બાળકો સાથે ગુજરાતીમાં બોલો

Tuesday 19th January 2016 07:34 EST
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હું છેલ્લા ૪૦ વર્ષથી નિયમીત વાંચુ છુ અને બન્ને પેપર વાંચવાની મને મઝા આવે છે. આપનું કેલેન્ડર ખૂબજ માહિતી ધરાવતું હોય છે. 'ગુજરાત સમાચાર' વાંચવાથી મારી બીમારી દૂર થઇ છે અને પેપર વાંચીને હું ગુજરાતી શિખ્યો છું. પરંતુ આજકાલ લોકો ગુજરાતી ભાષા ભૂલવા લાગ્યા છે અને ઇંગ્લીશ પર વધારે ભાર મૂકવા લાગ્યા છે. બાળકો વધુને વધુ ગુજરાતી ભાષામાં વાત કરે તે જોવાની આપણી પહેલી ફરજ છે.

અત્યારે મોંઘવારી ખૂબજ વધી છે અને તેના કારણે લવાજમમાં નજીવો વધારો કરવો પડે તે કોઇ માટે અઘરી વાત નથી.

- નટવરલાલ આર. રાજા, બર્મિંગહામ.

અોટોમન એમ્પાયર

'ગુજરાત સમાચાર'માં આ સપ્તાહે સાઉદી અરેબિયા વિષે શ્રી સીબી પટેલ દ્વારા લખાયેલો ખૂબજ સરસ માહિતી ધરાવતો લેખ વાંચીને આનંદ થયો. તેમાં ઘણી રસપ્રદ માહિતીનો સમાવેશ કરાયો છે. ખીલાફતની શરૂઆત અને અંત વિષેની ઘણી બધી રોચક માહિતીનો ઉલ્લેખ કરાયો હતો પરંતુ ત્યાંના અોટોમન એમ્પાયરનો ઉલ્લેખ કર્યો હોત તો વાચકોને વધુ સારી માહિતી મળત.

અોટોમન એમ્પાયર એટલે કે ઉસ્માની સામ્રાજ્ય સોળમી અને સત્તરમી સદી દરમિયાન ચરમ સીમાએ હતું અને તે એશિયા, યુરોપ અને ઉત્તરીય આફ્રિકા સુધી ફેલાયેલું હતું. આ સામ્રાજ્ય પશ્ચિમી અને પૂર્વીય સભ્યતાઅો માટે વિચારોના આદાન - પ્રદાન માટે એક સેતુ સમાન હતું અને એક સમયે ઇસ્તંબુલ તેની રાજધાની હતું.

- રશ્મિકાંત દવે, હેરો.

મહાત્મા ગાંધીજી અને ખીલાફત ચળવળ

શ્રી સીબી પટેલ દ્વારા સાઉદી અરેબિયા વિષેનો લેખ વાંચીને ખૂબજ આનંદ થયો. પહેલી વખત બ્રિટનના ગુજરાતી અખબારમાં આવો ઝીણવટભરી માહિતી ધરાવતો વિસ્તૃત લેખ વાંચવા મળ્યો. સાઉદી અરેબિયા ગમે તેટલું સધ્ધર હશે, શસ્ત્ર સરંજામ હશે પરંતુ યમન પર તે કદાપી વિજય મેળવી શકશે નહિં.

ભારતમાં આઝાદી અંદોલન વખતે મહાત્મા ગાંધીજીએ ખીલાફત ચળવળને પોતાનો ટેકો આપ્યો હતો. જલીયાંવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ ખિલાફત ચળવળ વખતે અલીભાઇઅોને બિરદાવ્યા હતા. પરંતુ ગાંધીજીની આ ઘણી મોટી ભૂલ કરી હતી. ગાંધીજીએ પાછળથી હિન્દુ - મુસ્લિમ એકતા ટકાવી રાખવા માટે તેમણે ખિલાફત ચળવળને ટેકો આપ્યો હોવાનું જણાવ્યું હતું.

- રમેશ પટેલ, લેસ્ટર

પ્રમુખ સ્વામીની ૯૫મી જન્મજયંતી

શ્રી નરેન્દ્ર મોદી, ડો. અબ્દુલ કલામ અને અન્ય મહાન વિભૂતિઓ દ્વારા, પૂ. પ્રમુખ સ્વામીજીની સાદગી, સંયમ, ત્યાગ, દિવ્યતા અને માનવ કલ્યાણ માટે અર્પેલી સેવાઓ અંગે આસ્થા ચેનલ ઉપર હૃદયસ્પર્શી ચિતાર નિહાળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. ભક્તજનોએ, સુંદર નૃત્ય-સંગીતનો આલ્હાદાયક કાર્યક્રમ યોજી પૂ. પ્રમુખ સ્વામીને જે રીતે નવાજ્યા, બિરદાવ્યા અને ભાવભીનું સન્માન કર્યું તે જોઈ હર્ષની અનેરી લાગણી અનુભવી. સ્વામીજીએ દુનિયાભરમાં, ઠેરઠેર ભક્તજનોને પ્રેરિત કરી, ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું છે તે ભારતની મહાન સંસ્કૃતિના પ્રતિક તરીકે કાયમ રહેશે, સંસ્કૃતિને જીવિત રાખશે અને અનેક જીવોનો ઉધ્ધાર કરશે.

પૂ. પ્રમુખ સ્વામીને જન્મદિન મુબારક અને કોટી કોટી વંદન.

નિરંજન વસંત, લંડન (ઇમેઇલ દ્વારા)

ડોનાલ્ડ ટ્રમ્પ અને મુસ્લિમો

યુએસમાં પ્રમુખપદના ઉમેદવાર અને બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિટનમાં પ્રવેશ નહિ આપવાની પિટિશન પર બ્રિટિશ સાંસદો સોમવાર, ૧૮ જાન્યુઆરીથી ચર્ચા કરનાર છે તે સમાચાર 'ગુજરાત સમાચાર'માં વાંચ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશ નહિ આપવાની હાકલ કર્યા પછી ટ્રમ્પ પર બ્રિટન પ્રવેશ માટે પ્રતિબંધ લાદવા લોન્ચ કરાયેલ પિટિશનમાં ૫૬૦,૦૦૦ લોકોએ સહી કરી છે.

વડા પ્રધાન કેમરન અને ચાન્સેલર ઓસ્બોર્ને મુસ્લિમો પર યુએસમાં પ્રતિબંધ અંગે ટ્રમ્પના નિવેદનને વખોડ્યું હોવા છતાં તેઓ યુકેમાં ટ્રમ્પને પ્રતિબંધિત કરવા માંગતા નથી. જોઇએ હવે આગળ શું થાય છે? પરંતુ જે રીતે ત્રાસવાદ વધી રહ્યો છે તેનાથી વિવિધ દેશોમાં નિર્દોષ મુસ્લિમોને દ્વેષ અને તકલીફ સહન કરવાં પડે છે.

અતુલ પટેલ, હેરો.

સરકારના પેન્શન સુધારા

સરકારે પેન્શનમાં સુધારાનો કાયદો લાવતાં ૫૫થી વધુ વયના બચતકારો પોતાના પેન્શન પોટની રકમનો ઉપયોગ ઘરમાં સુધારાવધારા કરવા, હોલીડેઝ કરવા કે પછી મોર્ગેજની ચુકવણી કરવા માટે કરી રહ્યા છે. અત્યારે પેન્શન પોટની રકમ ઉઠાવી લેવામાં ૫૫ થી ૫૯ વર્ષની વયજૂથના બચતકારો સૌથી આગળ છે.

ઘણી દુ:ખની વાત છે કે પેન્શનરો પોતાની બચતને આ રીતે ખર્ચી રહ્યા છે. પેન્શન એ ઢળતી જતી વયે કામમાં આવતું ફંડ છે અને જો જરૂરી સલાહ સૂચન વગર તે ફંડને વાપરી નાંખવામાં આવે તો ભવિષ્યમાં ઘણી તકલીફો થઇ શકે તેમ છે.

નીલેશ શાહ, વેસ્ટહામ.

ટપાલમાંથી તારવેલું

* ગ્રેઝથી હર્ષદભાઇ આઇ. દવે જણાવે છે કે તમારી વાત વિભાગમાં વાચકોના પત્રોથી અમે બંને ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને આવા નવા નવા વિચારો દર્શાવતા વાંચકોથી આપણું પેપર માહિતીસભર બને છે. નવા વર્ષે આપણા પેપરને ખૂબ જ ખ્યાતિ મળે અને તમે સતત મહેનત કરી ગુજરાતી ભાઈઓને જે લાભ આપો છો તે બદલ આભાર.

* રોમફર્ડથી અતુલભાઇ પટેલ જણાવે છે કે યુકેના નાગરિકો માટે ભારતીય વિઝા ફીનું નવું ધોરણ તા. ચોથી જાન્યુઆરી, ૨૦૧૬થી અમલમાં આવ્યું છે તેના સમાચાર 'ગુજરાત સમાચાર'માં વાંચ્યા. મારા ઘણા મિત્રો આ બાબતે ફરિયાદ કરે છે. પરંતુ આપણે એ ભૂલવું ન જોઇએ કે ભારતથી યુકે આવતા લોકોએ પણ ઉંચી વિઝા ફી આપવી પડે છે.

ઐચ્છિક તીર્થધામ

કાશી-બનારસ, હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ, માનસરોવરની યાત્રા કરવા માટે સાધન-સામગ્રી, વાહન, દવા વગેરેની જરૂર પડે. ટેકરી ચઢતાં હાંફને બરદાસ્ત કરવા તંદુરસ્તી જોઈએ. કાયાને કષ્ટ આપી કરેલી યાત્રા થકી નવા સ્થળો નરી આંખે જોવાનું મળે છે. બીજું સુક્ષ્મ પરિણામ અદ્રશ્ય પુણ્યનું પણ છે.

જે સંતાનોએ જીજીબાઈના પેટમાં સાંભળેલી શિવાજીએ રામ-લક્ષ્મણની વાત વિશે વાંચ્યું છે, શ્રવણે મા-બાપને ત્રાજવામાં બેસાડી જાત્રા કરાવ્યાનું જાણ્યું છે, તેઓ સ્વેચ્છાએ વૃદ્ધ પિતૃઓની આવી યાત્રા કરાવે છે. માતા-પિતાની સેવા કરવાના શાસ્ત્રના પઠન માટે મહાવિદ્યાલય જવાની જરૂર નથી. સદા સેવાની ભાવના જેમણે જીવનમાં ઉતરી છે તેઓનો સ્વભાવ જ સેવા કરવાનો બની રહે છે. તેઅો તો આઠ કલાક જોબ કર્યા પછી પણ રસોઈ રાંધીને માતા-પિતાને ખવડાવીને તેઅો કદી એક ટંક પણ ભૂખ્યાં ન રહે તેવી તકેદારી રાખે છે.

જે ઘરમાં મા-બાપની સુશ્રુષા થાય છે, જ્યાં આમન્યા જળવાય છે તે ઘરમાં આજે કળિયુગમાં પણ સતયુગ ચાલે છે.

હીરાભાઈ એમ. પટેલ, લુટન

આતંકવાદ – તાકીદની માંગ

પાકિસ્તાન કે ઉત્તર કાશ્મીરમાંથી AK47, ગ્રેનેડ, સુસાઇડ બેલ્ટ અને બોમ્બ જેવા અદ્યત્તન શસ્ત્રોથી સજ્જ થઇ આતંક માટે ભારે ટ્રેનિંગ લઇને આવતા આતંકવાદીઓની ઘૂસણખોરી અને હુમલાઓ વારંવાર થતા હોવાં છતાં, આપણી સરકારોએ અડધી સદીથી, અસરકારક અને જડબાતોડ પગલાં લીધાં નથી એ અતિશય દિલગીરીની વાત છે. વખતોવખત, આતંકવાદીઓ કરતાં આપણા જવાનો અને નિર્દોષ પ્રજાજનોની જાનહાની વધારે થાય છે. એનાં કારણોની સંપૂર્ણ તપાસ આપણા સંરક્ષણ પ્રધાનોએ કદી કરી છે ખરી? આપણી સરહદનું રક્ષણ કરતા જવાનોને ‘બુલેટપ્રૂફ વેસ્ટ, નાઈટ વિઝન કેમેરા અને એવા બાયનોક્યુલર જેવા ઉપકરણો તેમજ બીજી સવલતો’ અપાય છે ખરી?

આગળની સરકારના સંરક્ષણ પ્રધાનની તો આ બાબતોમાં ઊંઘ ઊડતી જ નહોતી. મુંબઈની તાજમહાલ હોટેલ અને વિકટોરિયા ટર્મિનર્સના આતંકવાદીઓ સામે આપણા પોલીસ દળના જવાનો સૈકા જૂની ‘૩૦૩’ બંદૂકો વડે લડ્યા હતા. તેની સામે આતંકીઓ પાસે ઓટોમેટિક હથિયાર હતાં. જવાનોના રક્ષણ બાબતે ‘આંખ આડા કાન’ કર્યાં હતાં. હાલના સંરક્ષણ પ્રધાનને આવી મૂર્ખાઈ પોષાય એમ નથી.

પાકિસ્તાનની વિદેશ નિતી ‘અભી બોલા અભી ફોક’ જેવી બે ધારી તલવાર જેવી હોવાનો અનેક પ્રસંગોએ અનુભવ થયો હોવા છતાં વધારે પડતો વિશ્વાસ પ્રજાને આવકાર્ય ન જ હોઈ શકે. છેલ્લે પઠાણકોટના આતંકવાદનો દાખલો લેવો જેવો જોઈએ. આપણા જવાંમર્દોને સર્વ પ્રકારે રક્ષણ અને બચાવ કરવાની પવિત્ર ફરજ છે એનો ત્વરિત અમલ કરવો જ રહ્યો.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter