વડલા નીચે વિસામો

Tuesday 12th January 2016 07:47 EST
 

તા. ૫-૧૨-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’માં વડીલ શ્રી સી.બી. પટેલની જીવંત પંથ કોલમમાં આવેલ ‘નિવૃત્તિ’ બાબતનું લખાણ આપણા જીવનમાં ઉતારવા જેવું છે. શ્રી સી.બી.પટેલને ધન્યવાદ. એમની વિચારધારા અને લખવાની અનોખી શક્તિ અદભુત છે. પ્રભુ એમનાં પર કૃપા કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

નિવૃત્તિનાં સંદર્ભમાં લખવાનું જે આપણે સર્વ યુવાનીમાં કામધંધે લાગી આખા પરિવારની સારસંભાળ રાખીએ છીએ. સમયનાં વહેણ સાથે નિવૃત્તિનાં કિનારે આવતા આનંદની અભિવૃદ્ધિ દરમિયાન સ્ટેટ પેન્શન અને ખાનગી પેન્શનની આવકમાં જીવન કેવી રીતે વિતાવશું તેનો પણ વિચાર આવે છે. આ સંજોગોમાં આવક અને જાવકનું બજેટ બનાવવું જરૂરી છે. પેન્શનરે વ્યસન કે અન્ય ખરાબ આદત કે પછી અન્ય ખોટા ખર્ચ કરવા ન જોઈએ. પોતાના જીવન-નિર્વાહ માટે નાણાંનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. સાથે દાન-પૂણ્ય પણ કરતાં રહેવું જોઈએ.

આપણી આશા અરમાનોનો કોઈ અંત નથી. પણ સાદાઈથી જીવન જીવવાની ટેવ પાડવી જોઈએ. જીવનમાં અનેક સમસ્યા તેમજ દુઃખ આવે છે પણ એ કાયમ માટે રહેતાં નથી. આ વયે ઘરમાં પતિ-પત્ની વચ્ચે સુમેળ જરૂરી છે. નિવૃત્તિમાં કામ પર જવાનું ન હોવાથી સુવા- ઊઠવાના સમયની મર્યાદા રહેતી નથી. આ માટે પણ નિયમ રાખવો જોઈએ અને નાહી-ધોઈને ઈષ્ટદેવ-દેવીનું સ્મરણ-સ્તુતિ-પ્રાર્થના કર્યા બાદ જ દિવસના કામનો શુભારંભ કરવો જોઈએ. નિવૃત્તિ ભલે આવી પણ આપણા જીવનને પણ ફૂલોની મહેક જેમ મહેકતું કરવું જરૂરી છે.

- રતિલાલ ટેલર, સાઉથગેટ

આપણી ઝુંબેશનો સુખદ અંત

સૌ પ્રથમ લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટની શુભ શરૂઆત બદલ ધન્યવાદ. વર્ષોથી ચાલતી ઝુંબેશનો સુખદ અંત આવ્યો ત્યારે 'ગુજરાત સમાચાર' સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તાઓ, વાચક અને લેખક વર્ગ સૌને ધન્યવાદ.

હરેકૃષ્ણ મંદિરની સફળતા પછી એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટનો સુખદ અંત આવ્યો. સહેલાણીઓને સહેલું પડશે અને ગુજરાતને ફાયદો થશે. અહીં રહેતી ગુજરાતી પ્રજાના હક્ક અને અધિકારો માટે 'ગુજરાત સમાચાર' અને શ્રી સી. બી. પટેલ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને 'ગુજરાત સમાચાર' પ્રશંસાપાત્ર બની રહ્યું છે એ સૌએ યાદ રાખવું જરૂરી છે.

ડો. રામુ પંડ્યાના દુઃખદ અવસાનના સમાચાર 'ગુજરાત સમાચાર' તરફથી પ્રસિદ્ધ થતાં દુઃખ થયું. હેવરિંગ હેલ્થ ઓથોરિટીમાં ફેમીલી ડોક્ટર તરીકે વર્ષો સુધી કામ કરી ચૂકેલા ડો. પંડ્યા રામુ તરીકે જાણીતા રહ્યા છે. વાણી, વર્તન અને વિવેકનો ક્યારેય અભાવ નહીં, પ્રસંગોપાત મળવાનું થતું ત્યારે એમના ઉમદા સ્વભાવની હૂંફ ઘણી રહેતી. પરિચયમાં રહેનારા તમામ કુટુંબીજનો, મિત્રમંડળ અને દર્દીઓના જીવનમાં વર્ષો સુધી યાદ રહેશે. ઈશ્વર સૌને શક્તિ આપે.

- ડો. પ્રવિણ કલૈયા, હોર્નચર્ચ.

સ્વચ્છ ભારત અભિયાન

ટીવી અને ન્યુઝ પેપર્સમાં મોદીજીના સ્વચ્છતા અભિયાન વિશે ઘણું સાંભળ્યું અને જોયું. કચરો અને ગંદકી સાફ કરો.

મારું માનવું છે કે લોકોને પહેલા કચરો નાંખતા કે ગંદકી કરતા રોકવા જોઈએ. નહીં તો ગંદકી કરવા વાળા કરતા રહેશે ને સાફ કરવા વાળા સાફ કરતાં રહેશે. એનો અંત જ નહીં આવે. પહેલાં લોકોનું માનસ બદલાવવાની જરૂર છે.

- અમૃત પરમાર, લેસ્ટર

સ્ત્રીઓનું ભક્ષણ

૨૦૧૨માં દિલ્હીમાં મેડિકલનો અભ્યાસ કરતી ૨૩ વર્ષની 'નિર્ભયા' ઉપર પાંચ નરાધમો દ્વારા બળાત્કાર થયો. તે કિસ્સાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો. 'નિર્ભયા' ઉપર થયેલ હુમલો એટલો ભયાનક હતો કે તેણીને થયેલી શારીરિક ઇજાઓને લીધે હુમલા બાદ તે અઠવાડિયામાં મૃત્યુ પામી. આ ગુનામાં એક સગીર આરોપી તાજેતરમાં જ ત્રણ વર્ષની જેલ સજા ભોગવીને બહાર આવ્યો તેના વિરોધમાં હજારો નાગરિકોએ દિલ્હીના માર્ગો પર દેખાવો કર્યાં.

આ બનાવ પછી ભારતના સત્તાધીશો દ્વારા આત્મમંથન કરી બળાત્કારના ગુનો આચરનારને કડક સજા અને ઝડપી અદાલતી કાર્યવાહીને અમલમાં મૂકવામાં આવી. પરંતુ તેમ છતાંય પરિસ્થિતિમાં ખાસ ફરક પડ્યો નથી. જે દેશમાં વિવિધ દેવીઓની પ્રતિમાનું માં કે માતા તરીકે પૂજા કરવામાં આવે છે, સ્ત્રીઓને ગૃહલક્ષ્મી, પરિણીત સ્ત્રીઓને અર્ધાંગિની તરીકે ઓળખાવવામાં આવે છે તે જ દેશમાં ૨૦૧૪ના વર્ષ દરમિયાન જાતિય હુમલાના ૧૩,૨૦૦ બનાવો અને માત્ર દિલ્હીમાં જ એક વર્ષ દરમિયાન બળાત્કારના ૩,૦૦૦ કિસ્સાઓ નોંધાયા છે. વિશેષમાં ભારતમાં લગ્નગ્રંથિથી જોડાયેલા સ્ત્રી પુરુષો વચ્ચેના વ્યવહારમાં જાતિય હુમલાને ગુનો ગણવામાં આવતો નથી, જો તે સંબંધમાં થતા હુમલાઓને ગુનો ગણવામાં આવે તો આંકડાઓ કદાચ આનાથી ક્યાંય વધારે હોઈ શકે.

- મુકુન્દ આર. સામાણી, લેસ્ટર.

આતંકવાદ – તાકીદની માંગ

પાકિસ્તાન કે ઉત્તર કાશ્મીરમાંથી AK47, ગ્રેનેડ, સુસાઇડ બેલ્ટ અને બોમ્બ જેવા અદ્યત્તન શસ્ત્રોથી સજ્જ થઇ આતંક માટે ભારે ટ્રેનિંગ લઇને આવતા આતંકવાદીઓની ઘૂસણખોરી અને હુમલાઓ વારંવાર થતા હોવાં છતાં, આપણી સરકારોએ અડધી સદીથી, અસરકારક અને જડબાતોડ પગલાં લીધાં નથી એ અતિશય દિલગીરીની વાત છે. વખતોવખત, આતંકવાદીઓ કરતાં આપણા જવાનો અને નિર્દોષ પ્રજાજનોની જાનહાની વધારે થાય છે. એનાં કારણોની સંપૂર્ણ તપાસ આપણા સંરક્ષણ પ્રધાનોએ કદી કરી છે ખરી? આપણી સરહદનું રક્ષણ કરતા જવાનોને ‘બુલેટપ્રૂફ વેસ્ટ, નાઈટ વિઝન કેમેરા અને એવા બાયનોક્યુલર જેવા ઉપકરણો તેમજ બીજી સવલતો’ અપાય છે ખરી?

આગળની સરકારના સંરક્ષણ પ્રધાનની તો આ બાબતોમાં ઊંઘ ઊડતી જ નહોતી. મુંબઈની તાજમહાલ હોટેલ અને વિકટોરિયા ટર્મિનર્સના આતંકવાદીઓ સામે આપણા પોલીસ દળના જવાનો સૈકા જૂની ‘૩૦૩’ બંદૂકો વડે લડ્યા હતા. તેની સામે આતંકીઓ પાસે ઓટોમેટિક હથિયાર હતાં. જવાનોના રક્ષણ બાબતે ‘આંખ આડા કાન’ કર્યાં હતાં. હાલના સંરક્ષણ પ્રધાનને આવી મૂર્ખાઈ પોષાય એમ નથી.

પાકિસ્તાનની વિદેશ નિતી ‘અભી બોલા અભી ફોક’ જેવી બે ધારી તલવાર જેવી હોવાનો અનેક પ્રસંગોએ અનુભવ થયો હોવા છતાં વધારે પડતો વિશ્વાસ પ્રજાને આવકાર્ય ન જ હોઈ શકે. છેલ્લે પઠાણકોટના આતંકવાદનો દાખલો લેવો જેવો જોઈએ. આપણા જવાંમર્દોને સર્વ પ્રકારે રક્ષણ અને બચાવ કરવાની પવિત્ર ફરજ છે એનો ત્વરિત અમલ કરવો જ રહ્યો.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન.

દીપોત્સવી અંકનું વાંચન

ખૂબ જ આકર્ષક, ભરપૂર માહિતીથી સભર અને જાણવા જેવા દીપોત્સવી અંક વાંચી ખૂબ જ આનંદ થયો. અત્યારે અમેરિકાના નાના શહેર કાલામઝુ, મિશીગન વાંચવા માટે લઈ આવ્યા છીએ. અત્યારે દીપોત્સવી અંકનું વાંચન મારા સાઢુના પિતાશ્રી પ્રભુદાસભાઈ પટેલ (૯૪ વર્ષ) કરી રહ્યા છે. નાના શહેરમાં એકલવાયા જીવનમાં પોતાની માતૃભાષામાં વાંચન કરવાનો આનંદ તેઓ માણી રહ્યા છે, તેનો અંદાજ અમો તેના ચહેરા ઉપરથી કરી શકીએ છીએ.

આ અંકમાં છપાયેલા બે લેખ મને ખૂબ જ ગમી ગયા કારણ તે આપણા સર્વના જીવનમાં એક મહત્ત્વનો ઉપદેશ આપે છે. પહેલો લેખ એલેકઝાન્ડર કિનલોક ફાર્બસનો હતો. તેમણે ફક્ત ૧૩ વર્ષ ગુજરાતમાં આપ્યા પણ ગુજરાતી ભાષાની મોટામાં મોટી સેવા કરી. આજે ક્યાં છે આવા નોકરિયાતો? અત્યારે તો સરકારી કર્મચારીઓ પાસે કામ કઢાવવા માટે લાંચ આપવી પડે. બીજો લેખ અતૂટ મૈત્રીનું પુનિત ઝરણું રાજા રામમોહનરાય અને બાબુ દેવેન્દ્રના પણ છે.

અત્યારના જમાનામાં સગા-સંબંધીઓ કહેવાતા મિત્રો પોતાના હક્કની જમીન-જાયદાદ ના હોય તો પણ તેને પચાવી પાડવાની દાનત રાખતા હોય છે. આ બંને વ્યક્તિઓને અમારા હૃદયપૂર્વકના સલામ કરું છું અને તેમાંથી મોટો બોધપાઠ લઈને જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો મનની સાચી શાંતિ અને આનંદમય જીવન ગુજારી શકીશું.

સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા.

ટપાલમાંથી તારવેલું

* દશરથભાઇ પટેલ, હેરોથી જણાવે છે કે 'સરકારના પેન્શન સુધારા બાદ લોકો પોતાના ઘરમાં સુધારાવધારા, રજાઓ ગાળવા જવું કે મોર્ગેજની ચુકવણી કરવી સહિતના કાર્યો માટે પોતાની બચતને ખર્ચી રહ્યા છે. આને કારણે હવે જ્યારે તેમને ખરા અર્થમાં પેન્શનની જરૂર પડશે ત્યારે તેમની પાસે નાણાં હશે નહિં જે ખૂબજ ચિંતાજનક બાબત છે.

* કાંતિભાઇ કોટેચા, રાયસ્લીપથી જણાવે છે કે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભણતા હજારો વિદ્યાર્થીઓ અભ્યાસક્રમોનાં એસાઈનમેન્ટ્સ ફી આપીને અન્ય લોકોને સોંપી દે છે તે ખરેખર ચિંતાજનક છે. રોકડા લઇને કામ કરતા આવા લોકો તમે માંગો તેવા એસાઇનમેન્ટ કરી આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter