વડીલોની ઉંમર બીજા દશ વર્ષ વધારી - તમારી વાતના પત્રો

Tuesday 31st March 2015 08:17 EDT
 

વડીલોની ઉંમર બીજા દશ વર્ષ વધારી

'ગુજરાત સમાચાર' અને લેસ્ટરના સનાતન મંદિર દ્વારા તા. ૨૧-૩-૧૫ના શનિવારે એંસી વર્ષથી ઉપરની વયના વડીલો માટે જે કાર્યક્રમ આપે લેસ્ટરને આંગણે રજૂ કર્યો તે ખૂબ જ પ્રશંસાને પાત્ર હતો. તેમાં પણ દરેક વડીલોને સન્માન પત્ર આપ્યું તે ખરેખર સોનામાં સુગંધ ભળવા જેવું ખૂબ જ ઉમદા કાર્ય હતું.

આવા સન્માનથી વડીલોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને તે આંસુએ તે વડીલોની ઉંમર બીજા દશ વર્ષ વધારી દીધી છે. આ સર્વે વડિલોના હૃદયના ઊંડાણમાંથી નીકળેલા આશીર્વાદ 'ગુજરાત સમાચાર' તેમજ સનાતન મંદિરને ખૂબ ખૂબ ફળશે તે ચોક્કસ માનશો.

આવા કાર્યક્રમો વર્ષે - બે વર્ષે ચાલુ રહે એવી અભિલાષા સાથે દરેક કાર્યકરોને ખૂબ ખૂબ ધન્યવાદ

- ભગવાનજી મોદી, પ્રેસીડેન્ટ, ગુજરાતી રેડિયો લીસનર્સ ક્લબ, લેસ્ટર

વેડફાતા સમય અને શક્તિ

નરેન્દ્ર મોદીની સરખામણીમાં કોઈ નેતા આવી ન શકે તે હકીકત છે, પરંતુ મોદીના ઉત્સવપ્રિય સ્વભાવ, વાર-તહેવારે ઉત્સવ - મેળાવડા - વિદેશ ગમન - વિદેશથી આવતા મહેમાનો પાછળ જે સમય અને શક્તિ વેડફાઈ રહી છે તેમાં દેશના ગરીબ અને મધ્યમવર્ગને કોઈ ફાયદો દેખાતો નથી.

ચીન - અમેરિકાના પ્રમુખની મુલાકાત ખરેખર ફાયદાકારક રહી કે ફક્ત વાત જ મોટી લાગે છે. આ બધો ખર્ચો કર્યા કરતા તેનું જો દેશમાં રોકાણ કરાય તો માણસોને રોજી રોટી કે કામધંધો મળે તો ઘણા પ્રશ્નો ઉકેલાઈ જાય.

પેપરમાં બહુ મોટી વાત આવે છે કે ગંગા સફાઈ અભિયાન – રેલવેમાં રોકાણ વગેરે. પરંતુ આ દરેક કામ આગળ વધે છે કે નહીં તેની જાણ નથી. ખેર 'આમ આદમી પાર્ટી'ના વિજયે ભાજપને વધારે પડતા કોર્પોરેટ કલ્ચર કરતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે ધ્યાન આપવા વિચારતા કરી દીધા છે. પણ હવે 'આપ'માં વિવાદ જાગ્યો છે.

- પરેશ પી દેસાઈ, લંડન.

આવકારદાયક વડિલ સન્માન

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દ્વારા સંગત સેન્ટર, લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન તેમજ સનાતન મંદિર, લેસ્ટરના નેજા હેઠળ યોજવામાં આવેલા ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડીલોના સફળ સન્માન સમારોહ બાદ હવે પ્રેસ્ટન ખાતે શ્રી સનાતન મંદિરના સહકારથી એવો જ સમારોહ યોજવામાં આવેલ છે. આવા સમારોહ ખૂબ જ આવકારદાયક છે. કારણ કે હાલમાં વડીલોને પૂરતાં માન-સન્માન મળતા નથી. સંયુક્ત કુટુંબની ભાવના રહી નથી. માટે આવા સમારોહથી જનતાને વડીલો સાથે રહેવાની પ્રેરણા મળશે.

સાચુ કહું તો આવા કાર્યક્રમો 'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઈસ'ના સહકાર વગર સફળ થતા નથી. કારણ કે તંત્રી સી. બી. સાહેબ તથા તેમના કાર્યકર્તાઓ ધંધાદારી વલણ અપનાવતા નથી અને ખૂબજ પ્રેમ અને લાગણીથી આવા કાર્યક્રમો યોજે છે અને સંસ્થાઅોનો સઘળો સહકાર મળવાથી તે ખૂબ જ સફળ બને છે.

આ માટે સી. બી. તથા સર્વે કાર્યકર્તાઓને ખૂબ જ ધન્યવાદ પાઠવું છું તેમજ 'ગુજરાત સમાચાર' પ્રગતિના પંથે આગળ વધે તેવી પ્રાર્થના.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

દાદા દાદી પાર્ક’

લગ્ન પ્રસંગે હું ભારત (પૂના) ગઈ, ત્યારે એક સાંજે મુંબઇના બોરીવલી સ્થિત ‘વીર સાવરકર ઉદ્યાન’ ગઈ હતી. પાર્કમાં જતાં જ મને લાગ્યું કે અહીયા કાંઈક જુદી જ મહેક આવે છે. ત્યાં બધી ભીંતો પર સુંદર મજાના સુવિચારો લખેલા. તો અન્ય સ્થળે બોર્ડ પર ગુજરાતી અને અંગ્રેજીમાં મોટા અક્ષરોથી લખેલું 'Area for Senior Citizens only.' મને વધુ માહિતીની જરૂર લાગતા મને જણાવાયું કે 'ઓફિસમાં વિનુભાઈને મળો'. વિનુભાઈને મળતા તેમણે પાર્ક વિષે જે માહિતી આપી તે ખૂબજ મઝાની હતી.

આ પાર્કની શાખામાં કુલ ૫૬૦૦ સભ્યો છે અને ૧,૦૦૦ વેઇટીંગ લિસ્ટમાં છે. આ પાર્કમાં ૬૦ વર્ષની ઉપરના બધા માટે કેરમ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, ચેસ, બેડમિન્ટન જેવી રમતો તેમજ ભજન ગ્રુપ છે. અહી જૂના નવા પિકચરોના ગીત ગવાય છે અને હિંચકે હીંચતા અલકમલકની વાતો કરતા સભ્યો દેખાય. બધા જ સભ્યોને હર્ષોલ્લાસ સાથે વિહરતા જોયા.

કેમેરામાં ફોટો આંકવા કરતા આ દૃશ્ય જોઈને મારા હૃદયમાં જ ફોટો ક્લિક થઈ ગયો. મને પાર્ક એક તીર્થસ્થાન જેવો લાગ્યો. સાચે જ વિનુભાઈ વળીયાએ ધરતી પર નાનું ગોકુળ ગામ વસાવી દાદા, દાદીઓને સુખની પૂંજી અપાવી છે. એક ક્ષણ તો મને પણ મન થઈ આવ્યું કે કાશ હું ૬૦ વર્ષની હોત તો અહીં જ રોકાઈ જઉં. કાશ આવું નજરાણું આપણા યુ.કે.માં હોય તો?

સૌ વાચક મિત્રોને વિનંતી કે જો આપ ભારત ફરવા જાઓ તો ‘વીર સાવરકર ઉદ્યાન, દાદા દાદી પાર્ક, બોરીવલી' જરૂર જશો.

- મીનાક્ષીબેન ચાંપાનેરી, ગ્લાસગો

હાંક્યે રાખો બાપલા’

આ સાથે એક વર્ષના લવાજમનો £૨૮.૫૦નો ચેક મોકલું છું. તો લાવાજમ રીન્યુ કરી દેશો.

સાચુ કહું તો 'ગુજરાત સમાચાર'માં ઘણું બધું જાણવાનું મળે છે અને સમાચાર પણ દેશ દેશાવરના વાંચી ખુશી અનુભવીએ છીએ.

તમારી 'ગુજરાત સમાચાર'ના ટીમ-મેમ્બરોને ઘણી ઘણી શુભેચ્છાઓ અને અભિનંદન. સી. બી. સાહેબને નમસ્કાર. ‘હાંક્યે રાખો બાપલા’ દુનિયાના પ્રવાહમાં.

- દયારામભાઈ જોષી, વેમ્બલી

વૃધ્ધોનો સહારો

'ગુજરાત સમાચાર' અમારા જેવા વૃધ્ધ માણસનો સહારો બની ગયું છે. ક્યારે આવે અને વાંચીએ એમ થયા કરે છે. દરેક સમાચારો જાણવા મળે છે તો સી. બી. તથા 'ગુજરાત સમાચાર'ના કાર્યકર્તાઓને ખૂબ જ અભિનંદન.

સી. બી. ઈસ્ટ લંડન ન્યુ સાઉન્ડ રેડિયો ઉપર મહેમાન તરીકે આવ્યા અને મારા જેવા અભણ તથા બીજા શ્રોતાજનો સાથે ખૂબ સારી રીતે વાતો કરી તે માટે ખૂબ જ આભાર. ન્યુ સાઉન્ડ રેડિયો દુનિયામાં બધે જ પહોંચી ગયો છે તે માટે મેનેજમેન્ટને અભિનંદન.

વડીલોના સન્માનના કાર્યક્રમો ગોઠવવા બદલ 'ગુજરાત સમાચાર'ને મારા ખૂબ આશીર્વાદ અને અભિનંદન. ભવિષ્યમાં આવા કાર્યક્રમો ઠેર ઠેર થતા રહે એવી આશા રાખીએ. 'જીવંત પંથ' શૌર્યભૂમિ સૌરાષ્ટ્ર એમાં પરસ્પરની પ્રબળ ઈર્ષ્યા નાની-નાની તુચ્છ બાબતોને મોટું સ્વરૂપ આપી લડી મરવું, એકતાનો અભાવ, ક્યાંય સરવાળો નહીં, બાદબાકી જ બાદબાકી, ખરેખર આ વાક્યો લખાણ સમજવા જેવાં છે. 'વહેમનું કોઈ ઓસડ નથી' તે સાચી વાત છે. સૌ કોઈ વાંચીને વિચારે તો સારું. હજુ પણ માણસો અંધશ્રદ્ધામાં જીવે છે.

નીરૂબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ.

લેખોનો સમન્વય

'ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ' સમયસર મળે છે અને તે વાંચીને ઘણો જ આનંદ થાય છે.

શ્રી સી. બી. પટેલના 'જીવંત પંથ' તથા શ્રી વિષ્ણુભાઈ પંડ્યાની કોલમ 'તસવીરે ગુજરાત'માંથી ઘણું જ જાણવાનું તથા સમજવાનું મળે છે. તો બન્ને લેખ જ્યારથી હું ગ્રાહક થયો છું ત્યારથી સંઘરી રાખું છું. બન્નેને મારા ખાસ અભિનંદન પાઠવશો. જે દિવસે 'ગુજરાત સમાચાર'માં 'જીવંત પંથ'ન આવે ત્યારે 'ગુજરાત સમાચાર' અધુરું લાગે છે.

તા. ૭-૩-૨૦૧૫માં 'ચર્ચાને ચોતરે' વિભાગમાં દુખીયારા મા-બાપની વ્યથા વાંચીને દુઃખ થયું. તેજ કોલમમાં સુધાબહેન ભટ્ટે લખેલ માતાપિતાની જહેમત અને વ્હાલમાં જે ૧થી ૫માં વસિયતનામું લખ્યું તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ સાથે મારું બે વર્ષનું લવાજમ £ ૬૨ મોકલું છું તે સ્વીકારશો.

- સુર્યકાન્ત પટેલ (નાર), ફોરેસ્ટગેટ

આ જયંતી - જયંતી શું છે?

દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશભક્ત શૂરવીરો માટે ઘણો જ આદર રાખવો અને તેમના બલિદાનને સાચા હૃદયથી યાદ કરી તેમણે કરેલા કાર્યોને નજર સમક્ષ રાખી દેશનું ઋણ ચૂકવવું તે દરેક નાગરિકની ફરજ છે. પરંતુ હાલ જે થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય છે? દરેક નાગરિકને શું લાભો મળે છે? ફક્ત સરકારી કર્મચારીઓ (બાબુઓ) ને જ લ્હાણી મળે છે. દા.ત. ગાંધી જયંતી, તો તે જાહેર રજા માત્ર છે. એક આ જયંતીની રજા માટે સરકાર એક અબજ છવ્વીસ કરોડનું નુકસાન ભોગવે છે. હવે વિચાર કરો કે વર્ષમાં કેટલી જયંતી, કેટલા તહેવાર આવતા હશે. આમ અડધા વર્ષની રજાઓ આ સરકારી બાબુઓ ભોગવે છે. ઉપરથી એશઆરામથી કામ કરવાનું. આમ આદમી માટે શું કદાપી વિચાર્યું છે? જે પણ વ્યક્તિની જયંતિ આવે ત્યારે તેમની શહાદત કે કાર્યને સલામ કરી પ્રજાએ એક કલાક વધારે કામ કરવું જોઈએ. દસ વર્ષની આવી જયંતિની રજાઓના મળતાં પગારનું સરવૈયું કાઢવામાં આવે તો તે જ નાણાંથી સ્વચ્છ ભારત - સ્વચ્છ નદીઓ થઈ શકે. અરે એક વર્ષની આ જયંતિ રજાઓના નાણામાંથી સારી સ્કૂલો - દવાખાના બનશે. કેટલીક સારી સુવિધાઓ ઊભી કરી શકાશે. દેશમા મંદગતિથી ચાલતા સરકારી કામો ઝડપથી ગતિ થશે. બીજાનું જોઈને શીખવામાં નાનમ નથી. વિકાસ કરવો હોય તો જયંતિના દિવસે એક કલાક વધુ કામ કરો.

મોટા વચનો આપ્યા વગર આ બાબત ઉપર વડા પ્રધાન ધ્યાન આપે.

- શરદચંદ્ર છોટાલાલ રાવ, લેસ્ટર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter