ક્યાં ગઈ હિન્દુસ્તાનની સંસ્કૃતિ?

Tuesday 07th April 2015 07:46 EDT
 

જે દેશમાં મા દુર્ગાની પૂજા અને લાખો હવન થાય છે ત્યાં હવે છાશવારે સ્ત્રીઓના બળાત્કાર વધી જવાથી ભારતની ભૂમિ કરુણામય બનતી જાય છે. બાળાઓ, સ્ત્રીઓ, વૃદ્ધો કોઈ ક્યાંય સુરક્ષિત નથી. થોડા દિવસ પહેલાં નાગાલેન્ડમાં છોકરી પર કહેવાતો બળાત્કાર કરનારને જેલમાંથી કાઢીને હજારો લોકોએ હંગામો કરી મારી નાંખ્યો. કારણ દિલ્હીમાં નિર્ભયા પર બળાત્કાર અને હત્યા કરાયા બાદ આરોપીઅોેને ફાંસીની સજાને બદલે જેલ મળી.

એક બળાત્કારીના બાપે તથા તેના બેરિસ્ટરે કહ્યું કે છોકરીઓએ રાત્રે બહાર ફરવા ન જવું જોઈએ. છોકરાઓ તો આવું કરે. ધિક્કાર છે આવા બાપ અને બેરીસ્ટરને તેમજ તેમની વિચારસરણીને. ક્યાં ગઈ હિન્દુસ્તાનની સંસ્કૃતિ? ગર્ભાસાન - એક સંસ્કાર હતા, જે નાબૂદ થઈ ગયા છે. બળાત્કારીએ પોતાની હવસ બુઝાવવા નાની બચ્ચીથી માંડીને વૃદ્ધાને બક્ષ્યા નથી. બળાત્કારીને ફાંસીની સજા મળતા તેનું એક ઝટકે મોત થાય છે. પણ બળાત્કારનો શિકાર થયેલી સ્ત્રીઓને શારીરિક અને માનસિક યાતનાથી જીંદગી આખી ભોગવવી પડે છે અને તે એક જીવતી લાશ બની નીરસ થઇ ઘરમાં ફરતી દેખાય છે.

હિન્દુસ્તાન બીજી રીતે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. પણ બળાત્કાર જેવી એક ગંભીર, ભયંકર અને સળગતી સમસ્યાને ધ્યાનમાં લઈ સરકારે આરોપીઓને કડકમાં કડક સજા આપીને દેશની બેટીને ન્યાય અપાવવો જોઈએ નહીંતર ઈતિહાસમાં ભારત દેશ એક મહાન દેશને બદલે એક હેવાન દેશ તરીકે ઓળખાશે.

- સુધા રસીક ભટ્ટ, બેન્સન.

0000

કહેવું બહુ સહેલું, પણ કરવું ખૂબ અઘરું

દિલ્હીની ચૂંટણીમાં 'આમ આદમી પાર્ટી'ના વિજય બાદ અરવિંદ કેજરીવાલ સામે પક્ષમાંથી જ વિરોધના સુર ઊભા થયા છે. વિરોધનેજોતા તેમને માટે સરકાર ચલાવવી આકરી પડશે. હાલ તો પાર્ટીએ આપેલા વચન મુજબ તેઅો નિષ્ઠાપૂર્વક સરકાર ચલાવવામાં સફળ થાય અને ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેશે તેવી આશા રાખી શકીએ. બાકી દિલ્હીની સરકાર ચલાવવાની ખૂબ જ અઘરી છે. કહેવત છે ને કે 'કહેવું બહુ સહેલું છે અને કરવું ખૂબ અઘરું છે.'

હમણાં પૂ. મોરારિબાપુની સુરતની થયેલી કથામાં તેમણે એક સુંદર વાત કરેલી. દશરથ રાજા દર્પણમાં તેમનો ચહેરો જોતા હતા ત્યારે મુગટ વાંકો દેખાતા તેમણે તે સીધો કરી દીધો હતો. તે પછી જણાવેલ કે 'કોઈપણ વ્યક્તિને સમાજમાં અને કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ જ પ્રતિષ્ઠા મળે ત્યારે મનરૂપી અરીસામાં જોઈને નક્કી કરવું કે પોતે તે સફળતા માટે લાયક છે? અને નિષ્ઠાપૂર્વક સફળતાને અહમ, અહંકાર વિના નિભાવી શકશે.'

જોઈએ, કેજરીવાલ વચનોનું પાલન કરે છે કે પછી પેલા રાજકારણીની માફક બીજા ઉપર દોષનો ટોપલો નાખવાનો પ્રયત્ન કરશે.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

00000000

અચ્છે દિન આયેંગે?

બીજા દેશોની સરખામણીએ બાળમૃત્યુના ઊંચા દરનો આંકડો, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યાનો અભાવ વગેરે બાબતોથી ભારતનું આરોગ્ય ખાતું ઘણા લાંબા સમયથી વગોવાયેલું છે. મે-૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલાં પ્રવચનોમાં કહેલું કે 'અમે સત્તા હાંસલ કરીશું તો દેશના વહીવટી માળખામાં ફેરફાર કરીને ગરીબો માટે સગવડો વધારીશું.' પરંતુ તાજેતરમા શ્રી મોદીની સરકારે આરોગ્ય ખાતાના બજેટમાં ૨૦ ટકાનો કાપ મૂક્યો છે. સરકારી આંકડા મુજબ એચઆઈવીના દર્દથી પીડાતી વસ્તીમાં વિશ્વમાં ભારતનો ત્રીજો નંબર છે. છતાં તે પ્રોગ્રામમાં પણ ૩૦ ટકાનો કાપ મૂકાયો છે. ટીકાકારો કહે છે કે ચૂંટણી પહેલાં આપેલા વચન મુજબ આવા કાપ મૂકવાની ગરીબોની સગવડ કેવી રીતે વધશે?

ચૂંટણી દરમિયાન ભાજપનું સૂત્ર હતું ‘અચ્છે દિન આયેંગે’ ભારતની જનતાએ મોટી આશાઓ સાથે કોંગ્રેસને જાકારો આપીને ઐતિહાસિક નવી સરકારને સત્તા સોંપી છે. હવે ભવિષ્ય જ કહેશે કે ‘અચ્છે દિન આયેંગે’ કે નહીં. મે ૧૯૯૪માં નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના પ્રમુખપદે આવ્યા ત્યારે બધા નાગરિકોને આવાસ પૂરા પાડવાનો વાયદો કરેલો પણ આજેય ૨૦ વર્ષ પછી પણ મોટાભાગની વસ્તી આવાસહિન છે.

લેખકો સાથે વાંચકોના મંતવ્યો અને અભિપ્રાયો વ્યક્ત કરી ખૂબ સંતોષ આપતું આપણું જગપ્રસિદ્ધ 'ગુજરાત સમાચાર' અચુક વખતસર મળી જતાં ઘણો આનંદ થાય છે. તમારી અથાક મહેનત અને પરિશ્રમ દાદ માંગી લે છે. લેખ- સમાચારો - પત્રો ખરેખર ખૂબ જ ભાવસભર હોય છે તે માટે આપ સૌને ખાસ ખાસ અભિનંદન ઘટે છે.

- દિનેશ માણેક, સાઉથફિલ્ડ્ઝ.

000000

‘હાંક્યે રાખો બાપલા’

આ સાથે એક વર્ષના લવાજમનો £૨૮.૫૦નો ચેક મોકલું છું. તો લાવાજમ રીન્યુ કરી દેશો.

સાચુ કહું તો 'ગુજરાત સમાચાર'માં ઘણું બધું જાણવાનું મળે છે અને સમાચાર પણ દેશ દેશાવરના વાંચી ખુશી અનુભવીએ છીએ. 

તમારી 'ગુજરાત સમાચાર'ના ટીમ-મેમ્બરોને ઘણી ઘણી શુભેચ્છાઓ અને અભિનંદન. સી. બી. સાહેબને નમસ્કાર. ‘હાંક્યે રાખો બાપલા’ દુનિયાના પ્રવાહમાં.

- દયારામભાઈ જોષી, વેમ્બલી

૦૦૦૦૦૦૦

આ જયંતી - જયંતી શું છે?

દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશભક્ત શૂરવીરો માટે ઘણો જ આદર રાખવો અને તેમના બલિદાનને સાચા હૃદયથી યાદ કરી તેમણે કરેલા કાર્યોને નજર સમક્ષ રાખી દેશનું ઋણ ચૂકવવું તે દરેક નાગરિકની ફરજ છે. પરંતુ હાલ જે થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય છે? દરેક નાગરિકને શું લાભો મળે છે? ફક્ત સરકારી કર્મચારીઓ (બાબુઓ) ને જ લ્હાણી મળે છે. દા.ત. ગાંધી જયંતી, તો તે જાહેર રજા માત્ર છે. એક આ જયંતીની રજા માટે સરકાર એક અબજ છવ્વીસ કરોડનું નુકસાન ભોગવે છે. હવે વિચાર કરો કે વર્ષમાં કેટલી જયંતી, કેટલા તહેવાર આવતા હશે. આમ અડધા વર્ષની રજાઓ આ સરકારી બાબુઓ ભોગવે છે. ઉપરથી એશઆરામથી કામ કરવાનું. આમ આદમી માટે શું કદાપી વિચાર્યું છે? જે પણ વ્યક્તિની જયંતિ આવે ત્યારે તેમની શહાદત કે કાર્યને સલામ કરી પ્રજાએ એક કલાક વધારે કામ કરવું જોઈએ. દસ વર્ષની આવી જયંતિની રજાઓના મળતાં પગારનું સરવૈયું કાઢવામાં આવે તો તે જ નાણાંથી સ્વચ્છ ભારત - સ્વચ્છ નદીઓ થઈ શકે. અરે એક વર્ષની આ જયંતિ રજાઓના નાણામાંથી સારી સ્કૂલો - દવાખાના બનશે. કેટલીક સારી સુવિધાઓ ઊભી કરી શકાશે. દેશમા મંદગતિથી ચાલતા સરકારી કામો ઝડપથી ગતિ થશે. બીજાનું જોઈને શીખવામાં નાનમ નથી. વિકાસ કરવો હોય તો જયંતિના દિવસે એક કલાક વધુ કામ કરો.

મોટા વચનો આપ્યા વગર આ બાબત ઉપર વડા પ્રધાન ધ્યાન આપે.

- શરદચંદ્ર છોટાલાલ રાવ, લેસ્ટર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter