પર્યાવરણના મિત્રો બનીએ, શત્રુ નહીં

Monday 12th October 2015 11:43 EDT
 

'તમારી વાત' વિભાગમાં ઘણીવાર વાચક મિત્રોનાં વિચારો એટલા ઉમદા હોય છે કે તે વિષય ઉપર લખવાની અને ચર્ચા-વિચારણા કરવાની પ્રેરણા મળી રહે છે. ‘દેખ તમાશા લકડી કા’ના શીર્ષક નીચે લેસ્ટરથી શ્રી મુકુંદ આર. સામાણીએ પ્લાસ્ટીકનો ઉપયોગ અને પ્રદૂષણ સાથે લાકડાનું સ્થાન હવે પ્લાસ્ટીકે લીધું હોવા તરફ ઈશારો કર્યો છે.

પરિવર્તનશીલ જીવન શૈલીમાં માણસની જરૂરિયાતો બદલાતી રહે છે. તેથી નવી શોધખોળ જરૂરી અને આવકાર્ય છે. પ્લાસ્ટીકને કોઈપણ આકાર સહેલાઈથી આપી શકાય છે. વજનમાં હલકું, સસ્તું, સફાઈમાં સહેલું, વાપરવામાં ટકાઉ, સવલત ભરેલું અને આકર્ષક રંગોમાં ઉપલબ્ધ પ્લાસ્ટીક ઘરો, હોસ્પિટલ, એરોપ્લેન, ટી.વી. અને કોમ્પ્યુટર, મોબાઈલ ફોનમાં પેકેજીંગ અને ડીસ્પોઝેબલ વસ્તુ ઉપરાંત અનેક બીજી બનાવટોમાં વપરાય છે. ઊંચા ઉષ્ણાતામાન ઉપર ઓગાળવામાં આવતું પ્લાસ્ટીક ઝેરી ગેસ ફેંકી હવામાનને દૂષિત કરે છે.

લાકડાની અવેજીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે તે કહેવું પણ ઠીક નથી. લાકડું અને પ્લાસ્ટીક બંનેને અલગ અલગ સ્થાન આપી શકાય. રોજીંદા જીવનમાં વપરાતા ફર્નીચર, દરેક પ્રકારનાં કાગળો, દીવાસળી, પેન્સિલ અને ઈંધણ ઉપરાંત લાકડામાંથી સંખ્યાબંધ વસ્તુઓ બનાવવામાં આવે છે. અમેરિકા જેવા દેશમાં જ્યાં લાકડાની વિપુલ નિપજ છે ત્યાં ઘરો પણ લાકડામાંથી બનાવવામાં આવે છે.

લાકડા માટેનું વૃક્ષનું કપાવવું અનિવાર્ય છે. વૃક્ષો CO2 ખેંચી પ્રાણવાયુ (ઓક્સીજન) બહાર ફેંકી વાતાવરણને શુદ્ધ કરે છે.

લાકડાનો અને પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ વિચારીને કરવામાં આવે અને પ્લાસ્ટીકનો નિકાલ યોગ્ય જગ્યાએ કરીશું તો આપણી ભાવિ પેઢી માટે એક સુંદર પર્યાવરણનું નિર્માણ થશે. જેમાં વૃક્ષો, વનસ્પતિ, જીવ-જંતુ, પશુ-પંખી અને જળચર સૌ એકમેકના મિત્ર બનીને રહેશે.

- ઈલાબહેન ત્રિવેદી, સ્ટેનમોર

ગંદુ રાજકારણ

તા. ૨૫મી ઓગષ્ટે અમદાવાદમાં પાટીદાર આંદોલનની મુખ્ય કમાન સંભાળનાર હાર્દિક પટેલને સૌ કોઈ જાણતા થઈ ગયા. પરંતુ આ તોફાનમાં કેટલું નુકસાન થયું, પોલીસ કર્મચારી મરી ગયા, કેટલું નુકસાન થયું. આ હાર્દિક પટેલ કે કોઈના માટે શોભાસ્પદ તો ન જ કહેવાયને? ખરેખર ખેદજનક છે.

બીજું શ્રી નરેન્દ્ર મોદીજીએ અમેરિકામાં પોતાની માતાએ પરિવારનું પોષણ કરવા કેટલો શ્રમ કર્યો તે યાદ કરતાં ભાવુક બની ગયાં. એક-બે ક્ષણ માટે મોદીજી બોલી ન શક્યા તે દ્રશ્યને રાહુલજીએ 'નાટક' કહી હદ કરી નાંખી છે. ઈટાલિયન માતાના આ સંસ્કાર છે કે પછી ઈર્ષ્યા છે? તેમને શું કહેવું?

આમ પણ યુરોપના દેશો કરતાં ભારતમાં લાગણીશીલતા વધુ છે. જોકે પહેલાં જેવી નથી, છતાં જ્યાં લાગણી છે ત્યાં દુઃખ છે. પરંતુ આ નવી પેઢીના કે અહીં જન્મેલા, અહીંના માહોલમાં ઉછરેલા એટલા લાગણીશીલ નહીં હોય. ખેર સુખી થશે.

- ચંપાબહેન સ્વામી, માંચેસ્ટર

'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નો હું છેલ્લા ૩૨ વર્ષથી વાચક છું. જો 'ગુજરાત સમાચાર' મને શુક્રવારે ન મળે તો ખૂબ જ બેચેની લાગે છે. દર શુક્રવારે સવારે ઊઠીને ચા-નાસ્તો કરી હંમેશા ટપાલની રાહ જોવાનો મારો હંમેશનો ક્રમ છે. જો ટપાલમાં 'ગુજરાત સમાચાર' ન આવે તો મને ન ચાલે. છાપુ વાંચવાનો મારો ક્રમ શનિવારે સાંજ સુધી ચાલે. રવિવારે છાપુ વાંચવાનો વારો મારા પત્નીનો છે. અમને બન્નેને 'ગુજરાત સમાચાર' જોઇએ એટલે જોઇએ જ. અમે લંડનમાં હોઇએ ત્યાં સુધી કદી આ ક્રમ તુટ્યો હોય તેવું મને ખબર નથી.

પરંતુ મારા દિકરાએ હમણાં મને ભેટ આપેલ આઇપેડ ઉપર 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ સેટ કરીને સમાચાર બતાવ્યા. તેણે 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ લેટર માટે પણ મારા ઇમેઇલનું નામ નોંધાવી દીધું. આનંદની વાત એ છે કે હવે મારે પહેલાની જેમ શુક્રવારની રાહ જોવી પડતી નથી. દસ જ સેકન્ડમાં આઇપેડ ચાલુ કરી તાજા સમાચાર વાંચી લઉં છું. આ નવી ટેક્નોલોજી સારી અને સગવડવાળી છે પણ છાપુ વાંચવાની જે મઝા આવે છે તે અલગ જ છે.

રમણભાઇ શાહ, લેસ્ટર.

કાર્ડિફમાં બાપુ

'ગુજરાત સમાચાર'માં વાંચ્યું કે વેલ્સના કાર્ડિફમાં હિન્દુ કાઉન્સિલ ઓફ વેર્લ્સ આપણા હિન્દુસ્તાનની મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવા માંગે છે. માતૃભૂમિ હિન્દુસ્તાન લાંબા સમયથી ગુલામીના પંજામાં સબડતું હતું ત્યારે વીરરત્ન ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવી, અનેક તકલીફો વેઠીને દેશને આઝાદ કર્યો હતો. તેઅો ખરા દેશપ્રેમી હતા અને તેમના માટે આ ગીત સાંભળ્યું હતું. ‘દે દી હમે આઝાદી, બીના ખડગ - ઢાલ કે, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.’

આપણે સૌ જાણીએ છીએ કે તા. ૨ ઓક્ટોબર બાપુનો જન્મદિવસ છે તો આપણે સૌ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે યથાશક્તિ ભેટ વેલ્સમાં ગાંધીજીની પ્રતિમા માટે મોકલીએ તો આપણે બાપુને ખરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય.

ગાંધીજી પ્રતિમાની સ્થાપના ત્યાં થશે તો આપણી આવતી પેઢીને પણ હિન્દુસ્તાનના વિરલાની અોળખ થશે. મને ખાતરી છે કે હિન્દુસ્તાનના અહિંસાના આ પૂજારીની જ્યોતને જલતી રાખવાના આ નેક કાર્યમાં સહુ કોઈ સહયોગી બનશે.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન

એર ઈન્ડિયાનું નવું ગતકડું?

'ગુજરાત સમાચાર' અને તેના વાચકો દ્વારા લાંબા સમયથી કરાયેલા અથાક પ્રયાસો, ભારત તેમજ ગુજરાત સરકારના વિવિધ નેતાઓ અને મંત્રીઓના આશાસ્પદ વિધાનો અને બ્રિટિશ સરકારના સાંસદોની દરમિયાનગીરી છતાં એર ઈન્ડિયાએ લંડન-અમદાવાદ વચ્ચેની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં હજુ સુધી કાંઈ પ્રગતિ કરી નથી. પરંતુ હવે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત વખતે જ એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે વિશ્વની સહુથી લાંબી ‘નોન-સ્ટોપ’ સફર એટલે કે ૮૭૦૦ માઈલનું અંતર અને સતત ૧૮ કલાકનું ઉડ્ડયન બેંગ્લોર અને સાન ફ્રાન્સિસ્કોના રૂટ માટે વિચારી રહ્યું છે. જોકે આ રૂટની સફળતાની જાણ કંપનીના ડિરેક્ટર્સ અને રેગ્યુલેટર્સ સાથેની વાટાઘાટો બાદ જાણવા મળશે.

હાલમાં વિશ્વની સૌથી લાંબી હવાઈ મુસાફરી ૮૫૭૦ માઈલની સીડની અને ડલાસ વચ્ચે ‘ક્વોન્ટાસ’ દ્વારા અસ્તિત્વમાં છે તેમજ આવતા વર્ષથી ૮૫૮૦ માઈલની ફ્લાઈટ દુબઈ અને પનામાના રૂટ પર એર એમીરેટ્સ શરૂ કરશે.

એર ઈન્ડિયા એવો દાવો કરે છે કે આ રૂટ શરૂ કરવાથી બંને દેશો વચ્ચે ટ્રાફિક વધશે પરંતુ નિષ્ણાતોના મત મુજબ આ રૂટ નફાકારક નહીં હોય. હવે ભવિષ્યમાં જ ખબર પડશે કે આ નવા રૂટની ફ્લાઈટ કેટલો વખત ચાલશે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

ટપાલમાંથી તારવેલું

• કોવેન્ટ્રીથી જ્યોતિબહેન પ્રવિણચંદ્ર શેઠ જણાવે છે કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' અમે નિયમિત વાંચીએ છીએ. 'જીવંત પંથ'ના લેખમાં સીબીએ હાર્વર્ડ યુનિવર્સિટીનો ઉલ્લેખ કરેલ છે તો આનંદની વાત એ છે કે અમારી દીકરી કલ્પના શેઠ પણ ૨૦૧૪માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીડરશીપનો કોર્સ કરી અને તેમાં ગ્રેજ્યુએટ થઈ છે.

* બર્મિંગહામથી અજયભાઇ મૈસુરિયા જણાવે છે કે 'ચાર દિવસના ભારત પ્રવાસે ગયેલા જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર મંત્રણા યોજી સંરક્ષણ ઉત્પાદન, રેલવે, સિવિલ એવિએશન, વેપાર-ઉદ્યોગ, ગ્રીન એનર્જી, ઉચ્ચ શિક્ષણ, સ્કીલ ડેવપમેન્ટ, ગુપ્તચર તંત્ર, ત્રાસવાદનો પ્રતિકાર અને સંસ્કૃતિ સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હતી. ભારત અને જર્મનીએ ૧૮ સમજૂતી કરારો કર્યા છે. બન્ને દેશો વચ્ચેનો આ સહકાર ઘણી સફળતા અપાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter