ઈયુ રેફરન્ડમ અંગે ભારે વિરોધ

Tuesday 16th February 2016 09:35 EST
 

યુરોપીયન યુનિયનમાં રહેવા માટે વડાપ્રધાન ડેવિડ કેમરન સ્થાનિક પ્રતિનિધિઓના મતને નજરઅંદાજ કરી રહ્યા છે અને એમપીઅોને રેફરેન્ડમની તરફેણ કરવા આદેશ આપે છે તેથી વાતાવરણમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. બ્રિટન લોકશાહીને વરેલો દેશ છે ત્યારે વડાપ્રધાન કેમરન યુરોપીયન યુનિયનમાં રહેવા માટે આદેશ આપે તે કેટલી હદે યોગ્ય કહેવાય?

કોન્ઝર્વેટીવ પાર્ટીના પાયાના કાર્યકરોમાં ઈયુ રેફરન્ડમ અંગે વડા પ્રધાન ડેવિડ કેમરનનો ભારે વિરોધ છે. કાર્યકરો માને છે કે આ મુદ્દે સમતોલ ચર્ચા જરુરી છે અને વડાપ્રધાને પાયાના કાર્યકરોનો મત સાંભળવો જોઇએ. જોઇએ આગે આગે હોતા હૈ ક્યા? 'ગુજરાત સમાચાર'માં 'જીવંત પંથ' કોલમમાં શ્રી સીબી આ અંગે વિગતવાર માહિતી આપતો લેખ લખે તો આપણા લોકોને ખૂબજ સરસ માહિતી મળશે અને રેફરેન્ડમ વખતે નિર્ણય કરવામાં ઉપયોગી થશે.

- રતિલાલ પટેલ, ક્રોયડન

સજ્જનતાની પહેચાન

શ્રી સીબીનો 'હતાશાનું મૂળ, હેતુ વિનાનું જીવન' વિષેનો 'જીવંત પંથ'નો લેખ વિગતવાર વાંચ્યો. મનમાં થયું કે દુનિયામાં લાખ્ખો નાસીપાસ થયેલા ગરીબો સડક ઉપર ભીખ માંગતા જોવા મળે છે. સી.બી.એ આવા જ એક કંગાળ, ચિંથરેહાલ, ગંધાતા, ભૂખ્યા જીવનથી હારેલા વ્યક્તિને પોતાનો પ્રોગ્રામ કેન્સલ કરીને સમજાવીને પોતાના ઘરે લઈ આવ્યા. ચા-પાણી, નાસ્તો ખવડાવી દુઃખી અને ભૂખ્યાં માણસનું પેટ ઠાર્યું. તે વ્યક્તિ ગુજરાતી હતો અને ખરાબ વ્યસનથી તેનું કુટુંબ વિખરાઈ ગયું હતું.

સી.બી.એ હતાશાની આશા બનીને તે વ્યક્તિને સમજાવ્યું કે હાલની બેહાલ જિંદગીમાંથી તે અવશ્ય બહાર આવી શકશે. તે વ્યક્તિ માટે સી.બી.એ નૈતિક ફરજ બજાવી તેની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચિંધી તેના દિલનો બોજ હળવો કર્યો તે નાનુસુનુ કાર્ય નથી. આવા કાર્યોથી આત્મસંતોષ તો મળે જ સાથે સમાજનિ સેવા પણ થાય છે. આજ તો છે સી.બી.ની સજ્જનતાની પહેચાન અને તેમનામાં રહેલા ઊંચા ખ્યાલો, આચરણ, ભલમનસાઈ અને ઈન્સાનિયત. દરેક ઈન્સાને સી.બી.ની જેમ આવા રામરખ્ખા જેવા પીડિતોને મદદ કરી સાચો માર્ગ દેખાડીને તેનું જીવન સાર્થક કરવું જોઈએ અને આવા દુઃખીને અંતરના આત્માના અવશ્ય અમૂલ્ય આશિષ મળશે.

સુધા રસિક ભટ્ટ, બેન્સન.

મન અભિમાન ન આણે રે

'પર દુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે'.  પંક્તિ 'સંગત કોમ્યુનિટી સેન્ટર'ના સંચાલક અને 'સંગત ડે સેન્ટર'ના ભૂતપૂર્વ મેનેજર શ્રી કાંતિભાઈ નાગડાને પૂર્ણપણે બંધ બેસતી છે. એ દિવસોમાં હું 'સંગત ડે સેન્ટર'માં જતી એટલે તેમનો મને સારો એવો પરિચય. 'જીવંત પંથ'માં શ્રી સી. બી. પટેલ કહે છે તેમ કાંતિભાઈ વિશે લખવા બેસીએ તો 'ગુજરાત સમાચાર'નું એક પાનું પણ ઓછું પડે. તેથી થોડા જ શબ્દોમાં કહું તો શ્રી કાંતિભાઈ નાગડા એટલે દુઃખીયારાના બેલી, વિકલાંગોના મિત્ર, ગુજરાતીઓનું ગૌરવ અને સંતાનોએ તરછોડેલા વૃદ્ધ માતા-પિતાના સાચા સગા. કાંતિભાઇ જેવા મિતભાષી, નમ્ર સ્વભાવ સામે નિઃસ્વાર્થ સેવા, લેશમાત્ર પણ નામના મેળવવાની લાલસા નહીં. આવા આદર્શ સમાજસેવક મળવા દુર્લભ છે.

મુઠ્ઠી ઊંચેરા માનવીની યાદીમાં શ્રી કાંતિભાઈ નાગડાનું નામ હંમેશા ચમકતું રહેશે.

- ઈલાબહેન ત્રિવેદી, સ્ટેનમોર.

સન્ડે ટ્રેડિંગ અને આપણા દુકાનદારો

આપણા એશિયન મૂળના નાના દુકાનદારો માંડ માંડ વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હવે સરકાર સન્ડે ટ્રેડિંગના કલાકો હળવા કરવાની સત્તા સ્થાનિક કાઉન્સિલોને સોંપવા વિચારી રહી છે. અમ હવે કાઉન્સિલો વેપારના કલાકો વધારવા અમુક ઝોન જાહેર કરશે અને મોટા સ્ટોર્સને લાંબા સમય સુધી દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી મળશે. બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમે આ પગલાનો જોરદાર વિરોધ કર્યો છે પરંતુ તેમના વિરોધ કરવાથી સરકારના પેટનું પાણી હાલે તેમ નથી.

આવા સંજોગોમાં જો મોટા સ્ટોર્સ અને દુકાનો વધુ લાંબા સમય સુધી પોતાના સ્ટોર્સ ખુલ્લા રાખશે તો આપણા નાના દુકાનદારોના વેપારને જોરદાર અસર થશે.

- અતુલ ખમાર, માંચેસ્ટર

ક્રિસમસ લંચ અને સંસ્કાર

ભારતીયો અને આપણી હિંદુ સંસ્કૃતિ હંમેશા 'વસુધૈવ કુટુંબકમ્' સુત્રને અનુસરે છે અને આથી જ ક્રોયડનની યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટી દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી સ્થાનિક સમુદાયના લોકો માટે ક્રિસમસ લંચનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઅો, અગ્રણીઅો અને વિવિધ ચર્ચ અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધીઅો હાજર રહે છે.

આ કાર્યક્રમથી અપણા સમુદાય સાથે સ્થાનિક સમુદાયનો ભાતૃભાવ તો વધે જ છે સાથે આપણા સંસ્કાર, ધર્મ, રહેણીકરણી, ભોજન વગેરેનો પરિચય પણ સ્થાનિક સમુદાયને થાય છે. આટલું જ નહિં આપણા લોકો પરત્વેની કેટલીક ખોટી ગેરસમજ પણ આવા કાર્યક્રમથી દુર થાય છે.

મારા મતે આવા કાર્યક્રમો દરેક નગર અને શહેરમાં થવા જોઇએ અને આપણા તહેવારોમાં પણ સ્થાનિક શ્વેત-અશ્વેત મિત્રો, પરિચીતો અને સહકર્મચારીઅોને નિમંત્રણ આપવું જોઇએ. ઇસ્ટ આફ્રિકામાં આપણે સ્થાનિક સમુદાયથી અળગા રહ્યા હતા તેને કારણે જ અપણે તે દેશ છોડવાનો સમય આવ્યો હતો. અત્યારે વસાહતીઅો સામે ભારે આક્રોશ ફેલાઇ રહ્યો છે અને ઘણી વખત રંગદ્વેષનો સામનો કરવો પડે છે ત્યારે આવા ક્રિસમસ લંચના કાર્યક્રમો ખૂબજ અગત્યતા ધરાવે છે.

- અર્જુન પટેલ, હેરો

હિન્દુ ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ

પાંચ હજાર વર્ષ કરતા પણ વધુ જુના હિન્દુ ધર્મને પાળતા લોકો બ્રિટનમાં સૌથી વધુ સુખી જણાયા તે ખરેખર આપણા સૌ માટે ગર્વની વાત છે. આનંદ એ વાતનો છે કે ખ્રિસ્તીઓ બીજા, શીખ ત્રીજા અને બૌદ્ધો ચોથા ક્રમે સુખી જણાયા. આનો અર્થ એ થયો કે પ્રથમ ચાર ધર્મમાં ત્રણ ધર્મ તો ભારતીય ધર્મ છે. કમનસીબે સૌથી વધુ દુ:ખી ધર્મ નહિં માનનારા લોકો હતા.

આ સર્વે જ બતાવે છે કે હિન્દુ ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે અને તેનું જો ચિવટથી પાલન કરવામાં આવે તો દરેક સમસ્યાનો ઉકેલ આપણા વેદો, ઉપનિષદો, ગીતા, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાંથી મળી આવે છે. 'ગુજરાત સમાચાર'માં શિક્ષાપત્રીનો ઉલ્લેખ કરાયો છે. આ શિક્ષાપત્રીમાં જણાવેલ સૂચનોનું જો પાલન કરાય તો ઘણીબધી તકલીફોમાંથી આપણે બચી શકીએ. આવા સમાચાર વિષે આપણા બાળકો અને યુવાનોને જણાવતા રહેવું જોઇએ જેથી તેઅો યુનિવર્સીટીઅોમાં કે મિત્ર વર્તુળમાં પોતાના ધર્મ અંગે ગૌરવ લઇ શકે.

- રશ્મિકાંત મહેતા, લેસ્ટર.

ટપાલમાંથી તારવેલું....

- સુધાબહેન ઠકરાર, પીનરથી જણાવે છે કે ઉત્તરાયણના દિવસે દાનપુણ્યનો ખાસ મહિમા છે. ગાયને ઘાસ, બ્રાહ્મણો-ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, ગોળદાન તેમજ પક્ષીઓને ચણ, વડીલવર્ગની સેવા અને ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. મકર સંક્રાંતિ આપણને સૌને જીવનમાં પતંગની જેમ ઊંચે ચડવાનો ઉપદેશ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter