યુથ કોન્ફરન્સ ૨૦૧૬

Tuesday 01st March 2016 11:42 EST
 

યુથ કોન્ફરન્સ ૨૦૧૬

'એશિયન વોઇસ' દ્વારા એન્યુઅલ યુથ કોન્ફરન્સનું આયોજન આગામી તા. ૨૩મી માર્ચ, ૨૦૧૬ના રોજ થઇ રહ્યું છે ત્યારે હું આપને આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઅો પાઠવું છું. આપના સાથીઅો સાથે આપ આવતી કાલના નેતાઅોને તૈયાર કરવા માટે આવા કાર્યક્રમો દ્વારા જે જહેમત ઉઠાવી રહ્યા છો તે બદલ આપની સરાહના કરૂં છું.

- સર જે. કે. ચાંદે, અગ્રણી બિઝનેસમેન અને ફિલાન્થ્રોપિસ્ટ, ટાન્ઝાનીયા.

ઓપરેશન રાહત - મોદીની ચાહત

આપણો ભારત દેશ રક્ષા બાબતે ખૂબ જ મજબૂત અને બળવાન બની રહ્યો છે. દેશના લશ્કરની ત્રિ-પાંખીય જળ, સ્થળ અને હવાઈ દળ દેશનું ગૌરવ અને શાન છે.

યમનમાં આતંકવાદી હુમલાઓ અને સાઉદી અરેબિયાના વડપણ હેઠળ સાથી દળોએ કરેલા હુમલા પછી યમનમાં વસતા ભારતના નાગરીકોએ પોતાનું રક્ષણ કરવા માટે મદદ માંગી હતી. વિના વિલંબે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મદદ પહોંચાડી અને સના તેમજ એડન પોર્ટ મારફતે ૪,૬૮૦ ભારતીયો અને ૪૧ દેશોના ૯૬૦ વિદેશી નાગરીકોને હેમખેમ યુધ્ધભૂમિમાંથી બહાર કાઢ્યા હતા. માનવતાના હિતકારી અને મૈત્રી ભાવનાના મહારથી તરીકે મોદીજીને નવાજ્યા છે. તેઅો આકાશમાં સ્થિર ચમકતાં ધ્રુવ તારા સમાન શાંતિ પ્રકાશ ફેલાવતી ભારતની દીવાદાંડી સમાન છે.

ભારત માતાના કર્મયોગી પુત્ર મોદીજીને કોટી કોટી વંદન અને સફળતાની શુભેચ્છા.

- પ્રમોદ મહેતા ‘શબનમ’ સડબરી

જીવન એટલે ‘જીવંત પંથ’

'ગુજરાત સમાચાર'નો દિવાળી અંક ખૂબ જ ગમ્યો અને વાંચવાની મજા આવી. તા. ૩૦ જાન્યુઆરીના 'ગુજરાત સમાચાર'નો ‘જીવંત પંથ’ લેખ વાંચ્યો. 'ચેરીટીના નામે ચરી ખાનારાઓ ચેતે' એ ખૂબ જ સરસ રીતે તમે જણાવ્યું. વાંચનારાઓ ચેતે તો સારી વાત છે.

તા. ૬ ફેબ્રુઆરીના અંકનો 'જીવંત પંથ' લેખ ખૂબ જ ગમ્યો. શબ્દનાદ, શબ્દ જાપ, શબ્દ જાળ, શબ્દની અદભૂત શક્તિ વિષેવાંચવાની મજા આવી. ઉષાબહેન મહેતાને ખૂબ જ ધન્યવાદ. સાથે 'સારું થયું આઝાદ થઈ ગયા' ખરેખર એ આખું ગીત બરાબર વાંચ્યું અને તે સમજવા જેવું છે. મહાદેવભાઈ દેસાઈને જોયા નહોતા પણ એમની ડાયરી વાંચી છે એ અમારા સુરતના જ દેસાઈ.

તા. ૧૩ ફેબ્રુઆરીનો 'જીવંત પંથ' 'વસમી વિદાયનો પીડાજનક સમય' ખૂબ જ ગમ્યું. તમારા સૂચનોનો અમલ કરવા જેવો છે. સી.બી. ને થેન્ક યુ. ૨૬ ડિસેમ્બરના અંકમાં ક્રોલીના દિલીપભાઈ - પન્નાબહેનનો કિસ્સો કમલ રાવે રજૂ કર્યો હતો તે વાંચ્યું. એ માતા-પિતાને ધન્યવાદ.

- નીરુબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ

સબ કો સન્મતિ દે ભગવાન

આજના જમાનામાં બે વસ્તુઓ માટે આપણે ખૂબ જ હતાશ થઈએ છીએ. સંયુક્ત કુટુંબ તથા ગુજરાતી ભાષા. સૌ પહેલાં તો એટલું જ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કૂમળો છોડ જેમ વાળીએ તેમ વળે. બાલ્યવયના સંસ્કાર જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે બાળકોને નાનપણથી ગુજરાતી શિક્ષણ આપીશું તો તેઓ ગુજરાતીને સારી રીતે અપનાવી લેશે. પણ અહીંના વાતાવરણમાં આપણા મૂળભૂત સિદ્ધાંતો ભૂલી ગયા છીએ અને પશ્ચિમી દેશોનું અનુકરણ કરીએ છીએ.

જો ઘરમાં ગુજરાતી ભાષા બોલાતી હોય તો આપણે ગુજરાતી ભાષા માટે ઢંઢેરો પીટવાની જરૂર નહીં પડે. બીજુ યુવા પેઢીને હરહંમેશ શિખામણ આપવાને બદલે પ્રેમ આપશો તો પ્રેમથી જ તેઓ આપણા થઇને આપણી સાથે રહેશે. જે માને પેટમાં પાંચ દીકરા ભારે નહોતા પડ્યા એ જ ‘મા’ પાંચ દિકરાને પાંચ ફ્લેટમાં ભારે પડે છે. મા-બાપ તથા યુવાનોને સમજણની જરૂર છે. આના માટે એટલું જ કહી શકાય કે સૌને ભગવાન સન્મતિ આપે તેવી પ્રાર્થના.

ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

આપણી જીવનશૈલી

આપણું જીવન, આપણું શરીર, આપણો આત્મા. ભગવાને આપણને આપેલું આ સુંદર માનવ તન. ભગવાનના કોઈ હેતુસર અને આપણા ઋણાનુબંધે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ. આ બધું આપણને સમજમાં આવતું નથી. ભગવાનની ગતિ અતિ ન્યારી છે. આપણો જન્મ થયો તો મૃત્યુ તો નક્કી જ છે. આ જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે ગાળો છે એ આપણી જીવનશૈલી છે. આપણે સર્વે કેવું જીવન જીવીએ છીએ એના પર આપણા આખા જીવનનો આધાર છે. આપણે માનસિક, શારીરિક, કૌટુંબિક તેમજ આધિ-વ્યાધિ, ઉપાધિ અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. કોઈ પણ સમસ્યાથી આપણું મન અનેક વિચારોના વમળમાં ઘેરાઈ જાય છે અને એવા ગમગની વાતાવરણને કારણે આપણે અશાંતિ અનુભવીએ છીએ.

એક દિવસ આપણા જીવનનો અંત આવી જશે. મારું, મારું કરી બધું ભેગું કર્યું અને અંતના સમયે બધું જ અહીં છોડીને ચાલ્યા જઈશું. જીંદગી એક સ્વપ્ન છે. ભગવાને જે કામ માટે આપણને આ પૃથ્વી પર મોકલ્યાં છે તો એમનું ઋણ અદા કરી આ જીવનને સાર્થક બનાવીએ. ‘તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.’

- રતિલાલ ટેલર સાઉથ ગેટ

શિક્ષાપત્રી કર્મ સુધારાની ચાવી

તા. ૧૩-૨-૧૬ના 'ગુજરાત સમાચાર'માં આવેલા લેખ 'માનવ જીવનમાં ધર્મ-નીતિનો ઉજાશ પાથરતી શિક્ષાપત્રી' વાંચી આનંદ થયો. માનવ સ્વભાવમાં લાગણી, પ્રેમ, સંસ્કાર લઈને જન્મે છે. મોટા થતા સમજણ આવતા પવિત્ર સ્વભાવમાં લોભ તથા કપટ પેદા થાય છે, જે જીવનને નુકસાની પહોંચાડે છે. મહાભારત તથા રામાયણના ગ્રંથોમાં સારપ તથા કપટ બંને છે.

કળિયુગમાં બેલેન્સ લાઈફ સ્થાપવા માટે ભગવાન સહજાનંદે શિક્ષાપત્રી લખી જેમાં માણસ જાતને સુખી જીવન જીવવા ધાર્મિક નિયમો લખ્યા. આ નિયમોનું પાલન કરવાથી આપણા કર્મો સુધરે છે અને મોક્ષના માર્ગે જવાય છે. પણ કળિયુગમાં અમુક માનવીઅો ધર્મના અોઠા હેઠળ ખોટો ઢોંગ કરી ધર્મને વગોવે છે તેથી દુઃખ થાય છે. ગાંધીજી ગીતાના નિયમો જીવનમાં ઉતારી મહાન થઈ ગયા. શિક્ષાપત્રીના નિયમો પાળવાથી જીવન સુધરી જાય છે અને મોક્ષ મળે છે.

- મનોજ પટેલ, હેમલ હેમ્પસ્ટેડ

'જીવંત પંથ અને આરોગ્ય

મુરબ્બી શ્રી સી. બી. પટેલ દરેક સપ્તાહે ‘જીવંત પંથ’ દ્વારા જ્ઞાન સાથે આપણા આરોગ્યને સાચવવાની સોનેરી સલાહ આપે છે. તેની સામે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના લવાજમમાં વર્ષે એક પાઉન્ડ વધ્યો એ કંઈ જ નથી. ખરેખર પેપરમાં દેશ-વિદેશના સમાચાર સાથે આપણા આરોગ્યને કેમ સાચવવું તેના પર તેઓ પ્રકાશ પાડે છે. પરંતુ એ માટે આપણું મનોબળ હોવું જરૂરી છે. ન ખાવાનું ખાઈ આપણે પોતે જ રોગને નોંતરીએ છીએ.

પૂ. મોરારિ બાપુ પોતાની ૯ દિવસની કથા દ્વારા સમાજ કે દેશના યુવાનોને કલુષિત વિચારોથી મુક્ત કરવા અને સુધારવા માટે પ્રયાસ કરે છે. રામકથા તો ફક્ત નામ છે, સૌ કોઈ રામ-સીતા-રાવણ વિશે જાણે છે. પરંતુ બાપુ કથા દ્વારા સારો સંદેશ આપવા માંગે છે. બાકી તો આપણે ટી.વી.માં જોઈએ છીએ આપણી માતૃભૂમિ ભારતની શું દશા છે? આ લખું છું ત્યારે જૂની ફિલ્મની લીટી યાદ આવે છે, ‘ઘર કો આગ લગા દી ઘર કે ચિરાગોને’ આનાથી ખરાબ બીજું કયું બદનસીબ આપણા દેશનું કહેવાય? આને સુધારવા માટે એકલા મોદી શું કરે? એને માટે વિરલાઓની જરૂર છે. આપણા સી. બી. પટેલ જીવંત પંથ દ્વારા એમનાથી બનતું કરે તે બદલ ધન્યવાદ.

- ચંપાબહેન સ્વામી, માંચેસ્ટર

શિખામણ કે પછી....

પશ્ચિમી જગતની માફક ભારત પણ આધુનિકરણ તરફ હરણફાળ ભરી રહ્યું છે. ભારતના વૈજ્ઞાનિકો મંગલયાન છોડી શક્યા છે, નજીકના સમયમાં મુંબઈ-ગુજરાત વચ્ચે બુલેટ ટ્રેન દોડતી હશે., મોટાભાગની પ્રજા પાસે આધુનિક સવલતો જેવી કે વોશિંગ મશીન, ડીશ વોશર કે વેક્યુમ ક્લિનર છે પરંતુ એમેઝોન ઈન્ડિયાની પ્રવક્તા માધવી કોચરના જણાવ્યા મુજબ ગયા સપ્ટેમ્બરથી મોટા શહેરોની પ્રજા ગાયનાં છાણાંનો ઓર્ડર ઓનલાઈન ઉપર કરી રહ્યા છે અને માંગ પણ ખૂબ ભારે છે.

સદીઓથી ગાયના છાણનો બળતણ તરીકે ભારતમાં ઉપયોગ થતો રહ્યો છે, હજુ પણ ગામડાંઓમાં ઉપયોગ થાય છે અને તેને પ્રદૂષણ ફેલાવવા માટે વગોવવામાં આવે છે. વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર દિલ્હી છે અને વિશ્વના ૨૦ અગ્રણી પ્રદૂષિત શહેરોમાંના ૧૨ શહેરો ભારતમાં છે.

શોપક્લુઝ નામની ઓનલાઈન કંપની ધરાવતી રાધિકા અગ્રવાલના જણાવ્યા મુજબ 'પાર્ટીઅોમાં શહેરની સુખી પ્રજા દ્વારા ખુલ્લી જગ્યામાં તાપણી માટે સળગાવેલાં છાણાંના બળતણની ગંધથી અમને જૂના દિવસો અને ગામડાંની યાદ આવે છે.

- મુકુંદ આર સામાણી, લેસ્ટર

ગંદકી અને શરમ

'બ્રેન્ટમાં ગંદકી કરનારા સામે પગલાં જરૂરી'ના મથાળા હેઠળ એક પત્ર તા. ૨૭ ફેબ્રુઆરીના અકમાં વાંચ્યો. બ્રેન્ટમાં જ નહીં દરેક સ્થળે ગંદકી કરનારા સામે પગલાં લેવાની જરૂર છે. સર્વત્ર આ દૂષણ, આ ઉપદ્રવના નિશાન જોવા મળે છે અને એ જોઈને મનમાં દુઃખ થાય છે.

સરકાર કે કાઉન્સિલ ઉપર બધો જ બોજ અને બધી જ જવાબદારી નાખવાથી ધાર્યું પરિણામ નહીં આવે. આપણા સમાજમાં જ જાગૃતિ આવે અને વિચારધારા બદલાય તો જ દીર્ઘકાલિન સુધારા અને પરિવર્તન આવશે.

પત્રમાં શ્વેત વ્યક્તિ ચાલતો હોય તો પણ ... પીચકારી... વાંચી મને આશ્ચર્ય થયું. શું ખરેખર શ્વેત વ્યક્તિનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) મેળવવા માટે જ આપણે વર્તણૂંક સુધારવી જોઈએ? આવી વિચારધારા ભારોભાર લઘુતાગ્રંથિની ચાડી ખાતી હોય એવું મને લાગે છે. અલબત્ત ખરાબ વર્તન તો ખરાબ જ કહેવાય. ફક્ત સ્થાનિક શ્વેત લોકોને રાજી રાખવા પૂરતું જ એવું ખરાબ વર્તન આપણે ટાળીએ તો એમાં શોભા નથી જ.

- સંજય દેસાઈ, ઈલફર્ડ

ટપાલમાંથી તારવેલું

* અર્જુન પટેલ, હેરોથી યુરોપીયન યુનિયનમાંથી છુટા થવું કે ન થવું? ઇયુના લાભ-ગેરલાભ વગેરે અંગે શ્રી સીબી પટેલ 'જીવંત પંથ'માં વિસ્તૃત માહિતી આપશે તો તે વાંચીને અમારા જ્ઞાનમાં વધારો થશે. જો સાચી સલાહ અને માહિતી નહિં હોય તો આપણા લોકો મનફાવે તેમ મત આપશે તો અોડનું ચોડ થઇ જશે.

* રીટાબેન શુક્લા, ઇલફર્ડથી જણાવે છે કે 'ભારતમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીના વિદ્યાર્થીઅો જે રીતે ભારત વિરોધી અને હિન્દુ ધર્મ વિરોધી નારાઅો લગાવે છે તે જોતાં લાગ્યું કે ભારતના કેટલાય લોકોને ખરેખર આઝાદી શું છે તેનો અર્થ ખબર નથી. આવા લોકોને પડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઇરાન મોકલી દેવા જોઇએ. ત્યાંજ તેમને સહિષ્ણુતા અને આઝાદીનો અર્થ સમજમાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter