જીવન ઝરમર

Monday 14th December 2015 11:56 EST
 

જીવન ઝરમર

સમય બદલાય, ભૂમિ બદલાય એટલે આપણા મુલ્યો, સંસ્કાર અને માન્યતાઓ બદલાય છે. પૂર્વ આફ્રિકાથી લગભગ ૪૦ વર્ષ પૂર્વે આપણે અહી સ્થાયી થયા પછી આપણા આચાર, વિચાર, રહેણી કરણી, રીતરિવાજ વગેરેમાં કેટલો બધો બદલાવ આવી ગયો છે તે નોંધપાત્ર છે.

આપણે સ્વાલંબી બન્યા છીએ. એક જમાનામાં ગાડી સાફ કરવી, ગાર્ડનીંગ કરવું, પુરુષોએ ઘરમાં સફાઈ કરવી, જરરૂ પડે રસોઇ કરવી, નાનુંમોટું DIY કામ કરવું વિગેરે કરવામાં જે સંકોચ કે શરમ અનુભવાતી તે કાર્ય આજે આપણે ખુશી ખુશી કરી રહ્યા છીએ. સિગરેટ-દારૂનો ધંધો જેને માટે અરુચિ ધરાવવામાં આવતી, તે સામાન્ય બન્યા છે. હોલીડેનું કલ્ચર વધી ગયું છે. સંજોગોવસાત, અમુક ઓછી હોલીડે કરનાર અથવા નહિ કરી શકનાર પોતાની જાતને કમનસીબ ગણે છે. ધર્મનું મહત્વ વધી ગયું છે. સંત-મહાત્માઓનો મહિમા વધ્યો છે. ભક્તજનો તેમના આદર સત્કારમાં કોઈ કમી છોડતા નથી. વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે જન્મથી નહિ, કર્મથી બ્રાહ્મણનું માપદંડ નીકળે છે. ધનવાનો દિલથી સમાજના કલ્યાણ માટે સખાવતો કરે છે અને જીવનની ધન્યતા અનુભવે છે. આંતરજ્ઞાતીય, આંતરધર્મીય તેમજ આંતરજાતીય લગ્નો વચે કોઈ ઝાઝી સમસ્યા જણાતી નથી. સ્ત્રી-પુરુષમાં સમાનતા પરખાઈ છે. વડીલો સ્વેચ્છાથી વૃદ્ધાશ્રમમા કે પછી સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. સંયુક્ત કુટુંબની પ્રથા ધીરે ધીરે નાબુદ થતી જણાય છે. આમાં પણ કઈ ખોટું નથી. ઘર જુદા થાય પણ મન જુદા ના થાય એ અગત્યનું છે.

જીંદગી પ્રભુની અમૂલ્ય ભેટ છે. પ્રભુને લક્ષમાં રાખી આનંદમય જીવન જીવી લો, માણી લો અને ભવસાગર તરી જાવ તેવો ગીતાનો શુભ સંદેશ છે.

નિરંજન વસંત, લંડન.

0000

આજની સમસ્યા

દેશભરમાં સર્જાયેલા ચિંતાનજક વાતાવરણથી આપણું મન અશાંતિ અનુભવે છે. માનવીના મન અને વર્તણૂંક બદલાયાં છે અને કોઈ બાબતથી સંતોષ નથી. અહમ, ઈર્ષા, લોભ અને અસંતોષ માનવીને તેની માણસાઈ ભૂલાવી દે છે. માનવી સત્યને ભૂલી ન કરવાના કર્મો કરે છે. કહેવાતા નેતાઓ સ્વાર્થ અને ખુરશી સાચવવા કામ કરે છે. પ્રજાના હિત કે સુખ માટે કે પછી ગરીબી દૂર કરવા કોઈ કાર્ય થતું નથી. બળાત્કાર, વ્યભિચાર, બાળશોષણનું પ્રમાણ વધતું જાય છે પણ કાયદો ન્યાય અપાવી શકતો નથી. પોલીસતંત્રનું વર્તન જુલ્મી બની રહ્યું છે અને રક્ષક જ ભક્ષક બની રહ્યો છે. દેશભરમાં કટ્ટરવાદ અને આતંકવાદનું જોર વધી રહ્યું છે.

આજે આપણા દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાની જરૂર છે, જો આજે તેઅો હોત તો આપણા દેશનો નક્શો બદલાઈ ગયો હોત. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે ઘણું કર્યું છે અને ઘણો સુધારો કરી રહ્યાં છે. એમના જેવા બાહોશ, બુદ્ધિશાળી, નિષ્ઠાવાન અને સત્વશીલ નેતા હોય તો દેશની ઘણી પ્રગતિ થાય.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસની યુ.કે.ની મુલાકાત દરમિયાન અમદાવાદ-લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટની જાહેરાત કરી સી. બી. પટેલે આ ફ્લાઈટના પુનઃ પ્રારંભ માટે ઉઠાવેલી જહેમતને બિરદાવી હતી. પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ ઉત્સવનું આયોજન કરે ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન મીયાં નવાઝ શરીફ સહિતના રાષ્ટ્રીય નેતા તેમાં સામેલ થાય એ કાંઈ નાનુસૂનું પરિવર્તન નથી. પણ પાકિસ્તાનના હિંદુઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે એને માટે કેમ કોઈ પગલાં લેવાતા નથી?

- રતિલાલ ટેલર, સાઉથ ગેટ.

૦૦૦૦૦૦

‘મૈં નહીં પણ હમ’

વડાપ્રધાન શ્રી મોદીજીએ પેરીસથી પાછા ફરી સંસદમાં સનાતન સત્ય જેવા સુંદર નિવેદનમાં દેશની પ્રજાને જોડવા અનેરા સુવાક્યો તથા તેમનો જીવન મંત્ર બોલ્યા તે આજના સંજોગોમાં ખૂબજ મહત્વપૂર્ણ છે. ‘મૈં મૈં નહીં પણ હમ’ દેશમાં ‘સમતા અને મમતા ચાહીએ’, ‘તું તું મૈં મૈં સે દેશ નહીં ચલતા’. આનો અર્થ એ જ થયો કે દેશવાસીઓ સંપથી એકબીજા સાથે હળીમળીને કામ કરે તો 'સબકા સાથ સબકા વિકાસ' જેવું શ્રેષ્ઠ પરિણામ આવે, પરંતુ દેશમાં વિઘ્નસંતોષી માણસોને સારું દેખાતું નથી. રાહુલજી ભાષણ આપવા જાય તો તેમને મોદીજીની ખામીઓ કાઢવા સિવાય કાંઈ દેખાતું નથી. શ્રી મોદીજીએ વાંચ્યા વગર વેમ્બલી સ્ટેડીયમમાં ૬૦,૦૦૦ લોકો સામે ૧ કલાક અને ૨૦ મિનિટ સુધી સુંદર હૃદયને સ્પર્શી જાય તેવું ભાષણ આપ્યું. જ્યારે સોનિયાજી પેપરમાં જોઈને હિન્દી વાક્યો બોલી જાય છે, પણ હજુ આટલા વર્ષે પણ ભાષા જોડે મેળ નથી બેસતો. વિદેશી ખરાંને. બીજા વિરોધી પક્ષોને મોદીજીની કાર્યક્ષમતા નથી દેખાતી. ઘણા વર્ષે એક દીર્ઘદ્રષ્ટી ધરાવતા વડા પ્રધાન ભારતને મળ્યા છે. જેઅો કમર કસી દેશને આગળ લાવવા પ્રયત્ન કરે છે. પરંતુ વિરોધપક્ષો દેશનું ભલું ઈચ્છતા નથી, રોડાં નાંખે છે. આમાંથી કોણ બચાવે.

ઈશ્વર આવા વિરોધીઓને સદબુદ્ધિ આપે એ જ અભ્યર્થના.

ચંપાબહેન સ્વામી, માંચેસ્ટર.

0000000

સ્વચ્છ ભારત અભિયાન

ટીવી અને ન્યુઝ પેપર્સમાં મોદીજીના સ્વચ્છતા અભિયાન વિશે ઘણું સાંભળ્યું અને જોયું. કચરો અને ગંદકી સાફ કરો.

મારું માનવું છે કે લોકોને પહેલા કચરો નાંખતા કે ગંદકી કરતા રોકવા જોઈએ. નહીં તો ગંદકી કરવા વાળા કરતા રહેશે ને સાફ કરવા વાળા સાફ કરતાં રહેશે. એનો અંત જ નહીં આવે. પહેલાં લોકોનું માનસ બદલાવવાની જરૂર છે.

- અમૃત પરમાર, લેસ્ટર

000000

એક સલામ માર્ક ઝુકરબર્ગ કે નામ

આપણાં 'ગુજરાત સમાચાર'ના અંકમાં વિશ્વ વિખ્યાત ફેસબુકના માલીક માર્ક ઝુકરબર્ગના સમાચાર વાંચી ખુબ જ ગૌરવ થયું. વિશ્વને મિત્રતાના તાંતણે એક કરીને તેઅો ખુબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. નાની ઉંમરે અકલ્પનીય સિદ્ધિ મેળવીને અનેક લોકોને, વર્ષોના ભૂલાયેલા લોકોને એક કર્યાં છે.

તેમને ત્યાં તાજેતરમાં સુપુત્રીનો જન્મ થયો છે, જેનું નામ મેક્સ રાખ્યું છે. માતા પિતાએ ખુબ જ આનંદનો અનુભવ કર્યો છે અને તેમણે જાહેરાત કરી છે કે તેઅો ફેસબુકના અધધ ૪૫ બિલીયન ડોલરનું દાન દુનિયા ભરના જરૂરતમંદ લોકોના શિક્ષણ અને આરોગ્ય માટે કરશે. તેમનું આ કાર્ય ખુબ જ પ્રસંશાને પાત્ર છે. માંડ ૩૧ વર્ષના આ દેવદૂતે પોતાની પુત્રીને નામે મનનીય પ્રેરક પત્ર લખ્યો છે. તે પત્ર પોતાની નવજાત પુત્રીને પ્રેરણાદાયક સંદેશ આપે છે. દુનિયા આજે પોતાનું જીવન ધોરણ સુધારી રહી છે, ગરીબી ઘટી રહી છે, ગરીબો પોતાના આરોગ્યમાં સુધારા લાવી રહ્યા છે અને દુનિયાના માબાપની જેમ અમારી પણ ઈચ્છા છે કે તું પણ આ દુનિયામાં સારી જિંદગી જીવી શકે એમ કહી તેમણે આગામી પેઢીના બાળકોની જવાબદારીની ખાતરી પણ આપી છે.

દુનિયાના અનેક ઉદ્યોગપતિઓ અને સંપન્ન લોકો જો તેમના નફાના ૧૦ ટકા પણ આદરણીય માર્ક ઝુકર બર્ગનું અનુકરણ કરે તો વિશ્વમાં ગરીબી નાબુદ થઇ શકે છે. ભારતમાં કહેવાતા અબજો પતિઓએ આ દેવદૂતની વાત જાણવી જોઇેએ!!!

ભરત સચાણીયા, લંડન.

0000000000000

ભૂલી જાય છે

ખુશ રહો, ખુશીને નકારો નહીં,

ગમ તો આવતા રહે,

પણ ખુશી મનાવતા રહો,

ગમમાં ડૂબવાથી શું ફાયદો,

ખુશમાં રહી,

જીવનની મજા લેતા રહો.

ગમની દુનિયા મોટી છે,

નાની ખુશીને વડછોડો નહીં,

નાની ખુશી પણ ક્યારેક

મોટા ગમને દૂર કરી જાય છે.

જીવનમાં ગમ પણ આવે,

અને ખુશી પણ આવે છે.

આ કુદરતનો ક્રમ છે, ‘અમીત’

ઘણા લોકો એ ભૂલી જાય છે.

- અમૃતલાલ પી. સોની, ‘અમીત’ વેમ્બલી, લંડન

000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter