ઈંગ્લેન્ડના ત્રણ શિક્ષક ‘બેસ્ટ ટીચર’ ગ્લોબલ પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટમાં

Thursday 13th December 2018 04:41 EST
 
 

લંડનઃ વેસ્ટ યોર્કશાયરના બ્રેડફોર્ડની નિષ્ફળતાના આરે પહોંચેલી પ્રાઈમરી સ્કૂલને મ્યુઝિક અને ક્રીએટિવ એજ્યુકેશનના સહારે સફળ બનાવનારા મ્યુઝિક શિક્ષક જિમી રોધરહામ ‘વાર્કે ફાઉન્ડેશન’ના એક મિલિયન ડોલરના ગ્લોબલ પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરાયા છે. વિશ્વના ૧૭૯ દેશના ૧૦,૦૦૦થી વધુ નોમિનેશન્સમાંથી ઈંગ્લેન્ડના ત્રણ સહિત ૫૦ શિક્ષકને ‘બેસ્ટ ટીચર’ પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરાયા છે. ઈંગ્લેન્ડના અન્ય બે શિક્ષકોમાં એન્ડ્રયુ મોફટ અને એમા રુસોનો સમાવેશ થાય છે. વિશ્વવિજેતા શિક્ષકની જાહેરાત માર્ચ મહિનામાં કરાશે.

ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમમાંથી મ્યુઝિક વિષયની બાદબાકી થઈ રહી છે ત્યારે ફીવરશામ પ્રાઈમરી એકેડેમીના મ્યુઝિક ટીચર જિમી રોધરહામ વાર્કે ફાઉન્ડેશનના ‘બેસ્ટ ટીચર’ ગ્લોબલ પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરાયા છે. તેમણે અલગ દિશામાં ચીલો ચાતરી પોતાના વિદ્યાર્થીઓને સપ્તાહના સાત કલાક સુધી સંગીતનું શિક્ષણ આપ્યું છે. ગીત ગાવા તેમજ મ્યુઝિકલ ગેમ્સ દ્વારા તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓની પ્રગતિ અને શાળાના પરિણામોમાં નોંધપાત્ર સુધારો જોવાં મળ્યો છે. આ પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરાયાથી જિમી રોધરહામ આનંદિત છે. તેમણે કહ્યું હતું કે,‘આ મોટું સન્માન છે. મને ખુશ થવાની સૌથી સારી વાત એ લાગી છે કે વિશ્વના મહત્ત્વપૂર્ણ વિષય તરીકે સંગીતની ગણના કરાઈ છે. સામાન્ય રીતે સંગીતને કાર્પેટ હેઠળ ધકેલી દેવાય છે.’

પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઈંગ્લેન્ડના અન્ય શિક્ષક બર્મિંગહામની પાર્કલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના એન્ડ્રયુ મોફટ છે. તેમણે બાળકોને સમાનતા અને સહિષ્ણુતા વિશે શીખવવા ‘નો આઉટસાઈડર્સ પોલિસી’ એજ્યુકેશન પ્રોગ્રામ વિકસાવ્યો છે. તેમણે પોતાની કામગીરી શાળાની બહાર લઈ જઈ પેરન્ટ-ચાઈલ્ડ વર્કશોપ્સ, અને આફ્ટર સ્કૂલ ક્લબ- ‘પાર્કફિલ્ડ એમ્બેસેડર્સ’ને પ્રોત્સાહન આપ્યું છે. તેમની શાળામાં ૯૯ ટકા વિદ્યાર્થી મુસ્લિમ છે. તેમની ક્લબમાં વિવિધ ધર્મ, જાતિ અને સંસ્કૃતિના બાળકો એકબીજા સાથે હળેમળે છે. તેમનો પ્રોગ્રામનો પ્રયોગ ત્રણ શહેરની શાળાઓમાં થઈ રહ્યો છે.

ઈંગ્લેન્ડના ત્રીજા શોર્ટલિસ્ટ શિક્ષક નોર્થ લંડનમાં પ્રાઈવેટ ગર્લ્સ સ્કૂલ સાઉથ હેમ્પસ્ટેડ હાઈ સ્કૂલના ફીઝિક્સ અને સાયન્સ ટીચર એમા રુસો છે. તેમણે છોકરીઓને વિજ્ઞાનક્ષેત્રે કારકીર્દિ અપનાવવામાં નડતા અવરોધો દૂર કરવાનું કાર્ય કર્યું છે. તેમણે શાળાની છોકરીઓ વિજ્ઞાનમાં રસ લેતી થાય તે માટે મહિલા સંશોધકો તેમજ ફીઝિક્સ અથવા ઈજનેરી મહિલા પ્રોફેશનલ્સને મળવા અને સાંભળવા ‘ગર્લ્સ ઈન ફીઝિક્સ’ ઈવેન્ટ્સ પણ યોજ્યા હતા.

વાર્કે એજ્યુકેશન ફાઉન્ડેશન અને ગ્લોબર ટીચર પ્રાઈઝના સ્થાપક સની વાર્કેએ એમા રુસો, એન્ડ્રયુ મોફટ અને જિમી રોધરહામને અભિનંદન પાઠવ્યા હતા. આ એવોર્ડ પાંચ વર્ષ અગાઉ સ્થપાયા પછી ગત વર્ષે નોર્થ-વેસ્ટ લંડનના બ્રેન્ટમાં આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલની આર્ટ્સ અને ટેક્સ્ટાઈલ્સ શિક્ષિકા એન્દ્રીઆ ઝાફીરાકોઉ આ એવોર્ડ જીતનારી યુકેની પ્રથમ શિક્ષક બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter