દુષિત માનસનું વરવું સ્વરૂપ

Monday 01st February 2016 12:44 EST
 

દુષિત માનસનું વરવું સ્વરૂપ

પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનિયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે. તેને બેલેન્સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનસ્પતિ દ્વારા પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. પરંતુ મનુષ્યની બુદ્ધિ દૂષિત થાય છે ત્યારે વાતાવરણ પ્રદૂષિત થાય છે. માનવજાત ભટકી ગઈ છે અને માણસ સાચા-ખોટાની પરખ ગુમાવી બેઠો છે. દુનિયાની મહાસત્તાઓ એકબીજા પર રોફ જમાવવાની હોડમાં ઘાતક અને વિનાશક શસ્ત્રોનો જે બેફામ દુરૂપયોગ કરે છે તેનાથી જ આ પ્રદૂષણ થાય છે. અમેરિકા પોતે જ ટનબંધ ન્યુક્લીયર વેસ્ટ માટે જવાબદાર છે. દુનિયાનો નાશ કરવો હોય તો ૨૦૦-૨૫૦ બોમ્બ બસ છે. પણ એકલા અમેરિકા પાસે ૭૦૦, રશિયા પાસે ૫૦૦થી વધુ એટમીક વેપન્સ છે.

- બલ્લુભાઈ પટેલ, બ્રેડફર્ડ.

ઐચ્છિક તીર્થધામ

કાશી-બનારસ, હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ, માનસરોવરની યાત્રા કરવા માટે સાધન-સામગ્રી, વાહન, સારી તંદુરસ્તી અને દવા વગેરેની જરૂર પડે. કાયાને કષ્ટ આપી કરેલી યાત્રા થકી નવા સ્થળો તો જોવા મળે જ છે સાથે પુણ્ય પણ છે.

જે સંતાનોએ જીજીબાઈના પેટમાં સાંભળેલી શિવાજીએ રામ અને લક્ષ્મણની વાત વિશે વાંચ્યું છે, શ્રવણે મા-બાપને ત્રાજવામાં બેસાડી જાત્રા કરાવ્યાનું જાણ્યું છે, તેઓ સ્વેચ્છાએ વૃદ્ધ પિતૃઓની આવી યાત્રા કરાવે છે. માતા-પિતાની સેવા કરવાના શાસ્ત્રના પઠન માટે મહાવિદ્યાલય જવાની જરૂર નથી. સદા સેવાની ભાવના જેમણે જીવનમાં ઉતરી છે તેઓનો સ્વભાવ જ સેવા કરવાનો બની રહે છે. તેઅો તો આઠ કલાક જોબ કર્યા પછી પણ રસોઈ રાંધીને માતા-પિતાને ખવડાવીને તેઅો કદી એક ટંક પણ ભૂખ્યાં ન રહે તેવી તકેદારી રાખે છે. જે ઘરમાં મા-બાપની સુશ્રુષા થાય છે, જ્યાં આમન્યા જળવાય છે તે ઘરમાં આજે પણ સતયુગ ચાલે છે.

હીરાભાઈ એમ. પટેલ, લુટન

સાઉદીએ હાથ ધોઇ કાઢ્યા...

સીરીયા અને અન્ય દેશોમાંથી હજારો નિરાશ્રીતો યુરોપમાં ઠલવાઇ રહ્યા છે ત્યારે સાઉદી અરેબિયાએ જર્મનીને કહ્યું કે આ બધા રેફ્યુઝીસને તમે સહારો આપ્યો છે તો અમારા ખર્ચે તમારી ભૂમિ ઉપર ૨૦૦ મસ્જિદ ચણાવી દેશું. જર્મની સિવાય આર્થિક તકલીફ અને બેરોજગારીથી પિડાતા ઈયુના અનેક દેશોએ આ દુર્ભાગી રેફ્યુઝીસને બીજા ધર્મના હોવા છતાં માણસાઈ દેખાડી આશ્રય, પાણી, ભોજન, કપડાં વિગેરે આપીને અપનાવ્યા છે.

ઈયુ દેશોએ જે મહાન કાર્ય કર્યું છે તે પ્રસંશનીય છે. સાઉદી અરેબિયાએ મુસ્લિમ ધર્મને જીવંત રાખવા જર્મનીમાં મસ્જિદ બાંધવા પૈસા ખર્ચવા તૈયાર છે, પણ આ બધા પોતાના ભાઇ-બહેનોને વિશાળ ધરતી અન અઢળક પૈસો હોવા છતાં માણસાઇને નાતે પણ કેમ પોતાના દુઃખીયારા લોકોને આશ્રય આપતા નથી? ખરેખર તો 'દિલ એક મંદિર' અથવા 'દિલ એક મસ્જિદ' હોવું જોઈએ, જ્યાં ભાગ્યાના ભેરુ બનીને આવા નિરાશ્રીતોને આશ્રય મળવો જોઇએ.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન.

અનામત માટે આંદોલન

અનામત માટે પાટીદારોએ આંદોલન કર્યું. તેમના જેવી જ તકલીફ બ્રાહ્મણ, વાણિયા, લોહાણા બધાની હતી. પરંતુ તેઅો આવા આંદોલનથી દૂર રહ્યા છે. દેશ, ગુજરાત, ગુજરાતીઓના વિકાસમાં પટેલ લોકોનો ફાળો છે. જ્યારે ગુજરાત કે ગુજરાતીઓનો પ્રશ્ન હોય ત્યારે એક ગુજરાતી તરીકે વિચારવું જોઈએ કે કોઈ એક જ્ઞાતિ તરીકે નહીં.

આવા આંદોલનથી જ્ઞાતિઅો વચ્ચે ભેદભાવ પેદા થાય. સરદારના નામે પથ્થર તારવા હોય તો પહેલા સરદારની વિચારધારા સમજવી જોઈએ. સરદારને પોતાની કોમ કે ગુજરાત નહીં પરંતુ પુરા હિન્દુસ્તાન (ભારત)ની ચિંતા રહેતી. એટલા માટે તો ભારતના વડા પ્રધાનપદની ગાદી હાથવેંતમાં હોવા છતાં ગાંધીજીના આગ્રહ અને હિંદુસ્તાનના ભવિષ્યની ચિંતા માટે પદનો આગ્રહ ન રાખ્યો. ગુજરાત શાંત અને સમૃદ્ધ છે તેના વિકાસમાં અવરોધ શા માટે ઊભો કરો છો? કે પછી રાજકીય ચાલ કે કોઈ રાજકીય ષડયંત્ર તો નથી ને?

પરેશ પી. દેસાઈ, લંડન

ક્રિકેટમાં ભારતનો ડંકો

ટીમ ઇંડિયાએ ક્રિકેટજગતમાં ડંકો વગાડી રવિવારે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે પરાજય આપ્યો અને ત્રણ મેચની સિરીઝ ૩-૦થી જીતી લીધી. ભારતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ૧૪૦ વર્ષના રેકોર્ડને પ્રથમ વખત તોડીને કરારી હાર આપી.

ક્રિકેટજગતમાં ધુરંધર ગણાતા ઓસ્ટ્રેલિયાને તેના પોતાના ગ્રાઉન્ડ પર હરાવવું તે લોઢાના ચણા ચાવવા જેવુંછે. છેલ્લા ૧૪૦ વર્ષના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાને વિશ્વની કોઈ પણ ટીમ તેના ઘર આંગણે વ્હાઇટ વોશ' હાર આપી શકી નથી. જોકે અનુભવી અને વિચક્ષણ ક્રિકેટ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ભારતીય ટીમે આ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.

હવે આગામી ટી ટ્વેન્ટી વિશ્વ કપ માટે ક્રિકેટ રમતા બધા દેશો અને ચાહકો ભાતને હોટ ફેવરીટ ગણાવી રહ્યા છે. કપ્તાન મહેન્દ્રસિંગ ધોનીની વડપણ હેઠળ ભારત તમામ પ્રકારના ક્રિકેટ વિશ્વ કપમાં વિજયી રહ્યું છે અને આઇસિસી રેન્કીંગમાં પણ નંબર વનનો ખિતાબ મેળવી ચૂક્યું છે.

- ઇન્દ્રવિર રાજપુત, હેરો

દુકાનદારોને માથે પનોતી

એક સમય હતો કે યુકેના કોઇ પણ શહેરમાં કોર્નર શોપ કે ન્યુઝ એજન્ટ શોપની મુલાકાત લો તો દુકાન માલીક તરીકે ગુજરાતી કે એશિયન મૂળની વ્યક્તિ મળી આવે. આપણા દુકાનદારોએ દસ-બાર કલાકની કાળીમજુરી કરી, વહેલી સવારે દુકાનો ખોલીને પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપીને સધ્ધર કર્યા હતા.

પરંતુ આજે નાના દુકાનદારોની હાલત ખૂબજ ખરાબ થઇ ગઇ છે. વિરાટકાય સુપરમાર્કેટો સામે પોતાનો ધંધો કેવી રીતે ચલાવવો તે દુકાનદારની સમજ માં આવતું નથી. સુપરસ્ટોર્સના ભાવ સામે હરિફાઇ કરવી શક્ય નથી ત્યારે ગ્રાહકો પણ બે પેની બચાવવા મથામણ અને 'શોપઅરાઉન્ડ' કરે છે.

તમે 'ગુજરાત સમાચાર'માં સાચુ જ કહ્યું છે કે દુકાનદારોની કફોડી હાલત પાછળ સરકારની નીતિઅો જવાબદાર છે. સરકાર દરેક રોડ પર મોટા સુપરસ્ટોર્સ ખોલવાની પરવાનગી આપે છે. સ્વતંત્ર દુકાનદારોના સંગઠનો પણ સુપરસ્ટોર્સના વગદાર મેનેજમેન્ટ સામે પાછળ પડે છે.

આપણા નાનકડા દુકાનદારો માટે સરકાર જો તાત્કાલીક સુયોગ્ય પગલા નહિં ભરે તો દરેક શેરીના નાકે આવેલી દુકાનો ખતમ થઇ જશે અને હાઇસ્ટ્રીટ જેવું જ રહેશે નહિં.

- મહેશ પટેલ, હેરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter