બ્રેક્ઝિટ પેકેજ ફગાવ્યું તો ખરું, પણ તેના વિશે પૂરી વિગત કેટલા લોકો જાણે છે?

Thursday 17th January 2019 05:00 EST
 

ઘણા સમયથી જે બ્રેક્ઝિટ વિશે સૌ ચિંતિત હતા તે ‘ડ્રાફ્ટ વિધડ્રોવલ એગ્રીમેન્ટ’ યુકેની પ્રસ્તાવિત ડીલનો ઐતિહાસિક પરાજય થયો છે. ‘પ્રસ્તાવિત ડીલ અને ડ્રાફ્ટ’ વિશે ટિપ્પણી કરવાનો હેતુ નથી. સૌએ ખુબ જ મહેનત કરી છે અને બધાનો હેતુ રાષ્ટ્રભાવના છે જેમાં કોઈ શંકા ના હોઈ શકે, પણ પ્રયત્નો સાચી દિશામાં, જરૂરી માત્રામાં અને સમયસર હોવા જોઈએ. કર્મ કરવું માનવધર્મ છે, પણ ફળ આપવું એ ઈશ્વરની ઈચ્છા છે.
પ્રશ્ન એ છે કે કેટલા આદરણીય પાર્લામેન્ટરીયન્સ ૫૮૫ પેજ ના આ કોમ્પ્લેક્સ ‘ડ્રાફ્ટ વિધડ્રોવલ એગ્રીમેન્ટ’નો અભ્યાસ કર્યો છે? મને શંકા છે કે મોટા ભાગના કે બધા મહત્વના સભ્યોએ તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હોય. જેમણે વિરુદ્ધમાં કે તરફેણમાં મતદાન કર્યું હોય તેમને પ્રશ્ન કરી શકાય કે આપ ટૂંકા સમયમાં અભ્યાસ કરી શક્યા? આપ બરાબર સમજ્યા છો કે યુકેનો પ્રસ્તાવ શું છે?
‘પ્રસ્તાવિત ડીલ અને ડ્રાફ્ટ’માં કઈ એવી બાબત હતી જે તમને લાગી કે બરાબર નથી તેથી વિરુદ્ધમાં મતદાન કરું છું અથવા તો સારી લાગી તેથી તેની તરફેણમાં મતદાન કરું છું.
આપ આ ૫૮૫ પાનાના લીગલ ડોક્યુમેન્ટને બરાબર સમજ્યા છો કે યુકેનો પ્રસ્તાવ શું છે? તમે તેની નાનામાં નાની વિગતો, રેગ્યુલેશન નંબર વગેરે શું છે એ સમજ્યા કે સમજવાનો સમય મળ્યો? આપને કોઈએ સમજાવ્યું? તમારી પાર્ટીએ આ કોમ્પ્લેક્સ ડોક્યુમેન્ટ અને તેના લાભ-ગેરલાભ વિશે સમજણ આપી? કોઈ સેમિનાર, ક્લાસ, પ્રેઝન્ટેશન વીડિયો? તેનાથી કોને ફાયદો અને કોને નુકસાન થશે? આપે ખુદના મતક્ષેત્રમાં જઈને લગતાવળગતા સૌ કોઈને આ પ્રસ્તાવિત એગ્રીમેન્ટ વિશે સમજ આપી છે? તેની કોઈ લેખિત નોંધ લીધી છે? આવી પાંચ નોંધ તમે પેજ નંબર, ફકરા નંબર સહિત રજૂ કરી શકશો કે એગ્રીમેન્ટની આ બાબત મને ગમી કે ના ગમી?
જાહેર જનતા કે વ્યાપારી સંગઠનોને પણ આની સંપૂર્ણ માહિતી નથી. રાતદિવસ મીડિયામાં અસંખ્ય સ્ટેટમેન્ટ, ઇન્ટરવ્યુ અપાય છે, પણ કેટલી જગ્યાએ ઊંડા ઉતરી સમજ પડી છે? સૌ જનરલ સ્ટેટમેન્ટ આપે છે. બહુ ઓછા લોકોએ સ્પેસિફિક ઇસ્યુ ઉપર ચર્ચા કરી છે. એગ્રીમેન્ટ પણ મારી દૃષ્ટિએ રીડર ફ્રેન્ડલી બનાવી શકાયો હોત અથવા તેની સરળ આવૃતિ ઓછા પાનાંની અને ટૂંકા મુદ્દાસર બનાવી શકાય જે બહુજન સમાજને ઉપયોગી થાય.
મારી દૃષ્ટિએ આપણે ઓછામાં ઓછા ૬ મહિનાથી આ પ્રક્રિયામાં મોડા છીએ. જે ગઈકાલે થયું તે ૬ મહિનાથી એક વરસ પહેલા થઈ શક્યું હોત. યુરોપને એગ્રીમેન્ટ આપતા પહેલા ઘરઆંગણે ડિબેટ થઈ શકી હોત. દરેક પક્ષના સભ્યોને લઇને એક કમિટી બનાવવી શક્ય છે, જે આ એગ્રીમેન્ટ બનાવવામાં અને તેને પાસ કરવામાં મદદરૂપ થઈ શકે
હજુ મોડું નથી, નેશનલ ગવર્ન્મેન્ટ અથવા તેનો કોઈ પર્યાય બને અને સહિયારો નિર્ણય થાય તે ખુબ મહત્વનું છે. થોડાક સમય માટે ગાદીનો મોહ છોડી શકાયઃ ‘નો ડીલ’ એક્ઝિટ ડિસઓર્ડરલી બ્રેક્ઝિટ થશે; તેની સંભવિત અસરો એ અલગ વિષય છે.
ઈશ્વર આપણા ગ્રેટ બ્રિટન અને તેના નાગરિકોની રક્ષા કરે અને દેશને સાચી દિશામાં દોરી જાય તેવી પ્રાર્થના.

- વિદ્યુત મહેતા, મોનમોઉથશાયર (સાઉથ વેલ્સ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter