આનંદ કરાવતો આનંદ મેળો

Tuesday 16th June 2015 12:03 EDT
 

આનંદ મેળામાં જે માહોલ, મનોરંજન અને આનંદ જોવામળ્યો તેથી વિશ્વાસ આવ્યો કે મારી સાઉથથી હેરોની ટ્રીપ વસૂલ થઈ ગઈ.અંદર હોલમાં આંટો માર્યો અને જોયું કે સ્ટોલ્સની વ્યવસ્થા નજર ખેંચે તેવી હતી. ક્યાંય ધક્કા-મુક્કી નહીં, બધા શાંતિથી ફરતા હતા અને ખાવું-પીવું અને સંગીતની મજા માણતા હતા. મોટી ઉંમરના માણસો માટે બેસવાની ખુરશીથી ઘણાને સગવડતા રહી અને ઉંમરવાળા માણસો માટે ઘણી અનુકૂળતા રહે. ખાવા-પીવાના સ્ટોલની સારી વ્યવસ્થા હોવાથી અમારા જેવા વૃધ્ધો માટે ઘણું સહેલું થઈ પડે. તે ઉપરાંત આવા પ્રસંગોમાં માણસો મળે, નવી નવી ઓળખાણ થાય તેનો લાભ જુદો.

આ પ્રસંગે ખાસ તો સી. બી. પટેલની ઘણા સમય બાદ રૂબરૂ મુલાકાત થઈ તે બદલ ખૂબ જ આનંદ થયો. મારે ખાસ આભાર તો સી. બી. પટેલ - ગુજરાત સમાચાર - એશિયન વોઈસ અને કાર્યકર્તાનો માનવો છે. તમો આવા પ્રસંગોનું આયોજન કરો છો તેથી જનતાને કેટલો બધો લાભ મળે છે. ઉંમરવાળા માણસોના આશીર્વાદ મળશે. સારી વેધર હોય તો પણ બહાર ફરવા ન જઈ શકે પણ આવા મેળા યોજવાથી જનતા નિરાંતે હરીફરી શકે, આનંદ માણી શકે. ખરેખર સી.બી. તથા સર્વે કાર્યકરોને ખૂબ ખૂબ ધન્યવાદ.

- રમણિક ગણાત્રા, બેકનહામ

૦૦૦૦૦

સમર્પણ, સંયમ, ત્યાગ

તા. ૬-૬-૧૫ના 'ગુજરાત સમાચાર'નો અંક મળ્યો. આ વખતના 'ગુજરાત સમાચાર'માં ઘણી ઘણી માહિતી સાથે વિગતવાર સમાચાર વાંચીને ખરેખર સંતોષ થાય છે. પહેલે જ પાને, સમર્પણ, સંયમ, ત્યાગને વરી દિક્ષા લીધી તેના વિગતવાર સમાચાર ફોટા સાથે વાંચીને ખુશી થઇ. આવા દાતાર, દાનવીર આટલી સંપત્તિ મૂકીને ભારતના સૌથી ધનવાન વેપારી શ્રી ભંવરલાલ દોશીએ તમામ ધન-દૌલતનો ત્યાગ કર્યો અને દોઢ લાખથી પણ વધુ જૈન-જૈનેતરોની હાજરીમાં જૈન સાધુ તરીકે દીક્ષા અંગીકાર કરી સાચા સત્માર્ગ અને સંયમ માર્ગે પ્રયાણ કર્યું. આપણે સૌ જાણીએ જ છીએ કે જૈન ધર્મ કેટલો ઊંચો છે.

શ્રી ભંવરલાલજીને ખૂબ ખૂબ સફળતા મળે, પોતાની અંતઃકરણની દરેક મનોકામના પૂરી થાય અને ભાગ્યરત્નવિજયજી મહારાજ સાહેબ તરીકે ઓળખાય તે માટે પરમકૃપાળુ પરમાત્મા અને શ્રી મહાવીર સ્વામીને નત મસ્તકે પ્રાર્થના.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

૦૦૦૦૦૦૦૦

શિક્ષણ અને મોબાઈલ ફોન પરનો પ્રતિબંધ

'ગુજરાત સમાચાર'ના તા. ૬-૬-૨૦૧૫ના અંકમાં ‘મોબાઈલ ફોન પરના પ્રતિબંધે સ્કૂલનું રીઝલ્ટ વધાર્યું’ હેડીંગવાળા સમાચાર વાંચ્યા. વાંચીને ઘણો આનંદ થયો અને અધિક આનંદ તો એ વાતનો થયો કે આ વિષેયે મેં પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરનને તા. ૧૬-૨-૨૦૧૫ના રોજ પત્ર લખ્યો હતો.

આ વિષયની ચર્ચા ટીવી ન્યુઝ 'બીબીસી' ઉપર થઈ હતી અને ક્વેશ્ચન ટાઈમ પર પણ વિષય ચર્ચાયો હતો. સરકાર ખરાબ પરિણામો સુધારવા માટે ચીની શિક્ષકોને લાવી.

સ્માર્ટ ફોન માત્ર સ્કૂલના છોકરાની જ બીમારી છે તેવું નથી, ઘરમાં બધાને તેની બીમારી છે. તે જ પ્રમાણે સિરિયલો માટે ટીવીની સામે બેસી રહેવામાં આવે છે અને સારી વાત શીખવાની જગ્યાએ નકામી વાતો ઉપર આપણે ત્યાં વધારે ધ્યાન અપાય છે. આથી નવી જ આળસુ પ્રજા પેદા થઈ છે અને કકળાટ વધવા મંડ્યો છે. ટીવીમાં લોકોનો રસ એટલો બધો વધી ગયો છે કે સગાં-સંબંધીઓને યાદ કરવાનો કે ફોન કરવાનો પણ સમય રહ્યો નથી. સ્માર્ટ ફોનની કિંમત અને તેનું બિલ સામાન્ય કુટુંબ માટે દેવુ વધારવાનો માર્ગ બની ગયો છે.

- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો

આજે પણ કેટલીક જ્ઞાતિઓમાં ‘નાત બહાર’ મૂકવાની પ્રથા ચાલે છે. યુક્રેનના અમુક ભાગને રશિયામાં મેળવી દેવાને પગલે અમેરિકા અને યુરોપના સાંઠગાંઠના દેશો દ્વારા લદાયેલા પ્રતિબંધ, અણુબોમ્બ બનાવવાની ધમકીથી ઈરાન પર ચાલી રહેલાં સેંક્શન વગેરને નાત બહાર મૂકવા સાથે સરખાવી શકાય. સાથે સાથે કાશ્મીરમાં જે ચાલી રહ્યું છે એ માટે કોઇ પ્રતિબંધ મૂકાતો નથી. પાકિસ્તાન, ઈન્ડિયાના ઓરીજીનલ સીટીઝન્સને ધર્મને નામે ચઢાવીને, જમ્મુ-કાશ્મીરમાં ઘૂસપેઠ અને આતંકવાદ કરીને પોતાના દેશમાં ભેળવી દેવાની ચાલબાજી કરી રહ્યું છે. એના ઉપર કેમ કોઈ સેંક્શન લાદી શકતું નથી? અમેરિકા, યુરોપ કે યુએનઓ પણ આ બાબતે કેમ ચૂપ છે? અમેરિકા તો આ ઉપરાંત કરોડો ડોલરનું સાલિયાણું આપી રહ્યું છે. જેનાથી પાકિસ્તાન, ભારત સામે લડી શકવા શસ્ત્રો ખરીદે છે. આવી પરિસ્થિતિમાં સેંક્શન લાદી શક્ય છે કે નહીં?

ઘણા વર્ષોથી બાબરી મસ્જિદ અને રામમંદિરનું કોકડું વણઉકેલ્યું રહ્યું છે. ત્યાં ત્રણ ભાગમાં ધાર્મિક સ્થાનો કરવાના ઉહાપોહને પ્રોત્સાહન આપવાની જરાય જરૂર નથી. મારા મતે આ આખી જગ્યાએ એક સુંદર સાર્વજનિક બાગ બનાવી દેવાની જરૂર છે. એજ એક, ધર્મને નામે વિભાજિત પ્રજા અને દેશને માટે સરળ ઉકેલ છે.

પરદેશી કંપનીઓ ભારતમાં આવીને એમની જાણકારી શીખવે અને યુવાન પેઢીને નોકરીઓ અને રોજગાર મળે એ ટૂંક સમય માટે ઠીક છે પરંતુ લાંબે ગાળે એ હિતાવહ નથી. બેરોજગારી અને ગરીબીનું ભયંકર ભૂત, ઊભું થવાનું મૂળ કારણ વસ્તીનો વિસ્ફોટ માત્ર છે. સંતતિનિરોધ અને નિયમનની કડક નીતિ અપનાવ્યે જ છૂટકો છે. ‘સુનર ધ બેટર.’

૬૭ વર્ષની આઝાદી પછી પણ આપણે, પોતાના પગ પર સ્વતંત્ર ઊભા રહી શકતા નથી. કેમ? આ ને માટે સેંકડો રિસર્ચ (દરેક વિષયની) સંસ્થાઓ ત્વરિત ઊભી કરવી પડશે. દરેક જાતની શોધખોળ માટે દેશના સર્વોચ્ચ વૈજ્ઞાનિકોની ભરતી કરવી પડશે, એમને સંપૂર્ણ સવલતો આપીને દેશના ચાલ્યા જતા ‘બ્રેઈન ડ્રેઈન’ને અટકાવવું પડશે. મોટા મોટા કોર્પોરેશનમાં રિસર્ચ વિભાગો દાખલ કરવાનું ફરજિયાત કરવું પડશે. દેશની આંશીક અબૂધ અને અજ્ઞાની પ્રજા સરકારોને સંપૂર્ણ સાથ આપી શકી નથી અને આપશે એવી આશા અસ્થાને જણાય છે. પ્રજામાં ‘પોતાનું પેટ અને ખીસ્સા ભરવા’ એના સિવાય કોઈને ઉત્કૃષ્ટ દેશાભિમાન હોય એવું પૂરવાર કરી શકાય એમ નથી. આજે ‘યથા રાજા તથા પ્રજા’ નથી રહ્યું, આજે તો ‘યથા પ્રજા તથા રાજા’ જેવો ઘાટ છે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હીલ

૦૦૦૦૦૦૦૦૦

વાહનની ઝડપ ૨૦ માઇલ

સેન્ટ્રલ લંડનમાં અમુક વિસ્તારોમાં વાહનની ઝડપ ૨૦ માઇલ રાખવામાં આવી છે. શહેરના અમુક વિસ્તારોમાં પહેલા કન્જેશન ચાર્જ દાખલ કરીને ટ્રાફિકને હળવો કરાયો હતો. હવે ઇસ્લીંગ્ટન, સધર્ક અને અન્ય કાઉન્સિલે વાહનની ઝડપ ઘટાડીને માત્ર ૨૦ માઇલની કરી દીધી છે. ભલા માણસ સાયકલ તેના કરતા વધુ ઝડપથી ચાલે.

ઘણી વખતે વહેલી સવારે કે રાત્રે સેન્ટ્રલ લંડનમાંથી મારે પસાર થવાનું હોય છે ત્યારે ટ્રાફિક ન હોય ત્યારે પણ ફરજીયાત ૨૦ માઇલની મહત્તમ ઝડપ કરતા વધારે ઝડપથી કાર ચલાવી શકાતી નથી. અના કારણે માત્ર મોડુ જ નથી થતું ઘણી વાર વગર કારણે ટ્રાફીક જામ થતો લાગે છે. આવું જ બસ લેનનું છે. બસની આખી લેન ખાલી હોય અને અન્ય લેન ઉપર વગર કારણે ૩૦-૪૦ કાર લાઇનમાં ધીમી ગતીએ પસાર થતી જોવા મળે છે. ખરેખર કાઉન્સિલ કોના ઇશારે આવા નિર્ણયો લે છે તેની સમજ પડતી નથી.

દરેક નિયમોમાં હંમેશા પુન:વિચાર કરવો જોઇએ અને બસ લેન, મહત્તમ ઝડપ તેમજ કન્જેશન ચાર્જની સમય અવધીમાં 'અોફ પીક અવર્સ'માં છુટ આપવી જોઇએ. સીબી તમે આ સૂચન લાગતા વળગતાઅો સુધી પહોંચાડશો તો આભારી થઇશ.

- રામુભાઇ પટેલ, નોેર્બરી

ટપાલમાંથી તારવેલું

* હેઇઝથી સુધાબેન પટેલ જણાવે છે કે 'હું અમદાવાદથી આવેલ છું પણ અહિં લોકો શાવર, બાથ અને વાસણ ધોવા માટે જે રીતે પાણીનો વ્યય કરે છે અને વાપરી શકાય તેવી ચીજ વસ્તુઅો, કપડા અને ફર્નીચરને ફેંકી દે છે તે જોતા લાગે કે ખરેખર આ વ્યયને બચાવવામાં આવે તો ઘણો જ સુધારો થઇ શકે છે.'

* હંસલોથી અતુલભાઇ પુરોહિત જણાવે છે કે 'આપણે ત્યાં અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં છેક હજુ હવે મેટ્રો ટ્રેન અને BRTS બસ સેવા લાવવામાં આવી છે. પણ અહિં લંડનમાં જે રીતે સૌ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે તેમ અમીર ગરીબ સૌ કોઇ ભાારતમાં મોટા શહેરો સીવાય પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નથી. આના કારણે આવાનાર વર્ષોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ તો વધશે જ સાથે સાથે પ્રદુષણની માત્રા પણ વધી જશે.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter