વાહ વાહ.. 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ

Tuesday 26th May 2015 12:49 EDT
 

હું છેલ્લા ૨૮ વર્ષથી 'ગુજરાત સમાચાર' અને તેના તમામ અંકો વગેરે નિયમીત વાચું છું. હમણા મારા દિકરાએ મને આઇપેડ ભેટ આપ્યું ત્યારે તે મને કઇ રીતે આઇપેડ વાપરવું તે શીખવતો હતો. તેણે મને ઇમેઇલ કઇ રીતે ખોલવો અને વાંચવો તે સમજાવ્યું અને સાથે સાથે મને વેબસાઇટ કઇ રીતે જોવાય તે પણ સમજાવ્યું.

તે નાનપણથી જ મને નિયમીત રીતે 'ગુજરાત સમાચાર' વાંચતો જોતો હોવાથી તેણે મને આપણા 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ પણ ખોલીને બતાવી. સાચુ કહું તો હું તો આભો જ થઇ ગયો. કેટલી સરસ રીતે વિભાગવાર બધા સમાચારની ગોઠવણી કરવામાં આવી છે. બધા સમાચાર તો વાંચવા મળે જ સાથે સાથે કાચ જેવા ફોટો જોઇને મન હરખાઇ ગયું. મારા જેવા નવા સવાને પણ સમાચાર શોધવામાં તકલીફ ન પડે તે રીતે વેબસાઇટ બનાવાઇ છે. મને આનંદ એ વાતનો થયો કે હવેથી તમે દરેક સમાચાર તેના પર મૂકતા રહેશે. એટલે કોઇ અગત્યનો સમાચાર મારાથી ચૂકી જવાશે નહિં. વળી મને જુના અંકોના સમાચાર પણ વાંચવા મળશે એ જાણીને તમારા પર માન થઇ ગયું. કોઇ જ ચાર્જ વગર આ વેબસાઇટ પર સમાચાર વાંચી શકાય તે તો અજબ જ કહેવાય.

મારા દિકરાએ મારા ઇમેઇલ પર 'ગુજરાત સમાચાર' અને એશિયન વોઇસ'ના ન્યુઝ લેટર પણ દર બુધવારે આવી જ જાય એવું સેટીંગ પણ મને કરી આપ્યું છે. 'ગુજરાત સમાચાર' દ્વારા સમાજ અને વાચકોની જે રીતે સેવા કરવામાં આવે છે તેનો જોટો જડે તેમ નથી.

સીબી અને સ્ટાફના તમામ સદસ્યોનો આવા નવા નવા કાર્યો કરી અમને સમાચારો આપવા બદલ આભાર.

- રજનીભાઇ પંચાલ, વેમ્બલી.

૦૦૦૦૦૦૦૦

હોલીડેઝ પહેલા ડાયરેક્ટ ફ્લાઇટ

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં ઘણાં વાચક ભાઇ બહેનોના અમદાવાદ અને લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટેના કાગળ વાંચ્યા. હવે અહિં જુલાઇ અોગસ્ટમાં છોકરાઅોને સ્કૂલમાં હોલીડેઝ આવશે અને તે પછી દિવાળી અને શિયાળો પણ આવી જશે. મને સવાલ એ થાય છે કે નરેન્દ્રભાઇ મોદીએ પહેલા આપણા ડાયરેક્ટ ફ્લાઇટના અભિયાન માટે પોતાનો ટેકો આપ્યો હતો અને કેન્દ્ર સરકારને અમદાવાદની ફ્લાઇટ માટે કહેશે તેમ જણાવ્યું હતું. હવે નરેન્દ્રભાઇના હાથમાં બધુ જ છે ત્યારે તેઅો રાહ શેની જુએ છે તે સમજાતું નથી.

હસમુખભાઇ મહેતા, સ્ટ્રેધામ.

૦૦૦૦૦૦૦૦

ભુલી બીસરી યાદે

તા. ૧૬મી મે ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'માં શ્રી સી. બી.ના લખેલા ‘જીવંત પંથ’માં ફિલ્મ ‘નવરંગ’નું આખું ગીત રજૂ કરી અમારા જેવા ફિલ્મી રસિયાને 'ભૂલી બીસરી યાદો' તાજી કરાવી ખુશ કરી દીધા. ૧૯૬૦માં આ ફિલ્મ મેં 'જંગબાર'માં જોયેલી અને થોડા દિવસ પહેલાં જ ટી.વી. પર ફરીથી જોયું. નવરંગનું ગીત 'તુ છૂપી હૈ કહાં, મેં તડપતા યહાં'ના દરેક બોલ અણમોલ છે. એક વખતના મશહૂર પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સ્વ. વી. શાંતારામ કે જેમની અસલ જીંદગીમાં સંધ્યા તેમની બીજી વારની પત્ની છે. પહેલી પત્નીનું નામ જયશ્રી હતું. ફિલ્મ નવરંગમાં એક્ટર તરીકે મહિપાલ હતા અને એકટ્રેસ તરીકે સંધ્યા હતી.

તે ફિલ્મમાં સંધ્યાનું નામ જમના હતું. તેનો પતિ કલ્પનાથી ગીત ગાતો ત્યારે જમનાને વહેમ હતો કે પતિની જીંદગીમાં કોઈ મોહાની નામની છોકરી છે. નાની બાબતના ઝઘડાથી તે પતિથી દૂર ચાલી ગઈ. પત્નીને રાત-દિવસ શોધતા પતિને છેલ્લે બાદશાહના દરબારમાં ફરજિયાત ગીત ગાવાનું હતું અને જો ના ગાય તો જનમટીપની સજા મળત. ત્યારે તેણે આ ગીત ગાયું. નસીબજોગે સંધ્યા ઝરુખામાં બીજી સ્ત્રી સાથે બેસીને ધણીનું ભવ્ય ગીત સાંભળતી હતી. તેના પતિએ છેલ્લી કડીમાં 'સુરત હૈ મેરે સપનો કી સોહની, જમુના તુ હે મેરી મોહિની' ત્યારે જમનાને થયું તેણે પતિ ઉપર ખોટો વહેમ કર્યો છે. તે દોડતી દરબારમાં જઈને ધણીને પગે લાગી, ભેટીને હરખથી રડી પડી. આ છે તે ફિલ્મની કહાની.

વી. શાંતારામે 'દો આંખે બારહ હાથ', 'દહેજ', 'ડો. કોટનીસ કી અમર કહાની', 'સ્ત્રી', 'સેહરા' અને 'ગીત ગાયા પથ્થરોને' જેવી ટોપ ફિલ્મો બનાવી છે. શ્રી સી. બી.ને એક નમ્ર પ્રાર્થના છે કે 'જીવંત પંથ'માં કોઈ વખત ફિલ્મ 'દો આંખે બારહ હાથ'નું ગીત 'એ માલિક તેરે બંદે હમ' લખશો તો અમને તે વાંચીને ખુશી થશે.

- સુધા રસિક ભટ્ટ, બેનસન

૦૦૦૦૦૦૦૦

મનુષ્ય દેહ

આપણને ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે. આપણે તેનો ઉપકાર માની પ્રભુ-સ્મરણ અને સેવા, કર્મને જ આ જીવનમાં મહત્ત્વ આપવું જોઈએ એ પણ વિચારો કે તમને સારે ઠેકાણે જન્મ આપ્યો છે. નહીંતર મનુષ્યો તો ઘણાં છે. ગરીબ, મધ્યમ વર્ગ, રોગીષ્ટ, કોઈને એક પગ ન હોય તો કોઈને આંખ ન હોય તો વળી કોઈને હાથ ન હોય. આમ કોઈને કોઈ ખોટ તો હોય જ છે. જ્યારે તમને જો ભગવાને બધાં જ અવયવો આપ્યા હોય ને વળી આરોગ્ય પણ સારું આપ્યું હોય તો તેનો સદુપયોગ કરજો. ભગવાન રોટલો તો દરેકને આપે છે પણ કોઈ સુખ-ચેનથી ખાય છે તો કોઈ દુઃખી બનીને ખાય છે. આમાં પણ કર્મ પ્રમાણેનું જ હોય છે. તેથી કર્મ સારા કરો કારણ કે દરેક જીવ પોતપોતાના પૂર્વ કર્મોને અનુસરીને સુખ-દુઃખ અને સંપત્તિ પામે છે. ભોગવે છે. જીવ ઈશ્વરનો અંશ છે. એણે જ ઉત્પન્ન કર્યો છે, તેથી તે બધાને સરખી રીતે જ રાખે છે. તેની શરત માત્ર એટલી છે કે કર્મ સારા કરો. બાકીનું બધું એ સંભાળી લેશે. નીતિથી જીંદગી અને જીવન જીવનાર મનુષ્યને ભલે હેરાન થવું પડે. પરંતુ અંતે તેને નિરાતંભર્યું સુખ ભોગવવા મળે જ છે.

- રતિલાલ ટેલર, સાઉથગેટ

૦૦૦૦૦૦

‘ગુજરાત સમાચાર’ને વધામણા

સતત ચાર દાયકાથી પરદેશમાં વસતા ગુજરાતીઓને ઘર બેઠાં વિપૂલ વાંચન પીરસી ગુજરાતી ભાષાની ગરિમાને અસ્મિતા જાળવી રાખનાર ‘ગુજરાત સમાચાર’ને સૌ સુજ્ઞ વાચકો તરફથી એના જન્મદિને અંતરના વધામણાં. આગામી વર્ષો સુધી આપના સાપ્તાહિકોની પ્રગતિકૂચ સદૈવ ચાલુ રહે એ જ શુભેચ્છા. ‘ગુજરાત સમાચાર, એશિયન વોઈસ’ના સર્વે પરિવારજનોને એમની કાર્યદક્ષતા માટે અભિનંદન.

- દિલીપ ચૌબલ, હેરો.

0000000

ટપાલમાંથી તારવેલુ:

લેસ્ટરથી શ્રી એમ.સી. વિઠલાણી (૯૨ વર્ષ) જણાવે છે કે તમે કોઇ જ જાતની લાગવગ, ભેદભાવ કે લાભની અપેક્ષા વગર ૮૨ વર્ષ ઉપરની વયના વડિલોનું સન્માન કરો છો તે અભિનંદનને પાત્ર છે. તમે ખૂબ જ હેતપુર્વક સૌના જમવાથી માંડીને સન્માન કરવા સુધીનું આ કાર્ય કરો છો અને તે બદલ વડિલોના અંતરના આશિર્વાદ જરૂર મળશે.

000000

માતા-પિતાની સેવા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં મહિલાઓ સુખી છે તેનું કારણ એ છે કે તેમનાં ઘરમાં સાસુ નથી. આવો જોક્સ વાંચવા મળ્યો (ગુજરાત સમાચાર તા. ૨૧ માર્ચ). પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સિરિયલમાં ભલે કોઈનાં ઘરમાં સાસુ ન હોય તો પણ દયાભાભીનાં ઘરમાં તેમના વિધૂર સસરા ચંપકલાલની હયાતી છે. હાલમાં આવતી ટીવી સિરિયલોમાં આ એક ટીવી સિરિયલ છે કે જેનો સામાજિક ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત કરાવતી સિરિયલ કહી શકીએ.

આ સિરિયલના આધારસ્તંભ જેવા ચંપકદાદા ગોકુલધામ સોસાયટીના આદરણીય મોભી છે અને આ મોભી ચંપકદાદા એક હાલતી ચાલતી નિશાળ છે. જે અહીંના નાના કે મોટા સંતાનોને સત્ય, પ્રેમ, સુસંસ્કાર અને ભારતી પરંપરાના જતન કરવાના પાઠ શીખવતા રહે છે કે જે દુનિયાની કોઈ વિદ્યાપીઠ શીખવી શકતી નથી.

દયાભાભી વિધુર સસરાનું આદર-સન્માન સાથે ધ્યાન રાખે છે કે ચંપકદાદાને જેઠિયાની માની યાદ આવવા દેતા નથી. તો જેઠાભાઈ પણ બાપુજીને જરાપણ ઓછું ન આવી જાય તેની કાળજી રાખતા રહેતા હોય છે. આવા અનેક ભાવભીનાં દ્રશ્યો જોઈને ઘણીવાર તો મારી આંખના ખૂણાં ભીનાં થઈ જાય છે અને મનમાં વિચાર આવે છે કે કાશ દરેક ઘરમાં દીકરાઓમાં એક જેઠીયો હોય, અને પુત્રવધૂઓમાં એક દયાભાભી જેવી પુત્રવધૂ હોય તો વૃદ્ધોની થતી અવગણનાઓ ખુશીથી અંત આવી જાય અને એક દિવસ એવો આવે કે આપણે સમાજના કલંક જેવા વૃદ્ધાશ્રમને બંધ કરી દેવા પડે.

જ્યાં જ્યાં જે ઘરમાં સંતાન સતત માતા-પિતાને ઝંખે છે તે ઘરમાં આજે પણ સતયુગ ચાલે છે. જે ઘરમાં ભક્તિભાવે માતા-પિતાની સેવા થતી હોય એવા ઘરને મારા શત શત નમન.

- નવનીત ફટાણિયા, હેનવેલ

૦૦૦૦૦૦૦૦૦૦0000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter