એનએચએસનો ગંજાવર ખર્ચ

Tuesday 21st July 2015 14:44 EDT
 

સરકાર આપણી પાસેથી વેરા ઉઘરાવીને એનએચએસની સેવાઅો પાછળ ગંજાવર ખર્ચ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે દેશની જનતા પૈકી મોટા ભાગના લોકો એનએચએસની સેવાઅોથી નારાજ છે. દર ત્રણ દિવસે £૧ બિલિયનનો ખર્ચો કરતા એનએચએસના બજેટ અને ખર્ચા વિષે વિસ્તૃત સમાચાર 'ગુજરાત સમાચાર'માં વાંચ્યા. આમ આદમીની તકલીફો જો હલ ન થતી હોય તો આવા તંત્રનો ફાયદો શું? થોડાક લોકોને કદાચ ફાયદો થતો હશે, પરંતુ જે રીતે અખબારી અહેવાલો જોઇએ છે તે જોતા ઘણી વાર લાગે કે એનએચએસ દ્વારા વગર કારણનો ખર્ચો થાય છે અને લોકોની મહેનતની કમાણીના નાણાં વેડફાય છે.

- હસુભાઇ પટેલ, નોર્બરી.

નરેન્દ્રભાઇ મોદીની બ્રિટનની મુલાકાત

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી બ્રિટનની મુલાકાતે આગામી નવેમ્બર માસમાં આવનાર છે તેવા સમાચાર વાંચીને ખૂબ જ આનંદ થયો. નરેન્દ્રભાઇ મોદીની જીત માટે કદાચ સૌથી પહેલો સહયોગ બ્રિટનની જનતા તરફથી અપાયો હતો. નરેન્દ્રભાઇએ અમેરિકાની મુલાકાત વખતે અમેરિકાવાસીઅોને અોસીઆઇ કાર્ડ અને પીઆઇઅો કાર્ડ જોડી દેવાની જાહેરાત કરી અદ્વિતીય ભેટ આપી હતી. શું નરેન્દ્રભાઇ શિયાળા પહેલા અહિં આગમન કરી આપણા વૃદ્ધ વડિલો, સગર્ભા બહેનો અને નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઅોને અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટની ભેટ આપશે ખરા?

નરેન્દ્રભાઇ મોદી મુખ્યપ્રધાન હતા ત્યારથી આપણી આ માંગણીને જાણી રહ્યા છે અને 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તરફથી નમોને આ માટે પીટીશન પણ અપાઇ ચૂકી છે ત્યારે હવે નરેન્દ્રભાઇ આપણી ડાયરેક્ટ ફ્લાઇટ માટે જરૂર કોઇ નિવેડો લાવશે તેવી આશા છે. જો બ્રિટીશ ગુજરાતીઅો માટે 'અચ્છે દિન નહિં આવે તો' મોદીજી તરફની લોકોની આશા મરી પરવારશે એ ચોક્કસ છે.

- અજય પટેલ, ઇસ્ટહામ.

સિસ્ટમ નિર્મલા જોશી

૧૯૭૯માં કલકત્તામાં માનવતાના સેવા કાર્યો માટે નોબેલ પ્રાઈઝ વિજેતા મધર ટેરેસાના ઉત્તરદાયી સિસ્ટર નિર્મલા જોશી ગત તા. ૨૩ જૂન ૨૦૧૫ના રોજ નિધન પામ્યા તેની નોંધ મીડીયામાં બહુ ન લેવાઇ. ૧૯૪૭ના વર્ષમાં ભારત-પાકિસ્તાનના વિભાજનના સમયે હિંદુ-મુસલમાનો વચ્ચેની કત્લેઆમ જોઈને કંપી ઊઠેલા સિસ્ટર નિર્મલા જોશી સમજી ન શક્યા કે શા કારણે લોકો લોહીની નદીઓ વહાવી રહ્યા છે. આ સમસ્યાને સમજવા માટે તેઓ ૨૪ વર્ષની ઉંમરે કલકત્તા આવ્યા અને મધર ટેરેસાને મળ્યા.

છ વર્ષ સુધી મધર ટેરેસાની અનુકંપા દ્વારા પ્રેરણા મેળવ્યા બાદ ૧૯૩૪માં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા કુસુમ જોશી એપ્રિલ ૧૯૫૮માં રોમન કેથલિક ધર્મ સ્વીકારીને મધર ટેરેસાના 'ધ મિશનરીઝ ઓફ ચેરિટી'માં સિસ્ટર નિર્મલા નામ અપનાવીને સાધ્વી (નન) બન્યા.

પાતળા, સદાય હસતા ચહેરાવાળા સિસ્ટર નિર્મલાએ મધર ટેરેસાના માનવ સેવાના કામની જવાબદારી ઊપાડીને થાઈલેન્ડ, ઈઝરાયેલ, અફઘાનિસ્તાન જેવા દુનિયાના ૧૩૪ દેશોમાં મધર ટેરેસાના આશ્રમોની સ્થાપના કરી.

સિસ્ટર નિર્મલાએ બે સત્ર મઠના ઉપરી રહ્યા બાદ ૨૦૦૯માં નિવૃત્તિ સ્વીકારી. રોમના વેટીકનના અખબારના અહેવાલ મુજબ તેઅો મેલેરિયાના રોગથી મૃત્યુ પામ્યા.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

વાચકો પ્રત્યે પ્રીતિ

તા. ૧૮-૭-૨૦૧૫ના 'ગુજરાત સમાચાર' સાથે 'એફબીઆઈ વિશેષાંક' મળ્યો. આ અંકનું વિમોચન ‘હાઉસ ઓફ કોમન્સ’ ખાતે કરાયું, જે બતાવે છે કે 'ગુજરાત સમાચાર'ની પ્રખ્યાતિ અપૂર્વ છે. આ વિશેષાંક અને અન્ય વિશેષાંકો પ્રતિ મહિને સરેરાશ દરેક લવાજમી ગ્રાહક મિત્રોને વિનામૂલ્યે મોકલવામાં આવે છે અને આજ બતાવે છે કે 'ગુજરાત સમાચાર' ગ્રાહક મિત્રો સાથે ધંધાકીય વ્યવહાર રાખતું નથી. તેના માટે માનનીય સીબીને તેમજ અન્ય કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. 'ગુજરાત સમાચાર' હરહંમેશ પ્રગતિના શિખરો સર કરે તેવી પરમકૃપાળુ પરમાત્મા પ્રભુ પાસે પ્રાર્થના અને સર્વે ગ્રાહકમિત્રો તરફથી શુભકામના.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

રથયાત્રા સંદેશ

૧૭મી જુલાઈના રાતે કેનેડામાં ટીવી ઉપર અમદાવાદ-જગન્નાથપુરીની રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈ રહ્યો હતો. માનવ મહેરામણની યાત્રામાં અદભૂત દર્શન થયા. મંગળા આરતી અને ત્યારબાદ યાત્રાની શુભ શરૂઆત ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે કરી. આંખો પર બાંધેલા પાટાનું મહત્ત્વ સમજાવતા ટીવી પ્રવક્તાએ સુંદર જણાવ્યું હતું કે પ્રભુ તેમની આંખ ઉપર બાંધેલા પાટાથી પૃથ્વીના મનુષ્યોને કહે છે કે કળિયુગમાં મનુષ્યની આંખ ઉપર ઈર્ષ્યા, દ્વૈષ, ભૌતિક સુખ, મોજશોખની દોડમાં થતી અનીતિ, માનસિક તનાવ, કુટુંબમાં કલેશ, ભ્રષ્ટાચાર, નૈતિક મૂલ્યોના અભાવથી પાટા બંધાયેલા છે. ભગવાન મંદિરમાંથી નીકળી રથયાત્રાથી નગરજનોને સંદેશ આપે છે કે જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ખરો જોઈતો હોય તો આ બંધાયેલા પાટાને છોડી નૈતિક મૂલ્યોથી જીવન જીવવાનો સંદેશ દર વર્ષે રથયાત્રાના નિમિતથી આપે છે. રથયાત્રાનો ખરો સંદેશ ત્યારે મને સમજાયો.

રથયાત્રાના દિવસે ૧૮મી જુલાઈએ ન્યેરી - કેન્યાથી સવારમાં પૂ. મોરારિબાપુએ પોતાની કથામાં રથયાત્રાની હિંદુભાઈઓને શુભેચ્છાઓ, મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક અને કચ્છી ભાઈઓને નવા વર્ષની શુભેચ્છાઅો પાઠવી જીવનના ધર્મરથનું મહત્ત્વ તે જ રીતે સમજાવ્યું હતું. આજના જમાનામાં કૌટુંબિક પરિવારના સંબંધોમાં ઓટ આવે છે અને તેનું મુખ્ય કારણ પોતાના મોજશોખ, સુખસાહ્યબી માટે બીજાની સંપત્તિ, કાવા-દાવા, ખોટા દસ્તાવેજો બનાવી હડપ કરવાની વૃત્તિ મુખ્ય ભાગ ભજવે છે અને ખોટી પ્રશંસા કરતા લોકો સાથેના સંબંધોમાં વૃદ્ધિ થાય છે.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ

વાંચો વિચારો અમલમાં મૂકો

સંપ્રદાય વિરુદ્ધ ફેલાવાતા ભાષણ બાદ પાકિસ્તાનની આતંક વિરુદ્ધની અદાલતના ન્યાયાધીશ ખાલીદ અર્શદે એક મુસ્લિમ ઉલેમાને ૧૦ વર્ષની જેલ અને સાડા સાત લાખ રુપીયાનો દંડ કર્યો. ભારતમાં દરેક ધર્મનો આદર થવો જોઈએ પણ આદિત્યનાથ, આઝમખાન, હુર્રિયત નેતાઅો અને દરેક પક્ષના નેતાઅો પોતાની જીભ, વર્તણૂંક અને ભાષા ઉપર કાબુ રાખતા નથી. બેફામ બોલીને દેશનું વાતાવરણ કલુષિત કરી પ્રજામાં ઝેર રેડે છે. આવા નેતાઓને સબક શીખવાડવા સખત કાયદો કરી જેલ દંડની જોગવાઈ કરવી જોઈએ. આતંકવાદે દુનિયાને ભરડો લીધો છે. ટ્યુનિશિયા, કુવૈત, ફ્રાંસમાં નિર્દોષ માનવીની હત્યા થઈ. બ્રિટન વધુ ભોગ બન્યું. રમઝાનના પવિત્ર મહિને મુસ્લિમો જો વચનબદ્ધ થાય કે અમારા કટ્ટરવાદી આતંકવાદને નષ્ટ કરીશું તો કેટલું સારૂ. સિરિયા, પાકિસ્તાન, લિબિયા, ઈરાક જેવા મુસ્લિમ દેશમાં આતંકવાદ વકરી રહ્યો છે. કાં તો ધર્મની સમજમાં ગરબડ છે અથવા તો તેના પાલનમાં ગેરસમજ છે. કોઈ ધર્મ આતંકવાદને સમર્થન આપતો નથી.

- પ્રફુલ્લ પંડ્યા, લેસ્ટર

ધાર્મિક સ્થળો પાસે જ વાહન પાર્કિંગનું દુષણ

અમે અહીં લેસ્ટરમાં રહીએ છીએ. પણ અમારા ઘરની બાજુમાં આવેલ એક ધાર્મિક સ્થળ હોવાથી અમારી તકલીફ વધી ગઇ છે. આપણાં જ કેટલાક શ્રધ્ધાળુઅો જેમ તેમ ડબલ યલો લાઈન પર પોતાની કાર પાર્ક કરી દર્શન કરવા જતા રહે છે. આપણે એટલા બધા સ્વાર્થી છીએ કે બીજાનો વિચાર કરતા નથી કે બીજાને કેટલી તકલીફ થશે. અમે અને અન્ય રહીશો ન તો અંદર આવી શકીએ છીએ કે ન તો બહાર જઈ શકીએ. આપણે ગુજરાતી લોકો ક્યારે સુધરશું?

'ગુજરાત સમાચાર' એક જ એવું છાપું છે કે જેનો ઘણો પ્રભાવ પડે છે.

- સ્થાનીક રહીશો, લેસ્ટરમાં

(નોંધ: વ્યાજબી ફરિયાદના કારણે આ પત્ર લખનારા લોકો અને તેમનું સરનામુ છુપાવાયું છે. ધાર્મિક સ્થળના સંચાલકોને વિનંતી કે તેઅો દર્શન કરવા આવતા ભક્તોને આ બાબતે સજાગ કરે અને આપણા જ ભાઇ બહેનોની તકલીફોનો અંત લાવે. - તંત્રી.)

ટપાલમાંથી તારવેલું

- લંડનથી ડો. નગીનભાઇ પટેલ તરફથી ધર્મ અને અંધશ્રધ્ધા વિષે લખાયેલો પત્ર સાંપડ્યો છે. પરંતુ સ્થળ સંકોચના કારણે લઇ શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter