વૈષ્ણવ જન તો આને કહીએ!

Tuesday 09th February 2016 08:43 EST
 

તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૬નો મુ. શ્રી સી.બી. પટેલ સાહેબનો ‘જીવંતપંથ’ લેખ વાંચ્યો. ખૂબ પ્રેરણાદાયી, રસપ્રદ લેખ વાંચી ધન્યતા અનુભવી. હેતુ વિનાનું જીવન, માનવીને ઊંડી હતાશાના ખાડામાં ધકેલે છે તે વિષય પર એમણે એમના જ જીવનનો એક પ્રસંગ ટાંકી સિદ્ધ કરી બતાવ્યું કે એક નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ શું છે. એથી આપણને અંતરમન પર આનંદનો અભિષેક મળે છે. દોઢેક વર્ષ પહેલા તેમણે ભૂલી પડેલી, અટવાયેલી વ્યક્તિને ચિંથરે હાલ દશામાં જોઈ, એમનું સંવેદનશીલ હૃદય દ્રવી ઊઠ્યું. એની સાથે સફર ખેડી, ઘેર લાવી, ખવડાવી, પીવડાવી, એની વાત સાંભળી, એક કૃતિ સંભળાવી, સમજાવી એને વાસ્તવિક દિશા તરફ દોરવા પ્રયત્ન કર્યો. શ્રી સી.બી.એ આ જ લેખમાં આગળ જતાં લખ્યું કે આપણા સમાજમાં આવી તો કેટલીયે વ્યક્તિઓ, કુટુંબો સ્વસર્જિત વિટંબણામાં ઘેરાયેલી છે.

એંશીના દાયકામાં અમે પોસ્ટઓફિસ ચલાવતા ત્યારે જાયરો ચેક ચોરાયેલા આવતા. ચોરનાર વ્યક્તિને પકડવા તેની પાછળ દોડી, પકડી પોલીસને હવાલે કરવાની હામ ભીડતા. ત્યારે એમને કહેવામાં આવેલું કે, ‘Don't be a dead hero!’ સી.બી., તમે તો સાચા અર્થમાં વૈષ્ણવજન છો. દુઃખીયાના દુઃખ જોઈ, સંવેદનશીલ બનો છો. એને મદદરૂપ થઈ જીવનની સાચી કેડીના માર્ગે દોરવા પ્રયત્નશીલ થાવ છો. પરંતુ અમને, તમારા પરિવારજનો, સ્નેહી મિત્રો, અરે દેશને તમારા આવા કેટલાય સત્કર્મોની ઘણી જરૂર છે. માટે સાવધ રહેવા વિનંતી.

- કાન્તાબેન અન પ્રભાકાન્ત, ઓકવૂડ.

ધર્મ પરિવર્તન અને કટ્ટરવાદ

ISIS આજે પરાણે ધર્મ પરિવર્તન કરે છે અને ધાતકી કૃત્યો કરે છે. ભારતમાં પણ તેવું બન્યું છે. યુપીના નેતા આઝમ ખાને તાજેતરમાં ઇતિહાસના પાન વાંચી બતાવ્યાં અને કહ્યું કે તાજમહાલ પૂજાનું સ્થાન નથી તે તો (પતિ-પત્નીના) ‘પ્રેમનું પ્રતિક’ છે. આજે જગતના અને ભારતના ઇતિહાસનાં તાજાં પાન ફેરવશો તો તમોને ઘણી વાતો જાણી આશ્ચર્ય લાગશે. માનવ જન્મે છે ત્યારે કોઈ ધર્મ લઈને નથી જન્મતું, માસુમ બાળક તો માનવતાનો સંદેશ લઈને આવે છે. આપણે જ તેને સાચી ખોટી 'કંઠી' પહેરાવી વિવાદનો ઢાંચો ઊભો કરીએ છીએ. આજે જગતના દુઃખનું કારણ આ કંઠી જ છે અને તેથી ઇશ્વર પણ રાજી નથી અને કુદરત રડે છે. કુદરત પણ ધરતીકંપ, વાવાઝોડું, પૂર, દુકાળ, રોગો વિગેરે લાવે છે.

રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ.

શ્વાસનું મૂલ્ય

'જીવંત પંથ' લેખમાં શ્રી સીબીભાઈ વાચક મિત્રોને શ્વસનક્રિયા સહિતની વિવિધ કસરતો વિશે જણાવતાં હોય છે, જે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં અત્યંત જરૂરી છે. થોડોક સમય કાઢીને પણ આવી હળવી શ્વસનક્રિયાની કસરતો કરીએ તો ઘણા રોગોથી બચી જવાય તેમ છે. શ્વસન ક્રિયા માણસને જિવાડનાર છે પણ તેનો સદઉપયોગ કરવાનો માણસ પાસે સમય નથી. શ્વાસના આ અમૂલ્ય ખજાના વિષે જાણવા જેવું છે.

એક દિવસમાં એક માણસ ૨૧,૬૦૦ શ્વાસ લે છે. એટલે કે એક દિવસમાં ત્રણ સિલિન્ડર ભરાય તેટલો ઓક્સિજન શ્વાસમાં લે છે. એક ઓક્સિજન સિલિન્ડરની કિંમત રૂ. ૭૦૦ ગણીએ તો દિવસના રૂ. ૨૧૦૦ અને વર્ષે રૂ. ૭૬૬,૫૦૦ના હિસાબે વ્યક્તિને ૬૫ વર્ષ જીવવા માટે પાંચ કરોડ રૂપિયાનો અમૂલ્ય પ્રાણવાયુ જોઇએ. પાઉન્ડમાં આ મૂલ્ય કેટલું હશે તેની ગણતરી માંડીએ તો બહુ મોટો આંકડો મળે.

આપણી આસપાસ રહેલાં વૃક્ષો આ પ્રાણવાયુ આપણને તદ્દન મફતમાં પૂરો પાડે છે. વૃક્ષોનો આપણા ઉપર અનંત ઉપકાર છે. તેઓ બદલાની કોઇ જ ભાવના વગર આપણને તાજો શ્વાસ અને જિંદગી આપે છે. આપણે જીવવું હશે તો વૃક્ષો વાવવા પડશે અને તેનું સંવર્ધનકરવું પડશે.

- નવનીત ફટાણિયા, હેનવેલ

જાપાન અને ચીનનું અનુકરણ

વર્ષો પહેલાં જાપાને યુરોપમાં બનતા દરેક માલની કોપીઓ કરીને ધરખમ નિકાસ કરીને અબજોનું હૂંડિયામણ મેળવેલું. આજે વિજ્ઞાન, ટેકનોલોજી અને રિસર્ચની સહાયથી પોતાના જ દેશમાં દરેકનું ઉત્પાદન કરીને દુનિયાની ઈકોનોમીમાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે. છેલ્લા ૨૫ વર્ષોમાં ચાઈનાએ પણ એજ સિદ્ધાંત અપનાવીને પરદેશી માલની કોપીઓ કરીને ધરખમ નિકાસ કર્યો અને ઈકોનોમીક ચમત્કાર કર્યો.

ભારતે પણ ટેકનોલોજીનો ઊંડો અભ્યાસ કરી દેશના બુદ્ધિધનને કામે લગાડી ચઢીયાતી પ્રોડ્ક્ટ બનાવવી જોઇએ. રિસર્ચ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને લડાયક વિમાનો, તોપો, સબમરીનો, વીજળીથી ચાલતી કારો, ટ્રકો, મોટરસાઈકલો, રીક્ષાઓ અને મશીનરી સહિત હજાર જાતનો સામાન અને સાધનો બનાવી શકાય.

'મેક ઈન ઈંડિયા'ની પોલીસી ઠીક છે. લગભગ ૪૯ ટકા નફો પરદેશી કંપનીઓ પોતાપોતાના દેશોમાં ધકેલી દેશે. એની ટેકનોલોજી, ફોર્મ્યુલા કે બીજા સિક્રેટ આપણને મળશે કે નહીં એની ખાત્રી નથી. હા એને માટે દેશને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાની તાતી જરૂર પડશે. ચીન અને જપાનનું અનુકરણ કરવાથી પેલા ૪૯ ટકા તો આપણા દેશમાં જ રહેશે. અને લાખો, કરોડો યુવાનોને નોકરીઓ અને રોજગારી પણ મળશે. આવી મેડ ઈન ઈંડિયાની પોલીસ અપનાવીને આપણે પણ દુનિયાની સૌથી પહેલાં નંબરની ઈકોનોમી બની શકીશું. નેહરુજીનું એક વાક્ય યાદ આવે છે. Success goe to those who dare and act. it seldom goes to the timid.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન

'ગુજરાત સમાચાર' વાંચવાની લત

'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ' વાંચવાની એવી તો લત લાગી છે કે દર શુક્રવારે તેની રાહ જોઇએ છીએ. તેમાં સંપૂર્ણ માહિતી સાથે દરેક જાતના સમાચાર મળી જાય છે. કાશ્મીરી પંડિતોની પીડાના ૨૫ વર્ષ થયા અને તેમણે ઘણી મુશ્કેલી સહન કરી ત્રણ કપડે નિર્વાસીત થયા તે સમાચાર વાંચી ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. 'ગુજરાત સમાચાર'ના પાન-૩ પર સંઘર્ષરત માતા કલા પટેલની ઓબીઈ એવોર્ડથી કરાયેલી કદરના વિગતવાર સમાચાર વાંચ્યા. પાન-૩ પર પ્રવાસી ભારતીય દિવસ ૨૦૧૬ની ઊજવણીના સમાચાર પણ વાંચ્યા.

'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'માં દરેક જાતનાં સમાચાર મળે છે અને સી.બી. સાહેબના ‘જીવંતપંથ’થી કોઈ અજાણ નથી. સી.બી. તથા સૌનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આપણું સૌનું માનીતું 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' ખૂબ જ પ્રગતિ કરે છે અને કરશે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

ઇંગ્લીશ ભાષા અને પરદેશીઓ

યુકેમાં રહેવું હોય અને અહીની સુંદર વ્યવસ્થા, સુખ-સગવડ ભોગવવી હોય તો ઇંગ્લીશ શિખવામાં કોઈને સમસ્યા હોવી ન જોઈએ. માત્ર મુસ્લિમ મહિલાઓને જ નહિ, પરંતુ બહારથી આવીને વસેલી દરેક વ્યક્તિને ઇંગ્લીશનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. ઇંગ્લીશ જાણવાથી અહીની મૂળ પ્રજા સાથે વાતચીતો કરવામાં, પોતાનું અંગત કામ ઉકેલવામાં, વ્યવહાર કરવામાં સરળતા આવે છે. આ દેશની સંસ્કૃતિ, સભ્યતા અને જાણકારી મેળવવામાં પણ ઇંગ્લીશ મદદરૂપ થાય છે. ઉપરાંત પોતાના હક્કો, ફરજો શું છે તેની સમજ ગ્રહણ કરી શકાય છે. ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાના અંગત પરિપૂર્ણ વિકાસ માટે જે દેશમાં રહેતા હોય તો તે દેશની સ્થાનિક ભાષા અવશ્ય શીખવી જ જોઈંએ અને દેશની પ્રજા સાથે હળીભળી, ઓતપ્રોત થઇ, દેશને વફાદાર થઈને રહેવું જોઇએ. તેમાં જ સૌનું હિત સમાએલું છે.

અંગ્રેજીમાં કહેવત છે કે 'When in Rome do as the Romans do'. તમારી સંસ્કૃતિ જે દેશમાં રહેતા હોય તેના પર મારીઠોકીને લાદવી, અવરોધો ઉભા કરવા એ બિલકુલ અન્નીચ્છનીય છે.

નિરંજન વસંત, લંડન

એકલતા અને વૃધ્ધત્વ

આગામી પાંચ વર્ષમાં બ્રિટનની વસ્તીમાં ૩ ટકાનો, ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકોમાં ૧૨ ટકા અને ૮૫ વર્ષથી વધારે વયના લોકોનું પ્રમાણ ૧૮ ટકા વધશે. ઉંમર સાથે આવતું વૃધ્ધત્વ ટાળી ન શકાય પરંતુ સભ્ય સમાજની મોટી ઉંમરની પ્રજા એકલતામાં દિવસો વિતાવે તે જરૂર ટાળી શકાય. એક સર્વે પ્રમાણે ૮૦ વર્ષથી મોટી ઉંમરની વસ્તીના ૫૦ ટકા લોકો એકલતા અનુભવે છે અને આશરે ચાર મિલિયન વ્યક્તિઓને ટેલિવિઝન સિવાય બીજી કોઈ કંપની નથી.

પ્રજાનું આયુષ્ય લાંબુ થવુ તે વીસમી સદીની સફળતા છે. પરંતુ તેમની એકલતા તે ૨૧મી સદીની મોટી સમસ્યા છે. એકલતા અનુભવતા માણસો જીંદગીથી કંટાળતા હોવાથી તેમના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. રોજની ૧૫ સિગારેટ પીવાથી જેટલું નુકસાન થાય તેટલું જ નુકસાન એકલતાને કારણે થાય છે. મોટી વયની વ્યક્તિઓ શારીરિક પ્રવૃત્તિઓ કરતા રહે, સમાજમાં હળતા-મળતા રહે તે ખૂબ જરૂરી છે. તેઓ તંદુરસ્ત રહેશે તો ‘સોશિયલ કેર’ અને હોસ્પિટલમાં જતા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે.

'ગુજરાત સમાચાર' દ્વારા જુદા જુદા શહેરોમાં વયસ્ક વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું તે ખૂબ પ્રશસંનીય કાર્ય છે. આપણે સહુ આપણા કુટુંબના કોઈ સભ્ય કે સમાજની પાકટ વયની વ્યક્તિઓ સાથે નિયમિત રીતે થોડો સમય ગાળી તેમની એકલતામાં ઘટાડો કરી વડીલોના આશીર્વાદ પામીએ તે ખૂબ આવશ્યક છે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર.

મહાત્મા ગાંધી નિર્વાણદિન

શુક્રવાર તા. ૩૦-૧-૧૯૫૦ના રોજ મહાત્મા ગાંધી બાપુની હત્યા કરવામાં આવી હતી ત્યારે મારી ઉંમર ૧૭ વર્ષની હતી. હું ત્યારે લિંબાચિયા વિદ્યાર્થી ગૃહ, પાટણ (ઉ.ગુજરાત) રહેતો હતો અને ઈંગ્લિશ હાઈસ્કૂલમાં ભણતો હતો. અમો છાત્રાલયના તમામ વિદ્યાર્થીઓએ બજારમાં હોટેલના રેડિયો દ્વારા ગાંધી બાપુની હત્યાના દુઃખદ સમાચાર જાણ્યા. બાપુ દરરોજના નિયમ પ્રમાણે તેમના દિલ્હીના નિવાસસ્થાનથી પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા ત્યારે સાંજે આશરે પાંચ કલાક અને પાંચ મિનિટે તેમને ત્રણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આ દુઃખદ સમાચાર સાંભળી તમામ વિદ્યાર્થીઓને સૂચન કરવામાં આવ્યું હતું કે તમામ સાવધાન થાઓ. આ જ સમયે વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તાત્કાલિક રેડિયો સ્ટેશને જઈ સમાચાર આપ્યા કે બાપુની હત્યા કરનારો આપણો હિન્દુભાઈ છે ત્યારે તુરંત જ વાતાવરણ શાંતિમાં ફેરવાયું હતું. અહિંસાના પૂજારી ગાંધીજીને શતશત વંદન.

- છોટાભાઈ એમ. લિંબાચિયા, પ્રેસ્ટન

૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter