ગુજરાતી ભાષાનું ભાવિ

Tuesday 15th March 2016 08:51 EDT
 

GCSE અને A લેવલમાં ગુજરાતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે તે બાબતે પ્રકાશ પાડવા બદલ અમે 'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર'નો ખૂબજ આભાર માનીએ છીએ. 'કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સ' દ્વારા ગુજરાતીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઅોની સંખ્યામાં વધારો થાય તે માટે અમે દરેક પ્રયત્નો કરી રહ્યા છીએ. આ માટે અમને ગુજરાતી શિખવતી તમામ સ્પલીમેન્ટરી, કોમ્પલીમેન્ટરી અને મેઇનસ્ટ્રીમ શાળાઅોના સહકાર અને મદદની ખૂબજ જરૂર છે.

અમે ગુજરાતી શિખતા વિદ્યાર્થીઅોની ઘટતી સંખ્યા અંગે લંબાણપૂર્વક સ્થાનિક એમપીઅો અને શિક્ષણ વિભાગના અધિકારીઅો સાથે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છીએ. અત્યારે ભલે GCSE અને A લેવલમાં ગુજરાતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોની સંખ્યા ઘટતી જતી હોય પરંતુ અમને વિશ્વાસ છે કે જે રીતે હાલ વિકેન્ડમાં નાના બાળકો ગુજરાતી ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે તે જોતાં નજીકના ભવિષ્યમાં તે સંખ્યામાં વધારો થશે. આ માટે અમને આંકડાઅોની જરૂર છે.

અમે સૌ ગુજરાતી શિખવતી તમામ સ્પલીમેન્ટરી, કોમ્પ્લીમેન્ટરી અને મેઇનસ્ટ્રીમ શાળાઅોના સંચાલકોને વિનંતી કરીએ છીએ કે તેઅો તેમની શાળામાં ગુજરાતી શિખતા વિદ્યાર્થીઅોની સંખ્યા વગેરેની માહિતી આપે (Tel.: 020 8421 5536).

- જયંતભાઇ તન્ના, ચેરમેન, કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સ.

હરિશ પટેલ સાચા અર્થમાં મહામાનવ

જાણીતા અગ્રણી, દાનવીર અને સાચા અર્થમાં મહામાનવ એવા હરિશભાઇ પટેલનું ૬૦ વર્ષની વયે થયેલા અકાળ અવસાનથી ગુજરાતી સમુદાયમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. હરિશભાઇને સમાજ સેવા અને સખાવતના સંસ્કાર તેમના સદ્ગત પિતાશ્રી આઇ.કે. પટેલ પાસેથી મળ્યા હતા. તેમના પિતાના અવસાન પછી હરિશભાઇની આગવી છબી ઉપસી હતી અને તેઅો હરહંમેશ સદાય આપણા સમુદાયના લોકોની મદદ કરવા તત્પર રહેતા હતા. આઇકે ફાઉન્ડેશન દ્વારા હરિશભાઇએ ખરેખર ખૂબજ સેવા સખાવત કરી હતી. 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'માં શ્રી હરીશભાઇને સર્વશ્રેષ્ઠ અંજલિ અર્પણ કરવામાં આવી હતી તે ખરેખર સરાહનીય છે. - અજય પટેલ, હેરો.

આપણી જીવનશૈલી

આપણું જીવન, આપણું શરીર, આપણો આત્મા. ભગવાને આપણને આપેલું આ સુંદર માનવ તન. ભગવાનના કોઈ હેતુસર અને આપણા ઋણાનુબંધે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ. આ બધું આપણને સમજમાં આવતું નથી. ભગવાનની ગતિ અતિ ન્યારી છે. આપણો જન્મ થયો તો મૃત્યુ તો નક્કી જ છે. આ જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે ગાળો છે એ આપણી જીવનશૈલી છે. આપણે સૌ કેવું જીવન જીવીએ છીએ એના પર આપણા આખા જીવનનો આધાર છે. આપણે માનસિક, શારીરિક, કૌટુંબિક તેમજ આધિ-વ્યાધિ, ઉપાધિ અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. કોઈ પણ સમસ્યાથી આપણું મન અનેક વિચારોના વમળમાં ઘેરાઈ જાય છે અને એવા ગમગની વાતાવરણને કારણે આપણે અશાંતિ અનુભવીએ છીએ.

એક દિવસ આપણા જીવનનો અંત આવી જશે. મારું, મારું કરી બધું ભેગું કર્યું અને અંતના સમયે બધું જ અહીં છોડીને ચાલ્યા જઈશું. જીંદગી એક સ્વપ્ન છે. ભગવાને જે કામ માટે આપણને આ પૃથ્વી પર મોકલ્યાં છે તો એમનું ઋણ અદા કરી આ જીવનને સાર્થક બનાવીએ. ‘તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.’

- રતિલાલ ટેલર સાઉથ ગેટ

શિક્ષાપત્રી કર્મ સુધારાની ચાવી

તા. ૧૩-૨-૧૬ના 'ગુજરાત સમાચાર'માં આવેલા લેખ 'માનવ જીવનમાં ધર્મ-નીતિનો ઉજાશ પાથરતી શિક્ષાપત્રી' વાંચી આનંદ થયો. માનવ સ્વભાવમાં લાગણી, પ્રેમ, સંસ્કાર લઈને જન્મે છે. મોટા થતા સમજણ આવતા પવિત્ર સ્વભાવમાં લોભ તથા કપટ પેદા થાય છે, જે જીવનને નુકસાની પહોંચાડે છે. મહાભારત તથા રામાયણના ગ્રંથોમાં સારપ તથા કપટ બંને છે.

કળિયુગમાં બેલેન્સ લાઈફ સ્થાપવા માટે ભગવાન સહજાનંદે શિક્ષાપત્રી લખી જેમાં માણસ જાતને સુખી જીવન જીવવા ધાર્મિક નિયમો લખ્યા. આ નિયમોનું પાલન કરવાથી આપણા કર્મો સુધરે છે અને મોક્ષના માર્ગે જવાય છે. પણ કળિયુગમાં અમુક માનવીઅો ધર્મના અોઠા હેઠળ ખોટો ઢોંગ કરી ધર્મને વગોવે છે તેથી દુઃખ થાય છે. ગાંધીજી ગીતાના નિયમો જીવનમાં ઉતારી મહાન થઈ ગયા. શિક્ષાપત્રીના નિયમો પાળવાથી જીવન સુધરી જાય છે અને મોક્ષ મળે છે.

- મનોજ પટેલ, હેમલ હેમ્પસ્ટેડ.

ગંદકી અને શરમ

'બ્રેન્ટમાં ગંદકી કરનારા સામે પગલાં જરૂરી'ના મથાળા હેઠળ એક પત્ર તા. ૨૭ ફેબ્રુઆરીના અકમાં વાંચ્યો. બ્રેન્ટમાં જ નહીં દરેક સ્થળે ગંદકી કરનારા સામે પગલાં લેવાની જરૂર છે. સર્વત્ર આ દૂષણ, આ ઉપદ્રવના નિશાન જોવા મળે છે અને એ જોઈને મનમાં દુઃખ થાય છે.

સરકાર કે કાઉન્સિલ ઉપર બધો જ બોજ અને બધી જ જવાબદારી નાખવાથી ધાર્યું પરિણામ નહીં આવે. આપણા સમાજમાં જ જાગૃતિ આવે અને વિચારધારા બદલાય તો જ દીર્ઘકાલિન સુધારા અને પરિવર્તન આવશે.

પત્રમાં શ્વેત વ્યક્તિ ચાલતો હોય તો પણ ... પીચકારી... વાંચી મને આશ્ચર્ય થયું. શું ખરેખર શ્વેત વ્યક્તિનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) મેળવવા માટે જ આપણે વર્તણૂંક સુધારવી જોઈએ? આવી વિચારધારા ભારોભાર લઘુતાગ્રંથિની ચાડી ખાતી હોય એવું મને લાગે છે. અલબત્ત ખરાબ વર્તન તો ખરાબ જ કહેવાય. ફક્ત સ્થાનિક શ્વેત લોકોને રાજી રાખવા પૂરતું જ એવું ખરાબ વર્તન આપણે ટાળીએ તો એમાં શોભા નથી જ.

- સંજય દેસાઈ, ઈલફર્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter