દેખ તમાશા લકડી કા...

Tuesday 15th September 2015 10:43 EDT
 

જ્યારે જ્યારે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ગીત ‘દેખ તમાશા લકડી કા’ સાંભળું છું ત્યારે વિચાર આવે છે કે આ ગીતમાં લાકડાની જે પ્રશંસા કરવામાં આવી છે તે હવે હકીકતે સાચી જણાતી નથી. આજે લાકડાનું સ્થાન પ્લાસ્ટીકે લીધું છે. હોસ્પિટલમાં બાળકના જન્મથી લાકડાં કરતાં પ્લાસ્ટીક વધારે સંકળાયેલું છે અને હવે તો દુનિયાના મોટા ભાગમાં મૃત્યુ વખતે પણ લાકડાનો ઉપયોગ થતો નથી, દહન માટે ગેસનો ઉપયોગ થાય છે.

૧૯૫૦ની સાલથી પ્લાસ્ટીકનું ઉત્પાદન શરૂ થયું અને હવે આપણે સહું ‘પ્લાસ્ટીક યુગ’માં જીવી રહ્યા છીએ. ઘણી વખત તો માત્ર થોડીક જ સેકંડ પ્લાસ્ટીકની વસ્તુનો ઉપયોગ કરીને કચરામાં પધરાવીએ છીએ. માત્ર બ્રિટનમાં જ દર વર્ષે પાંચ મિલીયન ટન પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. જેમાંથી માત્ર ૨૪ ટકા પ્લાસ્ટીક ફરીથી ઉપયોગમાં લેવાય છે. વિશ્વમાંથી દર વર્ષે ૧૩ મિલીયન ટન પ્લાસ્ટીકનો કચરો સમુદ્રમાં પહોંચે છે. આપણા નળમાં પીવાનું શુદ્ધ પાણી અને ઘરમાં વારંવાર પાણી પીવા માટેની વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં માત્ર બ્રિટનમાં પીવાના પાણીની ૧૫ મિલીયન પ્લાસ્ટીક બોટલનો દરરોજ વપરાશ થાય છે. આ બોટલને પ્લાસ્ટીક તરીકે નષ્ટ થતાં ૪૫૦થી વધારે વર્ષ લાગે છે.

ગયા વર્ષ દરમિયાન બ્રિટનની સુપરમાર્કેટ્સ દ્વારા સાડાઆઠ બીલીયન એટલે કે દરેક ગ્રાહકને ૧૩૩ પ્લાસ્ટીકની બેગ આપવામાં આવી. બગાડ અને પ્રદુષણ ઘટાડવાના ઇરાદાથી તા. ૫ ઓક્ટોબરથી ગ્રાહકોએ પ્લાસ્ટીક બેગની કિંમત ચૂકવવી પડશે. વેલ્સમાં પ્લાસ્ટીક બેગની કિંમત લેવાની શરૂઆત થઈ ત્યારથી બેગના વપરાશમાં ૭૯%નો ઘટાડો નોંધાયો છે.

આપણે સહુએ ‘પ્લાસ્ટીકની વસ્તુઓ’નો ઉપયોગ કરતી વખતે તેનાથી વાતાવરણ અને ‘મરીન લાઇફ’ને થતી હાનિ વિશે વિચારવું જોઈએ.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર.

દુઃખીયારાની દુર્દશા અને દુર્ભાગ્ય

ઈશ્વરે તેમજ કુદરતે દરેક દેશને ઠાંસી ઠાંસીને ધરતીની ભીતરે ખાણ કે ધરતી ઉપર મોંઘરી વનસ્પતિ આપી છે. પણ અફસોસ કેટલાય દેશમાં ધર્મના નામે ત્યાંની સરકારે ત્યાંના વતનીઓના ઘરો બાળી નાંખ્યાં, રોજી રોટી લૂંટી લીધી અને પાયમાલ કરી નાંખ્યા. જીવ બચાવા સિરિયાના આવા રેફ્યુજીસ કુટુંબ સાથે થોડી ઘણી મૂડી લઈને બાજુના દેશમાં કેટલાક વખત પહેલા ભાગ્યા છે. માનવ તસ્કરી કરતા લોકોને ૧૫૦૦થી ૫૦૦૦ પાઉન્ડ સુધીની રકમ આપીને તેઅો પોતાના બાળકોના ભવિષ્ય માટે સાવ થર્ડ ક્લાસ બોટોમાં અથવા રબ્બરની ડીંગીમાં લાઈફ જેકેટ વગર યાત્રા કરે છે. નિર્દય, સ્વાર્થી, ખલાસીઓએ વધુ રકમની કમાણી કરવા ક્ષમતા કરતા વધુ લોકોને નાનકડી ડીંગી કે બોટમાં વધુ લોકોને ભરે છે અને આવી બોટો ડુબી જવાના કારણે મેડિટેરિયન દરિયામાં અત્યાર સુધીમાં ૨,૫૦૦ વ્યક્તિઓ કમોતે ડૂબી ગયા છે. ટર્કીશ પોલીસને દરિયાકિનારેથી નાની કળી જેવા ૩ અને ૫ વર્ષ બે ભાઈની લાશો મળી. પોલીસે વ્હાલથી બે મૃત બચ્ચાઓને હાથમાં લીધા જે કરુણ દ્રશ્ય આખી દુનિયાએ છાપામાં જોઈ અને દરેકનું હૃદય દ્રવી ઊઠ્યું હશે. તે બાળકોની મા પણ દરિયામાં ડૂબી ગયેલ છે.

ધન્ય છે જર્મની, ઓસ્ટ્રીયા, યુ.કે. જેવા દેશોને કે જેમણે માનવતા બતાવી આવા બેબસ અને બેઘર થયેલા રેફ્યુજીસને આશરો આપ્યો છે. દુનિયા આખી અમેરિકા અને અોસ્ટ્રેલિયાનો ઈતિહાસ જાણે છે. શક્તિશાળી, પૈસાદાર અને વિશાળ દેશોએ પોતાની નેવી મેડિટેરિયન દરિયામાં મોકલી આવા કમનસીબ રેફ્યુજીઓને પોતાના દેશમાં સહારો દેવો જોઈએ. ઘણા એ ભજન સાંભળ્યું હશે, ‘દૂસરો કા દુઃખડા દૂર કરને વાલે, તેરે દુઃખ દુર કરેંગે રામ’. ઈયુ દેશોના અમુક વ્યક્તિઓને આ રેફ્યુજીસ તેમને દેશમાં જાય તે પસંદ નથી પણ તેઓજ આ કફોડી, કમનસીબ સ્થિતિમાં હોત તો? તો તેઓ પણ કોઈ સુખી દેશ પાસે આશરો તો માંગે ને?

- સુધા રસિક ભટ્ટ, બેન્સન.

હિન્દુ ધર્મ અને સમાજમાં વિધવાનું સ્થાન

ગઈ કાલે રાત્રે રશિયન ટીવી ચેનલ નંબર ૫૧૨ માં એક ટીવી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. જોકે તે હું સંપૂર્ણ રીતે જોઈ શક્યો નહોતો. ટીવી પર વૃંદાવનમાં કરુણા દશામાં રહેતી ઘણી વિધવા હિન્દુ સ્ત્રીઓની ઘણી જ દુઃખ દર્દભરી કહાની રજૂ કરાઇ હતી. આપણા હિન્દુ ધર્મમાં અને સમાજમાં આજે ૨૧મી સદીમાં પણ વિધવાઅોની કેટલી અવગણના થાય છે. નિરાધાર અને ઘરડી વિધવા માતાઓને કેટલાક પરિવાર અને સમાજ ત્યજી દે છે કે ઘરમાંથી કાઢી મુકે છે.

વૃંદાવન ધામ શ્રીકૃષ્ણની લીલા માટે આદીકાળથી પ્રખ્યાત છે પણ તેમાં આ કલંક મોટા ડાઘા સમાન દીપે છે. કમનસીબી એ છે કે વિદેશની ટીવી ચેનલો આ વાત ઉપર પ્રકાશ ફેકે છે. ખરેખર તો આ કામ આપણા ધર્મગુરુઓ, કથાકારો, મંદીરો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓનું છે. આવી વિધવા સ્ત્રીઓ માટે કોઇ અવાજ ઉઠાવતું નથી. આવો ઘોર અન્યાય ચલાવી શકાય એમ નથી.

હિન્દુ ધર્મમાં વિધવાની સતીના નામે બલી ચઢાવાતી હતી. આ બદતર રિવાજને વોરન હેસ્ટિંગ્સે કાયદો લાવી રદ કર્યો હતો. એ વાતને વર્ષોના વીતી ગયા, પરંતુ હિન્દુ સમાજ કે ધર્મે વિધવાઓની દુર્દશા દૂર કરવામાં નહિવત કામ કર્યું છે. સ્થાનિક સંસ્થાઓ વૃંદાવનમાં વિધવાઅો માટે થોડુ સામાજીક કામ કરે છે. પરંતુ તે દરીયામાં પાણીના એક ટીપા સમાન છે. લેખકો, ફિલ્મકારો કોઈક વખત વિધવા વિવાહ અને એમનું સ્થાન સુધારવામાં આ પ્રશ્ન ઉપર નોંધ લે છે પણ પછીથી વાત વિસરાઈ જાય છે.

જો આ જટીલ પ્રશ્ન માટે હું સક્રીય કાર્ય કરવા તત્પર છું અને આપણા પેપર થકી અવાજ ઉઠાવી શકાય તો મારા તરફથી દર મહિને પાઉન્ડ ૨૫નું ડોનેશન કરવા તૈયાર છું. જેવી રીતે આપ ૮૦ વર્ષ ઉપરના વડિલોનું સન્માન કરો છો તેવી રીતે વૃધ્ધ વિધવા સ્ત્રીઅો માટે પણ કોઇ કાર્ય કરો તો આનંદ થશે.

- કિશોરભાઈ દેસાઈ, સાઉથ લંડન.

નોંધ: લંડન સ્થિત લુમ્બા ફઉન્ડેશન દ્વારા વિધવાઅો માટે ખૂબજ સુંદર કામગીરી કરવામાં આવે છે. લોર્ડ રાજ લુમ્બા દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા ઉઠાવાયેલી જહેમતના કારણે ૨૦૧૦માં તા. ૨૩ જૂનને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તા. ૧૮ સ્ટેમ્બરના રોજ 'ગુજરાત સમાચાર અનેે એશિયન વોઇસ' દ્વારા લંડનમાં યોજાનાર 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ'માં પસંદ કરાયેલ ચેરિટી તરીકે લુમ્બા ફાઉન્ડેશનની પસંદગી કરવામાં અવી છે. - તંત્રી

ઉજ્જવળ ભવિષ્યની આશા

વિશ્વના વિવિધ દેશો ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યા છે તેને પગલે અસરગ્રસ્ત દેશોમાંથી યુરોપના દેશોમાં જવા માટે શરણાર્થીઅો પોતાના જીવના જોખમે પ્રયાસ કરી રહ્યા છે. સીરિયાથી યુરોપ જવાના પ્રયાસમાં દરિયામાં ડૂબેલા ત્રણ વર્ષના માસુમ સીરિયન બાળક એલન કુર્દીની લાશ તુર્કીના દરિયા કિનારેથી મળતા સમગ્ર વિશ્વમાં ખૂબજ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને જર્મની, ફ્રાન્સ અને યુકે સહિતના યુરોપિયન દેશોએ શરણાર્થીઅો તરફ મદદનો હાથ લંબાવ્યો છે.

સીરિયા અને ઇરાકમાંથી જ દોઢ કરોડ લોકો દેશ છોડી ચૂક્યા છે. આજ રીતે નાઇજીરિયા, દક્ષિણ સુદાન, યુક્રેન, આફ્રિકા, અફઘાનિસ્તાન, કોસોવોમાંથી લોકો યુરોપ તરફ નજર માંડી રહ્યા છે. યુરોપમાં દરિયાઇ રસ્તે પહોંચવાના પ્રયાસમાં ૩૨૦૦ કમનસીબના મોત થઇ ચૂકયા છે. આ કમનસીબ લોકો અહિં ઉજ્જવળ ભવિષ્યની આશા લઇને આવી રહ્યા છે ત્યારે યુકેના ભવિષ્યની ચિંતા પણ અસ્થાને નથી જ.

રજનીભાઇ કોરાટ, વેમ્બલી.

ઘડપણમાં સમજણ

વૃદ્ધાવસ્થા એક બિમારી છે. પણ જ્યારે રોગ અને એકલતાનો સંગમ થાય છે ત્યારે વિટંબણા ચરમ બિંદુએ પહોંચી જાય છે.

ઘડપણ કોઈ મોકલતું નથી એ તો કુદરતના ક્રમ પ્રમાણે સમય થાય ત્યારે ઈચ્છા ન હોય તો પણ સ્વીકારવું પડે છે. જન્મ, જરા, ઘડપણ જીવનની વણથંભી ઘટમાળ છે.

સમયની હવા પ્રમાણે સ્વયંને અનુકૂળ બનાવવા જરૂરી બદલાવ સ્વીકારવો જરૂરી છે. એકલા ઘરોમાં પૂરાઈ રહેવાથી જીવનના દસ વર્ષો ઓછા થાય છે, ચાલો બહાર નીકળી જીવન જીવી જાણો. હળવો વ્યાયામ, ધ્યાન, યોગ, સંગીત, જીવનને મધુર, મીઠાશભર્યું સપ્તરંગી બનાવશે. અધૂરી રહેલી ઈચ્છાઓ, પૂર્ણ કરવાની હવે ભરપૂર તક મળી છે. મળેલી પળોને સફળતામાં પરિવર્તન કરો.

જીવનની પાછલી ઉંમરે ઓછું પણ મીઠાશથી ભરપૂર બોલીને તમારા બાળકો અને પાડોશીઓના દિલને જીતી લો. શરીર સ્વસ્થ હશે તો જ સમાજે આપેલી સેવાઓની પરત ભરણી કરી શકશો. સમાજની તન-મન અને ધનથી સેવાઓ કરી કરજ પૂર્ણ કરશો તો જીવન હળવુ અને આનંદભર્યું બની જશે.

- પ્રમોદ મહેતા, ‘શબનમ’, સડબરી

અનામતનું કોકડું

હજારો વર્ષોથી વર્ણાશ્રમના વિભાજનથી, પ્રજાએ કર્મથી નહીં પણ જન્મથી જ અમુક લોકોને દલિતો ગણ્યા ત્યારથી બાકીના ઉચ્ચ વર્ણોની દાદાગીરી, અણછાજતાં દબાણો તેમજ આભડછેટથી આ પીડિત પ્રજાની પ્રગતિનાં દ્વાર સદંતર બંધ થયાં. આજે પણ કેટલેક અંશે ગામડાઓમાં કાયદા-કાનૂન હોવા છતાંય, આ દૂષણ બંધ થયું નથી. હજીએ મહદઅંશે દલિતોની દયાજનકત પરિસ્થિતિનો અંત આવ્યો નથી.

વનવાસીઓ અને આદિવાસીઓ માટે શૈક્ષણિક સગવડો અને ઉચ્ચ કક્ષાના શિક્ષકો તેમજ સંસ્થાઓ વગેરેની ભારે અછત છે. સરકારોની નાણાંકીય ફાળવણી નહીંવત્ જ રહી છે. આ બાબતમાં દરેક રાજ્યની સરકારોએ ખાસ ડિપાર્ટમેન્ટ્સ ઊભા કરવાની જરૂર છે. દેશની આઝાદી વખતે બંધારણમાં દલિતો અને આદિવાસીઓ માટે જે અનામતો અર્પણ કરાઈ હતી, જે યથાવત્ જ હતી. પરંતુ જ્યારથી અન્ય પછાત વર્ગોના (ઓબીસી) લોકો માટે અનામતનો અમલ થયો ત્યારથી બીજી અનેક જ્ઞાતિ અને જાતિઓની માંગો અને ચળવળો પેદા થઈ. આ વિકટ પરિસ્થિતિનું ગૂંચવાયેલું કોકડું કોઈપણ જાતની કમિટીઓ નીમવાથી ઊકેલી શકાય એમ જણાતું નથી.

આમાં મારી દ્રષ્ટીએ ત્રણ પર્યાય છે. સંપૂર્ણ અનામતોની નીતિને તિલાંજલિ, દલિત અને આદિવાસીઓ સિવાયની અન્ય અનામતો સદંતર બંધ કરી દેવી, કે પછી બીજા ૧૫-૨૦ વર્ષો સુધી દલિત અને આદિવાસી માટેની અનામતો ચાલુ રાખીને માત્ર નોકરીઓ માટે જ એનો અમલ કરવો અથવા જેમ મળે છે એવી જ શૈક્ષણિક અનામતો પણ ચાલુ રાખવી.

હા, ઊચ્ચ વર્ણોને નોકરીઓ અને શૈક્ષણિક એડમિશનો માટે અન્યાય થઈ રહ્યો છે એ એક વાસ્તવિક સત્ય છે. એમના અંગત હક્કો પર હથોડો પડ્યો છે એમાં બે મત નથી. પરંતુ એ બધી જ ઉચ્ચ જ્ઞાતિ અને બીજી જાતિઓએ પણ સહિષ્ણુ બનીને એમને અપાતી અનામતો બંધ કરવામાં શાંતિમય સહકાર આપવો જ રહ્યો. તો જ આ અનામતના ભૂતને ભગાડી શકાશે.

વનવાસી આદિવાસીઓ અને દલિતો માટે, દેશની શૈક્ષણિક સંસ્થાઓની હરોળમાં ઊભી રહે તેવી કક્ષાની શાળાઓ, કોલેજો, શિક્ષકો મકાનો અને વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સગવડો અને ધરખમ બાંધકામો માટે પૂરતી નાણાકીય જોગવાઈઓ ઊભી કરવી જ પડે. બારમા ધોરણ સુધી ફરજિયાત કેળવણી દાખલ કરવી પડે અને થોડીઘણી નોકરીઓની અનામતો ચાલુ રાખવી પડે, તો જ આ વિકટ પ્રશ્નને હલ કરી શકાશે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter