તમારી વાત

Tuesday 31st May 2016 14:59 EDT
 

રાજકારણીઓને દેશની પરવા નથી
તા. ૩૦-૪-૨૦૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. હેડલાઈનમાં ‘ભારતે માલ્યાનું નાક દબાવ્યું’ તે સમાચાર વાંચ્યા. માલ્યાએ તો તેનું ભાગ્ય તેના હાથે જ લખ્યું છે અને ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી. ટૂંકમાં ધનવાનોએ પાઠ શીખવાનો છે - આપણે તો આપણું ભાગ્ય લખવાનું છે કારણ કે આજે બ્રિટનમાં પણ પરિસ્થિતિ સારી નથી. દરેક પાર્ટી એકબીજા પર આક્ષેપો કરવામાંથી ઉંચી આવતી નથી. દેશની કોને પડી છે ? બ્રિટનમાં હાલ ‘ઈન’ અથવા ‘આઉટ’નો પ્રશ્ન સળગતો છે. જો સાંભળવા મળે તો ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની સ્પીચ ધ્યાનથી સાંભળશો અને વિચારશો તો સંપૂર્ણ જવાબ મળશે. આ છે આજના વિશ્વની બીમારી - વિચારતા શીખો નહીં તો દુઃખ તો છે જ. - ભગવાનને દોષ દેવાનો છોડી દેજો. માનવી તેનું તો કરમ લખે છે પણ વનસ્પતિ- પ્રાણી બધાનું ભાગ્ય લખી તેમને દુઃખી કરે છે. ભગવાન પણ માનવના કર્મોથી રડે છે.
- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

એરપોર્ટ પર કનડગત અટકાવો
અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોને ભારે તકલીફ વેઠવી પડે છે. એરપોર્ટ સત્તાવાળાઓ મુસાફરોને થોડો સહયોગ કરે તે ખૂબ જરૂરી છે. કારણ કે પ્રવાસીઓને થઈ રહેલી કનડગતથી ગુજરાતનું નામ ખરાબ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરદેશમાં વસતા ગુજરાતીઓને સારી સુવિધા પૂરી પાડી છે. તેના પર તેઓ પાણી ફરે છે. શા માટે? લોકોને શાંતિથી આરામ કરવા કે હરવા ફરવા કે દવા કરાવવા આવવાનું દેશમાંથી મન ઊઠી જાય તેટલી હદે પરેશાન કરે તે ક્યાંનો ન્યાય? યુ.કે.માં ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તંત્રી માનનીય સી. બી. પટેલે યુકેથી ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદ જાય તે માટે વર્ષો સુધી તન, મન અને ધનથી કાળી મહેનત કરી, ઝુંબેશ ઊઠાવી બધાના ભલા માટે જે કાર્ય સફળ કર્યું તે વિરલ ગણાય. તેમણે સફળતા મેળવીને જે ઈમારત ચણી છે તે પડી ન જાય તેના ટેકા રૂપે હું આ લેખ લખી રહી છું કે જેથી બધાની આંખો ખૂલે અને એરપોર્ટમાં ચાલતો બળાપો શાંત થાય. એરપોર્ટની અંદર જતાની સાથે ટ્રોલીથી લઈને કાઉન્ટર કે સામાન મોકલવા સુધીની વાતે પૈસા બાબતે પેસેન્જરો માટે તકલીફો ઊભી થાય છે. તેના દાખલા અનેક પેસેન્જરો પાસેથી સાંભળ્યા. માફ કરશો. સુકા ભેગું લીલું બળે તે ન્યાયે ઘણા સારા પણ હશે પણ મોટાભાગે આ સમસ્યા તો છે જ. સરકારશ્રી કે તંત્રનું તે બાજુએ ધ્યાન દોરાશે તો મારા લેખનો અર્થ સરશે.
- સુધા રસિક ભટ્ટ, ગ્લાસગો

‘એબીપીએલ’ ગ્રૂપની ઉમદા પ્રવૃત્તિને સલામ
આપણા ‘ગુજરાત સમાચાર’ના તા. ૨૮ મેના પાન ૨૯ પર ‘હાલો હાલોને જાયે ભાતીગળ મેળે’ના સમાચાર વાંચીને ખુબ જ ગૌરવ થયું છે. ‘ગુજરાત સમાચાર’ એ 44 વર્ષ પુરા કર્યા છે અને ભારત બહાર વિશ્વના ફલકમાં સૌથી શુદ્ધ અને વિવિધ માહિતી સાથે યુકે માં આગે કૂચ કરી રહ્યું છે. છેલ્લા 24 વર્ષથી અમો તેના સાક્ષી છીએ. આજે આ બન્ને અખબારો વાંચકોને વિવિધ કાર્યક્રમોથી નવતર માહિતી આપી રહ્યા છે અને કોઈ પણ જાતની અંધશ્રદ્ધા અને તાંત્રિકોની જાહેરાતો હજારો પાઉન્ડ ગુમાવીને પણ લેતા નથી. શુદ્ધ અને સ્વચ્છ વિચારોના એબીપીએલ ગ્રુપના આ અખબારો ઘણા સામાજિક અને આર્થિક સ્વાસ્થ્ય માટે અનેક મેગેઝિન વાંચકોને તદન વિનામૂલ્યે ભેટ તરીકે આપે છે. આ આનંદ મેળામાં માત્ર ૨.૫૦ પાઉન્ડ ની ટીકીટ રાખેલ છે જેમાંથી ખર્ચા બાદ વધેલી રકમ ધર્માદા સંસ્થા ને આપવામાં આવશે. તેઓ એક પણ પેન્સ લીધા વગર આ એક ઉમદા ધર્માદાનું કામ પણ કરે છે. આવી તો બીજી અનેક રીતે ધર્માદાનું કાર્ય કરતા હોય છે.
આનંદ મેળાનો પ્રથમ ઉદેશ છે વાંચકો અને બિન વાંચકોને એક સ્થળે એકઠા કરવાનો અને જાહેરાત દાતાઓના સ્ટોલ પર રૂબરૂ જઈને વસ્તુઓ જાતે જ જોઈને ખરીદી કરી શકાય તેવો છે. આ ઉપરાંત ખાણી પીણી અને મસ્તીનો માહોલ માણવાનો પણ લહાવો મળે છે. આવા આયોજન બદલ આ એબીપીએલ અખબારો અને જાહેરાત આપનારા દાતા તેમજ સૌ કોઈ પ્રત્યે અમો હ્રદય પૂર્વક અભિનંદન સાથે ખુબ ખુબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
- ભરત સચાણીયા, લંડન

માહિતીપ્રદ ‘તમારી વાત’કોલમ
‘તમારી વાત’ કોલમમાં રજૂ થતાં સમાજ સુધારાને લગતા પ્રેરક વિચારો, માનવ સેવા, શાંતિ સંદેશા સભર પત્રો વાંચવાનું અને યોગ્ય સમયે લખવાનું મને ખૂબ ગમે છે. સંસ્કાર સિંચનની વિગતો ગમે છે. જ્યારે પણ સ્નેહમિલન યોજાય છે ત્યારે મિત્રોને રૂબરૂ મળીને એકબીજાના વિચારો જાણી શકાય છે. આ કાર્યક્રમ ભાઈબંધીના, સંગાથના સંયોગોને વધુ નજીક લાવે છે. આગામી તા.૨૭ જૂન ૨૦૧૬ના હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં હું અવશ્ય હાજર રહીશ.
ગુજરાતી ભાષાના બહોળા વિકાસમાં ‘ગુજરાત સમાચાર’એ આપેલું યોગદાન સદા સ્મરણપટ ઉપર શિલાલેખ બની જશે.
- પ્રમોદ મહેતા, ‘શબનમ’ સડબરી

બ્રિટિશ વિદ્યાર્થીઓનું ભાવિ મુશ્કેલીમાં
‘ગુજરાત સમાચાર’નો તા.૨૧મી મેનો અંક મળ્યો. વિદેશમાં વસતા હોઈએ ત્યારે સામાન્ય રીતે ભારતીય રાજકારણના ન્યૂઝ વિસ્તૃત રીતે જાણવા મળતા નથી. પરંતુ, ‘ગુજરાત સમાચાર’ના આ અંકમાં પહેલા પાને વિશ્લેષણ સાથે તે ન્યૂઝ વાંચવા મળ્યા તે ખૂબ જ રસપ્રદ રહ્યા. આ ઉપરાંત છેલ્લા પાને બ્રિટિશ ગ્રેજ્યુએટ્સના માથે દેવાના ડુંગર સમાચારથી અહીંના શિક્ષણજગતનો અંદાજ મેળવી શકાયો. ખરેખર આખેઆખા ન્યૂઝ વાંચ્યા પછી ખબર પડી કે બ્રિટિશ શિક્ષણજગતમાં ફંડ માટે ચિંતાજનક પરિસ્થિતિ છે. વળી, અધધધ ગ્રાન્ટ રદ થવાથી વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર થશે એ પણ દીવા જેવું ચોખ્ખું છે. પનામા પેપર લીકના સમાચાર અંગે કહીશ કે જ્યારથી ‘ગુજરાત સમાચાર’માં આ મુદ્દે સમાચાર છપાતા આવ્યા ત્યારથી વાંચતો આવ્યો છું. આ સમાચાર તમે તમારા અખબારમાં ખૂબ જ ઝીણવટપૂર્વક લઈ રહ્યા છો અને તેના અપડેટ્સ પણ ખૂબ જ સરસ રીતે આપી રહ્યા છો. રગ્બી વર્લ્ડ કપની ફાઇનલ પૂર્વે ન્યૂઝીલેન્ડની ટીમને ઝેર અપાયું હતું. સ્પોર્ટ્સ વિભાગમાં આવેલા આ સમાચાર રમત જગતનું વરવું પાસું રજૂ કરે છે, પણ આવી હકીકતો વાંચવામાં ખૂબ જ રસપ્રદ રહે છે. આ પ્રકારની પડદા પાછળની સ્ટોરીઝ વધુ આપો એવી અપેક્ષા છે.
- હિંમતભાઈ પટેલ, લેસ્ટર

જળ એ જ જીવન
‘ગુજરાત સમાચાર’ના ૧૪ મેના અંકમાં પાન નં.૨૫ પર પાણીના બાષ્પીભવનને અટકાવવા અમેરિકામાં હાથ ધરાયેલા રસપ્રદ અભિયાન વિશે વાંચ્યું. કેલિફોર્નિયામાં પાણીની તંગી વધી રહી છે. તેથી ત્યાંના સિલામર લેકની સપાટી પર તડકો શોષી લે તેવા રબ્બરના ખાસ બોલ મૂકવામાં આવ્યા છે. જેનાથી લગભગ ૩૦ કરોડ ડોલરનું પાણી વરાળ થતું અટકશે. ખરેખર આ ખૂબ સરસ આયોજન છે. આ પ્રવૃત્તિ પરથી પ્રેરણા લઈને વિશ્વના અન્ય દેશોએ પણ આવા પ્રયોગો હાથ ધરીને પાણી બચાવવું જોઈએ તેવું હું માનું છું.
કારણ કે જળ એ જ જીવન છે. એક હકીકત મુજબ દુનિયાના ત્રણ ભાગ પર પાણી છે. પરંતુ, બધા પાણીનો ઉપયોગ પીવા માટે થઈ શકે તેમ નથી. પાણીની સમસ્યા દુનિયાના અમુક ભાગોમાં જ છે તેવું નથી. પરંતુ તે સમસ્યાના નીરાકરણની વાત ખૂબ મહત્ત્વની છે. આ ઉપરાંત લંડનના મેયરપદે સાદિકખાન ચૂંટાયા તે તથા ગુજરાતને લગતી અન્ય ઘટનાઓની વિસ્તૃત માહિતી આપવા બદલ આપનો આભાર.
- જય શાહ, હેરો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter