હાઈ કોર્ટના હુકમથી અધ્યક્ષે સસ્પેન્ડેડ એમએલએ ભગા બારડનું સસ્પેન્શન પાછું ખેંચવું પડ્યું

Friday 08th November 2019 08:00 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાળાના કોંગી ધારાસભ્ય ભગા બારડનું સસ્પેન્શન રદ કર્યું છે. સાતમી નવેમ્બરે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદા અનુસાર તેમણે આ નિર્ણય લીધો છે. આમ હવે વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોનું સંખ્યાબળ ૭૩ થયું છે.

સ્પીકરે તેમને પાંચમી માર્ચે સૂત્રાપાડા મેજિસ્ટ્રેટના હુકમને આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. રૂ. ૨.૮૩ કરોડની ખનીજચોરીના મામલે બારડે બે વર્ષ નવ મહિનાની કેદની સજા થતાં તેમને સસ્પેન્ડ કરાયા હતા.

સ્પીકરે લીધેલા આ નિર્ણયની સામે ઘણા પ્રશ્નો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવાયા હતા. બારડે નીચલી કોર્ટના હુકમને પડકારતી અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં કરી હતી તે છતાં વિધાનસભા અધ્યક્ષે તાત્કાલિક અસરથી તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો હુમક કરી દીધો હતો.

આ નિર્ણય ખામીયુક્ત હોવાનું જણાવી ભગા બારડે સજા પર સ્ટે મેળવવા માટે તથા સેશન્સ કોર્ટનો સ્ટે નહીં આપવાના હુકમને પડકારતી અરજી હાઈ કોર્ટમાં કરી હતી. બીજી તરફ તેમના સસ્પેન્શનની જાણ કરતો પત્ર વિધાનસભા સચિવની કચેરીએથી ચૂંટણીપંચને મોકલી દેવામાં આવ્યો હતો અને તેથી લોકસભાની ચૂંટણીથી સાથોસાથ એપ્રિલ માસમાં જ તાલાલા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. જોકે, ભગા બારડે તેને સુપ્રીમમાં પડકારી અને કોર્ટ સ્ટે આપતાં આ ચૂંટણી રદ કરવી પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter