'શ્રવણ સન્માન' અને 'વડિલ સન્માન'

Monday 25th January 2016 09:16 EST
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ મંદિરના હોલમાં 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા વડિલોના માન સન્માન કરવાના કાર્યક્રમનું ફરી વખત સરસ આયોજન કરવામાં આવ્યું હોવાના સમાચાર જાણીને ખૂબજ આનંદ થયો. આ વખતે તો તમે વૃધ્ધ વડલા સમાન માતા - પિતા અને અન્ય સગા સંબંધીઅોની ખરા દિલથી સેવા કરનાર દિકરા-દિકરીઅો અને તેમના ઘરના લોકોનું બહુમાન કરવાના છો તે ખરેખર સેવાનું કામ છે.

ફક્ત 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' જ આવા 'શ્રવણ સન્માન' અને 'વડિલોનું સન્માન'ના કાર્યો કરે છે. બાકી તો આપણા યુકેમાં ઘણી બધી ધાર્મિક સંસ્થાઅો, નાતના મંડળો અને સમાજની સંસ્થાઅો છે. પેપર દ્વારા તમે બહુ સારી સેવા કરો છો અને તેમાં આપણા સમાજના સારા લોકોએ પણ તન, મન, ધનથી સહકાર આપવો જોઇએ.

અજયભાઇ ઠક્કર, હેરો.

તઘલઘના તુક્કા કે!

બે વર્ષ કે તેથી વધુ સમયથી દેશમાં રહેતી મુસ્લિમ મહિલાઓએ ઇંગ્લિશ ભાષાની પરીક્ષા આપવી પડશે અને તેમાં સફળ થનાર મહિલાને જ બ્રિટનમાં રહેવાની પરવાનગી આપવામાં આવશે તેવો નિયમ વડા પ્રધાન ડેવિડ કેમરન દ્વારા લાવવામાં આવ્યો છે. જે બહેનો પરીક્ષામાં પાસ નહિં થાય તેમને દેશ છોડવો પડશે.

આજ કાલ સરકાર જે કાયદાઅો લાવી રહી છે તે ખરેખર 'તઘલઘના તુક્કા' જેવા લાગે છે. ભલા માણસ, તમે સિરીયા, ઇરાક અને અન્ય આફ્રિકાના દેશોમાંથી આવતા વસાહતીઅોને આવકારો છો, તેમને બેનીફીટ આપો છો, ઘરબાર આપો છો અને જે મહિલાઅોના પતિ કે પરિવારજનો આ દેશમાં રહી સરકારને ટેક્સ ચૂકવી ઇમાનદારીથી રહે છે તેમની પત્નીને માત્ર ઇંગ્લીશ નથી આવડતું એટલે દેશ બહાર કાઢી મૂકવાની વાત કરો છો તે કેટલી હદે વ્યાજબી ગણી શકાય? અપણા એમપી અને લોર્ડ્ઝનો ગ્રામર અને સ્પેલીંગનો ટેસ્ટ લેવો જોઇએ તો ખબર પડે કે તેમનું ઇંગ્લીશ કેટલું પરફેક્ટ છે?

ઇમ્તીયાઝ મલેક, બ્રેડફર્ડ

ગૌરવશાળી ભારતીયો

લંડનમાં વસતા વિવિધ ધર્મ, જાતી અને સમુદાયના ૮.૬ મિલિયન લોકોમાં ૨૬૭,૦૦૦ની વસ્તી સાથે મૂળ ભારતીયો પ્રથમ ક્રમે છે તે જાણીને ભારતવાસી તરીકે ગર્વ થયો. આટલું જ નહિં ભારતીયો લંડનના ૩૨માંથી ૧૦ બરોમાં તો પ્રભુત્વ ધરાવે છે એટલે કે ભારતીયો લંડનના ત્રીજા ભાગના બરોમાં ગૌરવ જાળવી રાખ્યું છે.

આ તો વસતીના આંકડા થયા, પણ ભારતવાસીઅો ફાર્મસી, બેન્કિંગ, મેડિકલ, અોપ્ટીશીયન્સ, એકાઉન્ટન્સી, બિઝનેસ, રીટેઇલ સહિત કેટલાય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. હાઉસ અોફ લોર્ડ્ઝમાં પણ ભારતીયોનું પ્રભુત્વ છે અને એમાં પણ આપણા ગુજરાતીઅો લોર્ડ્ઝ પણ સારૂ પ્રભુત્વ ધરાવે છે.

હું આનંદ અને ગર્વ સાથે કહેવા માંગુ છું કે ભારતીયોનું બધા ક્ષેત્રે પ્રભુત્વ છે પણ ગુનાખોરીના ક્ષેત્રે આપણે સૌથી છેલ્લા છીએ તે સમાચાર પણ મેં 'ગુજરાત સમાચાર'માં જ વાંચ્યા હતા. ખરેખર 'ગુજરાત સમાચાર'માં બહુ જ સરસ અને જાણવા જેવા સમાચાર આવે છે અને જીવંત પંથ, વિવિધ કટારો, જોક્સ, સુડોકું, સંસ્થા સમાચાર અને અહિંના બ્રિટનના સ્થાનિક સમાચારોના વિભાગ મને બહુ જ ગમે છે.

હસમુખભાઇ નાયક, કિંગ્સબરી.

ભારતના યહુદી જનરલ જેકબને સલામ

ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધના ઝાંબાઝ લેફટનન્ટ જનરલ જે. એફ. આર. જેકબના નિધનના સમાચાર વાંચીને દુ:ખ થયું. લેફ. જન. જેકબે બાંગ્લાદેશના સર્જનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આપણા લશ્કરને જો વિજય મળ્યો ન હોત તો આજે પાકિસ્તાન આપણી પૂર્વિય સરહદેથી પણ આપણને પરેશાન કરતું હોત.

જનરલ જેકબ મૂળ યહુદી હતા અને કોઇ પત્રકારે તેમને જ્યારે પૂછ્યું કે 'જનરલ તમે કેમ ઇઝરાયલ જઇને વસવાટ કરતા નથી?' ત્યારે વિર યોધ્ધા જનરલ જેકબે કહ્યું હતું કે 'ભારત મારો દેશ છે, હું આ ભારતની જમીન પર જન્મ્યો છું અને અહિં જ મરણ પામીશ.' જેકબનો યહુદી પરીવાર ૧૮મી સદીમાં ઇરાકથી કોલકતા આવીને સ્થાયી થયો હતો. ભારત અને ઇઝરાયેલના રાજદ્વારી સંબંધોમાં નિકટતા લાવવાનું ભગીરથ કામ કરનાર જેકબ ૧૯ વર્ષની વયે ભારતીય સેનામાં જોડાયા હતા.

જેકબના નિધનના સમાચાર રજૂ કરીને 'ગુજરાત સમાચાર'એ ખૂબ જ મોટી દેશ સેવા કરી છે અને આવા સમાચારો આવતા હોવાથી જ મને 'ગુજરાત સમાચાર' વગર ચાલતું નથી.

બાબુભાઇ પટેલ, ક્રોયડન

દિ વાળે એ દિકરી

આપણામાં એક કહેવત હતી કે 'દિ વાળે એ દિકરા', પરંતુ આજે જે હાલત ઉભી થઇ છે તેમાં આપણે કહેવું પડે કે 'દિ વાળે એ દિકરી'. આ વખતના 'ગુજરાત સમાચાર'માં મેં સમાચાર વાંચ્યા કે યુકેમાં છોકરાઅો કરતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જતી છોકરીઅોની સંખ્યા વધી રહી છે. એમાં પણ ઉચ્ચ સંસ્થાઓ સહિત યુનિવર્સિટીમાં તો ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ગ્રેજ્યુએટ થનાર આ દિકરીઅો પોતાના ઘરને તો તારશે જ સાથે સાથે પોતાના પતિના ઘરને પણ તારશે. આ દિકરીઅો એ પોતે તડકી છાંયડી દેખી છે એટલે એમના સંતાનોને પણ સારા સંસ્કાર આપશે અને તેમને પરણનારા લોકોની આખી પેઢી તરી જશે.

કહેવાય છે ને કે એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે, પણ એ જ માતા જો ભણેલી હશે તો તે કેટલા શિક્ષકોની ગરજ સારશે એની કદી કોઇએ ગણતરી માંડી છે ખરી?

અરજણભાઇ સોલંકી, લેસ્ટર

દુષિત માનસનું વરવું સ્વરૂપ

પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનિયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે. તેને બેલેન્સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનસ્પતિ દ્વારા પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. પરંતુ મનુષ્યની બુદ્ધિ દૂષિત થાય છે ત્યારે વાતાવરણ પ્રદૂષિત થાય છે. માનવજાત ભટકી ગઈ છે અને માણસ સાચા-ખોટાની પરખ ગુમાવી બેઠો છે. દુનિયાની મહાસત્તાઓ એકબીજા પર રોફ જમાવવાની હોડમાં ઘાતક અને વિનાશક શસ્ત્રોનો જે બેફામ દુરૂપયોગ કરે છે તેનાથી જ આ પ્રદૂષણ થાય છે. અમેરિકા પોતે જ ટનબંધ ન્યુક્લીયર વેસ્ટ માટે જવાબદાર છે. દુનિયાનો નાશ કરવો હોય તો ૨૦૦-૨૫૦ બોમ્બ બસ છે. પણ એકલા અમેરિકા પાસે ૭૦૦, રશિયા પાસે ૫૦૦થી વધુ એટમીક વેપન્સ છે.

- બલ્લુભાઈ પટેલ, બ્રેડફર્ડ.

'ગુજરાત સમાચાર'ના લોકઉપયોગી કાર્યક્રમો

આપણાં 'ગુજરાત સમાચાર' અને એશિયન વોઇસ' હમેશા પોતાના વાંચકો પ્રત્યે ખુબ જ ચીવટ રાખે છે અનેક પ્રકારના પરોપકારી અને નવા નવા કાર્યક્રમો આપીને વાચકો તેમજ યુકેમાં વસતા આપણા સમુદાયની ખૂબ જ સેવા કરી રહ્યા છે. ૮૦ વર્ષથી ઉપરના વડીલોનું યુકેના વિવિધ શહેરોમાં સન્માન કરીને આગામી પેઢીને પ્રેરવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. હવે સફળતાથી વરેલા આપણા અખબારોએ માતા, પિતા, વડીલોનું હેતથી જતન કરતા સંતાનોનું 'શ્રવણ સન્માન' એનાયત કરી બહુમાન કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. અંધશ્રધ્ધાનો ફેલાવો કરતી જંતરમંતરની જાહેરાતોને ઠુકરાવવી એ પણ એક સમાજ સેવા જ છે ને.

'ગુજરાત સમાચાર' કેટલાક વર્ષોથી ઉનાળામાં મેળો યોજીને દરેકને એક છત્ર નીચે લાવી ભરપૂર મનોરંજન સાથે અનેક પ્રકારની લોકોપયોગી અને ધર્માદાનું પુણ્યશીલ કાર્ય કરી રહ્યું છે. આજ દિવસ સુધીમાં હજારો પાઉન્ડસની રકમ ધર્માદા સંસ્થાઓમાં દાન કરી રહ્યા છે તે માટે સમગ્ર 'ગુજરાત સમાચાર' પરિવારને હાર્દિક અભિનંદન.

ભરત સચાણીયા, લંડન.

ટપાલમાંથી તારવેલું

* હીનાબેન શાહ, પોર્ટ્સમથથી જણાવે છે કે 'ગુજરાત સમાચારમાં છપાયેલા સાઉદી અરેબિયા, કચ્છીઅો અને ભૂકંપ, આનઆરઆઇના ફેશન અંગેના લેખ તેમજ વાંદરવેડા અને અશ્રુભીની આંખ વગેરે સમાચાર મને ખૂબ જ ગમ્યા. આજ કારણસર એક જ બેઠકે આખું 'ગુજરાત સમાચાર' વાંચી લઉ છું.'

* અનિલ પાઠક, ગ્લાસગોથી જણાવે છે કે 'આજે આપણે દાદરીના મુસ્લિમ યુવાનની હત્યા અને આંધ્રપ્રદેશના દલિત યુવાનની આત્મહત્યા અંગે ચિંતા કરીએ છીએ, આ બનાવોને વખોડવા પણ જોઇએ પણ કાશ્મિરી પંડિતો વિષે કેમ કોઇ બોલતું નથી. શું કાશ્મિરી પંડીતો ભારતીય કે હિન્દુ નથી? તેઅો વોટબેન્ક નથી? આપણા નેતાઅોને સૌએ અોળખી લેવાની જરૂર છે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter