રામલલ્લાને જગાડી કોર્ટનો ચુકાદો બતાવ્યોઃ પૂજારી

Wednesday 13th November 2019 06:16 EST
 
 

અયોધ્યાઃ શનિવારે સવારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે અયોધ્યાના ટેન્ટ મંદિરમાં વિરાજેલા રામલલ્લાના વિશ્રામનો સમય થઈ ગયો હતો. દસકાઓથી આ રામલલ્લાની સેવાચાકરી કરતા મુખ્ય પૂજારી સંતોષ તિવારીએ કહ્યું કે બપોરના એક વાગ્યે જેવો રામલલ્લાનો ફરી વાર ઊઠવાનો સમય થયો તો સવા કિલો પેંડાનો ભોગ ચઢાવીને તેમને જગાડાયા અને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનાથી સંપૂર્ણ અયોધ્યા નગરી ખુશ છે. કેમ કે હવે રામલ્લાના ટેન્ટમાં વિરાજવાનો વનવા સમાપ્ત થશે. આટલું બોલતાં જ સંતોષ તિવારી ભાવુક થઈ ગયા. થોડી વાર મૌન રહ્યા બાદ તેમણે કહ્યું કે હું ૨૮ વર્ષથી સતત રામલલ્લાની સેવામાં છું. હું નથી જણાવી શકતો કે આજે મને કેવો અનુભવ થઈ રહ્યો છે.
અયોધ્યામાં સુરક્ષાનો અસાધારણ બંદોબસ્ત ગોઠવાયો હતો. આથી શનિવારે ચુકાદાના દિવસે દર્શનાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં જ્યાં ૧૨થી ૧૫ હજાર શ્રદ્ધાળુ રામલલ્લાના દર્શન માટે આવતા હોય છે ત્યાં ચુકાદાના દિવસે બંને પાળીમાં મળીને લગભગ ૯૦૦ લોકો જ દર્શન કરવા પહોંચી શક્યા. જોકે સાંજે શહેરની દુકાનો ખુલી ગઈ હતી અને શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

શ્રીરામની સાસરીમાં રામભક્તો ખુશખુશાલ

પાડોશી દેશ નેપાળના જનકપુરમાં ભગવાન રામનું સાસરું છે. જનકપુરમાં જ માતા સીતાનો જન્મ થયો હતો. નેપાળમાં લાખો રામભક્ત પણ રહે છે. ચુકાદાની જાણકારી પછી અહીં શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જનકપુર મંદિરમાં ૮થી ૧૦ નવેમ્બર સુધી લિટરેચર ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં શનિવારે બપોર પછી ચુકાદા અંગે ચર્ચા ચાલતી હતી. પહાડી દેશમાં સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી. બીજી બાજુ નેપાળમાં બાંકે અને બરડિયા જિલ્લા નજીકની ભારતીય બોર્ડર ચુકાદાને કારણે શનિવારે સવારે જ બંધ કરી દેવાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter