દીકરો - દીકરી એકસમાન ગણીએ

તમારી વાત

Tuesday 07th June 2016 09:32 EDT
 

દીકરો - દીકરી એકસમાન ગણીએ
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અભિયાન શરૂ કરેલ છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’. આ અભિયાન ફક્ત ભારત માટે નથી પણ સમગ્ર દુનિયા માટે છે. અમિતાભ બચ્ચને એક ટી.વી. કાર્યક્રમમાં કહેલી વાત જીવનમાં ઉતારવા જેવી છે. તેમણે કહ્યું હતું કે નારી શક્તિ અનોખી છે. મા દુર્ગા, મા સરસ્વતી, મા લક્ષ્મી વગેરે. બધાના દાખલા જોઈએ તો નારીશક્તિ માટે ખૂબ જ પ્રેરણા મળે છે. ત્યારબાદ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરતા તેમણે કહેલું કે દીકરીને જે બનવું હોય તેમાં તેને પ્રેરણા આપો. હા, ખોટા રસ્તે જતી હોય તો આપણે તેના પર લગામ રાખવી જોઈએ. બાકી તો આપણે ઘણા દાખલા જોઈએ છીએ કે દીકરો પરણ્યા પછી મા-બાપનું કેટલું રાખે છે ? અગાઉ ‘ગુજરાત સમાચાર’માં આવેલા એક અહેવાલ મુજબ માતાને દીકરીએ કાંધ આપી હતી. સઘળી વ્યવહારિક ક્રિયા દીકરીએ કરી હતી. બીજું એવું કહેવાય છે કે પેટમાં પાંચ દીકરા જેને ભારે નહોતા પડ્યા એ મા પાંચ ફ્લેટમાં ભારે પડે છે. આના ઉપરથી આપણે ગુરૂમંત્ર સ્વીકારીને દીકરાના ભૂતને કાઢી નાંખી દીકરા-દીકરી બન્નેને સરખા ગણી સુખમય જીવન વિતાવી શકીએ.
છેલ્લા બે સપ્તાહથી ખૂબ જ માહિતીપૂર્ણ વિશેષાંક મળ્યા તે બદલ તંત્રી સી. બી. પટેલ સાહેબ તેમજ સર્વે કાર્યકર્તાઓને વાચકમિત્ર વતી ખૂબ ખૂબ આભાર પાઠવું છું. ‘ગુજરાત સમાચાર હરહંમેશ ફૂલેફાલે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

ઈયુમાં રહેવું કે નહિ - આજની મોટી સમસ્યા
આપણા ‘ગુજરાત સમાચાર’ના તા. 4 જુનના અંકના પ્રથમ પાને લોર્ડ શ્રી ડોલર પોપટના સમાચાર વાંચ્યા. તેમાં યુકેમાં રહેતા ભારતીયોને ઉદેશીને કહેવામાં આવ્યું છે કે આપણે ઈયુથી અળગા રહી ન શકીએ. છેલ્લા બે ત્રણ મહિનાથી આ મોટામાં મોટી સમસ્યા છે. અગ્રગણ્ય રાજકીય પક્ષો એકજૂથ થઈને યુકેને ઈયુમાં રહેવાની સલાહ આપે છે અને તેમના જ પક્ષના બીજા અનેક નેતાઓ ઈયુમાં ન રહેવાની ચળવળ ચલાવી રહ્યા છે. આજે ટીવી, રેડિયો, અખબારોમાં આની ખુબજ મોટા પાયે ચળવળ ચાલી રહી છે જે 23 જુન સુધી ચાલુ રહેવાની છે. આ ચળવળ એવી રીતે થઈ રહી છે કે રોજ કોઈને કોઈ પક્ષ કે વ્યક્તિ કે સંસ્થા દરેક ઘરમાં પોતાની વાત રજૂ કરે છે અને ખાસ કરીને સરકાર પણ જાહેરાતો આપી રહી છે. આ બધામાં લાખો પાઉન્ડ વેડફાઈ રહ્યા છે. આથી યુકેમાં રહેતા નાગરિકોને નિર્ણય લેવામાં સમસ્યા થઈ રહી છે. જે ખુબ દુખની બાબત છે. ન કરે નારાયણને ખોટો ફેંસલો થાય અને યુકેમાં હાલ પણ અર્થતંત્રની સમસ્યા છે જ અને તેમાં વધારે સમસ્યા આવી પડે તો તેના ગંભીર પરિણામ આવી શકે. યુકેમાં આપણા મતોની કિંમત ખૂબ જ વધી છે ત્યારે આપણે આપણાં એબીપીએલ ગ્રુપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’એ યુકેમાં રહેતા આપણાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, આર્થિક નિષ્ણાતો અને સંસ્થાઓના અભિપ્રાય લેવા જોઈએ અથવા તો આ બધાને એક જ જગ્યાએ ભેગા કરીને તેમના વિચારો જાણવા જોઈએ. જેથી યુકેના ભારતીયો આ કઠીન સમસ્યાથી અવગત થાય એવું મારું માનવું છે. અલબત, આ અખબારોમાં આપણાં અગ્રણીઓના વિચારો આવી જ રહ્યા છે છતાં પણ સૌને સાથે રાખીને એક બેઠક બોલાવવી જોઈએ.
- ભરત સચાણીયા, લંડન

સ્વાતંત્ર્ય સેનાનીને ઇન્સાફ
પત્રકારત્વ ક્ષેત્રે વ્યવસાયી છાપાની અલક મલકની અનેકવિધ ખબર આપવાની સાથે સેવાભાવ પણ સંકળાયેલો છે. જેમાંથી સ્વાતંત્ર્ય સેનાનીની નોંધ લેવાની નિષ્ઠા તરી આવે છે.
વ્હાલા વતનની વહેલા સવારથી માંડી, ભૂખ-નિંદ્રાને હોડમાં મૂકી, ‘મા ભોમની મુક્તિ કાજે’ અવિરત સેવા કરતાં વિલિન થતાં સુધી, પરમાત્મામયી બની રહેનાર સ્વાતંત્ર્ય સેનાનીની અવસાન નોંધ લેવાની પરંપરાની અધિકૃત અપેક્ષાને સાપેક્ષ કરી છે. તેમ કરીને વસમી વિદાયની હૃદયદ્રાવક પીડાજનક નાજુક સમયે પરિજનોના હૃદયમાં પ્રવેશ કર્યો છે. જે આશ્વાસન પ્રંશસનીય છે.
લોકપ્રિયતામાં અભિવૃદ્ધિ કરે છે. સંગેમરમરની જેમ પ્રકાશિત સેવા આદરી છે. તેમાં પ્રકાશન અને પ્રકાશક શ્રી સી.બી. પટેલની દેશભક્તિની પ્રતિચ્છાયા દૃષ્ટિગોચર થાય છે.
- હીરાભાઈ મ. પટેલ, લૂટન

મહાન બોક્સિંગ ચેમ્પિયન મોહંમદ અલીનું નિધન અને જીવન સંદેશ
દુનિયાના મહાન બોક્સિંગ ચેમ્પિયન અને માત્ર ૧૮ વર્ષની નાની ઉંમરે ઓલિમ્પિક મેડલ જીતનાર મોહંમદ અલીના ૭૪ વર્ષની ઉંમરે નાદુરસ્ત તબિયતને લીધે થયેલા નિધનના સમાચાર જાણીને દુઃખ થયું. તેમના જીવનકાળ દરમિયાન તેમણે બોક્સિંગમાં ઘણાં મેડલ્સ જીત્યા હતા. રમતગમત ક્ષેત્ર ઉપરાંત તેઓ એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જીવન જીવ્યા હતા. તેમના જીવનની મુખ્ય વાત એ હતી કે તેઓ કોઈની પણ શેહશરમમાં તણાયા વિના પોતાના વિચારો, સિદ્ધાંતોને રજૂ કરતાં સહેજ પણ ખચકાતા નહોતા. તેઓ આખા બોલા માનવી હતા. વિયેટનામ યુદ્ધમાં પોતાના દેશ અમેરિકાની પણ તેમણે સખત ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે હું તેની વિરુદ્ધમાં છું અને તેમાં ભાગ લઈ નહીં શકું. અમેરિકામાં આફ્રિકન-અમેરિકન પ્રજાની જે સ્થિતિ છે અને રંગભેદને લીધે તે પ્રજાને ત્યાં આર્થિક રીતે ખૂબ સહન કરવું પડે છે તેની તેઓ અવારનવાર ટીકા કરતા હતા અને તેને માટે લડત પણ આપતાં હતા.
તેઓ ૧૯૬૦માં તેમને મળેલો ગોલ્ડમેડલ કાયમ પહેરી રાખતા હતા. એટલે સુધી કે રાત્રે તે પહેરીને જ સૂતા હતા. પરંતુ, એક વખત ઓહાયો રાજ્યમાં તેમને રંગભેદનો એક ખૂબ જ ખરાબ અનુભવ થયો અને કેટલાક ગોરા લોકો સાથે લડાઈ થઈ. તેને લીધે તંગ આવીને તેમણે જે મેડલ મળ્યો હતો તે ઓહાયો નદીમાં નાખી દીધો. તેમને થયું કે, જે દેશમાં અમારી આફ્રિકન-અમેરિકન પ્રજાનું માન સન્માન ન હોય તે દેશ માટે મળેલો મેડલ પહેરવો શા કામનો?
કેટલાક વોલન્ટિયર્સ દર વર્ષે ઓહાયો નદીની સફાઈ કરતા હતા. ૨૫ વર્ષ પછી એક વોલન્ટિયર ભાઈને તે મેડલ મળ્યો અને તેને સાફ કરતાં ખબર પડી કે આ તો મોહંમદ અલીનો મેડલ છે. એટલે તેમણે તે મેડલ મોહંમદ અલી સેન્ટરને સુપ્રત કર્યો. થોડા સમય બાદ આ વોલન્ટિયર ભાઈને મોહંમદ અલીના કુટુંબ તરફથી ૨,૦૦,૦૦૦/- ડોલરનો ચેક મળતા તે નવાઈ પામ્યા હતા. આવું હતું તેમનું જીવન. બાકી, અત્યારના જમાનામાં તો પૈસાનો લાભ, રાજકીય લાભ, પ્રતિષ્ઠાનો લાભ મળતો હોય તો કેટલાય લોકો જીવનના સિદ્ધાંતો, વિચારસરણી નેવે મૂકીને ચાલતી ગાડીએ ચઢી જતાં હોય છે.
- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

પિતાની છત્રછાયાનું મહત્ત્વ
છત્રછાયા એટલે શું ? જેના નેજા હેઠળ આપણે સલામતીથી જીવી શકીએ તે છત્રછાયા. માતાની માફક જ જીવનમાં પિતાનો ફાળો પણ અમૂલ્ય છે. પિતાની છત્રછાયા હેઠળ દીકરો કે દીકરી પોતાના જીવનનો બાળપણથી લઈને લગ્ન સુધીનો સમય નિરાંતે વિતાવી શકે છે. સંતાનોની ભણવાથી લઈને અન્ય તમામ જવાબદારી પિતા નિભાવે છે. પિતાનો પ્રેમ આપણે જોઈ શકતા નથી પણ પિતા પોતાના બાળકો માટે દુનિયામા ફરી ફરીને કમાઈને પોતાના સંતાનોની દરેક માંગ પૂરી કરે છે. જે ઘરમાં પિતા ન હોય તે ઘર આમ તો ઘર હોય છે પણ તે જીવંત નથી હોતું. માતા ગમે તેટલું કરે તો પણ પિતાની ખોટ ડગલે ને પગલે સાલતી જ હોય છે, એ હકીકત છે. પિતાની સ્મૃતિઓમાંથી પણ તેઓ પોતાની ફરજ નિભાવતા હોય તેવો ભાસ થાય છે. દુઃખો સામે પિતા હિમાલય બનીને ઊભા રહે છે ને બાળકો માટે ઢાલ બની જાય છે. અત્યારના સંજોગોમાં પિતા વગરનું ઘર સ્ત્રી માટે કેટલું અસુરક્ષિત હોય છે તેના આપણે ઘણા દાખલા જોઈએ છીએ. માતા તો પોતાનું દુઃખ કોઈને કહી ને કે રડીને હળવું કરી શકે છે પણ પિતા તો રડી પણ શકતા નથી. તેમના અંતરમાં જે કથા અથવા વ્યથા હોય છે તે તેમની સાથે જ જાય છે. ખરેખર પિતા મહાન છે.
- સુધા રસિક ભટ્ટ, ગ્લાસગો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter