તો પછી પધરાવી દો

Tuesday 20th January 2015 09:54 EST
 

આતંકવાદીઓએ પેરીસમાં મેગેઝીનની ઓફિસ પર અને કેનેડાની સંસદ પર કરેલો હુમલો ખરેખર નિંદનીય છે. ચુસ્ત બંદોબસ્ત કરવો અત્યંત જરૂરી છે. કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ રહેવાની છે. હવે રહેમનજર રાખવાનું ભૂલી જાવ. જેવા સાથે તેવાની નીતિ અપનાવો. આ બધાં આતંકવાદી તેમની જાત ભૂલવાના નથી, તેમને નેસ્તનાબુદ કરવા હોય તો કડક કાયદો લાવવો જોઈએ. તરત જ શૂટ... પછી કહાની આગળ જાય જ નહીં.

અમેરિકા, યુ.કે., ઈન્ડિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ જ્યાં સુધી છીંડા બંધ નહીં કરે ત્યાં સુધી જનાવરો આવવાના જ. પોતાનું પોત પ્રકાશશે જ તે લોકોની એકદમ નીચલી પ્રકારની વિચારધારા કદાપી નેગેટીવમાંથી પોઝીટીવ નહીં થાય. જ્યાં સુધી આવા આતંકીઓની વિચારધાર નહીં બદલાય ત્યાં સુધી આમ જ ચાલવાનું સાથે સાથે આવી આતંકી બાબતોને વધારે મદદ કરવામાં યેનકેન પ્રકારે માનવ અધિકારના પંતુજી - કાર્યકર્તાઓનો મહત્ત્વનો ભાગ છે.

ભારતના રક્ષામંત્રીઓ કપડાં જ બદલતાં રહ્યાં છે. બોધપાઠ આપો - ધ્વંશ કરી નાખો. જરા પણ નમતું આપ્યા વગર જવાબ આપો. નમાલા ક્યાં સુધી રહેશો?

- શરદચંદ્ર છોટાલાલ રાવ, લેસ્ટર

00000000

ઘર વાપસી

મોડા મોડા પણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બીજા કેટલાક હિન્દુ ધાર્મિક સંગઠનો, આ ‘પરત ધર્માંતરણ’ માટે જાગૃત થયા એ દાદ માગી લે છે. પરંતુ, એના પરિણામો અને પછીની વ્યવસ્થા ઊંડો વિચાર માગી લે છે.

જેને હિન્દુઓએ હડધૂત કર્યા, નકાર્યા, નીચ કહીને બેશુમાર યાતનાઓમાં ધકેલ્યા, આભડછેટના પાંજરે પૂર્યા, એવા લાખોને ખ્રિસ્તી ધર્મે, રોટી, કપડાં, માન, કેળવણી, દવાઓ વગેરેની સગવડો બક્ષીને આવકાર્યા હતા. બીજા હજારો સૂઝ, સમજ અને જરૂરિયાતોના માર્યા બુદ્ધિસ્ટ થઈ ગયાં. ઓ હિન્દુઓ! હજી પણ તમે ભૂતકાળની વર્ણવ્યવસ્થાને વળગી રહ્યા છો? તમે જ તમારા પગ પર કુહાડો માર્યો છે. જેને તમે તરછોડ્યા એને હવે હાથ પકડીને ઊભા કરવાની કોશિશ કરી રહ્યા છો એ કેટલી કારગત થશે એ તો માત્ર સમય જ બતાવશે! પણ પગલુ આવકારદાયક છે.

હા, મુસ્લિમોએ લાખોને બળજબરી, ધાકધમકી, દંડ અને હિંસાથી કાળો કેર કરી, ઈસ્લામ અંગીકાર કરાવ્યો, એવા સર્વને પરત હિન્દુઓ બનાવવાની જે જહેતમ ઊઠાવી રહ્યા છે એ ઈચ્છવા યોગ્ય છે. પરંતુ, એમને પોતાની ખૂદની સૂઝ, સમજ અને મરજીથી જ પરત લાવી શકાય. ખ્રિસ્તીઓની માફક, સર્વ સવલતો આપીને માનભેર હિન્દુ સમાજમાં પોતિકા ગણીને ઓતપ્રોત કરી શકાય તો જ પ્રયોગ સફળ થઈ શકે.

આ ભગીરથ કાર્ય માટે બેસુમાર ધનની જરૂર પડશે. દરેક હિન્દુઓનો તન, મન અને ધનનો સાથ પણ જરૂર છે. તેમજ લાખો મંદિરોમાં અઢળક ધન પડ્યું છે એનો પણ સદુપયોગ કરવાની જરૂર પડશે. દેશની પ્રજા, સરકાર અને કાયદાઓનો સંપૂર્ણ સાથ હશે તો આ મુશ્કેલ કામ સફળ થશે એવી આશા રાખવી અસ્થાને નથી.

- ડો. નગીનભાઈ પી. પટેલ, વેસ્ટ નોરવુડ હીલ

૦૦૦૦૦૦૦૦

અનન્ય ભારતીય નારી

પૂર્વ ભારતના સાત રાજ્યો માટેનો ખાસ સુરક્ષા ધારો મણિપુરને લગાડ્યો છે. આ ધારા હેઠળ લશ્કરી શાસનમાં હોય તેવી જ પરિસ્થિતિ છે. આ 'સ્પેશ્યલ પાવર એક્ટ' હેઠળ જ ઇમ્ફાલના બસ સ્ટેન્ડ ઉપર આસામ રાયફલ્સના સૈનિકોએ ૧૦ નાગરિકોને વીંધી નાખ્યા હતા. જેમાં સીમ ચંદ્રમણિનો પણ સમાવેશ થાય છે. જેમને ૧૯૮૮માં 'ચાઈલન્ડ બ્રેવરી એવોર્ડ'થી વિભૂષિત કરાયા હતાં અને ત્યાર બાદના આંદોલનમાં અન્ય ૨૫ વ્યક્તિઓનો પણ ભોગ લેવાયો હતો. જેમાં મોટા ભાગના આદિવાસીઓ જ હતા.

આ ઘટનાથી પ્રભાવિત થઈ આદિવાસી મહિલા ઇરોમ ચાનું શર્મીલાએ (જન્મ ૧૪-૩-૭૨)આ કાળા કાયદાની વિરુદ્ધમાં, તેની નાબૂદી માટે, માનવ અધિકાર માટે લડત આદરી હતી. તેમણે ગાંધીં ચીંધ્યા માર્ગે ભૂખ હડતાળ શરૂ કરી હતી. આને પરિણામે તેઓ જવાહરલાલ નહેરૂ હોસ્પિટલમાં (ઇમ્ફાલ) સૈન્યની નજર હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી કેદ છે. તેમને સરકાર નળી દ્વારા પ્રવાસી ખોરાક આપે છે. હાલમાં જ હાઇકોર્ટ તેમને નિર્દોષ જાહેર કરી છોડી ચૂક્યા હતા. મુક્તિ બાદ પણ ૨૯ વર્ષે શરૂ કરેલા ઉપવાસ ચાલુ રાખ્યા હતા અને તેમની ફરીથી ધરપકડ થઈ.

આ સમય ગાળા દરમિયાન મુખ્યધારાના ભારતીય મિડીયાએ તેમની ચળવળની ઘોર ઉપેક્ષા કરી અવગણ્યા છે અને શાસકોએ પણ તદ્દન નજીક રહેતાં તેમના મા-ભાઈને પણ ફક્ત એક જ વાર મળવા મંજૂરી આપી હતી. તેઓ કોઈ ત્રાસવાદી- નક્સલવાદી નથી પણ લોકશાહી માટે, માનવ અધિકાર માટે, શાંતિ માટે ઝઝુમતા શર્મીલા ઇરોમને સર્વોચ્ચ એવોર્ડને બદલે કારાવાસ મળ્યો.

- ભીખુભાઈ, નોટિંગહામ.

૦૦૦૦૦૦૦૦૦

ઘડપણ કોણે રે મોકલ્યું?

આપણી બાલ્યવસ્થા માતાપિતાની છત્રછાયામાં વિતાવી, રમતગમતમાં, તોફાન-મસ્તીમાં દિવસો પસાર કર્યાં. યુવાની આવી લગ્નજીવનના દિવસો વિતવા લાગ્યાં. કુટુંબ પરિવાર સાથે જીવન સરકવા લાગ્યું. જીવનમાં અવનવા પાસાં બદલાતા રહ્યાં. સુખ-દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિથી સંસારરૂપી નાવને પાર કરી, ઘડપણનું આગમન થયું. ઘડપણ આવતા કોઈની આંખો ગઈ, તો કોઈના કાન ગયાં, તો કોઈના દાંત ગયાં. કોઈને બેકનો દુઃખાવો તો કોઈને ઘૂંટણનો દુઃખાવો, તો કોઈને ખાંસી, ઉધરસ, દમ જેવી વ્યાધિથી શરીરમાં નબળાઈ આવી ગઈ. બેસવા, ઊઠવા અને ચાલવામાં લાકડીના સહારાની જરૂર પડી, હોસ્પિટલની અવરજવર વધી ગઈ. પોતાનું ઘર મૂકીને હોમકેરનો આશરો લેવો પડ્યો. જીવનના આખરી દિવસો વ્યતિત થવા લાગ્યાં. દુઃખમાં દિવસો પસાર થવા લાગ્યાં. કોને કહેવાય જાય, અને કોને આધારે રહે? પોતાના દીકરા-વહુ આજે ઘરડાં મા-બાપની સામુ જોવા તૈયાર ન હોય, એમના દુઃખ, દર્દ જાણવા માગતા ન હોય તો એ કેવું વિચિત્ર કહેવાય? તો એવા મા-બાપને કેટલો આઘાત લાગતો હશે?

ઘડપણ દરેકને આવવાનું છે. જેથી યુવાન ભાઈ-બહેનોને એક અરજ છે કે પોતાના ઘરડાં મા-બાપની બને એટલી સેવા કરજો અને એમને કોઈપણ જાતનું દુઃખ ન પડે એની તકેદારી રાખજો અને એમના દિલને કદી દુભાવશો નહીં.

- રતિલાલ ટેલર, સાઉથગેટ

000000000000000

આકર્ષક કેલેન્ડર

તા. ૧૦-૧-૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'ના અંક સાથે સાથે માહિતીપૂર્ણ આકર્ષક કેલેન્ડર મળ્યું જેનું વર્ણન લખવા મારી પાસે શબ્દો નથી. 'ગુજરાત સમાચાર' અવારનવાર વાચકમિત્રોને વિવિધ વિષયો પર આધારીત વિશેષાંકો મોકલી 'Money for Value' સેવા ગ્રાહકમિત્રોને આપે છે. વર્ષ ૨૦૧૫ માટે સી. બી. સાહેબ તથા 'ગુજરાત સમાચાર'ના દરેક કાર્યકર્તાઓને તથા વાચકમિત્રોને શુભકામના પાઠવું છું. તેમજ સમાચાર પત્ર હરહંમેશ પ્રગતિના શિખરો સર કરે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

0000000000

શુભકામનાઅો

ઈ.સ. ૨૦૧૫નું સમગ્ર વર્ષ 'ગુજરાત સમાચાર' તેમજ 'એશિયન વોઈસ'ના સર્વે કાર્યકર્તાઓને, તેમના પરિવાર સહિત સર્વેને દરેક પ્રકારે શ્રેય આપનારૂ અને ઉન્નતિકારક નીવડે તેવી હાર્દિક શુભેચ્છા.

વિતેલું વર્ષ તો દરેક પ્રકારે મહાવિનાશકારી હતું. સમસ્ત સૃષ્ટિમાં તાંડવ નૃત્ય થતું હતું. અખિલ બ્રહ્માંડમાં નરરાક્ષસોના માનવ સંહારે માઝા મૂકી. વિકરાળ, અતિભયંકર, હૃદયદ્રાવક સ્વરૂપ ધારણ કરેલ આપણે સૌ અંતરના ઊંડાણથી હાર્દિક પ્રભુ પ્રાર્થના કરીએ કે પરમકૃપાળુ પરમાત્મ સમસ્ત વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપે અને સર્વે માનવોનું સઘળા પ્રાણધારીઓનું જીવન નિર્ભય - ભયમુક્ત બનાવે. એવી શુદ્ધભાવના પૂર્ણ દિલથી અભિલાષા.

- સવિતાબેન દોલતરાય શુક્લ, સનીંગડેલ.

૦૦૦૦૦૦૦૦

વૃદ્ધોનો સાચો સથવારો

આથમતી સંધ્યાએ પહોંચેલા અમારા જેવા વૃદ્ધો માટે 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ' ખરેખર સાચો સથવારો બની ગયાં છે. નૈરોબીમાં ૪૪ વર્ષ વિતાવ્યાં બાદ અમો ૪ વર્ષથી દીકરા-વહુ સાથે બેન્સન નામના ગામડામાં જ્યાં કોઈ હિન્દુ કે મંદિર નથી ત્યાં બાકીની થોડી જીંદગી વિતાવવા આવ્યા છીએ. અમોને ખબર પણ નહોતી કે ૪૩ વર્ષથી આ દેશમાં આવું ભવ્ય 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' અતિકારમી મોંઘવારીમાં પણ સાવ મામૂલી ભાવે ટાઈમસર દર અઠવાડિયે હજારો લોકોને ઘર આંગણે મળતાં હશે. દુનિયાભરના દરેક જાતના તાજા સમાચાર સાથે કેટલું જ્ઞાન, આનંદ, માહિતી પીરસાય છે અને સાથે નવા વર્ષનું કેલેન્ડર, દિવાળી અંક મોકલી લાખો વાચકોને આનંદ આપે છે.

૨૦૧૩ જુલાઈમાં પહેલી વખત જ્યારે અમે મહિનાના બંને છાપા વાંચ્યા ત્યારે આનંદથી સ્તબ્ધ થઈ ગયા હતા અને તેજ દિવસે ૨ વર્ષનું લવાજમ ભરી ગ્રાહક બન્યા. તે જ અરસામાં 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'એ કિંગ્સબરીમાં આનંદ મેળો રાખેલ તેના પહેલા દિવસે હું જોક્સ કહેવા ગઈ ત્યારે અમારું સૌભાગ્ય કે પહેલીવાર સી.બી. અને કોકિલાબહેનને રૂબરૂ મળ્યા અને તેઓએ અમોને ભાવભીનું માન આપ્યું.

સી.બી.ના ‘જીવંત પંથ’ લેખો તથા તેમના મંતવ્ય ખરેખર તેમની સત્યતા, સરળતા અને નિડરતાના દર્શન કરાવે છે. જે વૃદ્ધોએ આ દેશ, કુટુંબ અને બાળકો માટે ખૂબ યોગદાન દીધું છે તેઓનું સન્માન કરી 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'ના દરેક કાર્યકર્તાઓ વૃદ્ધોને અહેસાસ કરાવે છે તેઓની જીવનની સાર્થકતા એળે નથી ગઈ. ખરેખર તમે બધા હીરા છો તે સત્ય હકીકત છે.

જે વડીલો સો પેઢીએ પણ સગા નથી છતાં તેઓની કદર અને સન્માન કરાય છે તેવું ઉમદા કાર્ય દુનિયામાં ક્યાંય થતું જોયું નથી. જહેમત ઊઠાવીને આવા કાર્યો - સેવા તમો બધા કરો છો તે બદલ સી. બી. સાહેબ અને તમારી ટીમના દરેક સદસ્ય અને 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ' ચિરંજીવી બનો રહે તેવી પ્રભુ પાસે અમારા બધાની પ્રાર્થના છે.

સુધાબેન ભટ્ટ, બેન્સન

૦૦૦૦૦૦૦

પત્ની એટલે પગની જુતી?

કમલ રાવનો લેખ વાંચ્યો. ઘણી દુઃખની વાત છે કે હજુ પણ પત્ની એટલે ગુલામ, પગની જુતી વગેરે જેવા ખ્યાલો છે. ભારતથી આવતી યુવતીઅોના માતાપિતાએ પહેલા બધી તપાસ કરીને પછી જ છોકરીઓને પરદેશ પરણાવવી જોઈએ. ઘણા માતા-પિતા પરદેશ છોકરીઓને એટલા માટે પરણાવે છે કે છોકરી પાછળ તેના બીજા ભાઈ-બહેન પણ પરદેશમાં સેટ થઈ જાય. બીજું ઘણી છોકરીઓ તો એમ જ નક્કી કરીને આવી હોય છે કે 'પરિવાર સાથે રહેવું જ નથી'. તો ઘણી વાર અહિંના હક્ક મેળવવા જ અમુક છોકરીઓ આવે છે. તેઓને બ્રિટિશ પાસપોર્ટ મળતા જ ફરીયાદ કરવાનું ચાલુ કરે છે. આવી છોકરીને લીધે સારી છોકરીઅો પણ શંકાનું નિશાન બને છે.

ઘણી વાર છોકરીઓ ઊંચી અપેક્ષા સાથે આવે છે. ભારતીય છોકરીઓને એટલું જ કહેવાનું કે ભારત કરતા અહીંની જીંદગી આકરી છે. ભારતની જેમ તમે કામવાળી રાખી ન શકો. બીજું અહીં ઘણા લોકો ભારત કરતા વધારે જુનવાણી છે. વહુ સુપરવુમન હોય અને ઘરનું તેમજ બહારનું બધું કામ કરી શકે એવી અપેક્ષા તેઅો રાખે છે. આવા લોકોને એટલું જ કહેવાનું છે વહુને પોતાની દીકરીને જેમ રાખો અને આ નવા જમાનામાં દિકરા-વહુ પાસે ઓછી અપેક્ષા રાખો. ઘણી વાર છોકરીના માતા-પિતાની ડખલને લઈને હસતું-રમતું ઘર વિખરાય છે. બાકી અત્યારની છોકરીઓ મજબુત છે. શ્રી કાન્તીભાઈ નાગડા ઘણું કામ કરે છે. તેમને સત સત પ્રણામ.

- નયના નકુમ, સાઉથ હેરો.

૦૦૦૦૦૦

વસતી વધારો અને ધર્મ

તમારી વાતના પત્રમાં શ્રી નગીનભાઈ પટેલ ( ૩-૧-૨૦૧૫) લખે છે તે તદ્દન યોગ્ય અને સચોટ લખેલ છે. ભારતને વધારે વસતી પોસાય તેમ નથી. જે ધર્મ પાળતા લોકો 'બે બાળકો બસ'ની નીતિમાં માનતા નથી તેમની તકલીફો વધી છે અને શિક્ષણ અને જ્ઞાનને પગલે તેમની બેકારી વધી છે અને પછી તેઅો સરકારને દોષીત ઠરાવે છે. તેમણે શિખવાની જરૂર છે.

'ચાર બાળકો પેદા કરવા જોઈએ' કહીને હિંદુ નેતાએ બુધ્ધીનું પ્રદર્શન જ કર્યું છે. આ છે આપણા નેતાજી. દેશ સિમેન્ટ ક્રોંકીટમાં દબાઈ ગયો છે, ખેતીની જમીનો બરબાદ થઈ ગઈ છે તે તેમને દેખાતું નથી.

પરિસ્થિત એટલી ખરાબ છે કે મડદાનું પણ કોઈ ધણી નથી થતું. ટીવીના સમાચારમાં જોયું હતું કે ૧૦૦થી અધિક મડદાં ગંગામાં ફગાવી દેવામાં આવ્યાં. આ છે પવિત્ર ગંગાની દશા. વસતી વધારો ફક્ત ભારતીય જ નહીં પણ સમગ્ર વિશ્વની ચિંતા છે. આજે હજારો લોકો જીવના જોખમે હજારો માઈલની મુસાફરી કરીને જીંદગી જીવવાનું સાધન શોધે છે. આજે યહુદીઓને દેશ છોડી બીજે સ્થાયી થવાની પરિસ્થિતિ ઊભી થઈ તેના ઉપરથી આપણે શો બોધપાઠ લઈશું? નાઈજીરિયામાં 'બોકો હરામ'ના આતંકવાદીઅો હજારો નિર્દોષની હત્યા કરી તેમની માસુમ અને તરૂણ વયની દિકરીઓનું અપહરણ કરી ગયા. આ કયા ધર્મની ચોપડીમાં લખ્યું છે!!! સિરિયામાં લાખોએ જીવ ગુમાવ્યા છે અને પરદેશમાં શરણ લીધું છે. આવું કરવાનું કયા ધર્મની ચોપડીમાં લખ્યું છે!!!

બીજાને દોષી ઠરાવતા પહેલાં આપણો ચહેરો આયનામાં જોવો જરૂરી છે. વસતી વધારો અને ધર્મને સાચી સ્થિતિમાં ન સમજવું તેજ જગતનું દુખ છે. જીવો અને જીવવા દો!!! લોકોને ‘દુખે છે પેટ અને કુટે છે માથું’.

- મંદારબહેન આર. પટેલ, હેરોગેટ.

0000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter