નિત્યાનંદ આશ્રમ કેસઃ બંને ગુમ બહેનોને ઇન્ટરપોલની મદદથી અમદાવાદ લાવવાની કોશિશ

Wednesday 27th November 2019 05:25 EST
 
 

અમદાવાદઃ હાથીજણ પાસેના દિલ્હી પબ્લિક સ્કૂલના કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં મૂકેલા ચાર બાળકોને છેલ્લી બે વખત મળવા ન દેવાતા તામિલનાડુના રહેવાસી જનાર્દન રામકૃષ્ણ શર્માએ પોલીસની મદદથી સગીર વયના એક દીકરા અને એક દીકરીની કસ્ટડી મેળવી હતી, પરંતુ પોતાની બે દીકરીઓ લોપામુદ્રા (ઉં ૨૧) અને નંદિતા (ઉં ૧૯)ના કોઈ સમાચાર આશ્રમ તરફથી મળ્યા નહોતા. તેથી જનાર્દન શર્માએ બંને દીકરીઓ ગુમ થયા અંગેની જાણવાજોગ અરજી પોલીસ અને કોર્ટમાં કરી હતી. એ પછી આશ્રમની બે સંચાલિકા પ્રાણપ્રિયનંદા અને પ્રિયાતત્ત્વાનંદાની ૨૦મી નવેમ્બરે ધરપકડ કરીને બંનેનાં પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ડીપીએસના પ્રિન્સિપાલની પણ ધરપકડ કરીને આશ્રમનાં ૨૫ લોકો વચ્ચે વપરાતા ૪૧ આઇપેડ અને ૧૪ લેપટોપ પણ જપ્ત કરાયાં હતા. બીજી તરફ બંને ગુમ દીકરીઓએ વેસ્ટ ઇન્ડિઝમાંથી વીડિયો જાહેર કર્યો હતો! જોકે કહેવાય છે કે ગુમ થયેલી નંદિતા નેપાળ થઇને વિદેશ ભાગી ગઇ હતી.
તામિલનાડુના જનાર્દન રામકૃષ્ણ શર્માએ પોતાના ચારેય બાળકોને સુશિક્ષા મળે તે હેતુથી બેંગલુરુના નિત્યાનંદ આશ્રમમાં મૂક્યા હતા. જોકે વર્ષ ૨૦૧૯માં તેમને જાણ થઇ કે તેમની જાણ બહાર બાળકોને હાથીજણમાં યોગિની સર્વજ્ઞાપીઠમમાં લવાયા હતા. પમી ઓક્ટોબરે બાળકો આધ્યાત્મિક અવસ્થામાં હોવાનું બહાનું કાઢી જનાર્દન અને તેમનાં પત્નીને બાળકોને મળવા દેવાયા નહીં. એ પછી દંપતી નવેમ્બરમાં પણ બાળકોને મળવાની મનાઈ કરાતાં વાલી દંપતીએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી.
ત્યાર પછી બે બાળકોની કસ્ટડી વાલીઓને મળી પરંતુ બે પુખ્ત દીકરીઓ અંગે કંઈ જાણકારી ન મળતાં જનાર્દન શર્માએ પોલીસ અને કોર્ટમાં દીકરીઓની ભાળ મેળવવા અરજી કરી. દરમિયાન કસ્ટડી મળી ચૂકી હતી એમાંથી સગીર પુત્રએ જણાવ્યું કે, આશ્રમ નજીકના પુષ્પક સિટીમાં તેના જેવા બાળકોને ગોંધીને માર મારવામાં આવે છે અને બાળમજૂરી કરાવાય છે. પરિણામે જનાર્દન શર્માએ હાથીજણ પાસેના હિરપુરના નિત્યાનંદ આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ, પ્રાણપ્રિયનંદા અને પ્રિયાતત્ત્વાનંદા સામે પોતાની બે પુત્રીઓને ગુમ કરવા, બાળકો પાસે બાળમજૂરી કરાવવા, તેમને મારવા અને ગોંધી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી. જેથી પોલીસે પ્રાણપ્રિયનંદા અને પ્રિયાતત્ત્વાનંદાની ૨૦મી નવેમ્બરે ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આશ્રમમાં બાળકો પર ક્રૂર અત્યાચારઃ સીટ

પ્રાણપ્રિયનંદા અને પ્રિયાતત્ત્વાનંદાની ધરપકડ કરીને સીટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને બંનેનાં ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. સીટે આ કેસની તપાસમાં નોંધ્યુ કે, નિત્યાનંદના આશ્રમમાં ગુરુદ્રોહ અને કાલભૈરવના શ્રાપના ડરના ઓથા હેઠળ તાંત્રિક વિધિ કરીને બાળકો પર અત્યાચાર કરાય છે. સીટે ફરિયાદમાં સ્વામી નિત્યાનંદને પણ આરોપી દર્શાવ્યા હતા, પરંતુ રિમાન્ડના કારણોમાં તેમની તપાસના કારણો દર્શાવ્યા નહોતા.

ડીપીએસ સ્કૂલનો ભાંડો ફૂટી ગયોઃ એનઓસી જ નથી

નિત્યાનંદને બારોબાર જમીન આપનાર હિરપુર ડીપીએસ-ઈસ્ટ અને મંજુલા પૂજા શ્રોફ સંચાલિત કેલોરેક્સ ફાઉન્ડેશને બનાવટી દસ્તાવેજોથી એનઓસી વગર સીબીએસઈનું જોડાણ મેળવીને નવ વર્ષથી સ્કૂલ ચલાવવાનો પણ ભાંડો ફૂટ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની એક તપાસ સમિતિએ ડીપીએસ પાસે તમામ દસ્તાવેજો ૨૨મીએ સવારે ૯.૦૦ વાગ્યા સુધીમાં પહોંચાડવા તાકીદ કરી હતી છતાં કેલોરેક્સ ફાઉન્ડેશન અને ડીપીએસ દ્વારા ૨૨મીએ આખા દિવસમાં કોઈ જાણકારી નહીં અપાતાં ચકાસણીમાં જણાયું કે નવ વર્ષથી એનઓસી વગર શાળાકીય અને તેને સંલગ્ન કાર્યો ચાલે છે. જોકે આ અગાઉ ૨૧મી નવેમ્બરે આશ્રમને જગ્યા ભાડે આપનાર ડીપીએસ (ઇસ્ટ) સ્કૂલના આચાર્ય હિતેશ પુરીની ધરપકડ પણ કરાઈ હતી અને આશ્રમના ૨૫ લોકો વચ્ચે વપરાતા ૪૧ આઇપેડ અને ૧૪ લેપટોપ પણ જપ્ત કરાયા હતા. આ ઉપરાંત પુષ્પક સિટીમાં આશ્રમને મકાન ભાડે આપનારા બકુલ ઠક્કરની પણ ૨૧મીએ ધરપકડ કરાઇ હતી. જગ્યા ભાડે આપ્યાની પોલીસ જાણ ન કરી હોવાની ધરપકડ કરી હતી જ્યારે પુષ્પક સિટીના ત્રણ મકાનોમાં આશ્રમના કુલ ૧૮ છોકરા અને ૧૯ છોકરીઓ રહેતા હતા. જોકે હિતેશ પુરી અને બકુલ ઠક્કર મિનિટોમાં જામીન પર છુટી ગયા હતા.

ડિજિટલ લોકર પોલીસે જપ્ત કર્યું

પ્રાણપ્રિયનંદાને સાથે લઇને એસઆઇટીની ટીમે આશ્રમમાં ૫ કલાક સર્ચ કર્યું હતું. જેમાં ૪૧ આઇપેડ, ૧૪ લેપટોપ, ૪ મોબાઇલ ૩ સીપીયુ, ૧ ડિજિટલ લોકર પોલીસે જપ્ત કર્યાં હતાં. આશ્રમમાં કુલ ૩૭ છોકરા-છોકરીઓ પૈકી ૨૫ લોકો આઇપેડ અને લેપટોપના ઉપયોગ કરતા હતા. પોલીસ રિમાન્ડમાં પ્રાણપ્રિયનંદા અને પ્રિયાતત્ત્વાનંદાએ કહ્યું કે, નિત્યાનંદ છેલ્લે ૨૦૧૬માં કુંભ મેળામાં ભારત આવ્યા હતા. તેથી સમગ્ર આશ્રમનું સંચાલન ડિજિટલી થવાનું પોલીસનું માનવું છે. આશ્રમમાંથી મળેલા કમ્પ્યુટર અને લેપટોપ સહિતના સાધનો એફએસએલમાં મોકલ્યા છે. જોકે, ડિજિટલ લોકરના પાસવર્ડ સાધિકાઓ આપતી ન હોવાથી પોલીસે તે તોડાવતાં તેમાંથી મોબાઈલ ફોન, સીમકાર્ડ, રોકડ વગેરે મળ્યાં છે.

બંને ગુમ બહેનોનો વેસ્ટ ઇન્ડિઝમાંથી વીડિયો!

૨૨મી નવેમ્બરે બંને ગુમ થયેલી બહેનો લોપામુદ્રા અને નંદિતાએ વેસ્ટ ઈન્ડિઝમાંથી વીડિયો જાહેર કર્યો હતો. બંનેએ વેસ્ટ ઈન્ડિઝના ટ્રિનિડાડમાં હોવાનું જણાવ્યું હતું. જોકે, બંનેનો વીડિયો ક્યાંથી આવ્યો તે જાણવા પોલીસે સાયબર ક્રાઈમ વિભાગની મદદ માગી છે. વીડિયોમાં બંનેએ અમે પરત આવીએ પણ અમારી રીતે નિર્ણય લેવા દેવો અને કોર્ટ પ્રોટેક્શન આપે એવી માગ કરી હતી. બીજી તરફ એક આઈએએસ અધિકારની પણ સંડોવણી આ કેસમાં હોવાની ચર્ચા છે. જોકે, તેની તપાસ શિક્ષણ વિભાગના સંલગ્ન અધિકારીઓ કરશે. એવું પોલીસે જાહેર કર્યું છે.
જોકે બંને ગુમ યુવતીઓને ઇન્ટરપોલની મદદથી અમદાવાદ લાવવાના પ્રયત્નો અંગે પણ વિચારણા થઈ રહી છે. આ કેસ અંગે રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા કોઈ કસૂરવારને છોડાશે નહીં. સરકાર દ્વારા સંપૂર્ણ ન્યાયિક તપાસ ચાલે જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter