લંડન-અમદાવાદ ફ્લાઈટ : મૃગજળમાંથી હકીકત

Monday 21st December 2015 10:59 EST
 

લંડન-અમદાવાદ ફ્લાઈટ : મૃગજળમાંથી હકીકત

એર ઈન્ડિયાની લંડન-અમદાવાદ ફ્લાઈટ હવે તા. ૧૫-૧૨-૧૫થી મૃગજળમાંથી હકીકત બની ગઈ છે. તેમાં 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના રીઝલ્ટ અોરિેન્ટેડ તંત્રીઓ શ્રી સી. બી. પટેલ, સુશ્રી કોકિલાબહેન પટેલ તથા શ્રી કમલ રાવનો અંગત ફાળો, મહેનત તથા રીઝલ્ટ અોરીએન્ટેડ ધગશના કારણે આ પરિણામ આવ્યું છે. વાચકોનો સાથ અને સહકાર પણ તમને આ ભગીરથ કામ સિદ્ધ કરવામાં ઘણાં મદદરૂપ બન્યા.

વડા પ્રધાન શ્રી મોદીનો ઉલ્લેખ જ્યારે જ્યારે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'માં થતો ત્યારે તમે શ્રી મોદી સાથેના મિત્રતાભર્યા સંબંધો વિશે લખતા. કદાચ ત્યારે કેટલાક વાચકોને એ ઉલ્લેખ ફક્ત 'વન વે ટ્રાફિક' જેવો એકમાર્ગીય લાગતો હતો. પણ જ્યારે વડા પ્રધાન શ્રી મોદીએ પોતે જ સાઇઠ હજાર શ્રોતાઓની હાજરીમાં 'અમારા મિત્ર સી. બી. પટેલ'ના નામનો ઉલ્લેખ કર્યો અને લાખો લોકોએ એ ટેલિવિઝન પર જોયું અને સાંભળ્યું ત્યારે બધા ખૂબ જ આનંદમાં આવી ગયાં. મોદી સાહેબે એમ પણ કહ્યું કે 'ડાયરેક્ટ ફ્લાઇટ માટે સીબી મારૂ ગળુ પકડતા'. આપબળે ગુજરાતના મુખ્યમંત્રી બનેલા અને કોઇની પણ શેહમાં કદી નહિં આવનાર નરેન્દ્રભાઇનું ગળુ કોણ પકડી શકે? સૌને ખાત્રી થઈ ગઈ કે આ 'મિત્રતા' ફક્ત વન વે ટ્રાફિક - વન વે રિલેશનશીપ નથી પણ હકિકતમાં મિત્રતા છે. ધન્ય છે સી. બી. આપને અને આપના માતા-પિતાને! પરમકૃપાળુ પરમાત્મા તમને તથા 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના સર્વે સેવાભાવી સહકાર્યકરોને લાંબુ આયુષ્ય આપે અને જનતાની નિઃસ્વાર્થ સેવા કરવાની શક્તિ આપે એવી અમારી હાર્દિક પ્રાર્થના છે.

- બલ્લુભાઈ પટેલ, બ્રેડફર્ડ

ડાયરેક્ટ ફ્લાઈટની સફળતાના શિલ્પી

અમદાવાદ સુધીની ડાયરેક્ટ ફ્લાઈટના પુનઃ આરંભ માટે શ્રી સીબી અને સમગ્ર ટીમ દ્વારા કરાયેલા પ્રયાસો અને સખત મહેનત માટે હું આપ સર્વેને અભિનંદન આપવા ઈચ્છું છું. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ', ફેસબુક પર તેમજ વેબસાઈટ્સ પર લોકોના અભિપ્રાયો અને સમીક્ષા વાંચતા મને ઘણો જ આનંદ અને ઉત્સાહ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેની મુલાકાત દરમિયાન વેમ્બલી સ્ટેડિયમ ખાતે હર્ષોલ્લાસ કરતી હજારોની જનમેદની સમક્ષ અંગત રીતે ‘મારા મિત્ર સીબી’ તરીકે ઉલ્લેખ કર્યો અને ફ્લાઈટના પુનઃ આરંભનો યશ આપને આપ્યો ત્યારે આ સમગ્ર પહેલને અભૂતપૂર્વ બનાવવામાં આપના પ્રદાનનો પડઘો જ પાડ્યો હતો.

આપે આ ઉમદા હેતુ માટે જરા પણ થાક્યા વિના લગભગ એક દાયકા સુધી અવિરત સંઘર્ષ કરી ચેતના જગાવી હતી. ‘કદી પીછેહઠ નહિ કરવી’નો ગુણ આપના નેતૃત્વમાંથી શીખવા મળે છે.

હું ફરીથી મારા અંતરમનથી આપને અભિનંદન પાઠવવા સાથે ઈશ્વર સમક્ષ અભ્યર્થના કરું છું કે તેઓ આપને વધુ સામર્થ્ય અને હિંમત અને દીર્ઘાયુષ આપે, જેથી કોમ્યુનિટીની જે રીતે સેવા કરતા આવ્યા છો તે જ રીતે સેવા કરી શકો.

ગૌરાંગ પાટડીઆ, કરીઅર કોચ, બ્રિસ્ટલ

એર ઈન્ડિયાની લંડન-અમદાવાદ ફ્લાઈટ

લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા બદલ 'એર ઈન્ડિયા'ને હું મારા હ્રદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટનો ઉપયોગ કરનાર સર્વે યાત્રીઅોને હું શુભેચ્છા પાઠવું છું.

લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને આ ફ્લાઇટ શરૂ કરાવવા માટે ખૂબજ જહેમત ઉઠાવનાર 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ અને સર્વે સાથીઅો તેમજ વાચક મિત્રોનો હું યુકેમાં રહેતા તમામ ભારતીયો વતી આભાર વ્યક્ત કરૂ છું અને આપ સૌને આ ભગીરથ કાર્ય શક્ય બનાવવા બદલ હું થોકબંધ શુભેચ્છાઅો પાઠવું છું. આ સપ્તાહે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'માં આ અંગે વિશેષ સમાચારો અને અહેવાલ વાંચીને ખૂબજ આનંદ થયો.

મયુરા પટેલ, ચેરપર્સન, ક્રોયડન હિન્દુ કાઉન્સિલ.

ડાયરેક્ટ ફ્લાઇટનું સ્વપ્ન સાકાર

આપણે વર્ષોથી ચાતક નજરે જેની રાહ જોઇ રહ્યા હતા તે અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડેલ વિમાન મુસાફરોને લઇને મંગળવારે સવારે નિયમિત સમયે લંડનના હીથરો એરપોર્ટ ઉતરી આવ્યું. અહીથી મગળવારે સવારે એર ઇન્ડિયાના વિમાને લંડનથી ઉડાન ભરતાં જ બ્રિટનમાં વસતા ઘણાં ગુજરાતીઅોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં આ અંગેની રજેરજની માહિતી ધરાવતા અહેવાલો અને તસવીરો રજૂ થઇ. ખરેખર બન્ને અખબારો ડાયરેક્ટ ફ્લાઇટના તસવીર સાથેના ઝીણવટભર્યા અને વિસ્તૃત સમાચાર રજૂ કરી મેદાન મારી ગયા છે.

અમદાવાદ-લંડનની સીધી ફલાઇટ માટે આપણાં 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' સાપ્તાહિકો દ્વારા વર્ષોથી ઝુંબેશ ચલાવાઇ હતી અને ત્રણ-ત્રણ મહિના પીટીશન ફોર્મ પ્રસિધ્ધ કરાયા હતાં અને હજારો ગુજરાતીઅોએ તેમાં સહીઅો કરાી હતી. વડાપ્રધાન મોદી સાહેબે સાચા અર્થમાં પોતાના મિત્ર સીબીની માંગણી સંતોષી જાહેરમાં કહ્યું કે “મારા મિત્ર સી.બી. પટેલ લંડન-અમદાવાદની ડાયરેકટ ફલાઇટ માટે દર વર્ષે મારું ગળું પકડતા હતા.”

તંત્રીશ્રી સી.બી. પટેલની મહેનત ખરેખર કામે લાગી છે. હવે આગામી તા. ૧૫મીથી સીધી અમદાવાદ જતી ફ્લાઇટની ભેટ મળશે એવા સમાચાર વાંચીને ખરેખર હું સીબી પટેલ સાહેબ અને સૌ કર્મચારીઅોને અભિનંદન અપવા માંગુ છું.

- રમેશ પુરોહિત, સાઉધમ્પ્ટન.

સરદારને સાચા અર્થમાં અંજલિ

લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટની તા. ૧૫મી ડીસેમ્બરથી શરૂઆત કરવામાં આવશે એવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરાત મુજબ ડાયરેક્ટ ફ્લાઇટનું આપણું સૌનું સ્વપ્ન સાકાર થઇ ચૂક્યું છે. 'ગુજરાત સમાચાર'માં સાચું જ કહ્યું છે કે સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિ પ્રસંગે નરેન્દ્રભાઇ મોદીએ બ્રિટનવાસીઅોને અનોખી ભેટ આપી હિન્દુસ્તાનનું એકીકરણ કરી અખંડ ભારતની ભેટ અાપનાર સરદાર સાહેબને ખરેખર સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.

અા ડાયરેક્ટ ફલાઇટથી વૃધ્ધ વડીલો, સગર્ભા મહિલાઅો, બાળકો અને પરિવારોને ખૂબ જ રાહત થશે અને બન્ને દેશો વચ્ચે વેપાર-વ્યવસાય અને ટુરીઝમમાં વધારો થશે. મનોજભાઇ લાડવાની ઇચ્છા મુજબ આ ફ્લાઇટમાં ગુજરાતી પેસેન્જરોને ઢેબરાં-ઢોકળાં, શીખંડ-પૂરી પીરસાય તે પણ અસ્થાને નથી.

અજય પટેલ, લીડ્ઝ

સીબી પટેલની વ્યાખ્યાનમાળા

ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ-યુકે (FISI) દ્વારા તા. ૧૨મી ડિસેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના યુકે પ્રવાસ અને ભારત-યુકે સંબંધો વિષે ચર્ચાસભાના સમાચાર વાંચ્યા. આવી જ ચર્ચા સભાનું આયોજન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, વેમ્બલી ખાતે તા. ૨૦ના રોજ પણ યોજાયું હતું. મને વેમ્બલીના કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળ્યો.

શ્રી સીબી પટેલે ખરેખર ખૂબજ મનનીય વક્તવ્ય આપ્યું. તેમનું પ્રવચન સાંભળીને લાગ્યું કે ખરેખર તેઅો ખૂબજ અભ્યાસુ વ્યક્તિ છે. આ વયે પણ તેઅો આવા કાર્યક્રમોમાં ઉમળકાભેર ભાગ લે છે, તેમની લોકપ્રિય 'જીવંત પંથ' કોલમમાં વિશાળ વાંચન થકી જે અભ્યાસપૂર્ણ માહિતી રજૂ કરે છે અને સમાજની સેવામાં વ્યસ્ત રહે છે તે સૌ યુવાનો માટે પ્રેરણાદાયક છે. અન્ય વક્તાઅોએ પણ પ્રવચન આપ્યાં અને સાચુ કહું તો શ્રોતાઅોએ પણ વિવિધ પ્રશ્નો પૂછીને સાચા અર્થમાં 'બ્રેઇન સ્ટ્રોમીંગ' કર્યું.

'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' માત્ર અખબાર નહિં પણ એક સાચી સામાજીક સંસ્થા તરીકે સેવા આપે છે. આ બે કાર્યક્રમો જ દર્શાવે છે કે આ અને આવા ઘણાં વિષયો માટે શ્રી સીબી પટેલ સાહેબ તેમજ તેમના જેવા અન્ય વિદ્વાન અગ્રણીઅોની વ્યાખ્યાનમાળાનું આયોજન વિવિધ જ્ઞાતિ અને મંડળોએ કરવું જોઇએ.

રાજેન્દ્ર પટેલ, હેરો.

સાઉદીએ હાથ ધોઇ કાઢ્યા...

સીરીયા અને અન્ય દેશોમાંથી યુરોપમાં હજારો નિરાશ્રીતો યુરોપમાં ઠલવાઇ રહ્યા છે ત્યારે સાઉદી અરેબિયાએ જર્મનીને કહ્યું કે આ બધા રેફ્યુઝીસને તમે સહારો આપ્યો છે તો અમારા ખર્ચે તમારી ભૂમિ ઉપર ૨૦૦ મસ્જિદ ચણાવી દેશું. જર્મની સિવાય ઈયુના અનેક બીજા દેશોએ પણ આ બધા દુર્ભાગી રેફ્યુઝીસને બીજા ધર્મના હોવા છતાં પણ માણસાઈ દેખાડી આશ્રય આપ્યો છે. ડૂબતા લાખો નિરાશ્રીત માનવીઅોને નવજીવન આપીને પોતાની ધરતી ઉપર પાણી, ભોજન, કપડાં વિગેરે આપીને અપનાવ્યા છે. યુરોપના દેશો ખરેખર ધન્યવાદને પાત્ર છે.

ઘણાં ઈયુ દેશો આર્તિક તકલીફ અને બેરોજગારીથી પિડાતા હોવા છતાં જે મહાન કાર્ય કર્યું છે તે પ્રસંશનીય છે. સાઉદી અરેબિયાએ મુસ્લિમ ધર્મને જીવંત રાખવા જર્મનીમાં મસ્જિદ બાંધવા પૈસા ખર્ચવા તૈયાર છે, પણ આ બધા પોતાના ભાઇ-બહેનોને વિશાળ ધરતી અન અઢળક પૈસો હોવા છતાં માણસાઇને નાતે પણ કેમ પોતાના દુઃખીયારા લોકોને આશ્રય આપતા નથી?

આખી દુનિયા જાણે છે કે સીરીયા, ઈરાક, અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી સગર્ભા સ્ત્રીઓ, કૂમળાં બાળકો, યુવાનો, વૃદ્ધો જીવ બચાવવા જે રીતે ભાગ્યા છે અને હજુ ભાગી રહ્યા છે. તેમાંથી હજારો નિર્દોષ લોકો રસ્તામાં, દરિયામાં કાં બોર્ડર ઉપર કમોતે મૃત્યુ પામ્યા હોવાના દ્રશ્ય ટીવી અને છાપામાં જોયાં છે. દુનિયાના ભલભલા લોકો ધ્રુજી ગયા છે, પણ સાઉદી જેવો સધ્ધર દેશ પોતાના જ ધર્મપ્રેમી દુઃખી, નિર્દોષ, લાચાર રેફ્યુઝીસ ઉપર આવી લાગણી, ફરજ અને પ્રેમ બતાવી શકતો નથી. ખરેખર તો 'દિલ એક મંદિર' અથવા 'દિલ એક મસ્જિદ' હોવું જોઈએ, જ્યાં ભાગ્યાના ભેરુ બનીને આવા નિરાશ્રીતોને આશ્રય મળવો જોઇએ. આવ કમનસીબ લોકોને સાઉદી અરેબિયા જો પોતાના દેશમાં લાવી તેમના જીવનમાં સુપ્રભાત લાવશે તો ભગવાન તેમના ઉપર ખૂબ જ રહેમ કરશે.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન.

સ્વચ્છ ભારત અભિયાન

ટીવી અને ન્યુઝ પેપર્સમાં મોદીજીના સ્વચ્છતા અભિયાન વિશે ઘણું સાંભળ્યું અને જોયું. કચરો અને ગંદકી સાફ કરો.

મારું માનવું છે કે લોકોને પહેલા કચરો નાંખતા કે ગંદકી કરતા રોકવા જોઈએ. નહીં તો ગંદકી કરવા વાળા કરતા રહેશે ને સાફ કરવા વાળા સાફ કરતાં રહેશે. એનો અંત જ નહીં આવે. પહેલાં લોકોનું માનસ બદલાવવાની જરૂર છે.

- અમૃત પરમાર, લેસ્ટર

ભૂલી જાય છે

ખુશ રહો, ખુશીને નકારો નહીં,

ગમ તો આવતા રહે,

પણ ખુશી મનાવતા રહો,

ગમમાં ડૂબવાથી શું ફાયદો,

ખુશમાં રહી,

જીવનની મજા લેતા રહો.

ગમની દુનિયા મોટી છે,

નાની ખુશીને વડછોડો નહીં,

નાની ખુશી પણ ક્યારેક

મોટા ગમને દૂર કરી જાય છે.

જીવનમાં ગમ પણ આવે,

અને ખુશી પણ આવે છે.

આ કુદરતનો ક્રમ છે, ‘અમીત’

ઘણા લોકો એ ભૂલી જાય છે.

- અમૃતલાલ પી. સોની, ‘અમીત’ વેમ્બલી, લંડન

ટપાલમાંથી તારવેલું

* રમેશ પુરોહિત, વેમ્બલીથી જણાવે છે કે "ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે બેંકોકમાં શાંતિ, સુરક્ષા, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર મંત્રણા થઈ તે જાણીને આનંદ થયો. મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવુ જોમ આવ્યું છે.

* રશ્મિકાંત મહેતા, ક્રોયડનથી જણાવે છે કે "બેરોનેસ સઈદા વારસીએ મિનારા વગરની મસ્જિદોની ડિઝાઈન કરવા અનુરોધ કર્યો છે તે ખરેખર ધાર્મિક સહિષ્ણુતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ કટ્ટરવાદીઅો તેમનાઆ નિવદનને માનશે ખરા?”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter