જેવી હકીકત ગણાવી શકાય. હજની યાત્રામાં શારીરિક અને આર્થિક - બંને બંદગીઓનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં ભેદભાવ વિના લગભગ ૨૫ લાખ જેટલા માણસો એક જ સમયે અને એક જ સ્થળે ભેગા થાય છે. એમની સુવિધા માટે સતત જાગૃત રહીને પ્રશંસનીય કામગીરી સાઉદી સરકારની સીધી દેખરેખ હેઠળ થાય છે. બ્રિટનથી ૨૫ હજાર જેટલા મુસલમાનો પ્રતિ વર્ષ વાર્ષિક હજ અર્થે જાય છે. જેમના માટે હજ ડેલિગેશન પણ મોકલવામાં આવે છે.

હજની વિધિઓના ઈતિહાસ સાથે પયગમ્બર હઝરત ઈબ્રાહિમ (અલ.) એમના પુત્ર હઝરત ઈસ્માઈલ (અલૈ.) અને પત્ની બીબી હાઝેરા (અલૈ.) સાથે સંકળાયેલી ઘટનાઓનો પુનરાવર્તનનો આશય સમાયેલો છે. હઝરત મોહમંદ પયગમ્બર (સલ.)એ હજ કરી હતી ત્યારે એક ખૂબ જ મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, જે સમાજજીવનના ઘડતર માટે અગત્યનું છે.

કાબા ચતુષ્કોણ ઈમારત છે. હજની વિધિઓનો પ્રારંભ કાબા શરીફની પ્રદક્ષિણા (તવાફ)થી કરવામાં આવે છે. આ કાબાને ગિલાફ કે જેને કિસ્વા કહેવામાં આવે છે તેના વડે ઢાંકવામાં આવેલો છે. જે શુદ્ધ રેશમમાંથી બનાવવામાં આવે છે અને સોના-ચાંદીના તારથી જેના પર ભરતકામ અને કુર્આનના શ્લોકો લખવામાં આવે છે. આ માટે એક ખાસ ફેક્ટરી નાંખવામાં આવી છે જેમાં કારીગરો હાથવણાટ દ્વારા તે તૈયાર કરે છે. કુશળ કારીગરો અત્યાધુનિક ટેકનોલોજી અને હસ્તલેખન કલાનો ઉપયોગ કરી બેનમૂન કાપડ તૈયાર કરે છે.

આ કિસ્વાના ઉત્પાદનમાં ૭૦૦ કિલો શુદ્ધ રેશમ અને ૧૨૦ કિલો સોના-ચાંદીના તારનો ઉપયોગ કરાય છે. પ્રતિ વર્ષ જ્યારે હાજીઓ અરફાતમાં હોય છે તે નવમી ઝિલહજના દિવસે આ ગિલાફને બદલવામાં આવે છે. આ રીતે કિસ્વા (ગિલાફ) પવિત્ર કાબા ફરતે વીંટાળવામાં આવે છે અને તેને કોપરની રિંગ વડે જમીન સાથે બાંધવામાં આવે છે.

મક્કાથી ઉત્તર દિશામાં ૩૦૦ માઈલના અંતરે આવેલા મદીના નામના શહેરમાં પયગમ્બર હઝરત મોહંમદ (સલ.)ની કબર આવેલી છે. હજ માટે ગયેલ વ્યક્તિ અહીં મુલાકાત લેવાની અમૂલ્ય તક પણ જવા દેતો નથી. ત્યાં જઈ સલાતો-સલામ રજૂ કરી, વિશાળ મસ્જિદે નબવીમાં શક્ય હોય તો આઠ દિવસ રોકાઈને ૪૦ નમાઝો પઢે છે.

હજ એક બંદગી ઉપરાંત વિશ્વસંમેલન, એકતા, સમાનતા, વિચારોની આપ-લે, ભાઈચારો અને પરલોકના જીવનમાં સિદ્ધ થવાની શુભ તક પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં પગપાળા, ઊંટ ઉપર સવાર થઈને અને સમુદ્ર મારફતે હજ માટે લોકો જતા હતા, હવે તે સમય રહ્યો નથી. મુસાફરીની સગવડો વધતા હાજીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.

આ સમયે દુનિયાભરના મુસલમાનો ઈદુલ અદ્હા કે બકરી ઈદનો તહેવાર મનાવે છે. તે દિવસે સવારે વધારાની ઈદની નમાઝ અદા કરી, જાનવરની કુરબાની કરે છે. આ રીતે ત્યાગ અને બલિદાનની ભાવનાની સ્મૃતિ તાજી કરી અલ્લાહની સમિપતા પ્રાપ્ત કરે છે.

હજ મુબારક... ઈદ મુબારક...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter