રામ મંદિરની તરફેણમાં ચુકાદાનો જશ જાય છે ૯૩ વર્ષના વકીલ કે. પરાસરનને

Wednesday 13th November 2019 06:04 EST
 
 

અમદાવાદઃ અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિરનું નિર્માણ જ થવું જોઇએ તેવો ઐતિહાસિક ફેંસલો સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બનેલી બેન્ચે સર્વાનુમતે આપ્યો તેનો મહત્તમ જશ આપવો હોય તો તે રામલલ્લા વિરાજમાન ટ્રસ્ટના વકીલ અને કાનૂનવિદ્ કે. પરાસરનને મળવો જોઇએ. વિવાદાસ્પદ જમીન પર રામ મંદિર જ બનવું જોઇએ તે મુદ્દે ધારદાર અને તર્કબદ્ધ દલીલો કરનાર પરાસરન ૯૩ વર્ષના છે.

અંતિમ ઇચ્છા પુરી થઇ

પરાસરન સૌથી સિનિયર છે એટલે જ રામલલ્લા વિરાજમાન ટ્રસ્ટે તેમને આ કેસ નહોતો સોંપ્યો, પણ ભારતના કાનૂનવિદો દાયકાઓથી જાણે છે કે ભારતમાં કે. પરાસરન જેટલું હિન્દુ ધર્મગ્રંથો, મંદિરો, સ્થળો અને સ્મારકોના ઇતિહાસનું જ્ઞાન બીજા કોઇ વકીલ કે સાક્ષર પાસે નથી. કાયદા જગતના ખેરખાંઓ પણ તેમને હિન્દુ ધર્મના જીવંત જ્ઞાનકોષ તરીકે આદર આપે છે. ૯૩ વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવા તરવરાટ સાથે કામ કરી શકવાના જોમનું રહસ્ય પુછાતું ત્યારે પરાસરન કહેતા કે હું પરમ રામભક્ત છું. સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ મંદિરનાં વિવાદનો અંતિમ ફેંસલો જોઇને અને તેના પક્ષકાર વતી લડીને જ અંતિમ શ્વાસ લેવાની મારી અંતિમ ઇચ્છા છે. આ જ મારું પ્રેરક બળ છે.

પરંપરાને કેમ ભૂલી શકું?!

બધા જ જાણે છે કે સવારથી મોડી સાંજ સુધી ૪૦ દિવસ આ કેસની મેરેથોન સુનાવણી ચાલતી હતી. અન્ય પક્ષકારોની દલીલો તેમજ દાવાને તોડી પાડવા અને પાંચ જજોની પેનલને પોતાની રજૂઆત શીરાની જેમ ગળે ઉતારવી તે આસાન કામ નથી. ૪૦૦ વર્ષ જૂના ઇતિહાસથી આજ સુધી કેટલાયે વહાણા વીતી ગયા તેમાં પણ અલ્લાહાબાદ હાઇ કોર્ટનો ચુકાદો જગ્યાનો સંપૂર્ણ કબ્જો આપતો ન હતો. આથી પરાસરનનું કામ ભારે પડકારજનક હતું. તેઓ છ-સાત કલાક ઊભા રહીને દલીલો કરતાં હતા. પરાસરનની વયને નજરમાં રાખી ચીફ જસ્ટિસ ગોગોઇએ તેમના પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે ઇચ્છો તો ખુરશી પર બેસીને દલીલ કરી શકો છો. ત્યારે પરાસરને નમ્રતાથી કહ્યું કે ‘નામદાર, આપણે એવી પરંપરામાં પાંગર્યા છીએ કે વકીલે તો ઊભા રહીને જ કેસ લડવાનો હોય, હું તેને અનુસરવાનું પસંદ કરું છું.’

પરાસરન લાજવાબ

જો પરાસરન રામલલ્લા વતી કેસ લડ્યા ના હોત તો કદાચ આવો ચુકાદો ના આવ્યો હોત. પરાસરન પાસે વેદો-ઉપનિષદો, રામાયણ અને સ્થાપત્યો, મંદિરોનું એ હદે જ્ઞાન છે કે તેમણે તેને કાયદાની ભાષામાં સ્વીકારાય તે રીતે દલીલોમાં સમાવેશ કર્યો. મૂર્તિની સ્પષ્ટ ઓળખ અંગે નિર્ણાયક તબક્કે તેમની સામે દલીલ થઇ ત્યારે તેમણે જસ્ટિસ અશોક ભૂષણને કહ્યું કે એમ તો હિન્દુઓ સૂર્યને પણ ભગવાન માને છે પણ તેની કોઇ મૂર્તિ નથી હોતી. સવાલ નમાજ પઢવાનો જ હોય તો અયોધ્યામાં ૫૫-૬૦ મસ્જિદો છે, જ્યાં મુસ્લિમો જઇ શકે છે. જ્યારે હિન્દુ ધર્મગ્રંથ સદીઓથી સ્વીકારે છે કે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો. તેમણે અયોધ્યા, રામાયણ, હિન્દુ આસ્થાના ઢગલાબંધ પૂરાવા, નકશા અવતરણો રજૂ કર્યા હતા.

બંને પક્ષોની ૧૬૪ કલાક દલીલ

૯૩ વર્ષના પરાસરન અને તેની ટીમની શારીરિક અને માનસિક ક્ષમતા જુઓ. સુનાવણીનો સળંગ ૧૬ દિવસનો પહેલો દોર રામલલ્લા વિરાજમાનને અપાયો હતો. જેના માટે પરાસરન અને ટીમે ૬૯ કલાક અને ૩૫ મિનિટ દલીલ કરી. પછી મુસ્લિમ પક્ષના વકીલ અને ટીમે ૧૮ દિવસમાં ૭૧ કલાક ૩૫ મિનિટ દલીલ કરી. પછી પાંચ દિવસ બંને પક્ષોએ એકબીજાના દાવાનું ખંડન કરવા કુલ ૨૫ કલાક ૫૦ મિનિટ દલીલ કરી. તમે કલ્પી શકો છો કે પરાસરનમાં કેવી ઊર્જા હશે.

હરીફ વકીલ હતાશ થઇ ગયેલા

પરાસરનની આ વયે પણ વેધક દલીલો અને પુરાવાનો સ્ત્રોત જોઇ એક તબક્કે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન હતાશામાં ધૂંઆપૂંઆ થઇ ગયા હતા અને તેમની સમક્ષ પુરાવા તરીકે રજૂ કરાયેલો એક નકશો કોર્ટની કાર્યવાહી દરમિયાન ફાડી નાખ્યો. છતાં પરાસરન વિચલિત નહોતા થયા. તેમણે અન્ય પુરાવા સાથે દલીલ આગળ ધપાવી હતી.

એટર્ની જનરલ, સાંસદ અને પદ્મવિભૂષણ

પરાસરન કઇ હદે દિગ્ગજ હસ્તી છે તે પણ જાણી લો. ૧૯૨૭માં તમિલનાડુમાં જન્મેલા પરાસરન ૧૯૮૩થી ૧૯૮૯ના અરસામાં સ્વ. ઇન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીના વડા પ્રધાન કાળમાં ભારતના એટર્ની જનરલ રહી ચૂક્યા છે. ૨૦૦૩માં તેમને પદ્મભુષણ અને ૨૦૧૧માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૨-૨૦૧૮ દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નોમિનેશન હેઠળ તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. ભારતની આવા રત્નસમાન હસ્તી કઇ હદે નમ્ર હશે તેનો અંદાજ એ રીતે આવે કે ભારતનો આમ નાગરિક અત્યાર સુધી તેમના નામ અને વિરાટ પ્રદાનથી પરિચિત જ નહોતો.

ચુકાદાની ૪ મોટી વાત

૧) હાઈ કોર્ટનો ચુકાદો ખોટોઃ હિન્દુઓ લાંબા સમયથી વિવાદિત સ્થળે પૂજા કરે છે જ્યારે મુસ્લિમો ત્યાં નમાજ પઢવાનું છોડી ચૂક્યા હતા. ૧૮૫૬માં જે રેલિંગ લગાવાઈ હતી તે માળખાને વિભાજિત કરવા માટે નહીં, પણ ગર્ભગૃહના દર્શન માટે હતી. જમીનને ત્રણ ભાગમાં વહેંચવાનો અલ્લાહાબાદ હાઈ કોર્ટનો ચુકાદો ખોટો હતો.
૨) નમાજ પઢતા રોકવાનું ગેરકાયદેઃ ૧૯૪૯માં મુસ્લિમોને આ સ્થળે નમાજ પઢવાથી વંચિત કરી દેવાયા. ૪૫૦ વર્ષથી પણ અગાઉ બનેલી મસ્જિદમાંથી મુસ્લિમોને ખોટી રીતે બહાર કરાયા. સાંપ્રદાયિક સૌહાર્દ માટે કોર્ટ કલમ ૧૪૨ હેઠળ અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરીને મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ કરે છે.
૩) મંદિર તોડાયાનું સાબિત નથી થયુંઃ એએસઆઈના રિપોર્ટના આધારે કોર્ટ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે માળખાની નીચેથી મળેલા અવશેષો ઈસ્લામિક મૂળના નહોતા. ખોદકામમાં મળેલા અવશેષો મંદિરના હતા. મતલબ કે મસ્જિદ ખાલી જમીન પર નહોતી બનાવાઈ. જોકે, રિપોર્ટમાં એવો ઉલ્લેખ નથી કે મસ્જિદ બનાવવા માટે મંદિર તોડાયું હતું.
૪) નિર્મોહી અખાડાનો દાવો ફગાવાયોઃ ભારત સરકાર ૩ મહિનામાં ટ્રસ્ટ કે સંસ્થા બનાવશે, જે મંદિર નિર્માણ તથા અન્ય બાબતોના નિયમો ઘડશે. બહારના તથા અંદરના આંગણાની જમીન ટ્રસ્ટને સોંપાશે. કોર્ટે નિર્મોહીના અખાડાનો દાવો ફગાવ્યો, પણ ટ્રસ્ટ મેનેજમેન્ટમાં તેને પ્રતિનિધિત્વ અપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter