લવાજમની ઉમદા ભેટ

Tuesday 03rd November 2015 09:38 EST
 

નવેમ્બર માસમાં હું ભારત યાત્રાએ જઇ રહ્યો છું અેને મારી રજાઅોના સમય દરમિયાન મારું ગુજરાતસમાચાર અનેએસિયન વોઇસ' દર્શાવેલી તારીખો માટે બંધ કરવા નમ્ર વિનંતી છે. અમારા જેવા વાચક મિત્રો ભારત યાત્રાએ જાય ત્યારે તમે ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' બંધ કરવાની જે સેવા આપો છે તે ખૂબજ ઉમદા અને સરાહનીય છે તેનાથી અમારા પૈસા પણ બચે છે અને લવાજમ તેટલો લાંબો સમય ચાલે છે.

આ અગાઉ મેંમારા ન્યુઝીલેન્ડ સ્થિત મિત્ર શ્રી પ્રભુભાઇ પટેલ માટે બે વર્ષનુંલવાજમ £૧૮૦ ભર્યું હતું. આપણું પેપર તેમને નિયમીત મળતું રહે છે. 'ગુજરાત સમાચાર'ના વિવિધ વિષયો સાથે સમૃધ્ધ વાચન સામગ્રીથી તેઅો ખૂબજ ખુશ છે. આપ સૌ 'ગુજરાત સમાચાર' પરિવારની ક્ષેમ કુશળતા પ્રાર્થુ છું.

- મગનભાઇ બી કરાડિયા, ચેલ્ટનહામ.

વ્હાલા વાચક મિત્રો,

દીપાવલિના આ પ્રકાશ પર્વે આપણે ઘણાં મિત્રો, સ્વજનો અને પરિચીતોને મનગમતી ભેટ આપીએ છીએ. સુજ્ઞ શ્રી મગનભાઇ કરાડિયા અને તેમના જેવા ઘણાં વિદ્વાન વાચક મિત્રો પોતાની યાદ મિત્રોના દિલમાં સદાય વસતી રહે તે આશયે વર્ષ કે બે વર્ષના લવાજમની ભેટ આપતા હોય છે. દુર સુદુર વસતા મિત્રોને જ્યારે ટપાલમાં 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' મળે ત્યારે તુરંત જ તેમના દિલમાં ઉમળકાભેર આપની યાદ ટકોરા મારવા લાગે છે. ઘડી બે ઘડી આપની મિત્રતા અને સગપણના તાર ઝણઝણવા માંડે છે.

ઘણાં મિત્રો, આવા લવાજમની ભેટ આપે છે અને આપ પણ મિત્રો, પરિચીતો કે સગાં-સહોદરને લવાજમની ભેટ આપી શકો છો. ખૂબજ વ્યાજબી દરના આ લવાજમથી તેમની કેટલીય સવાર સુધરી જશે એમાં શંકાને જરા પણ સ્થાન નથી. આપ જો અમને કહેશો તો અમે આપના લવાજમની ભેટ સાથે આપના વતી સુંદર સંદેશ પણ મોકલી આપીશું. તો આ દિવાળીના ઉત્સવ પર્વે આજે જ અમને ફોન કરો અને મિત્રો, સ્વજનો કે પરિચીતોને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના લવાજમની ભેટ આપો.

- કમલ રાવ, ન્યુઝ એડિટર.

જીવનમાં આવો અન્નકોટ કરીએ તો?

દુનિયામાં અત્યારે નિરાશા, માનસિક તણાવ, ભ્રષ્ટાચાર, આતંકવાદ તથા સ્ત્રીઓ - બાળકોનું શોષણ થાય છે અને ધર્મજગતમાં પણ તેમાંથી બાકાત નથી. પરંતુ અમુક લોકો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ નિઃસ્વાર્થ ભાવે કોઈપણ જાતનો બદલો કે એવોર્ડની અપેક્ષા વગર ફક્ત સાચા હૃદથી સેવાભાવે કામ કરે છે ત્યારે જીવન જીવવાનો આનંદ આવે છે.

હમણાં જ અહીંના સમાચાર પત્રમાં એક સમાચાર વાંચ્યા. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સ્ક્રેચમેન્ટો શહેરમાં એક લગ્ન પ્રસંગ કોઈ કારણસર અચાનક બંધ રહ્યો. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી અને તે પાછળ કન્યાનું કુટુંબ ૩૫,૦૦૦ અમેરિકન ડોલરનો ખર્ચ કરનાર હતું. તેમણે ત્યાંની શ્રેષ્ઠ હોટેલ ‘ધી સિટીઝન હોટેલ’માં રાખેલ રિસેપ્શનને બંધ રાખવાના બદલે સ્ક્રેચમેન્ટો શહેરના ઘર વિહોણા લોકોને જમણવાર માટે બોલાવ્યા. તે જમણ એ ક્લાસનું હતું. ગરીબ લોકો સુંદર કપડાં પહેરીને જમવા આવ્યા. એિરકા નામની મહિલા પોતાના પાંચ બાળકો સાથે ત્યાં આવી. એક દિવસનું ખાવાનું મેળવવા માટે પણ તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. તેણે જીંદગીમાં પ્રથમ વખત આવું સુંદર જમણ કર્યું. લગ્ન મોકૂફ થવામાં કાંઈ સારો સંકેત હશે અને જ્યારે પણ તે કન્યાનું લગ્ન થશે ત્યારે તેને ઘર વગરના લોકોના અંતઃકરણના આશીર્વાદ મળશે અને તેનું લગ્નજીવન શાંતિમય નીવડશે.

દિવાળી આવી રહી છે ત્યારે મંદિરોમાં તથા સામાજિક સંસ્થાઓમાં ધૂમધામથી અન્નકોટનો પ્રસંગ ખૂબ જ પૈસા ખર્ચીને ઊજવાશે. પણ તેમાંથી થોડો ભાગ આપણે જે દેશમાં રહીએ છીએ જે આપણી પાલકમાતા છે તે દેશના ઘર વગરના માણસો ગરીબોને આપીએ તો કેવું સારું? સાચો દિવાળીનો અન્નકોટ ત્યારે જ ઊજવાયો ગણાશે. બાકી અન્નકોટના મહાપ્રસાદની વહેંચણીમાં પણ રાજકારણનો અનુભવ થયો છે.

દિવાળીની સર્વેને શુભેચ્છા સાથે નમ્ર વિનંતી કે આપણે પણ જીવનમાં ઉપર જણાવેલ ઉદાહરણ પ્રમાણે આપણી રીતે અન્નકોટ ઊજવીએ અને એક ઉમદા કામ કરીએ.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા.

'તમારી વાત' તેમજ 'જીવંત પંથ'

'તમારી વાત' તેમજ 'જીવંત પંથ' વાંચવા ઘણાં જ ગમે છે. હું 'ગુજરાત સમાચાર' વાંચીને ગુજરાતી વાંચતા - લખતા શીખ્યો છું. ૧૯૭૫થી હું 'ગુજરાત સમાચાર' વાંચું છું અને જેટલું જ્ઞાન 'ગુજરાત સમાચાર'માંથી મળ્યું તેટલું ઘણું જ સારું કહેવાય. હું ૧૯૭૫માં આફ્રિકાથી આવ્યો હતો. સી. બી. પટેલ તમારા પાસેથી ઘણું જ શીખ્યો છું. હાલમાં મારી ઉંમર ૭૩ વર્ષ છે. 'ગુજરાત સમાચાર' જગતની અંદર પ્રખ્યાત છે.

- નટુભાઈ રાજા, પેરીબાર.

પહેલું સુખ તે જાતે નર્યા

થોડા સમય પહેલાં જાણીતા શેફ જેમી ઓલીવરે આ દેશના નાગિરકો અને ખાસ કરીને બાળકોની તંદુરસ્તીના રક્ષણ અર્થે ખાંડવાળી ખાવા-પીવાની વસ્તુઓ ઉપર ‘સુગર ટેક્સ’ નાંખવાની ચળવળ શરૂ કરી. તેના અનુસંધાને ‘પબ્લીક હેલ્થ ઈંગ્લેન્ડ’ના એક ડાયરેક્ટર ડો. અલીશન ટેડસ્નોને કહ્યું હતું કે ખાંડનો અતિરેક ઉપયોગ સ્થૂળતાનું એક કારણ છે. સ્થૂળતા સાથે સંકળાયેલા દર્દોની સારવાર માટે એનએચએસને દર વર્ષે પાંચ બિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે. ડો. ટેડસ્નોને ‘સુગર ટેક્સ’ નાખવાના સૂચનના ટેકામાં કહ્યું કે 'વિશ્વના ૨૩ દેશોના અભ્યાસનું તારણ કાઢતાં એવું જાણવા મળે છે કે સુગર ટેક્સ નાંખવાથી ખાંડવાળી વસ્તુઓના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.'

જોકે, વડા પ્રધાન કેમરન અને તેમના સાથીદારો સુગર ટેક્સની વિરુદ્ધ છે. પરંતુ કહે છે નાગરિકોએ સ્વેચ્છાએ અંગત આરોગ્યના રક્ષણ માટે શું અને કેટલું ખાવું તેનો શાણપણભર્યો નિર્ણય કરવો જોઈએ.

દિવાળી અને ક્રિસમસના તહેવારો નજીક આવી રહ્યા છે તેની ઊજવણીના આપણે સહુ, ફરસાણ, મિષ્ટાનની મિજબાનીઓ માણીએ છીએ પરંતુ Health is wealth અને પહેલું સુખ તે જાતે નર્યા સૂત્રોને અનુસારીને તહેવારોની ઊજવણી દરમિયાન મજબૂત મનોબળ રાખીને ખાદ્યસામગ્રીનો આપણે સહુ પ્રમાણસર ઉપયોગ કરીશું તેવી ભાવના સાથે સહુ વાંચકોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter