અનામત અંદોલન અને નુકશાન

Tuesday 08th September 2015 08:13 EDT
 

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સૌથી વધુ નુકસાન સરકારી માલ-મિલકત અને વાહનોને થયું હોવાના મસાચાર જાણ્યા. સરકારી કચેરીઓ, એસટી બસો ખાનગી કાર વગેરેને આગ ચાંપવાના અને તોડફોડ કરવાના કારણે આશરે રૂ. ૧૦૦ કરોડની રકમનું નુકશાન થયું. અમદાવાદ, કલોલ, રાજકોટ, જામનગર, સુરત, ઊંઝા સહિત અન્ય સ્થળે બે દિવસમાં ૧૩૭ એસ.ટી. બસને આગ ચાંપવામાં આવી તેમજ ૧૫૨ બસના કાચ ફોડાયા.

આ ઉપરાંત અશાંતિને કારણે વેપાર ધંધા ન ચાલ્યા તે અલગ. ભાઇ આ તોફાન મસ્તી શા માટે? આંદોલન અહિંસક હોત તો કદાચ સૌ કોઇ તેને ટેકો આપત, પરંતુ માત્ર પટેલ જ્ઞાતિને લાભકર્તા આ અંદોલનને અન્ય કોઇ કોમે ટેકો ન અપ્યો તેથી કદાચ આગામી દિવસોમાં આંદોલન ઠપ્પ થઇ જાય તો નવાઇ નહિં.

અર્પણ મહેતા, નોર્બરી

દુધનો અભિષેક

આ વખતના 'ગુજરાત સમાચાર'માં શિવજી વિશેનું ખૂબ જ સુંદર આલેખન કરેલ છે. જો દરેક મનુષ્ય પોતાના ઈષ્ટદેવને હૃદયમાં રાખીને જીવ માત્ર ઉપર દયા રાખે, વેર-ઝેર, ઈર્ષ્યા ભૂલી જાય તો ઈશ્વર આવા માણસોને હાજરાહજૂર મળે છે. ઈશ્વર તેમના ગુના માફ કરે તેટલો દયાળુ છે. ખેર.... બીજું કે સીબી 'જીવંત પંથ' ખૂબ સરસ લખે છે. મારી સીબીને નમ્ર વિનંતી કે હવે 'જીવંત પંથ' લખો તો મંદિરોમાં દૂધનો ખૂબ બગાડ તથા ગંદકી થાય છે તેના વિષે જરૂર લખો. શિવજીને દૂધ ચઢાવવામાં આવે છે ત્યાં જો આપણે માથું નમાવીને સુવાસ લઈએ તો અમુક વખત કેટલાક મંદિરોમાં દુર્ગંધ આવતી હોય છે. આટલું બધું દૂધ ચઢાવવાને બદલે ફક્ત મંદિર તરફથી દરરોજ થોડુંક દૂધ ચડાવે અને બહારથી દૂધ લઈ આવવાની બધાને મનાઈ કરવી જોઈએ. જેમને શિવજી ઉપર ભાવ છે તે દરેક ભક્તે દુધ ચઢાવવા પે ટે બાર મહિનાના પૈસા મંદિરને ભેટ આપવા જોઈએ. મંદિરો દ્વારા આવાભક્તો વતી દુધ ચઢાવવું જોઇએ. દરેક હિંદુ મંદિરોએ આ બાબતે વિચારીને તેનો અમલ કરવો જોઇએ.

બીજુ કે આપણા એશિયન વિસ્તારમાં આવેલા પાર્કમાં બિયરના ખાલી ડબલાં અને ક્રિપ્સનાં ખાલી પેકેટ જ્યાં ત્યાં ફેંકીને આપણે જ આપણી જાતને છતી કરીએ છીએ અને બહારથી આવેલી ગંદી પ્રજા તરીકે આ દેશની પ્રજામાં ખપીએ છીએ. એ દુઃખની વાત છે.

- ખીમજી વીરજીભાઈ પરમાર, લેસ્ટર

ભારતના ઈ-ટુરિસ્ટ વીસા

'ગુજરાત સમાચાર'ના પહેલે જ પાને ‘બ્રિટિશ નાગરિકો માટે ભારતમાં ઈ-ટુરિસ્ટ વીસા’ના સમાચાર વાંચીને ખૂબ આનંદ- સંતોષ થયો. સુગમ અને સરળ સ્કીમનો લાભ હવે બ્રિટિશ નાગરિકોને મળશે. પણ હજુ ખુલાસાવાર તેની માહિતી આપી નથી કે કઇ રીતે ભારતના એરપોર્ટ પર વિસા મળશે. તેની કાર્યવિધિ, ફોર્મ, કેવા-કેટલા, ક્યારે, કેમ અને કેવી રીતે ભરવાના અને વીસા ફી કેટલી હશે? તે ચાર્જ રૂપિયા, ડોલર કે પાઉન્ડમાં આપવો પડશે? કારણ કે મારા જેવા અનેક વડીલો અભણ હોય તો તેમને માર્ગદર્શનની તો જરૂર પડે જ. એટલે કે એક વખત એરપોર્ટ ઉતર્યા પછીની વિધિ કેવી રીતે હોય?

જો 'ગુજરાત સમાચાર' આ અંગે ચોખવટ કરીને જણાવે તો અહીંથી જનારાને કેટલું સહેલું પડશે. આમ તો જનારા દરેક પાસે લગભગ વીસા કે ઓસીઆઈ તો હોય જ છે. પણ ત્યાં ગયા પછી તકલીફ પડે તો શું કરવું?

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો.

વાચકો અને પત્ર લેખકોની મિટિંગ

તા. ૨૨-૮-૨૦૧૫ની ઉષ્ણામાન બપોરે કર્મયોગ હાઉસમાં 'ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસ'ના વાચકો અને પત્ર લેખકોની મિટિંગનું આયોજન કરવા બદલ તમારો આભાર.

મિટિંગમાં પધારેલી દરેક વ્યક્તિના સૂચનો અને મંતવ્યોની નોંધ સાથેની મિટિંગની સમાપ્તી કરતા સંચાલક શ્રી સી. બી. પટેલે કહ્યું કે બંને અખબારોના એડિટર તરીકે તેઓ પાંચ વસ્તુનો ખાસ ખ્યાલ રાખે છે તે છે. અખબાર ૧. Informative - માહિતી સભર ૨. Interesting- રસપ્રદ ૩. Inspiring - પ્રેરણાત્મક ૪. Entertaining - મનોરંજક ૫. Empowering - વાંચકોને સબળ બનાવતું હોવું જોઈએ. સી. બી. સાહેબના આ પાંચ સૂત્રનું પંચામૃત પીરસતા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ખરેખર સફળતાના શિખરને આંબી રહ્યા છે. સફળતાને કોઈ સીમા હોતી નથી. અમારો અભિપ્રાય માંગી તમે અમારી કદર કરી છે તે તમારી મોટાઈ છે.

સમયે સમયે સુધારા-વધારા, નવીનતા અને બદલાવ લાવવા જરૂરી છે. બોલવું સહેલું છે પણ તેને અમલમાં મૂકવું ભલે સરળ હોય પણ ઘણીવારે યોગ્ય હોતું નથી માટે તમારો નિર્ણય અમારે માન્ય રાખવાનો જ રહ્યો.

આગામી મિટિંગ સંગતના હોલમાં રાખવા નમ્ર વિનંતી. બંને અખબારોના ઊજ્જવળ ભવિષ્યની શુભેચ્છા સહ.

- ઈલાબહેન ત્રિવેદી, સ્ટેનમોર

ઘડપણમાં સમજણ

વૃદ્ધાવસ્થા એક બિમારી છે. પણ જ્યારે રોગ અને એકલતાનો સંગમ થાય છે ત્યારે વિટંબણા ચરમ બિંદુએ પહોંચી જાય છે.

ઘડપણ કોઈ મોકલતું નથી એ તો કુદરતના ક્રમ પ્રમાણે સમય થાય ત્યારે ઈચ્છા ન હોય તો પણ સ્વીકારવું પડે છે. જન્મ, જરા, ઘડપણ જીવનની વણથંભી ઘટમાળ છે.

સમયની હવા પ્રમાણે સ્વયંને અનુકૂળ બનાવવા જરૂરી બદલાવ સ્વીકારવો જરૂરી છે. એકલા ઘરોમાં પૂરાઈ રહેવાથી જીવનના દસ વર્ષો ઓછા થાય છે, ચાલો બહાર નીકળી જીવન જીવી જાણો. હળવો વ્યાયામ, ધ્યાન, યોગ, સંગીત, જીવનને મધુર, મીઠાશભર્યું સપ્તરંગી બનાવશે. અધૂરી રહેલી ઈચ્છાઓ, પૂર્ણ કરવાની હવે ભરપૂર તક મળી છે. મળેલી પળોને સફળતામાં પરિવર્તન કરો.

જીવનની પાછલી ઉંમરે ઓછું પણ મીઠાશથી ભરપૂર બોલીને તમારા બાળકો અને પાડોશીઓના દિલને જીતી લો. શરીર સ્વસ્થ હશે તો જ સમાજે આપેલી સેવાઓની પરત ભરણી કરી શકશો. સમાજની તન-મન અને ધનથી સેવાઓ કરી કરજ પૂર્ણ કરશો તો જીવન હળવુ અને આનંદભર્યું બની જશે.

- પ્રમોદ મહેતા, ‘શબનમ’, સડબરી

અનામતનું કોકડું

હજારો વર્ષોથી વર્ણાશ્રમના વિભાજનથી, પ્રજાએ કર્મથી નહીં પણ જન્મથી જ અમુક લોકોને દલિતો ગણ્યા ત્યારથી બાકીના ઉચ્ચ વર્ણોની દાદાગીરી, અણછાજતાં દબાણો તેમજ આભડછેટથી આ પીડિત પ્રજાની પ્રગતિનાં દ્વાર સદંતર બંધ થયાં. આજે પણ કેટલેક અંશે ગામડાઓમાં કાયદા-કાનૂન હોવા છતાંય, આ દૂષણ બંધ થયું નથી. હજીએ મહદઅંશે દલિતોની દયાજનકત પરિસ્થિતિનો અંત આવ્યો નથી.

વનવાસીઓ અને આદિવાસીઓ માટે શૈક્ષણિક સગવડો અને ઉચ્ચ કક્ષાના શિક્ષકો તેમજ સંસ્થાઓ વગેરેની ભારે અછત છે. સરકારોની નાણાંકીય ફાળવણી નહીંવત્ જ રહી છે. આ બાબતમાં દરેક રાજ્યની સરકારોએ ખાસ ડિપાર્ટમેન્ટ્સ ઊભા કરવાની જરૂર છે. દેશની આઝાદી વખતે બંધારણમાં દલિતો અને આદિવાસીઓ માટે જે અનામતો અર્પણ કરાઈ હતી, જે યથાવત્ જ હતી. પરંતુ જ્યારથી અન્ય પછાત વર્ગોના (ઓબીસી) લોકો માટે અનામતનો અમલ થયો ત્યારથી બીજી અનેક જ્ઞાતિ અને જાતિઓની માંગો અને ચળવળો પેદા થઈ. આ વિકટ પરિસ્થિતિનું ગૂંચવાયેલું કોકડું કોઈપણ જાતની કમિટીઓ નીમવાથી ઊકેલી શકાય એમ જણાતું નથી.

આમાં મારી દ્રષ્ટીએ ત્રણ પર્યાય છે. સંપૂર્ણ અનામતોની નીતિને તિલાંજલિ, દલિત અને આદિવાસીઓ સિવાયની અન્ય અનામતો સદંતર બંધ કરી દેવી, કે પછી બીજા ૧૫-૨૦ વર્ષો સુધી દલિત અને આદિવાસી માટેની અનામતો ચાલુ રાખીને માત્ર નોકરીઓ માટે જ એનો અમલ કરવો અથવા જેમ મળે છે એવી જ શૈક્ષણિક અનામતો પણ ચાલુ રાખવી.

હા, ઊચ્ચ વર્ણોને નોકરીઓ અને શૈક્ષણિક એડમિશનો માટે અન્યાય થઈ રહ્યો છે એ એક વાસ્તવિક સત્ય છે. એમના અંગત હક્કો પર હથોડો પડ્યો છે એમાં બે મત નથી. પરંતુ એ બધી જ ઉચ્ચ જ્ઞાતિ અને બીજી જાતિઓએ પણ સહિષ્ણુ બનીને એમને અપાતી અનામતો બંધ કરવામાં શાંતિમય સહકાર આપવો જ રહ્યો. તો જ આ અનામતના ભૂતને ભગાડી શકાશે.

વનવાસી આદિવાસીઓ અને દલિતો માટે, દેશની શૈક્ષણિક સંસ્થાઓની હરોળમાં ઊભી રહે તેવી કક્ષાની શાળાઓ, કોલેજો, શિક્ષકો મકાનો અને વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સગવડો અને ધરખમ બાંધકામો માટે પૂરતી નાણાકીય જોગવાઈઓ ઊભી કરવી જ પડે. બારમા ધોરણ સુધી ફરજિયાત કેળવણી દાખલ કરવી પડે અને થોડીઘણી નોકરીઓની અનામતો ચાલુ રાખવી પડે, તો જ આ વિકટ પ્રશ્નને હલ કરી શકાશે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન

ખાંડ - મીઠું ઝેર?

મોટાભાગની વ્યક્તિઓને ગળ્યો (મીઠો) ખોરાક પસંદ હોય છે. અમુક માણસોને તો ભોજનના અંતે મીઠી વાનગી ખાવા ન મળે તો સંપૂર્ણ આહાર લીધાનો સંતોષ થતો નથી. ભારતમાં સામાજિક-ધાર્મિક પ્રસંગો અને વાર-તહેવારો અપવાસ-એકટાણાં કરતી વખતે મીઠ્ઠી વાનગીઓ ખાવાની પ્રથા છે. પરંતુ તે આપણા આરોગ્યને કેટલું નુકસાન કરે છે તે કદાચ જાણતાં નથી. ભારતના ડો. અરૂણ લાલના મંતવ્ય મુજબ ભારતમાં ૬૭ મિલિયન પુખ્ત વ્યક્તિઓ ડાયાબિટીક છે અને તેઓ કહે છે કે ૨૦૩૦ સુધીમાં આ દર્દીઓનો આંકડો ૯૭ મિલિયન થઈ જશે. યુ.કે.માં ગયા વર્ષ દરમિયાન NHSએ માત્ર ડાયાબીટીસના દર્દીની દવાઓ માટે ૮૪૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે.

૧લી જુલાઈ ૨૦૧૫ના રોજ પ્રસિદ્ધ થયેલા ‘જર્નલ સરક્યુલેશન’માં જણાવાયું છે કે વિશ્વમાં દર વર્ષે ૧,૮૪,૦૦૦ પુખ્ત વયની વ્યક્તિઓ વધુ મીઠાં પીણાંઓ પીવાથી મૃત્યુ પામે છે. ડાયાબીટીસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ડો. સી. બી. વાધવાએ કહ્યું છે કે ડાયાબીટીસ અને કેન્સરનો ઈલાજ માત્ર હોસ્પિટલમાં જ નથી, તમારા રસોડામાં પણ છે. તેમના મંતવ્ય મુજબ આ દર્દોના નિવારણ માટે આપણી રસોઈની પ્રણાલિકામાં ફેરફાર કરીને ઘી-તેલ, ખાંડનો ઉપયોગ ઓછો કરવાની જરૂર છે.

‘પહેલું સુખ તે જાતે નર્યા’ મુજબ તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે નિત્ય ખોરાક લેતા પહેલા આહારની ગુણવત્તા જોઈને માત્ર આહારનો સ્વાદ જોઈને કરીશું તો ભયંકર દર્દોને આપણા શરીરથી દૂર રાખવાનું શક્ય બનશે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

ભ્રષ્ટાચાર લાગવગ અને લાપરવાહી

હું 'ગુજરાત સમાચાર'નો લગભગ ૩૦ વર્ષથી વાચક અને સભ્ય છું અને તા. ૮-૮-૧૫ પાન નં. ૫માં જણાવ્યા પ્રમાણે શ્રી નરેન્દ્રભાઇ મોદીને મોકલવા માટે આપ એક આવેદન પત્ર તૈયાર કરી રહ્યા છો જાણી આનંદ થયો.

દેશમાં ચાલી રહેલ રેડ ટેપ, ભ્રષ્ટાચાર, લાપરવાહી અને હેરાન કરવાની માનસિકતાથી અત્રે વસી રહેલા ભારતીયોનો પ્રેમ અને વિશ્વાસ ઓછો થતો જાય છે. નાનામાં નાનું કામ પણ સરળતા અને જલ્દીથી થતું નથી. શ્રી મોદી લાંચ-રુશ્વત દૂર કરવા ઉપરના સ્તરથી પગલાં લઈ રહ્યાં છે પરંતુ જનતા નીચે ભોગ બને છે તેનું શું? આથી ૧૫ મહિના બાદ પણ જનતાને જરાય રાહત નથી અને અત્રેના સામાન્ય ભારતીયોનું રોકાણ ઓછું યા બંધ થઈ રહ્યું છે.

- સેવંતીલાલ જે. જસાણી, કેન્ટન.

નોંધ:

પોતાનું તેમજ નગરનું ખોટુ નામ આપીને 'ગુજરાતમાં ચાલી રહેલા અનામત અંદોલન અંગે રેસીસ્ટ કહી શકાય તેવો આક્રોશ દર્શાવતો પત્ર અમને સાંપડ્યો છે. વાચકોને નમ્ર વિનંતી છે કે તેઅો પોતાના અભિપ્રાય અમને વિના સંકોચ મુક્ત મને સુયોગ્ય ભાષામાં જણાવી શકે છે. પરંતુ આપણે સભ્ય દેશમાં રહેતા હોઇએ અને અસભ્ય ભાષા બોલીએ કે અસભ્ય લખાણ લખીએ તે કેટલી હદે ઉચીત કહેવાય? મનફાવે તેવી ભાષા ધરાવતા પત્રોથી તાલીમ પામેલ અનુભવી પત્રકારના પેટનું પાણી પણ હાલે નહિં, પરંતુ લખનાર વાચક મિત્રના મનમાં ઉદ્વેગ થાય તે અમને હરગીજ પસંદ નથી. - તંત્રી.

ટપાલમાંથી તારવેલું:

* હેરોગેટથી રજનીકાંતભાઇ પટેલ જણાવે છે કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં અનામત વિષેના લેખ વાંચ્યા. આંદોલનના કારણે પટેલ સમાજ તેમજ દેશ અને રાજ્યને ઘણુંજ નુકશાન થયું છે. જે ખોટું થયું છે. પણ ખરેખર ભારતમાંથી અનામતનો હવે અંત લાવવો જ જોઇએ. સાચુ કહું તો રાજકારણીઅો ભારતની આ હાલત માટે જવાબદાર છે.  

* બર્મિંગહામથી હસમુતીબેન પટેલ જણાવે છે કે પાકિસ્તાનમાં વસતા ડોન દાઉદ ઇબ્રાહિમ અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ટ હાફિઝ સઇદને પકડવા ભારતે કમાન્ડો ઓપરેશન કરવું જોઇએ અને પાકિસ્તાની નેતાઅો તેમજ લશ્કરી અધિકારીઅોની ધમકીનો તાનબડતોબ જવાબ આપવો જોઇએ.

* રશ્મિકાંત મહેતા, ક્રોયડનથી જણાવે છે કે 'ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બ્રિટન આવી રહ્યા છે ત્યારે બે મહાન દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. તા. ૧૩ નવેમ્બરના રોજ વેમ્બલી સ્ટેડીયમમાં યોજાનારા કાર્યક્રમમાં જોડાવા હું ખૂબ ઉત્સાહિત છું. આ યાત્રાથી દેશ અને વિદેશમાં વસેલા ભારતીયોમાં ઉત્સાહ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter