ચક્ષુદાન મહાન દાન

Monday 28th September 2015 14:06 EDT
 

ચક્ષુદાન મહાન દાન

૧૨-૯-૧૫ના ‘ગુજરાત સમાચાર’માં ચક્ષુદાન વિશેનો લેખ વાંચ્યો. ખૂબ જ સરસ લેખ છે. ‘ગુજરાત સમાચાર’ના મારા વાંચકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે 'તમારાથી બને તો જરૂર ચક્ષુદાન કરજો'. કારણ કે મને મારા કુટુંબમાં અનુભવ થયો છે કે જેને આંખે દેખાતું ન હોય તેને કેટલી તકલીફ પડે છે. બને તો તમારી સાથે હંમેશાં ડોનર કાર્ડ રાખજો. જરૂર કોઈને મદદ થશે. આપણા ગયા પછી આપણા અંગોથી કોઈને કોઈ સારું થતું હોય તો સારામાં સારું પુણ્યદાન છે.

- સરોજ જોશી, નોર્થ હેરો.

માનવ અધિકાર અને વસાહતીઓ

આજનો ગંભીર સવાલ સીરિયાના તથા બીજા દેશોના વસાહતીઅોના ધસારાનો યુકે અને ઇયુના દેશ માટેનો છે. ઘણી વખત વિચાર વગરનો નિર્ણય ભારે પડે છે. જર્મનીએ આ બધા વસાહતીઅો માટે દરવાજા ખોલ્યા અને તે બદલ રેફ્યુઝી પાસેથી 'હીરોનો ઇલકાબ' પણ મેળવ્યો. પણ જર્મની માટે તે નિર્ણય સાપે છછુંદર ગળ્યા જેવો થયો છે. જર્મનીએ બધા વસાહતીઅોને સમાવતા પહેલા બીજા સાથી દેશોને પ્રથમ પૂછવુ જોઈએ અને પછી નિર્ણય કરવો જોઈએ. હવે પરિણામ ઊંઘુ આવ્યું છે અને બ્રિટન અને E.U.ના દેશો આ ભાર ઉઠાવી શકે તેમ નથી. હવે યુરોપીયન યુનિયન કમીશન તથા UNA For Refugees પોતાની ભૂલ માનવ અધિકારના નામે બીજા દેશોના ગળે ભરાવવા પ્રયત્ન કરે છે. સાડા ચાર વર્ષથી સીરિયામાં લડાઈ ચાલે છે પણ UN સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. આ ગરીબો પાછા જાય તો પણ તેમના માટે ત્યાં શું બચ્યું છે.!!! સાચું તો તે છે કે આ નિર્વાસીતો કફોડી હાલતમાં જોર્ડન જેવા દેશોના કેમ્પોમાં દુઃખી જીવન જીવે છે અને તેવા દેશને પણ ધન્ય છે કે સ્થિતિ ન હોવા છતાં નિર્વાસીતોને નિભાવે છે.

- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ.

વરવી રાજનીતિ

પાટીદાર અનામત આંદોલનને નીતિશકુમારે ટેકો આપી પોતાની રાજકીય ચાલ રમી બળતામાં ઘી હોમ્યું છે. જો તેમને ખરેખર ચિંતા હોય તો તેમણે 'આંદોલન જરૂરી છે પરંતુ હિંસક ન થવું જોઈએ' તેમ કહેવું જોઈએ. બિહારમાં ચૂંટણી આવે છે એટલે રાજકીય લાભ ખાટવા અને નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતને નુકશાન પહોંચાડવા પોતાની નિમ્નસ્તરની રાજકીય રમત રમી રહ્યા છે તે જરા પણ યોગ્ય નથી.

જો નીતિશકુમારને ખરેખર ચિંતા હોય તો આટલા વર્ષો સુધી કેન્દ્રમાં કે બિહારમાં કે અન્ય રાજ્યોની અનામત વિષે કેમ કોઈ દિવસ મુદ્દો ઊઠાવ્યો નથી.

બિહારમાં ઓબીસી નહીં તો બીજી અમુક કક્ષાએ અનામત તો હશે જ ને! તો તેઅો ત્યાંની ચિંતા કેમ કરતા નથી? તેમને એકાએક ગુજરાતની ચિંતા કેમ થવા લાગી? કારણ એટલું જ કે બિહારમાં ઈલેક્શન નજીક આવે છે અને નરેન્દ્ર મોદીના ગુજરાતની છાપ બગડે તો તેમાં તેમને સીધો ફાયદો દેખાય છે.

- પરેશ પી. દેસાઈ, લંડન.

આઝાદીના ૬૫ વર્ષ પછી આરક્ષણ

પટેલ જ્ઞાતીની ગણતરી સંપીલી, મહેનતકશ, ગૌરરવંતી, પુરુષાર્થી, જમીનદાર અને સમૃધ્ધ જ્ઞાતિ તરીકે થાય છે. ગુજરાતમાં તો લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ પરદેશમાં વસે છે અને તેઅો પોતાના વતન અને જ્ઞાતિ માટે કંઈ પણ કરવા તત્પર હોય છે.

કહેવાય છે કે વાંદરાને નિસરણી ન દેવાય કે દારૂ ન પીવડાવાય. ‘ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાખ’ એવા યુવાન વ્યક્તિને જો ખોટી વ્યક્તિ ભેટી જાય તો તેને ખોટે રસ્તે દોરી જાય છે. ભારતમાં પછાત ગણાવાનો વાયરો વાયો છે. પછાત હોવુ જાણે ગૌરવ હોય તેમ બધા મને પછાત ગણો અને મદદ કરોના ગાડરિયા પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. બધા માગે છે, પણ કોઈ આપવા તૈયાર નથી. નરેન્દ્રભાઈએ વિનંતી કરી હતી કે સમૃદ્ધ લોકો ગેસની સબસિડી ન લે, પણ કેટલા લોકોએ છોડી? કેટલા આગળ આવ્યા?

૬૫ વર્ષ પછી આરક્ષણ? એ જ દુઃખદ વાત છે. દરેક પક્ષના સમજુ વ્યક્તિની કમિટી બનાવી ફેરવિચારણા જરૂરી છે. મારા મતે આર્થિક રીતે પછાતને મદદ કરવી જોઈએ તેમના માટે વ્યવસ્થા કરવી જોઈએ.

સરદાર પટેલનું નામ લેતી વખતે તેમના ગુણોને સ્મરવા જોઈએ. સરદાર પટેલ ક્યારેય ભારત જ્ઞાતિમાં વિભાજિત થાય એવું ન ઈચ્છત. નરેન્દ્રભાઈને ધમકી આપવામાં આવે છે કે અમે વોટ નહીં આપીએ, આ બધા પાછળ રાજકીય રમત છે. હાર્દિક પટેલને કોણ ઓળખતું હતું? વાત વાતમાં રસ્તા પર ઉતરી પડતા લોકો દેશને મદદ નહિં નુકસાન કરે છે. અત્યારે બધા પોતાનું દેખે છે, દેશનું નહિં. આ ભારતનું દુર્ભાગ્ય છે અને આઝાદીના ૬૫ વર્ષ પછી દેશના હિતશત્રુઓ દેશને વિભાજીત કરવા કાર્યશીલ છે.

આંદોલનમાં મૃત્યુ પામેલાની જવાબદારી હાર્દિક પટેલ અને તેને ટેકો આપનાર લેશે? શાળા-કોલેજો અને નોકરીની બધી સીટો જુદી જુદી જ્ઞાતિની અનામત સીટો બની જશે અને હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થશે. આવા આંદોલનો દેશ માટે નુકસાનકર્તા છે. ‘આરક્ષણ ફેર વિચારણા માંગે છે. દરેક પક્ષ જ્ઞાતિના મત કરતા દેશ માટે વિચારે. દેશ સમૃદ્ધ સક્ષમ હશે તો ગમે તેવી વિપત્તિમાં ટકી રહેશું’ મારી તો પટેલોને એટલી જ વિનંતી કે આરક્ષણની માંગ મૂકી દો.

- નયના નકુમ, સાઉથ હેરો

(નોંધઃ લોહાણા, બ્રાહ્મણ, વાણીયા વગેરે બધી જ્ઞાતિના લોકો અનામતની માંગણી કરી રહ્યા છે. પટેલિયાઓ તો સ્વભાવ પ્રમાણે હોળીનું નાળિયેર બનવા આગળ આવ્યા છે એટલું જ. પરંતુ આંદોલન અહિંસક અને ગાંધી ચિંધ્યા માર્ગે જ હોવું જોઇએ. - તંત્રી.)

અનામતનું કોકડું

હજારો વર્ષોથી વર્ણાશ્રમના વિભાજનથી, પ્રજાએ કર્મથી નહીં પણ જન્મથી જ અમુક લોકોને દલિતો ગણ્યા ત્યારથી બાકીના ઉચ્ચ વર્ણોની દાદાગીરી, અણછાજતાં દબાણો તેમજ આભડછેટથી આ પીડિત પ્રજાની પ્રગતિનાં દ્વાર સદંતર બંધ થયાં. આજે પણ કેટલેક અંશે ગામડાઓમાં કાયદા-કાનૂન હોવા છતાંય, આ દૂષણ બંધ થયું નથી. હજીએ મહદઅંશે દલિતોની દયાજનક પરિસ્થિતિનો અંત આવ્યો નથી.

વનવાસીઓ અને આદિવાસીઓ માટે શૈક્ષણિક સગવડો અને ઉચ્ચ કક્ષાના શિક્ષકો તેમજ સંસ્થાઓ વગેરેની ભારે અછત છે. સરકારોની નાણાંકીય ફાળવણી નહીંવત્ જ રહી છે. આ બાબતમાં દરેક રાજ્યની સરકારોએ ખાસ ડિપાર્ટમેન્ટ્સ ઊભા કરવાની જરૂર છે. દેશની આઝાદી વખતે બંધારણમાં દલિતો અને આદિવાસીઓ માટે જે અનામતો અર્પણ કરાઈ હતી, જે યથાવત્ જ હતી. પરંતુ જ્યારથી અન્ય પછાત વર્ગોના (ઓબીસી) લોકો માટે અનામતનો અમલ થયો ત્યારથી બીજી અનેક જ્ઞાતિ અને જાતિઓની માંગો અને ચળવળો પેદા થઈ. આ વિકટ પરિસ્થિતિનું ગૂંચવાયેલું કોકડું કોઈપણ જાતની કમિટીઓ નીમવાથી ઊકેલી શકાય એમ જણાતું નથી.

આમાં મારી દ્રષ્ટીએ ત્રણ પર્યાય છે. સંપૂર્ણ અનામતોની નીતિને તિલાંજલિ, દલિત અને આદિવાસીઓ સિવાયની અન્ય અનામતો સદંતર બંધ કરી દેવી, કે પછી બીજા ૧૫-૨૦ વર્ષો સુધી દલિત અને આદિવાસી માટેની અનામતો ચાલુ રાખીને માત્ર નોકરીઓ માટે જ એનો અમલ કરવો અથવા જેમ મળે છે એવી જ શૈક્ષણિક અનામતો પણ ચાલુ રાખવી.

હા, ઊચ્ચ વર્ણોને નોકરીઓ અને શૈક્ષણિક એડમિશનો માટે અન્યાય થઈ રહ્યો છે એ એક વાસ્તવિક સત્ય છે. એમના અંગત હક્કો પર હથોડો પડ્યો છે એમાં બે મત નથી. પરંતુ એ બધી જ ઉચ્ચ જ્ઞાતિ અને બીજી જાતિઓએ પણ સહિષ્ણુ બનીને એમને અપાતી અનામતો બંધ કરવામાં શાંતિમય સહકાર આપવો જ રહ્યો. તો જ આ અનામતના ભૂતને ભગાડી શકાશે.

વનવાસી આદિવાસીઓ અને દલિતો માટે, દેશની શૈક્ષણિક સંસ્થાઓની હરોળમાં ઊભી રહે તેવી કક્ષાની શાળાઓ, કોલેજો, શિક્ષકો મકાનો અને વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સગવડો અને ધરખમ બાંધકામો માટે પૂરતી નાણાકીય જોગવાઈઓ ઊભી કરવી જ પડે. બારમા ધોરણ સુધી ફરજિયાત કેળવણી દાખલ કરવી પડે અને થોડીઘણી નોકરીઓની અનામતો ચાલુ રાખવી પડે, તો જ આ વિકટ પ્રશ્નને હલ કરી શકાશે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન

સફળતાની સરાહના 'એશિયન એચિવર્સ એવોર્ડ'

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા લંડનના હાઇડ પાર્ક સામે આવેલી ગ્રોવનર હાઉસ હોટેલમાં યોજાયેલા 'એશિયન એચિવર્સ એવોર્ડ'ના ૧૫મા વાર્ષિક એવોર્ડના સમાચાર વાંચીને ઘણો જ આનંદ થયો. આપણા લોકોની સફળતાને આપણે વધાવીશું નહિં તો કોણ વધાવશે? એવોર્ડના વિજેતામાં ક્રિકેટર મોઈન અલી, વેપાર સાહસિકો નિશ અને સચ કુકડીઆ, લેખક રોમેશ ગુણાસેકરા અને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત લોર્ડ રુમી વિરજીનું બહુમાન કરવામાં આવ્યું તેથી ખૂબજ આનંદ થયો.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' છેલ્લા ૧૫ વર્ષથી આવો શાનદાર કાર્યક્રમ કરે છે તે ગર્વની વાત છે. 'ગુજરાત સમાચાર'ને આવા આયોજન બદલ અને સૌ વિજેતાઅોને એવોર્ડ મેળવવા બદલ ધન્યવાદ. આવા સમારોહ અને એવોર્ડ આપણા યુવાનોને સફળતા મેળવવા માટે વધુને વધુ પ્રોત્સાહન અને બળ આપશે.

- રમેશ પટેલ, હેરો.

'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નો હું છેલ્લા ૩૨ વર્ષથી વાચક છું. જો 'ગુજરાત સમાચાર' મને શુક્રવારે ન મળે તો ખૂબ જ બેચેની લાગે છે. દર શુક્રવારે સવારે ઊઠીને ચા-નાસ્તો કરી હંમેશા ટપાલની રાહ જોવાનો મારો હંમેશનો ક્રમ છે. જો ટપાલમાં 'ગુજરાત સમાચાર' ન આવે તો મને ન ચાલે. છાપુ વાંચવાનો મારો ક્રમ શનિવારે સાંજ સુધી ચાલે. રવિવારે છાપુ વાંચવાનો વારો મારા પત્નીનો છે. અમને બન્નેને 'ગુજરાત સમાચાર' જોઇએ એટલે જોઇએ જ. અમે લંડનમાં હોઇએ ત્યાં સુધી કદી આ ક્રમ તુટ્યો હોય તેવું મને ખબર નથી.

પરંતુ મારા દિકરાએ હમણાં મને ભેટ આપેલ આઇપેડ ઉપર 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ સેટ કરીને સમાચાર બતાવ્યા. તેણે 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ લેટર માટે પણ મારા ઇમેઇલનું નામ નોંધાવી દીધું. આનંદની વાત એ છે કે હવે મારે પહેલાની જેમ શુક્રવારની રાહ જોવી પડતી નથી. દસ જ સેકન્ડમાં આઇપેડ ચાલુ કરી તાજા સમાચાર વાંચી લઉં છું. આ નવી ટેક્નોલોજી સારી અને સગવડવાળી છે પણ છાપુ વાંચવાની જે મઝા આવે છે તે અલગ જ છે.

રમણભાઇ શાહ, લેસ્ટર.

લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ

એર ઇન્ડિયા લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવા તપાસ કરી રહ્યું છે તેવા સમાચાર 'ગુજરાત સમાચાર'માં વાંચીને આનંદ થયો. પણ સાથે દુ:ખ એ વાતનું થયું કે મોદી સાહેબને વહાલા થવા આવું આયોજન કરાઇ રહ્યું છે.

આપણે 'ગુજરાત સમાચાર' દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ડાયરેક્ટ ફ્લાઇટ માટે ઝઝૂમીએ છીએ. પરંતુ એર ઇન્ડિયા દ્વારા તે માટે કોઇ જ સહકાર આપવામાં આવ્યો નહોતો. હવે મોદી સાહેબ યુકેની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એર ઇન્ડિયા સફાળુ જાગ્યું છે અને ડાયરેક્ટ ફ્લાઇટ માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

એર ઇન્ડિયાના અધિકારીઅોને એટલી સીધી સમજ નથી કે વાયા દુબાઇ અને અખાતી દેશો થઇને લંડનથી અમદાવાદ જનારા મસુાફરોની સંખ્યાનો સરવાળો કરશે તો તેમને ખબર પડી જશેકે કેટલો ટ્રાફિક છે. બીજી સીધી સાદી સમજ એે કે દુકાનખોલો પછી ખબર પડે કે ઘરાકી કેટલી છે. ધંદો જામે પછી કદી કોઇ ધંધાને તકલીફ પડતી નતી અનેધંધો સદાય વધતો જ જાય છે. આ તો અમદાવાદ જવાની જરૂરિયાત છે.

- અલ્કેશ માહ્યાવંશી, બર્મિંગહામ.

ટપાલમાંથી તારવેલું

* અર્જુનભાઇ રાવલ, હેરોથી જણાવે છે કે મહાનગર મુંબઈમાં બિરલા ગ્રૂપે ૪૨૫ કરોડ રૂપિયામાં જટિયા હાઉસ ખરીદીને સૌથી ઊંચી કિંમતની પ્રોપર્ટી ડીલનો વિક્રમ નોંધાવ્યો હતો. પણ મુંબઈના બ્રીચ કેન્ડી સ્થિત લિંકન હાઉસને પૂણેના ઉદ્યોગપતિ સાઈસ પૂનાવાલાએ ૭૫૦ કરોડ રૂપિયા એટલેકે £૭૫ મિલિયનમાં ખરીદીને રેકોર્ડ બનાવ્યો છે. આ સોદો મુંબઇની રીઅલ એસ્ટેટનો સૌથી મોટો સોદો છે.

* તેજપાલભાઇ શાહ, લેસ્ટરથી જણાવે છે કે સીબીનો જીવંત પંથ, વિષ્ણુભાઇ પંડ્યા અને હરિભાઇ દેસાઇની કોલમ વાંચવાની ખૂબજ મઝા આવે છે. 'ગુજરાત સમાચાર'માં દેશ વિદેશના તમામ સમાચારનો સમાવેશ ખૂબજ સરસ રીતે કરાય છે અને જો 'ગુજરાત સમાચાર' વાંચવા ન મળે તો જાણે કે જીવનમાં કાંઇક ખુટતું હોય તેમ લાગે છે.

૦૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter