અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ: મંત્રીનું નિવેદન સંવેદનાહીન

Tuesday 05th May 2015 12:02 EDT
 

અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ: મંત્રીનું નિવેદન સંવેદનાહીન

સી.બી. પટેલ અને ઈન્ડિયા ઈન્ક.ના સીઈઓ મનોજ લાડવાએ લાંબા સમયથી યુકેથી અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટને યથાર્થ ઠરાવવા કોઈ કસર છોડી નથી. દુઃખ એ વાતનું છે કે તેમના પ્રયાસો સફળ થયા નથી. શ્રી મોદીજીએ વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે ગુજરાતી સમુદાયની અપેક્ષાઓ વધી ગઈ હતી, પરંતુ કોઈ કારણોસર મોદીજીએ આ બાબતે હસ્તક્ષેપ કર્યો નથી અથવા પિટિશનરોની તરફેણમાં નિર્ણય લેવા સત્તાવાળાઓને પ્રભાવિત કરી શક્યા નથી. સિવિલ એવિયેશન મિનિસ્ટર અશોક ગજપતિનું વલણ અને સંવેદનાહીન નિવેદને આ અભિયાનના ઘણાં સમર્થકોમાં ભારે રોષ અને હતાશા જન્માવ્યા છે. બ્રિટિશ રાજકારણીઓ અને ઉચ્ચ પદાધિકારીઓથી વિપરીત ભારતીય ઓથોરિટીમાં ઘણાં હોદ્દેદાર અહંકારી હોવા સાથે મુત્સદ્દીપણાનો અભાવ ધરાવે છે. ડાયરેક્ટ ફ્લાઈટ રાષ્ટ્રહિતમાં હોવા છતાં જો ઓથોરિટી પ્રામાણિક ન હોય અને તેમની હઠ બાબતે નિખાલસ ન હોય તો જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. આપણામાં ઘણાં જાણીએ છીએ તેમ ઈન્ડિયન એરલાઈન્સ ગેરવહીવટ, અકાર્યક્ષમતાના કારણે ભારે નાણાકીય ખાધમાં છે. જો સરકાર તરફથી ટેકો ન મળે તો તે ચલાવી શકાય તેમ નથી. ડાયરેક્ટ ફ્લાઈટ કદાચ વધુ દેવું ઉભું કરશે એમ તેઅો માને છે. પણ ડાયરેક્ટ ફ્લાઈટના ઈનકાર માટે લેખિત ખુલાસાની માગણી કરવાનો પિટિશનરોને અધિકાર છે.

નિરંજન વસંત, વેસ્ટ નોરવૂડ

--૦૦૦૦૦૦૦૦

એર ઇન્ડિયાનો રેઢીયાળ વહીવટ

બીજી મેના 'એશિયન વોઈસ'માં પ્રસિદ્ધ થયેલા એમ.ડી. માસ્ટરના પત્રને મારું સંપૂર્ણ સમર્થન છે. આણંદમાં લગ્નમાં હાજરી આપનારા સગાંને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ ગયો હતો તેના અનુભવની આ વાત છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટનું આગમન સવારે ૯.૩૦ કલાકે થવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેમાં વિલંબ થયો હતો. અમને સિક્યુરિટીમેન દ્વારા આ માહિતી અપાઈ હતી, પરંતુ એર ઈન્ડિયાના કોઈ અધિકારી હાજર ન હતા. મેં એરપોર્ટ મેનેજરને મળવા પ્રયાસ કર્યો તો તેને પણ કોઈ જાણ ન હતી. મેં સિક્યુરિટીમેનને વિનંતી કરી એર ઈન્ડિયા કેબિનમાંથી કોઈ આવે અને વિલંબ અંગે માહિતી આપે તેમ કહ્યું હતું. આ ફ્લાઈટ લંડનથી મુંબઈ થઈને અમદાવાદ આવી રહી હતી. બધા વિઝિટર્સ કલાકો સુધી રાહ જોતાં ઉભાં રહ્યાં, પરંતુ સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ અપડેટેડ માહિતી અપાઈ નહોતી.

લગભગ ૧૫ કલાક રાહ જોયા પછી મિ. માંકડ નામના મહાશય તેમની ઓફિસમાંથી બહાર આવ્યા અને જણાવ્યું કે તે ફ્લાઇટમાં આવનારા યુકેના તમામ પેસેન્જર્સ બીજા દિવસની ફ્લાઈટમાં આવશે. બધા મુલાકાતીઓએ ફ્લાઈટ નંબર AI 131 (10 Feb) વિશે વિસ્તૃત માહિતી નોટિસ બોર્ડ પર મૂકવા મિ. માંકડને વિનંતી કરી ત્યારે પણ બે કલાક પછી આ માહિતી મૂકાઈ હતી.

રાત્રિના ૯.૦૦ કલાકે એર ઈન્ડિયાના જ મિ. અબ્દુલ હાફગીનો સંપર્ક કર્યો, જેઓ મદદ કરવા તત્પર હતા. તેમણે મને પેસેન્જરનું નામ પૂછ્યું અને માહિતી આપી કે તેમને મુંબઈમાં હોટેલ એકોમોડેશન ઓફર કરાયું છે અને તેઓ બીજા દિવસે સવારે ૯.૩૦ કલાકે આવશે.

મને આ જ એરપોર્ટના પોર્ટર્સ વિશે પણ ખરાબ અનુભવ થયો હતો. મારા પેન્શનર બ્રધર-ઈન-લો વ્હીલ ચેર પર હતા. પોર્ટરે તેમની પાસેથી ૧૦ પાઉન્ડ માગ્યા હતા. તેને ભારતીય રૂપિયા જોઈતા ન હતા. આ સેવા મફત હોવા છતાં પોર્ટરો પેસેન્જરોને લૂંટવા પ્રયત્ન કરે છે અને નાણા માગે છે.

ભુપેન્દ્ર દત્તાણી, વોટફર્ડ

00000

તમારો વોટ જરૂર આપો

છેલ્લા કેટલાક સમયથી આપણે બ્રિટનમાં ઈલેક્શન બાબતે જુદી જુદી પાર્ટીઓની પોલીસી ઉપર તેમના લીડરો પાસેથી સાંભળીએ છીએ. સપનાં બતાવવાં અને ખોખલાં વચનો આપવા સહેલા છે, પણ પૂરાં કરવા અતિ મુશ્કેલ છે. મારું માનવું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં જે બન્યું છે તેનો સરવાળો બાદબાકી કરીએ તો તમોને તેનો જવાબ જરૂરથી મળશે. ડુબતા વહાણને જેણે તરતું રાખ્યું તે જ સાચો સંગાથી મારી નજરે છે. તમો તમારા વોટનો તમારી સમજથી વાપરશો તેવી વિનંતી છે. જીવનમાં હરકોઈ ભૂલને પાત્ર છે, છતાં જે ભૂલને સુધારવા પ્રયત્નશીલ રહે છે તે ભવિષ્યમાં પણ સફળતા અપાવશે. આપણે તેટલું ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જો આપણે ઘેટાના જેવું વર્તન કરશું તો અંત કતલખાનામાં આવે છે. ઘેટું ભોળું પ્રાણી છે પણ તેનું દુઃખ તે છે કે એક દોડે છે તો બધા તેની પાછળ દોડે છે - તે વિચારતું નથી કે આગળનું ઘેટું શાથી દોડે છે. આપણે તેવી ભૂલ ન કરીએ તે વિચારવું જરૂરી છે. - વિચારજો - આપણામાંથી ઘણા આજના ઈલિગલ ઈમિગ્રન્ટ્સ જેવી સ્થિતિમાં આફ્રિકાના દેશોમાંથી આવ્યા છીએ - દિવસો ભૂલી ન જશો. આ તમારું ઘર છે અને તે આજના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આપણા બધાના સહકારથી જીવન અતિ સુખી બનાવે.

તમારો વોટ તમારું જીવન બતાવશે. આજે જગત ભડકે બળે છે તે જોજો અને વિચારજો. આ બધી વાતો આપણા જીવનને લાગેવળગે છે.

રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

૦૦૦૦૦૦૦

મંત્રીનો કેટલો તોછડો જવાબ

અમદાવાદ-લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઈટની માંગણીને કેન્દ્રના નાગરિક પ્રધાન અશોક ગજપતિ રાજુએ ઊડાવી દીધી અને જે નમ્રતાથી જવાબ આપવો જોઈએ તેના કરતા ઊંધો જ જવાબ મળ્યો કે મારે પ્લેન ચલાવવાનું નથી. આ કેટલો તોછડો જવાબ કહેવાય. ફક્ત પોતાની ખુરશી મળી ગઈ, અને બસ પૈસા બનાવો. એને ક્યાં પ્રજાની, દેશની પડી છે. વર મરો, વરની મા મરો અને અમારી તિજોરી ભરો, પણ કરેગા સો ભરેગા. એનો જવાબ તે પ્રજાને નહીં, પણ ઈશ્વરને તો આપવો જ પડશે. પણ આજે કોઈને ભગવાનની પણ પડી નથી. આવા નેતાઓ ખુરશી દબાવીને જ બેસી ગયા, તેમાં આપણો ભારત દેશ ક્યાંથી આગળ આવે. પણ આજે આપણા સેવાભાવી શ્રી નરેન્દ્ર મોદી જેવા છે ક્યાં?

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દ્વારા ૪૦ વર્ષના ઉપરના વડીલો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આ શુભપ્રસંગ સનાતન મંદિર ખુબ જ રંગેચંગે ઉજવાણો. પ્રેસ્ટનમાં રહેતા સર્વે ભાઈ-બહેનોનો સહકાર મળ્યો અને વડિલોને ખુશ કર્યાં. આશીર્વાદ મેળવ્યા તેમ જ જન સેવા તે પ્રભુ સેવા. આવા સત્કાર્યો તો ભાગ્યમાં હોય તો જ મળે.

આપની આ સેવાભાવી પ્રવૃત્તિ અમર, અખંડ અને યાવતચંદ્ર બને તે જ ઈશ્વર પાસે પ્રાર્થના.

પ્રભુદાસ જે. પોપટ, હંસલો

0000000

ખેડુતો નરેન્દ્રભાઈ મોદીને સમજે

ભારતના સંસદમાં કોગ્રેસના રાહુલ ગાંધીએ જે પ્રવચન આપ્યુ તે પ્રભાવશાળી હતું નહી, પ્રરંતુ પ્રજાને ગેરમાર્ગે દોરનારૂ હતુ. જયારે ભારતના રાજકારણી,પત્રકાર કે પ્રજા અપરિપકવ બને ત્યારે દેશને માત્ર નુકશાન જ જાય છે.

આજનો ભૂમિ અધિગ્રહણનો કાયદો જો ૪૦ વરસ પહેલા હોત તો સરદાર સરોવર નર્મદા ડેમ કદાચ આજથી ૨૦ વરસ પહેલા થઈ ચુકયો હોત. આ ડેમમાં લાખો ખેડુતોની જમીન ગઈ છે અને તેને એક બલીદાન જ સમજવુ રહ્યુ. જો બુલેટ ટ્રેન, ડેમો, નવા સ્માર્ટ શહેરો ભારતને જોઈતા હોય તો જમીન ભુમિ અધિગ્રહણનો કાયદો જરૂરી છે. કોર્ટની વિલંબ નીતિની જે નબળાઇ છે તેનો વકિલો દ્વારા ભયંકર ગેરફાયદો ઉઠાવવામાં આવે છે. જેમ ડાયાબીટીઝ વાળાએ ખાંડ લેવાથી ગેરફાયદો છે તેવો જ ગેરફાયદો કોર્ટના અમુક કાળા કાયદાઓથી છે, ત્યારે આજના ભુમિ અધિગ્રહણનો કાયદો જરૂરી છે. એક દેશ ભકત અને એક દેશ દ્રોહી જે નિર્ણય કરે તેમા જમીન આસમાનનો તફાવત હોય છે.

આજે સુરતમા સૌરાષ્ટ્ર ના ખેડુતો કેમ આવ્યા? વેપારી કેમ થયા? ખેડુતોના પરિવાર વધે છે, જમીન વધતી નથી.. આજે ભારતને ઉધોગો પણ જોઇશે અને તે 'મેક ઇન ઇન્ડિયા'થી વધુ શકય છે. ભારતના ઝડપી વિકાસમાં કોર્ટના અમુક કાયદા 'સ્વાઇન ફ્લુ' જેવા છે. તેના સામે અગાઉથી રક્ષણ મેળવવુ ખૂબ જરૂરી છે.

નરેન્દ્રભાઈ એ 'મન કી બાત' રેડીયો પોગ્રામમાં વ્યવસ્થિત વાત કરી જ છે, જેનો રાહુલજીએ કોઇ ઉલ્લેખ કર્યો નથી. રાહુલને તેમની બાજુમાં બેઠેલા સિંધીયાજી જ મદદ કરતા જણાયા હતા. નવા ઉધોગો લાવવા સિવાય ભારત પાસે કોઇ ચારો નથી.. રાહુલજીના પ્રવચનમાં મોદીનો વિરોધ જરૂર હતો પરંતુ ભારતના ભવિષ્યની ચિતા ન હતી. મોદી સરકારે અમુક બાબતમાં કડક થવુ પડશે અને તે થશે જ. પોતાનુ ધાર્યુ કરવામાં તેઓ સરની તીડી છે. ભારતને તંદુરસ્ત અને સમૃધ્ધ રાખવાની બાજી જીતવી જરૂરી છે.

વિનુ સચાણીયા, લંડન

0000000

ગુજરાત સમાચાર’ને વધામણા

સતત ચાર દાયકાથી પરદેશમાં વસતા ગુજરાતીઓને ઘર બેઠાં વિપૂલ વાંચન પીરસી ગુજરાતી ભાષાની ગરિમાને અસ્મિતા જાળવી રાખનાર ‘ગુજરાત સમાચાર’ને સૌ સુજ્ઞ વાચકો તરફથી એના જન્મદિને અંતરના વધામણાં. આગામી વર્ષો સુધી આપના સાપ્તાહિકોની પ્રગતિકૂચ સદૈવ ચાલુ રહે એ જ શુભેચ્છા. ‘ગુજરાત સમાચાર, એશિયન વોઈસ’ના સર્વે પરિવારજનોને એમની કાર્યદક્ષતા માટે અભિનંદન.

- દિલીપ ચૌબલ, હેરો.

૦૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter