વિંગ કમાન્ડર અભિનંદન પાક.ના કબજામાંઃ તત્કાળ પરત મોકલવા ભારતની માગ

Wednesday 27th February 2019 09:48 EST
 
ભારતીય યુદ્ધ વિમાનના કાટમાળનું નિરીક્ષણ કરી રહેલા પાકિસ્તાની અધિકારીઓ
પાકિસ્તાની સુરક્ષા જવાનો વચ્ચે આંખો પર પાટા બાંધેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન
 

નવી દિલ્હી, ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાએ એક વીડિયો ક્લીપ જારી કરીને ભારતીય વાયુસેનાના લાપતા પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો પોતાના કબજામાં હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, આ ક્લીપ જાહેર થતાં જ ભારતે દિલ્હી સ્થિત પાકિસ્તાની રાજદૂતને બોલાવીને તેમના કબજામાં રહેલા ભારતીય વાયુસેનાના પાઇલટને તત્કાળ પરત મોકલવાની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે આજે બપોરે જ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યું હતું કે ભારતીય વાયુસેનાનું યુદ્ધ વિમાન MIG-21 તોડી પાડવામાં આવ્યું છે અને તેના પાઇલટ અભિનંદન વર્તમાન લાપતા છે. ભારતે ઇજાગ્રસ્ત સૈનિક (વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન)ની વીડિયો ક્લીપ જારી કરવાની વર્તણૂકને નિર્લ્લજ ગણાવી હતી અને કહ્યું હતું કે આ અભિગમ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જીનિવા કરારના ભંગ સમાન છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત દ્વારા અ-સૈન્ય અને બિનનાગરિક વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતના સૈન્ય મથકો પાસે હુમલા કરવાનો પ્રયાસ થયો હતો.
વીડિયો ક્લિપમાં જોવા મળે છે તેમ વ્યક્તિની આંખો પર પાટો બંધાયેલો છે અને તેણે ભારતીય વાયુસૈન્યનો યુનિફોર્મ પહેરી રાખ્યો છે. જેના પર અંગ્રેજીમાં તેમનું નામ 'અભિ' લખાયેલું છે. આ વ્યક્તિ પોતાનો સર્વિસ નંબર પણ બતાવી રહી છે. પાકિસ્તાની મીડિયા પર પણ દર્શાવાઇ રહેલી આ આ વીડિયો ક્લીપમાં પાકિસ્તાની અધિકારી દ્વારા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની પૂછપરછ થતી હોવાનું દર્શાવાયું છે. જેમાં તેમના હાથમાં ચાનો કપ જોવા મળે છે અને તેમને નામ, વતન, મિશન વગેરે સહિતના પ્રશ્નો પૂછાતા હોવાનું દર્શાવાયું છે. અગાઉ પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેણે એક ભારતીય યુદ્ધ વિમાનને તોડી પાડ્યું છે અને બે ભારતીય પાઇલટ તેના કબજામાં છે. જોકે બાદમાં તેણે આ વીડિયો જારી કરીને એક પાઇલટ પોતાના કબજામાં હોવાનું જાહેર કર્યું હતું.

ઉત્તર ભારતમાં હવાઇ સેવા બંધ

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક અને આ પછી બંને દેશો વચ્ચે વધેલા લશ્કરી તણાવના કારણે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. એરલાઇન્સના અધિકારીઓના જણાવ્યા મુજબ ચંદીગઢ, અમૃતસર એરપોર્ટને નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા છે. શ્રીનગરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખતાં હાલમાં નાગરિક ઉડ્ડયન સેવાઓ સ્થગિત કરાઇ છે. જોકે અધિકારીએ કેવા પ્રકારની કટોકટી છે તે અંગે કોઇ ખુલસો કર્યો નથી.
અધિકારીઓનું કહેવું છે કે તેમને એર ટ્રાફિક કન્ટ્રોલર્સ (એટીસી) તરફથી આદેશ મળ્યો હતો કે નાગરિક ઉડ્ડયન સેવાઓ તત્કાળ અસરથી બંધ કરી દેવી. અધિકારીઓએ ઉમેર્યું કે, જમ્મુ, શ્રીનગર અને લેહ તરફ જઇ રહેલી તમામ ફ્લાઇટ્સને જ્યાંથી રવાના થઇ હતી તે એરપોર્ટ પર પરત મોકલવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter