રિશિ સુનાક આધુનિક બ્રિટનના બીજા સૌથી યુવાન ચાન્સેલર

આગામી મહિને રજુ કરાનારું બજેટ રિશિ સુનાક માટે મોટી પરીક્ષાઃ રિશિને પોતાની બ્રિટિશ હોવા વિશે ગૌરવ હોવા સાથે ભારતીય અને હિન્દુ વારસાનો પણ ભારે ગર્વ

Friday 14th February 2020 07:01 EST
 
 

લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં નોર્થ યોર્કશાયરની રિચમન્ડ બેઠકના સાંસદ તરીકે પ્રવેશ સાથે જ ‘પ્રાઈમ મિનિસ્ટર-ઈન-વેઈટિંગ’ તરીકે ગણાવાયેલા રિશિ સુનાકને બોરિસ જ્હોન્સનની કેબિનેટમાં સાજિદ જાવિદની મોટા વિસ્ફોટ સમાન વિદાય પછી બ્રિટનના બીજા ક્રમના સૌથી શક્તિશાળી રાજકારણી ચાન્સેલર તરીકે સ્થાન અપાયું છે તે જરા પણ નવાઈની વાત નથી. આધુનિક બ્રિટિશ ઈતિહાસમાં ૩૯ વર્ષીય રિશિ સુનાક યુકેના બીજા સૌથી યુવાન ચાન્સેલર છે. પ્રથમ ક્રમે જ્યોર્જ ઓસ્બોર્ન છે જેમણે ૩૮ વર્ષની વયે ૨૦૧૦માં ડેવિડ કેમરન સરકારમાં ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું.

બજેટ વેળા અગ્નિપરીક્ષા

વિશ્વના પાંચમા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર બ્રિટન માટે આગામી મહિને રજુ કરાનારું બજેટ રિશિ સુનાક માટે મોટી પરીક્ષા બની રહેશે પરંતુ, વિપક્ષ લેબર પાર્ટીના સાંસદોના કટાક્ષો અને પ્રશ્નોનો ઉત્તર વાળવા તેઓ સક્ષમ હોવા વિશે કોઈને શંકા નથી. સામાન્યપણે ‘ભાવિ વડા પ્રધાન’નું લેબલ ધરાવતી વ્યક્તિને કાંટાળો તાજ પહેરવા મળતો નથી તેમ કહેવાય છે પરંતુ, રિશિ સુનાકે જે ઓછાં સમયમાં સફળતાની સીડી પસાર કરી છે તેને ધ્યાનમાં લેતા તેઓની આગેકૂચ અટકે તેમ જણાતું નથી.

હેજ ફંડના કામકાજની શરુઆતમાં તેમણે થોડા દિવસ કન્ઝર્વેટિવ પાર્ટી માટે વોલન્ટીઅર તરીકે કાર્ય કર્યું હતું અને પાછળથી સંપૂર્ણપણે પોલિટિક્સને અપનાવવા નિર્ણય લીધો હતો. દેશમાં સૌથી સફળ ટોરી બેઠક રિચમોન્ડ માટે તેમની પસંદગી થઈ હતી. ચુસ્ત બ્રેક્ઝિટીઅર રિશિ સુનાક મે ૨૦૧૫માં પૂર્વ ટોરી નેતા વિલિયમ હેગના અનુગામી તરીકે યોર્કશાયરના રિચમન્ડના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાયા અને ૨૦૧૭ની ચૂંટણીમાં ૨૩,૦૦૦ મતની સરસાઈથી ફરી ચૂંટાયા હતા. તેમણે તત્કાલીન વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીની તરફેણમાં તેમજ ફરી રેફરન્ડમના વિરુદ્ધ મત આપ્યો હતો. તેઓ ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૭,૨૦૦ની સરસાઈથી વિજયી થયા હતા. તેજ દિમાગ ધરાવતા સુનાકે આ પછી કદી પાછા વળીને જોયું નથી અને બોરિસ જ્હોન્સનના વહીવટીતંત્રમાં ચાવીરુપ વ્યક્તિઓમાં એક તરીકે સ્થાન હાંસલ કર્યું છે. કોમન્સમાં પ્રથમ સંબોધન કરવાનું આવે ત્યારે ઘણા સાંસદોની જીભ જ ખુલતી નથી અને ગોથાં ખાય છે પરંતુ, સુનાકે ગૃહમાં જે સરળતાથી સંબોધન કર્યું તેનાથી તેમના ભવિષ્યનો અંદાજ આવી ગયો હતો.

ઈયુ રેફરન્ડમ સમયે તેમણે જે રીતે બ્રેક્ઝિટ માટે સપોર્ટ બનાવ્યો તેનાથી તેઓ બોરિસ જ્હોન્સનની નજરમાં વસી ગયા હતા. ઈયુમાં રહેવા તેમજ બહાર નીકળવાના મુદ્દે તેમણે વિશ્લેષણ કર્યું તે પછી સ્પષ્ટ કર્યું કે ઈયુ બ્લોકની બહાર રહી સ્થિતિસ્થાપકતા અને ચપળતા અપનાવવી દેશ માટે મૂલ્યવાન બની રહેશે. કેબિનેટમાં રીશફલમાં બોરિસે બ્રેક્ઝિટ વફાદારોને જે રીતે પ્રમોશન આપ્યું છે તેને જોતા સુનાક હંમેશાં આગળ વધતા રહેશે.

ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવ્રમેન્ટમાં જુનિયર મિનિસ્ટર રહેલા રિશિ સુનાકે વર્તમાન હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિક અને નવા કલ્ચરલ સેક્રેટરી ઓલિવર ડાઉડેન સાથે મળી બોરિસ જ્હોન્સનની નેતાગીરીની તક વધારતો આર્ટિકલ ધ ટાઈમ્સમાં લખ્યો હતો, જેની હેડલાઈન હતી ‘ટોરીઝ ભારે સંકટમાં છે, માત્ર બોરિસ જ્હોન્સન આપણને બચાવી શકશે.’ સુનાક જેવા યુવા પેઢીના સાંસદોના પીઠબળથી બોરિસનો વિજય થયો. તેનો બદલો પણ રિશિને મળી રહ્યો જ્યારે ગયા વર્ષે જ ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી જેવા મહત્ત્વના હોદ્દા પર તેમની નિયુક્તિ કરાઈ હતી.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન જેમના પર મદાર રાખે છે તેવા વિશ્વાસુ મિનિસ્ટર્સમાં રિશિ સુનાક એક છે. નોંધપાત્ર મીડિયા પરફોર્મર તરીકે તાજેતરની ચૂંટણીમાં ડાઊનિંગ સ્ટ્રીટે તેમને વિશેષ કામગીરી સોંપી હતી, જે તેમણે સુપેરે નિભાવી હતી. ચૂંટણીપ્રચાર દરમિયાન ટેલિવિઝન ડિબેટ્સમાં તેમણે ઘણી વખત બોરિસ જ્હોન્સનના પ્રતિનિધિ તરીકે છાપ ઉપસાવી હતી. આમ તો, તેઓ તેજસ્વી વક્તા નથી પરંતુ, છલકતા આત્મવિશ્વાસ અને આંગળીના ટેરવે રમતી માહિતીના કારણે તેઓ પાછા પડતા નથી. ‘સ્ટાર વોર્સ’ના ચાહક રિશિ સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબના સમર્પિત સમર્થક છે.

મારો ધાર્મિક - સાંસ્કૃતિક વારસો ભારતીય’

ભારતીય માતાપિતાના પુત્ર રિશિને પોતાની બ્રિટિશ હોવા વિશે ગૌરવ હોવા સાથે ભારતીય અને હિન્દુ વારસાનો પણ ભારે ગર્વ છે. તેઓ બ્રિટનને પોતાનું જ ઘર ગણાવે છે. બીજી પેઢીના ભારતીય જનરલ પ્રેક્ટિશનર પંજાબી પિતા યશવીર સુનાક અને ફાર્માસિસ્ટ માતા ઉષા સુનાકના ત્રણ સંતાનોમાં સૌથી મોટા સંતાન રિશિનો જન્મ ૧૨ મે, ૧૯૮૦ના દિવસે હેમ્પશાયરના સાઉધમ્પ્ટનમાં થયો હતો. રિશિના ગ્રાન્ડપેરન્ટ્સનો જન્મ પંજાબમાં થયો હતો અને ૧૯૬૦ના દાયકામાં ઈસ્ટ આફ્રિકાથી સ્થળાંતર કરી યુકે આવ્યા હતા. તેઓ પેરન્ટ્સ વિશે જાહેરમાં કહે છે કે તેમણે તેમને વિન્ચેસ્ટર કોલેજમાં મોકલવા બલિદાનો આપ્યા છે. આ કોલેજ આજે વાર્ષિક ૪૧,૦૦૦ પાઉન્ડની ફી વસૂલે છે.

રિશિ કહે છે કે,‘ સેન્સસમાં હું ‘બ્રિટિશ ઈન્ડિયન’ પર જ ટિક કરું છું. હું સર્વાંગ બ્રિટિશ છું અને આ મારું ઘર અને દેશ છે પરંતુ, મારો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ભારતીય છે. મારી પત્ની ભારતીય છે. હું હિન્દુ હોવા વિશે બિલકુલ નિખાલસ છું.’

ઝળહળતી શૈક્ષણિક-વ્યાવસાયિક કારકિર્દી

રિશિ સુનાકે સૌ પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીની લિંકન કોલેજમાં ફીલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યા પછી ફૂલબ્રાઈટ સ્કોલરશિપ સાથે એમબીએના અભ્યાસ માટે તેઓ કેલિફોર્નિઆની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા. અહી તેમની મુલાકાત ભાવિ પત્ની અક્ષતા સાથે થઈ હતી. અક્ષતા જાણીતી આઈટી કંપની ઈન્ફોસીસના સહસ્થાપક અને આશરે ૨ બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવતા અને ભારતમાં છઠ્ઠા ક્રમના સૌથી ધનિક બિલિયોનેર એન. આર. નારાયણ મૂર્તિની પુત્રી છે. ઈન્ફોસીસ ૩૩.૩ બિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવે છે. રિશિ-અક્ષતાના ભવ્ય લગ્ન ૨૦૦૯માં બેંગલોર શહેરમાં થયાં હતાં, જ્યાં બે દિવસના સમારંભમાં ૧૦૦૦ મહેમાનોએ હાજરી આપી હતી.

પોલિટિક્સમાં પ્રવેશતા અગાઉ જ રિશિ સુનાકે કેલિફોર્નિઆ, બ્રિટન અને ભારતમાં ગોલ્ડમેન સાશ સહિત વિવિધ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓમાં કામગીરી બજાવી છે. તેમણે ૨૦૨૦માં ૫૩૬ મિલિયન પાઉન્ડના પ્રારંભિક ફંડ સાથે પોતાના બિઝનેસ થેલ્મી પાર્ટનર્સની સ્થાપના કરી સફળ બિઝનેસ કારકીર્દિ ઉભી કરી હતી. પારિવારિક ફર્મમાં અંદાજે ૧૮૫ મિલિયન પાઉન્ડનું શેરહોલ્ડિંગ ધરાવતી અક્ષતા સુનાક પોતાના ફેશન ડિઝાઈન લેબલ સાથે અક્ષતા ડિઝાઈન્સ ચલાવે છે તેમજ તેના પિતાએ ૨૦૧૦માં સ્થાપેલી વેન્ચર કેપિટલ ફર્મમાં ડાયરેક્ટરનું પદ પણ સંભાળે છે.

સ્થાનિક લોકોમાં ‘મહારાજા ઓફ ડેલ્સ’ તરીકે પ્રખ્યાત સુનાક દંપતી પોતાની બે પુત્રીઓ અનુષ્કા અને કૃષ્ણા સાથે નોર્થ યોર્કશાયરમાં નોર્થાલેર્ટનની બહાર આવેલા નાના ગામ કિર્બી સિંગ્સટોનમાં ૧.૫ મિલિયન પાઉન્ડની કિંમતના ભવ્ય જ્યોર્જિયન મહાલયમાં નિવાસ કરે છે અને પાર્લામેન્ટમાં સૌથી ધનિક સાંસદોમાં સ્થાન ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter