સ્કંદપુરાણથી માંડીને રાધાકૃષ્ણનનાં પુસ્તકનો પણ કોર્ટે સંદર્ભ ટાંક્યો

Saturday 16th November 2019 15:11 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ધર્મગ્રંથો અને અનેક વિદ્વાનોના પુસ્તકોને સંદર્ભ તરીકે ટાંક્યા છે. કોર્ટે કહ્યું કે તેને એ વિવાદ ઉકેલવાનું કામ અપાયું છે કે જેની શરૂઆત જ એટલી જૂની છે કે જેટલો જૂનો ભારતનો વિચાર છે. કોર્ટે માન્યું કે ફોરેન્સિક પુરાવાએ આ કેસની ગૂંચ ઉકેલવામાં મદદ કરી છે. તદુપરાંત, વાલ્મીકિ રામાયણ, સ્કંદપુરાણના શ્લોકો અને રામચરિત માનસના દોહા-ચોપાઇઓનો પણ ચુકાદામાં ઘણા સ્થળે ઉલ્લેખ છે.

જીવન જીવવાની પદ્ધતિ છે હિન્દુત્વ

હિન્દુત્વની વ્યાખ્યા માટે ‘શાસ્ત્રી યજ્ઞપ્રસાદજી તથા અન્યો અને મૂલદાસ ભૂધરદાસ તથા અન્યો’ના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે અન્ય ધર્મોની જેમ હિન્દુ ધર્મના કોઇ એક દેવદૂત નથી. આને વ્યાપક ધોરણે તમે જીવવાની પદ્ધતિ કહી શકો છો, બીજું કંઇ નહીં. હિન્દુત્વ અંગેના ડો. રાધાકૃષ્ણનના વિચારો અને તેમના પુસ્તક ‘ધ હિન્દુ વ્યૂ ઓફ લાઇફ’ તથા મોનિયર વિલિયમ્સના પુસ્તક ‘રિલીજિયસ થોટ એન્ડ લાઇફ ઇન ઇન્ડિયા’નો પણ ઉલ્લેખ છે.

અયોધ્યા સૌથી પવિત્ર ૭ નગરી પૈકી એક

અયોધ્યાના મહાત્મ્ય સંદર્ભે કોર્ટે ‘બૃહદધર્મોત્તરા પુરાણ’નો ઉલ્લેખ કરીને કહ્યું કે - અયોધ્યા મથુરા માયા કાશી કા ચી અવન્તિકા, પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષ દાયિકા. અર્થાત્ અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવન્તિકા (ઉજ્જૈન) અને દ્વારાવતી (દ્વારકા) ૭ સૌથી પવિત્ર નગરી છે.

રામ દિવ્ય લક્ષણો સાથે જન્મેલા

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં ભગવાન શ્રી રામ દિવ્ય લક્ષણો સાથે જન્મ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે વાલ્મીકિ રામાયણના બાલકાંડનો ઉલ્લેખ કરીને કહ્યું કે - પ્રોદ્યમાને જગન્નાથં સર્વલોકમસ્કૃતમ, કૌસલ્યાજનયદ્ રામં દિવ્યલક્ષ્ણસંયુતમ. અર્થાત્ કૌશલ્યાએ એવા પુત્રને જન્મ આપ્યો છે કે જે પૂરી દુનિયાનો સ્વામી છે. તેમને સૌ પ્રેમ કરે છે અને તેનામાં દિવ્ય લક્ષણો છે.

સ્કંદપુરાણમાં જન્મસ્થળનો ઉલ્લેખ

સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડના પ્રસંગોનો ઉલ્લેખ કરી રામ જન્મસ્થળનું વર્ણન કરાયું છેઃ તસ્માત્ સ્થાનત એશાને રામ જન્મ પ્રવર્તતે, જન્મસ્થાનમિદં પ્રોક્તં મોક્ષાદિફલસાધનમ્, વિઘ્નેશ્વરાત પૂર્વ ભાગે વાસિષ્ઠાદુત્તરે તથા, લૌમશાત્ પશ્ચિમે ભાગે જન્મસ્થાનં તત: સ્મૃતમ્. અર્થાત્ તે સ્થળની ઉત્તર-પૂર્વમાં રામનું જન્મસ્થળ છે. આ પવિત્ર સ્થળ મોક્ષનું માધ્યમ છે. કહેવાય છે કે આ જન્મસ્થળ વિઘ્નેશ્વરાની પૂર્વે, વશિષ્ટની ઉત્તરે અને લૌમાસાની પશ્ચિમે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, લૌમાસા જ ઋણ મોચન ઘાટ છે.

ગુરુનાનક દેવજી અયોધ્યા ગયા હતા

સુપ્રીમ કોર્ટના ૫ જજની બેન્ચે ચુકાદામાં ગુરુનાનક દેવજીની અયોધ્યા યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો છે. બેન્ચે કહ્યું કે વિક્રમ સંવત ૧૫૬૪ (ઇ.સ. ૧૫૦૭)ની ભાદરવી પૂનમે ઇશ્વરનો સાક્ષાત્કાર થયા બાદ ગુરુનાનક દેવજીએ તીર્થયાત્રા પર નીકળવાનું નક્કી કર્યું. ત્યારે તેઓ દિલ્હી, હરિદ્વાર અને સુલતાનપુર થઇને અયોધ્યા ગયા. તેમને આ યાત્રામાં ૩થી ૪ વર્ષ લાગ્યા. તેઓ વિક્રમ સંવત ૧૫૬૭-૬૮ (ઇ.સ. ૧૫૧૦-૧૧)માં રામ જન્મભૂમિ મંદિર જોવા ગયા. ત્યાં સુધીમાં બાબરે ભારત પર હુમલો નહોતો કર્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter