સંબંધો બાંધવા સહેલા છે...

Monday 05th January 2015 13:12 EST
 

અત્રેના અંગ્રેજી સમાચાર પત્રમાં ‘ટોરેન્ટો સ્ટાર’માં 'હીરો વાંદરાએ પોતાના મિત્ર વાનરનું જીવન બચાવ્યું' વિષેના સમાચાર વાંચ્યા. આ સમાચાર વાંચીને મન પ્રફુલ્લિત થઈ ગયું. ભારતના કાનપુર રેલ્વે સ્ટેશન ઉપર વીજળીનો કરંટ લાગતા એક વાનર રેલવેના પાટા ઉપર બેહોશ થઇ ગયો હતો. આ જોતાં બે વાનર તેની નજીક આવ્યા અને તેમાંના એક વાનરે બેહોશ મિત્રને ઊંચકીને, ટપલીઓ મારી, ઊંચુ-નીચું કરી લગભગ ૧૫થી ૨૦ મિનિટ બેહોશીમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. રેલ્વે સ્ટેશન ઉપર ઉભા રહેલા મુસાફરો આ બધું જોતા રહ્યા તો કેટલાક મોબાઇલ પર તેનો વિડીયો લીધો. ઘોંઘાટ થતો હોવા છતાં તે વાનરે ગભરાયા વિના પ્રયત્નો ચાલુ રાખ્યા અને પાણીના ખાડામાં પણ બે-ત્રણ વખત ડૂબાડ્યું અને છેવટે તે વાનર ભાનમાં આવતા જીવી ગયો.

ક્રિસમસના દિવસોમાં આપણા સંબંધીઅો, પરીવાજનો, મિત્રો, સગા-સંબંધી સાથે આપણા સંબંધો નિઃસ્વાર્થી હોવા જોઈએ એક તરફી નહીં. સંબંધો બાંધવા સહેલા છે, કોઈને ચા પીવા બોલાવો કે જમવા બોલાવો, સ્વાર્થ હોય અથવા કામ કઢાવવું હોય અને થોડી પ્રશંસા કરો એટલે સંબંધો બંધાય. પણ તેને આજીવન ટકાવવા તેમાં વૃધ્ધી કરવી તે ઘણું જ અઘરું છે. આજે સંબંધોમાં ઓટ આવતી જણાય છે. સંબંધોની ખરી કસોટી ત્યારે જ થાય છે જ્યારે કટોકટી હોય, દુઃખદ પ્રસંગ આવ્યો હોય, જીવનમાં તકલીફો હોય અને તે સમયે કોણ પડખે આવીને ઊભું રહે છે? સાથ, સથવારો કે હૂંફ આપે છે તે જ ખરો સંબંધી.

નવા વર્ષના પર્વના સમયે આ સમાચારથી થોડું શીખવાનો પ્રયત્ન કરી સંબંધો-જીવનને મંગલમય બનાવીએ તેવી શુભકામનાઓ.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

૦૦૦૦૦૦૦૦

તલવારની ધારે ધર્મપરિવર્તન?

હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યારે મોગલ રાજ હતું ત્યારે તેમણે ઘણાં ખરાં હિન્દુઓને તલવારની ધાર પર બળજબરીથી મુસલમાન બનાવ્યા હતા. તે વખતે મહારાષ્ટ્રમાં જીજાબાઈએ પોતાના બાળકને ગર્ભમાં, ધાવણમાં અને હાલરડામાં કસુંબીનો રંગ પીવડાવ્યો હતો. તે હતા શિવાજી. એક ખૂબજ જાણીતી ઉક્તિ છે કે 'કાશી કી કલા જાતી, મથુરા મસ્જીદ હોતી, અગર શિવાજી ન હોતે તો સુન્નત હોતી સબકી. હિન્દુસ્તાન - હિન્દુસ્તાન ન રહત. તેનો નક્શો કોઈ ઔર હોત. શિવાજી, ગોવિંદ સિંહ, રાણા પ્રતાપ જેવા કેટલાય વીરરત્નોએ મુગલોની સામે ટક્કર ઝીલી હિન્દુસ્તાનની હિન્દુત્વની જ્યોતને કાયમ જલતી રાખી છે.

મુગલ પછી બ્રિટિશ રાજ આવ્યું અને તેઓ મીશનરીઓને લાવ્યા. જેમણે દેશની ગરીબીનો લાભ ઊઠાવી ગરીબોને બધી સુવિધાઓ આપી, કેટલાયને ક્રિશ્ચિયન બનાવ્યા. હવે કેટલાક દાયકાથી ભ્રષ્ટાચારી નેતાઓ કાળું ધન ભેગું કરી પરદેશ મોકલીને હિન્દુસ્તાનની ગરીબી વધારી રહ્યા છે.

હમણાં આગ્રામાં અને બીજી જગ્યાએ ધર્મ પરિવર્તન થયું. ટી.વી. કે છાપામાં અસંખ્ય લોકોએ જોયું કે જેમના દાદા-પરદાદા હિન્દુ હતા એવા મુસલમાનો અને ક્રિશ્ચિયનોએ ખુશીથી, શાંતિથી કોઇ ભય વગર પવિત્ર હવન કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો. કોઈના માથા ઉપર બંદૂક કે ગરદન ઉપર તલવાર કોઈએ જોઈ? તો પછી આજે વિરોધ પક્ષના નેતાઓ (જેઅો હિન્દુ છે) કેમ વાંધો લઈને પાણીમાં પોરા કાઢે છે? 'ફ્રીડમ ઓફ વરશીપ' તો હિન્દુસ્તાનમાં જ છે. આ ધર્મ પરિવર્તન કોઈ જબરદસ્તીથી કરાવાયું નથી.

- સુધા રસિક ભટ્ટ, બેનસન

૦૦૦૦૦૦૦

મહાન ગ્રંથ: શ્રીમદ ભગવદ્ ગીતા

હમણાં, થોડા દિવસો પહેલાં, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ બોલ્યાં હતાં કે 'ભગવદ ગીતાને ભારતના મહાન ગ્રંથ તરીકે અપનાવવો જોઈએ'. આ માંગ અસ્થાને નથી. ગીતા - મહાભારતનો એક ભાગ છે કે જેમાં દુનિયાના બધાય ધર્મો કરતાં આધ્યાત્મ તેમજ માનવીનાં જન્મજાત વૃત્તિ અને સ્વભાવના જ્ઞાનનો અજોડ ભંડાર ભર્યો છે એ નિર્વિવાદ છે. શ્રીમદ્ ભગવદ ગીતા ભારત એકલામાં જ નહીં પરંતુ આખી દુનિયાની આસ્થા ધરાવતી માનવજાત માટે એક સૌથી શ્રેષ્ઠ અને મહાન ગ્રંથ છે અને એને વિના સંકોચે માન્ય રાખવો જ જોઈએ એમાં બે મત હોઈ શકે નહીં.

- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હીલ

૦૦૦૦૦૦૦

સત્તાલાલચુ નેતાઅો

ભારતની સંસદમાં એક યા બીજા બહાના હેઠળ કાગારોળ કરી હોબાળો મચાવવામાં હોંશિયાર અને નિપુણ નેતાઓ ધમાલ કરીને શું હાંસલ કરવા માંગે છે? એ સમજાતું નથી. મોદીજી સંપૂર્ણ બહુમતીથી ચૂંટાઈ આવ્યા પછી પણ સત્તાલાલચુ, ખુરશીભક્ત નેતાઓ જાણે છે કે વર્ષો જૂની બીમારી ટૂંક સમયમાં દૂર થાય નહિં. તેમ છતાં વાંધા ઊઠાવી જનતાનો પ્રેમ સંપાદન કરવાની કોશીશ કરી રહ્યા છે અથવા તો કોમી દાવાનળ પ્રગટાવી પોતાના રાજકીય રોટલા શેકવાની પેરવીમાં મહામૂલી લોકશાહીને લાંછન લગાડી રહ્યા છે.

હીંદુઓએ ધર્મ પરિવર્તન કરાવવા માટે કદી તલવાર હાથમાં લીધી હોય કે જુલ્મ કર્યા હોય એવું કદીય જાણવામાં આવ્યું નથી. હિંદુસ્તાનમાં અન્ય ધર્મીઓ બહોળા પ્રમાણમાં છે અને સાથે રહે જ છે. એ ખુરશી ભક્ત નેતાઓએ કદાચ ગમતું નહિં હોય. જે લોકોમાં ધર્માંધ કટ્ટરવાદીઓનો વાળ પણ વાંકો કરી શકતા નથી તેઓ ગમે તે બહાને સંસદનો સમય વેડફી દેશને અને જનતાને આડકતરી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે.

પરદેશમાં મોદીજીની પ્રશંસા થાય છે. પણ ઘરઆંગણે તેઅો આદુ ખાઈને એમની પાછળ પડી પજવવામાં પાછી પાની કરતા નથી. ચૂંટણી વેળા શરૂઆતથી એમને ખાયકી, ચાયવાળો, નીચી જાતિનો તથા એમના ટુકડે ટુકડા કરવાનું પણ બોલ્યા. તે અનુચિત નહીં લાગ્યું. પણ હિંદુસ્તાનનો વતની હિંદુત્વની વાત કરે તે અનુચિત લાગે છે અને તે ગુનો ગણાય. આ બાહોશ નેતાઓએ ખુરશીની ખેવનામાં દેશને કઈ દીશામાં દોરી જવા માંગે છે? વેરઝરે અને કુસંપને કારણે તો આપણે ગુલામી ભોગવી હતી તે આપણા ખુરશીભક્ત નેતાઓની જાણ બહાર નહીં જ હોય.

- વલ્લભભાઈ એચ. પટેલ, વેમ્બલી

૦૦૦૦૦૦૦

વિકલાંગો પ્રત્યે સમદ્રષ્ટિ

વિકલાંગપણું એ કાંઈ ગુનો નથી છતાં વિકલાંગોને સામાન્યપણે અન્ય ઘરોમાં, કુટુંબોમાં, જ્ઞાતિઓમાં, સમાજમાં અને દેશોમાં સેકન્ડક્લાસ સિટિઝન કે વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. વિકલાંગો પ્રત્યે ભેદભાવભર્યું વલણ દાખવી તેમને ઘરગથ્થું, કૌટુંબિક તથા સામાજિક નિર્ણયો લેતી વખતે બાકાત રાખવામાં આવે છે.

બ્રિટન જેવા દેશમાં 'ડિસેબલ રાઈટ્સ યુ.કે.' જેવી સંસ્થાઓ વિકલાંગોને સમાન હક્કો અને સમાન તકો મળે એ માટે ઘણું જ સુંદર કાર્ય કરી રહ્યા છે. આજે પણ વિકલાંગને બીજા વિકલાંગ સાથે પરણવા દબાણ કરાય છે. એકવીસમી સદીમાં લોકોમાં માનસ પરિવર્તન થાય અને વિકલાંગો પ્રત્યે સમદ્રષ્ટિની ભાવના જાગૃત થાય એ અતિ આવશ્યક છે.

- જયાબહેન, પાંઉ, લેસ્ટર

૦૦૦૦૦૦

ભારતરત્નનો ખિતાબ

આ વર્ષે ક્રિસમસના દિવસે ભારતના નામદાર પ્રેસિડેન્ટે ટ્વીટ કરેલ કે ભારતરત્નનો ખિતાબ સ્વ. શ્રી મદનમોહન માલવીયાજીને અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન કવીવર શ્રી અટલબિહારી વાજપેયીને અર્પણ કરવામાં આવશે. અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના પ્રમુખ તરીકે ભારતના નામદાર પ્રમુખશ્રી તેમજ આપણા લાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારને આવા નિર્ણય બદલ અભિનંદન પાઠવું છું. મારો પરિચય શ્રી. અટલજી સાથે ૧૯૫૨માં જનસંઘની સ્થાપના થઈ ત્યારથી હતો. બાબરી ધ્વંશ પછી લંડનમાં મળવાનો લાભ મળેલ. આજે શ્રી. અટલજીને રાષ્ટ્ર સન્માન આપે છે ત્યારે આપણે ભારતીયો ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી અનુભવે છે. શ્રી અટલજીનું ભારતીય ઈતિહાસમાં હંમેશા ઉચ્ચ સ્થાન રહેશે.

- લાલુભાઈ પારેખ, લંડન.

૦૦૦૦૦૦૦

એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ

'ગુજરાત સમાચાર' નિયમિત વાંચતા રહીએ છીએ. આપની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ માટે ‘ગુજરાત સમાચાર’ જે ઝુંબેશ ચલાવે છે તે માટે ધન્યવાદ.

ડીસેમ્બરના સમયે અમદાવાદ જવું હોય તો દરેકે એર લાઈન્સએ ભાડા એટલા બધા વધારી દીધા છે કે કેમ જવું? ૭૦૦થી ૮૦૦ પાઉન્ડ માંગ્યા હતા. આરબ એરલાઈન્સમાં તો જગ્યા પણ નથી મળતી. આવી કમાણી થતી હોય તો એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવામાં ભારત સરકારને પેટમાં શું દુઃખે છે?

આ બધા કારસ્તાન કોંગ્રેસ સરકારની છે. તેમણે કોઈ એવી ચાલ કરી છે કે બીજી કોઈ એર લાઈન તેમાં જઈ શકે નહીં. આ બે એર લાઈનોએ તેમનાં ખીસ્સા ભરી દીધા લાગે છે. સોનિયા બેનને તો મોદીના વિરોધી હતા જ, એટલે ગુજરાતને પાછળ રાખવામાં તેમને ખુશી જ થાય. અત્યારે આવી લૂંટ ગુજરાતીઓની ચાલી રહી છે.

- પ્રવિણ રૂપારેલ, વેમ્બલી

૦૦૦૦૦૦૦

લંડન - અમદાવાદ ડાયરેક્ટ ફલાયટ

ભારતના ૧૫માં વડા પ્રધાન તરીકે આદરણીય મોદીજી આરૂઢ થયા બાદ હવે તેમની પાસે આપણા બ્રિટનવાસીઅોની એક જ અપેક્ષા છે કે તેઅો હવે અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરે. આપણો પ્રશ્ન ખુબજ અગત્યનો છે અને આપણાં 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ સીબી પટેલે ડાયરેક્ટ ફ્લાઇટ માટે ખુબજ ઉગ્ર ચળવળની આગેવાની કરી છે.

બીજુ, મોદીજી ચૂંટણી બાદ યુકેના પ્રવાસે આવનાર છે ત્યારે અત્રે એક હકિકતનો ઉલ્લેખ કરીશ કે આપણાં ભારતીય ઉદ્યોગપતિઓએ ગર્વ લઇ શકાય તેટલી હદે સફળતા મેળવી છે. યુકેના અર્થતંત્રમાં આપણા ઉદ્યોગપતિઅો, વેપારીઅો, દુકાનદારો અને પ્રોફેશન્લસનો ફાળો બહુ મહત્વનો છે. અર્થતંત્રમાં આપણો હિસ્સો નાનોસુનો નથી. દેશની ટોચની ૨૫૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ યુકેમાં રહેતા એશિયાનોની માલિકીની છે. જે ખુબજ પ્રસંશાને પાત્ર છે. અહિં વસતા ભારતીયો ખુબજ મહેનત કરીને આગળ આવ્યા છે. આમ છતાં પણ આપણા જે ભાઈ-બહેનો નાના ધંધા કરે છે તેમને જોઇએ તેવી મદદ યુકેની સરકાર આપતી નથી, જે ખુબજ નિંદાને પાત્ર છે. આજે દુનિયાભરમાં અર્થતંત્રની હાલત બરોબર પાટા પર ચઢી નથી ત્યારે સુઝબુઝથી નાના વેપારીઅોને મદદ થાય તો ખૂબજ ફાયદો થાય અને ઘણો બદલાવ આવી શકે તેમ છે. આ માટે આપણે ભારતીયોએ રાજકારણમાં વધુ ભાગ લેવો જરૂરી છે. જો આપણે સત્તામાં હોઇશું તો આપણે ભાઇ-ભાંડુઅોને વધુ મદદરૂપ થઇ શકીશું.

ભરત સચાણીયા અને પરિવાર, લંડન

0000000000000000000000000000

જરા અમથી વિનંતી

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તરફથી હરહંમેશ લાભદાયી વિશેષાંકો સાદર થતા રહે છે તે બદલ ખૂબ જ આભાર. આપ વાચકોનો આદર કરો છો તે ખૂબ જ વખાણવાલાયક છે.

આગામી મહિનામાં આપના તરફથી પ્રસિદ્ધ થનાર અંકોમાં ટ્રાવેલ - ટુરીઝમ, હેલ્થ, એસ્ટેટ વગેરેનો સમાવેશ થશે તે આપણને સૌને જરુર મદદરૂપ થશે. શ્રી નીલેશભાઈ પરમાર અમદાવાદથી માહિતી ભેગી કરે છે તે ઉત્તમ હોય છે. ખાસ લખવાનું કે ગુજરાતમાં ઘણાં હિન્દુ, જૈન તીર્થો અને વૈષ્ણવ તીર્થો, વિહાર ધામો વગેરે જોવા લાયક છે. જાણીતા ધામો તરીકે સોમનાથ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, પાલીતાણા, શામળાજી પણ વિખ્યાત છે. કરનાળી, ચાણોદ, પાવાગઢ, કબીર વડ, નારેશ્વર તીર્થધામ પણ સુંદર છે. આ બધા તિર્થધામો વિષે માહિતી આપો તો સારું. નારેશ્વર તો ભગવાન શ્રી દત્તાત્રેયના ઉપાસક શ્રી રંગ અવધૂત મહારાજની તપોભુમી છે.

જો વિષ્ણુ પંડ્યા કે કોઈ લોકપ્રિય લેખક આ બધા તિર્થ ધામોની માહિતી ભેગી કરે અને તે પ્રકાશીત થાય તો તે વાંચવાની અને ત્યાં ફરવાની મઝા પડી જાય. આપણા 'ગુજરાત સમાચાર'નો પ્રચાર વધશે અને વાચકોના આર્શીવાદ પણ મળશે.

- ભાઇલાલભાઈ પટેલ, મીચમ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter