જાગો નહીં તો...

Tuesday 13th January 2015 10:32 EST
 

જાગો નહીં તો...

ફ્રાન્સમાં જે ત્રાસવાદી હુમલો થયો તેના વિરોધમાં રવિવારે તા. ૧૧-૧-૨૦૧૫ના રોજ વર્લ્ડ લીડર્સ યુનિટી માર્ચ (રેલી) રાખવામાં આવી હતી. જેમાં વિશ્વના લગભગ ૬૦ દેશોના નેતા, રાજાઅો વગેરેએ ભાગ લીધો હતો અને આશરે ૩૭ લાખ માણસોએ હાજરી આપી હતી - વિશ્વના ઘણા દેશોના ધ્વજ પણ ફરકાવવામાં આવ્યા હતા. પ્રોગ્રામ આખો દિવસ ચાલ્યો હતો અને ઘણા માણસોએ તેમના વિચારો દર્શાવ્યા હતા.

દુઃખની વાત તે હતી કે માલી જેવા નાના દેશનો ધ્વજ તથા પ્રતિનિધિત્વ નજરે પડતું હતું પરંતુ ભારત, જે ફ્રાન્સનું મિત્ર છે, ઘણા વેપારી અને બીજા સંબંધો છે, તે ભારતનો ધ્વજ કે કોઈ પ્રકારનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું નહિં કે મિડીયીમાં પણ સાંભળ્યું નથી. શું ફ્રાન્સમાં ઈન્ડિયન હાઇ કમિશન અથવા ભારતીય નાગરીકોની કોઈ વસ્તી નથી? ક્રિકેટની મેચ રમાતી હોય ત્યારે તો બધા ભારતના ધ્વજ લઈને નીકળી પડે છે તો શું આવા પ્રસંગે કોઈની હિંમત ન ચાલી કે 'અમો પણ અધર્મની લડાઈમાં તમારી સાથે જ છીએ'. આવા ત્રાસવાદી જુથો સામે કશું ન કરવું અને આવા પ્રસંગોને નજરઅંદાજ કરવા તે ઘણા દુઃખની વાત છે. જાગૃતિ જરૂરી છે અને તમારા લાભમાં પણ છે - જાગો નહીં તો!!!

- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

વન વે સ્ટ્રીટ

‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ લેખક-કવિ હરિન્દ્ર દવેની સુંદર રચના વાંચીને મનમાં વસંતનાં વાયરાની ઝંખના જાગે ત્યારે સમજી જવું કે જીવનમાં પાનખરનું આગમન થઈ ચૂક્યું છે. ઘડપણને જીવનસંધ્યા, પાનખર કે પછી પીળા પાનની ઉપમા આપવામાં આવે છે. પાનનું લીલામાંથી પીળા થવું અને ખરી જવું એ સનાતન સત્ય છે. જન્મે તેનું મૃત્યુ નિશ્ચીત છે.

પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા

અમ વિતી તમ વિતશે ધીરી બાપુડિયા

વડીલોએ જીવનના તડકા-છાંયા, સુખ-દુઃખ અને ચડાણ-ઉતરાણ સહન કર્યા હોય છે તેથી જ તેઓ આ ઉક્તિને બરાબર સમજી શકે છે અને યુવા પેઢીને સમજાવી શકે છે. કહેવાતા પીળા પાન એટલે કે વૃદ્ધો અનુભવનો ભંડાર, શાણપણની ખાણ, કુટુંબનો મોભો અને સમાજના સ્તંભ હોય છે તેથી જ કહેવાય છે કે ઘરડાં વહાણ વાળે.

અવિનાશ વ્યાસની ગઝલ ‘કહું છું જવાનીને પાછી વળી જા કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે.’ ખુબ લોકપ્રિયતા પામેલી છે. વાસ્તવમાં જીવનની સફર વન વે સ્ટ્રીટ છે જ્યાં રીવર્સ જવાની કે યુ ટર્ન લેવાની કોઈ શક્યતા નથી. દરેક પોતાનાં શરીર થકી કામ કરે છે પણ કરાવનાર તો મન જ છે. મનથી યુવાન વૃદ્ધ યુવાન જ છે અને મનથી જુવાન એટલે કે young at heart રહેવા ઉપર કોઈ જાતનો પ્રતિબંધ નથી. જ્યાં સુધી જીજીવિષા હોય ત્યાં સુધી ભૂતકાળને વાગોળતાની સાથે વર્તમાનને મન ભરીને માણી લેવું.

મનમાં ઉત્સાહ હોય જો ફાંકડો તો ઊંમર માત્ર આંકડો.

- ઈલાબહેન ત્રિવેદી, સ્ટેનમોર.

ધર્મ અને સ્વાતંત્ર્ય

મંગળવારે પેરીસ-ફ્રાન્સના ચાર્લી કરેલા કાયર હુમલામાં મોતેને ભેટેલા આ અખબારના ૧૦ પત્રકારો, કાર્ટુનીસ્ટ તથા ફરજ બજાવનાર બે પોલીસોના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. આ હુમલનું કારણ એ હતું કે મહંમદ પયગંબર અને ઇસ્લામ વિશે અનેક કાર્ટુન્સ અને નગ્ન કેરીકેચર છાપ્યા હતા. જો કે આ અખબારે ખ્રિસ્તી ધર્મ, જ્યુઇશ પ્રજા તથા અન્ય વિષયો ઉપર પણ કટાક્ષ ચિત્રો છાપ્યા જ હતા.

થોડું ઊંડાણમાં વિચારીએ તો મીડીયા ખાસ કરીને પશ્ચિમી જગતના અને મોટા કોર્પોરેશન્સે પોતાની બનાવેલી વસ્તુના વેચાણ માટે હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો અવારનવાર બિકીની, અંડરવેર, ચંપલ તથા બીજી વસ્તુઓ ઉપર છાપીને હિંદુઅોની લાગણી દુભાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી. ઘણી વખત આપણાં સખ્ત વિરોધ બાદ તે હટાવીને અમુક લોકોએ માફી માગી હતી. આવું જ કાર્ટુન અને ચિત્રોનું છે. આપણાં જ ભારતીય ચિત્રકાર એમએફ હુસૈન હિન્દુ દેવીઅોના નગ્ન ચિત્ર દોરવા માટે જાણીતા હતા. હમણાં જ અમેરિકાની એક બિયર કંપનીએ 'ગાંધી બોટ બિયર' બજારમાં મૂકી હતી અને જર્મીનીમાં શીવા ગેમ્બલીંગ મશીન પર શીવ ભગવાનના ચિત્ર સાથે મૂક્યું હતું. એટલે મીડીયા અને મોટા કોર્પોરેશન્સની થોડી ઘણી જવાબદારી તો ગણી જ શકાય. બંધારણમાં 'ફ્રિડમ ઓફ સ્પીચ'નો અધિકાર છે જ પણ આ 'અધિકાર'નો જ્યારે ખૂબ જ હદ બહાર ઉપયોગ થાય ત્યારે કેટલાક રાહ ભુલેલા ધર્માંધ વ્યક્તિઅો આવી કરૂણ ઘટનાને અંજામ આપે છે. એક કહેવત છે ને કે કોઈ પણ વસ્તુ અથવા અધિકારનો હદ બહાર અથવા વધુ પડતો ઉપયોગ થાય તો તે ઝેર બની જાય છે.

૨૦૦૫માં ટોરન્ટોમાં એક ચેરિટી ફેશન શો એઇડ કમિટીએ સ્પોન્સર કર્યો હતો અને તેમાં લક્ષ્મી દેવીને નગ્ન હાલતમાં બતાવ્યા હતા. જ્યારે અહિંના હિંદુઅોએ વિરોધ કર્યો ત્યારે ટોરોન્ટો સ્ટારની લેખિકા Rosie Di Marnoએ હિંદુ લોકોને સલાહ આપી હતી કે આ વાતને હળવાશથી સ્વીકારવી જોઈએ, જો કે મેં તે લેખિકાનો સખ્ત વિરોધ કર્યો હતો.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા.

00000

તો પછી પધરાવી દો

આતંકવાદીઓએ પેરીસમાં મેગેઝીનની ઓફિસ પર અને કેનેડાની સંસદ પર કરેલો હુમલો ખરેખર નિંદનીય છે. ચુસ્ત બંદોબસ્ત કરવો અત્યંત જરૂરી છે. કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ રહેવાની છે. હવે રહેમનજર રાખવાનું ભૂલી જાવ. જેવા સાથે તેવાની નીતિ અપનાવો. આ બધાં આતંકવાદી તેમની જાત ભૂલવાના નથી, તેમને નેસ્તનાબુદ કરવા હોય તો કડક કાયદો લાવવો જોઈએ. તરત જ શૂટ... પછી કહાની આગળ જાય જ નહીં.

અમેરિકા, યુ.કે., ઈન્ડિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ જ્યાં સુધી છીંડા બંધ નહીં કરે ત્યાં સુધી જનાવરો આવવાના જ. પોતાનું પોત પ્રકાશશે જ તે લોકોની એકદમ નીચલી પ્રકારની વિચારધારા કદાપી નેગેટીવમાંથી પોઝીટીવ નહીં થાય.

જ્યાં સુધી આવા આતંકીઓની વિચારધાર નહીં બદલાય ત્યાં સુધી આમ જ ચાલવાનું સાથે સાથે આવી આતંકી બાબતોને વધારે મદદ કરવામાં યેનકેન પ્રકારે માનવ અધિકારના પંતુજી - કાર્યકર્તાઓનો મહત્ત્વનો ભાગ છે.

ભારતના રક્ષામંત્રીઓ કપડાં જ બદલતાં રહ્યાં છે. બોધપાઠ આપો - ધ્વંશ કરી નાખો. જરા પણ નમતું આપ્યા વગર જવાબ આપો. નમાલા ક્યાં સુધી રહેશો?

- શરદચંદ્ર છોટાલાલ રાવ, લેસ્ટર

ઘર વાપસી

મોડા મોડા પણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બીજા કેટલાક હિન્દુ ધાર્મિક સંગઠનો, આ ‘પરત ધર્માંતરણ’ માટે જાગૃત થયા એ દાદ માગી લે છે. પરંતુ, એના પરિણામો અને પછીની વ્યવસ્થા ઊંડો વિચાર માગી લે છે.

જેને હિન્દુઓએ હડધૂત કર્યા, નકાર્યા, નીચ કહીને બેશુમાર યાતનાઓમાં ધકેલ્યા, આભડછેટના પાંજરે પૂર્યા, એવા લાખોને ખ્રિસ્તી ધર્મે, રોટી, કપડાં, માન, કેળવણી, દવાઓ વગેરેની સગવડો બક્ષીને આવકાર્યા હતા. બીજા હજારો સૂઝ, સમજ અને જરૂરિયાતોના માર્યા બુદ્ધિસ્ટ થઈ ગયાં.

ઓ હિન્દુઓ! હજી પણ તમે ભૂતકાળની વર્ણવ્યવસ્થાને વળગી રહ્યા છો? તમે જ તમારા પગ પર કુહાડો માર્યો છે. જેને તમે તરછોડ્યા એને હવે હાથ પકડીને ઊભા કરવાની કોશિશ કરી રહ્યા છો એ કેટલી કારગત થશે એ તો માત્ર સમય જ બતાવશે! પણ પગલુ આવકારદાયક છે.

હા, મુસ્લિમોએ લાખોને બળજબરી, ધાકધમકી, દંડ અને હિંસાથી કાળો કેર કરી, ઈસ્લામ અંગીકાર કરાવ્યો, એવા સર્વને પરત હિન્દુઓ બનાવવાની જે જહેતમ ઊઠાવી રહ્યા છે એ ઈચ્છવા યોગ્ય છે. પરંતુ, એમને પોતાની ખૂદની સૂઝ, સમજ અને મરજીથી જ પરત લાવી શકાય. ખ્રિસ્તીઓની માફક, સર્વ સવલતો આપીને માનભેર હિન્દુ સમાજમાં પોતિકા ગણીને ઓતપ્રોત કરી શકાય તો જ પ્રયોગ સફળ થઈ શકે.

આ ભગીરથ કાર્ય માટે બેસુમાર ધનની જરૂર પડશે. દરેક હિન્દુઓનો તન, મન અને ધનનો સાથ પણ જરૂર છે. તેમજ લાખો મંદિરોમાં અઢળક ધન પડ્યું છે એનો પણ સદુપયોગ કરવાની જરૂર પડશે. દેશની પ્રજા, સરકાર અને કાયદાઓનો સંપૂર્ણ સાથ હશે તો આ મુશ્કેલ કામ સફળ થશે એવી આશા રાખવી અસ્થાને નથી.

- ડો. નગીનભાઈ પી. પટેલ, વેસ્ટ નોરવુડ હીલ

અનન્ય ભારતીય નારી

પૂર્વ ભારતના સાત રાજ્યો માટેનો ખાસ સુરક્ષા ધારો મણિપુરને લગાડ્યો છે. આ ધારા હેઠળ લશ્કરી શાસનમાં હોય તેવી જ પરિસ્થિતિ છે. આ 'સ્પેશ્યલ પાવર એક્ટ' હેઠળ જ ઇમ્ફાલના બસ સ્ટેન્ડ ઉપર આસામ રાયફલ્સના સૈનિકોએ ૧૦ નાગરિકોને વીંધી નાખ્યા હતા. જેમાં સીમ ચંદ્રમણિનો પણ સમાવેશ થાય છે. જેમને ૧૯૮૮માં 'ચાઈલન્ડ બ્રેવરી એવોર્ડ'થી વિભૂષિત કરાયા હતાં અને ત્યાર બાદના આંદોલનમાં અન્ય ૨૫ વ્યક્તિઓનો પણ ભોગ લેવાયો હતો. જેમાં મોટા ભાગના આદિવાસીઓ જ હતા.

આ ઘટનાથી પ્રભાવિત થઈ આદિવાસી મહિલા ઇરોમ ચાનું શર્મીલાએ (જન્મ ૧૪-૩-૭૨)આ કાળા કાયદાની વિરુદ્ધમાં, તેની નાબૂદી માટે, માનવ અધિકાર માટે લડત આદરી હતી. તેમણે ગાંધીં ચીંધ્યા માર્ગે ભૂખ હડતાળ શરૂ કરી હતી. આને પરિણામે તેઓ જવાહરલાલ નહેરૂ હોસ્પિટલમાં (ઇમ્ફાલ) સૈન્યની નજર હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી કેદ છે. તેમને સરકાર નળી દ્વારા પ્રવાસી ખોરાક આપે છે. હાલમાં જ હાઇકોર્ટ તેમને નિર્દોષ જાહેર કરી છોડી ચૂક્યા હતા. મુક્તિ બાદ પણ ૨૯ વર્ષે શરૂ કરેલા ઉપવાસ ચાલુ રાખ્યા હતા અને તેમની ફરીથી ધરપકડ થઈ.

આ સમય ગાળા દરમિયાન મુખ્યધારાના ભારતીય મિડીયાએ તેમની ચળવળની ઘોર ઉપેક્ષા કરી અવગણ્યા છે અને શાસકોએ પણ તદ્દન નજીક રહેતાં તેમના મા-ભાઈને પણ ફક્ત એક જ વાર મળવા મંજૂરી આપી હતી. તેઓ કોઈ ત્રાસવાદી- નક્સલવાદી નથી પણ લોકશાહી માટે, માનવ અધિકાર માટે, શાંતિ માટે ઝઝુમતા શર્મીલા ઇરોમને સર્વોચ્ચ એવોર્ડને બદલે કારાવાસ મળ્યો.

- ભીખુભાઈ, નોટિંગહામ.

આપણે નહીં બદલાઈએ ત્યાં સુધી

વડા પ્રધાન ન.મો.એ પોતાના શાસનકાળના ટૂંકાગાળામાં જ ઘણી બધી યોજનાઓ આપણા દેશમાં તરતી મૂકીને પોતે એક દમદાર, રચનાત્મક અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા ભારત દેશના અને વિદેશમાં પણ લોકલાડીલા પુરવાર થયા છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન યોજના શરૂ કરી અને ભારતવાસીઓને અનુરોધ કર્યો છે કે પૂ. ગાંધી બાપુની ૧૫૦મી વર્ષગાંઠે ભારતને ગંદકીમુક્ત કરીને પૂ. ગાંધી બાપુને ચરણે ધરવું છે.

સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર-પ્રસાર જેટલો ટી.વી.ને પડદે થયો છે તેને જો સમજી વિચારીને દરેક ભારતીય અમલમાં મૂકે તો ભારતનાં દરેક શહેર અને ગામડાં ગંદકીમુક્ત બની શકે તેમ છે. પણ ના, એવું નથી, આજે પણ આપણાં દેશના રસ્તાઓ જેમ છે તેમ જ છે. તાજેતરમાં ગાંધીબાપુની જન્મભૂમિ પોરબંદરની મુલાકાત લેતા મને માલૂમ પડ્યું છે કે સવારમાં સફાઈ કામદારો રસ્તાનું સફાઈકામ કરતાં હોય છે, પણ સાંજ પડ્યે રસ્તા પર ફરીથી કચરાના ઢગલાં જોવા મળે છે. (જોકે ક્યાંય રસ્તા ઉપર કચરાપેટી જોવા મળેલ નથી). અહીંયા પાન-મસાલા ખાઈને રસ્તા પર થૂંકવું સામાન્ય બાબત છે. પૂ. બાપુની જન્મભૂમિ પોરબંદરને ફક્ત ગંદકી મુક્ત કરવાથી અહીં ચાલે તેવું નથી.

શ્રી ન.મો.ની દરેક યોજનાઓ સરાહનીય છે, તેને સહર્ષ વધાવી લઈને વેગવાન બનાવવાનું કાર્ય દરેક ભારતવાસીઓનું છે. ન.મો.એ કહ્યું છે તેમ ‘સબ કા સાથ સબ કા વિકાસ’ જ્યાં સુધી આપણે નહીં બદલાઈએ ત્યાં સુધી કંઈ જ બદલાવવાનું નથી એ વાત ચોક્કસ છે.

- નવનિત ફટાણિયા, હેનવેલ.

ઘડપણ કોણે રે મોકલ્યું?

આપણી બાલ્યવસ્થા માતાપિતાની છત્રછાયામાં વિતાવી, રમતગમતમાં, તોફાન-મસ્તીમાં દિવસો પસાર કર્યાં. યુવાની આવી લગ્નજીવનના દિવસો વિતવા લાગ્યાં. કુટુંબ પરિવાર સાથે જીવન સરકવા લાગ્યું. જીવનમાં અવનવા પાસાં બદલાતા રહ્યાં. સુખ-દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિથી સંસારરૂપી નાવને પાર કરી, ઘડપણનું આગમન થયું. ઘડપણ આવતા કોઈની આંખો ગઈ, તો કોઈના કાન ગયાં, તો કોઈના દાંત ગયાં. કોઈને બેકનો દુઃખાવો તો કોઈને ઘૂંટણનો દુઃખાવો, તો કોઈને ખાંસી, ઉધરસ, દમ જેવી વ્યાધિથી શરીરમાં નબળાઈ આવી ગઈ. બેસવા, ઊઠવા અને ચાલવામાં લાકડીના સહારાની જરૂર પડી, હોસ્પિટલની અવરજવર વધી ગઈ. પોતાનું ઘર મૂકીને હોમકેરનો આશરો લેવો પડ્યો. જીવનના આખરી દિવસો વ્યતિત થવા લાગ્યાં. દુઃખમાં દિવસો પસાર થવા લાગ્યાં. કોને કહેવાય જાય, અને કોને આધારે રહે? પોતાના દીકરા-વહુ આજે ઘરડાં મા-બાપની સામુ જોવા તૈયાર ન હોય, એમના દુઃખ, દર્દ જાણવા માગતા ન હોય તો એ કેવું વિચિત્ર કહેવાય? તો એવા મા-બાપને કેટલો આઘાત લાગતો હશે?

ઘડપણ દરેકને આવવાનું છે. જેથી યુવાન ભાઈ-બહેનોને એક અરજ છે કે પોતાના ઘરડાં મા-બાપની બને એટલી સેવા કરજો અને એમને કોઈપણ જાતનું દુઃખ ન પડે એની તકેદારી રાખજો અને એમના દિલને કદી દુભાવશો નહીં.

- રતિલાલ ટેલર, સાઉથગેટ

તલવારની ધારે ધર્મપરિવર્તન?

હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યારે મોગલ રાજ હતું ત્યારે તેમણે ઘણાં ખરાં હિન્દુઓને તલવારની ધાર પર બળજબરીથી મુસલમાન બનાવ્યા હતા. તે વખતે મહારાષ્ટ્રમાં જીજાબાઈએ પોતાના બાળકને ગર્ભમાં, ધાવણમાં અને હાલરડામાં કસુંબીનો રંગ પીવડાવ્યો હતો. તે હતા શિવાજી. એક ખૂબજ જાણીતી ઉક્તિ છે કે 'કાશી કી કલા જાતી, મથુરા મસ્જીદ હોતી, અગર શિવાજી ન હોતે તો સુન્નત હોતી સબકી. હિન્દુસ્તાન - હિન્દુસ્તાન ન રહત. તેનો નક્શો કોઈ ઔર હોત. શિવાજી, ગોવિંદ સિંહ, રાણા પ્રતાપ જેવા કેટલાય વીરરત્નોએ મુગલોની સામે ટક્કર ઝીલી હિન્દુસ્તાનની હિન્દુત્વની જ્યોતને કાયમ જલતી રાખી છે.

મુગલ પછી બ્રિટિશ રાજ આવ્યું અને તેઓ મીશનરીઓને લાવ્યા. જેમણે દેશની ગરીબીનો લાભ ઊઠાવી ગરીબોને બધી સુવિધાઓ આપી, કેટલાયને ક્રિશ્ચિયન બનાવ્યા. હવે કેટલાક દાયકાથી ભ્રષ્ટાચારી નેતાઓ કાળું ધન ભેગું કરી પરદેશ મોકલીને હિન્દુસ્તાનની ગરીબી વધારી રહ્યા છે.

હમણાં આગ્રામાં અને બીજી જગ્યાએ ધર્મ પરિવર્તન થયું. ટી.વી. કે છાપામાં અસંખ્ય લોકોએ જોયું કે જેમના દાદા-પરદાદા હિન્દુ હતા એવા મુસલમાનો અને ક્રિશ્ચિયનોએ ખુશીથી, શાંતિથી કોઇ ભય વગર પવિત્ર હવન કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો. કોઈના માથા ઉપર બંદૂક કે ગરદન ઉપર તલવાર કોઈએ જોઈ? તો પછી આજે વિરોધ પક્ષના નેતાઓ (જેઅો હિન્દુ છે) કેમ વાંધો લઈને પાણીમાં પોરા કાઢે છે? 'ફ્રીડમ ઓફ વરશીપ' તો હિન્દુસ્તાનમાં જ છે. આ ધર્મ પરિવર્તન કોઈ જબરદસ્તીથી કરાવાયું નથી.

- સુધા રસિક ભટ્ટ, બેનસન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter