સેવા એજ સમર્પણ

Monday 24th August 2015 13:31 EDT
 

બે સપ્તાહ પહેલા ‘અનુપમ મિશન’ ડેનહામ યુ.કે.માં નવા મંદિરનું ઉદઘાટન અને સ્વામીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. પ્રખર વિદ્વાન કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા અને ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન પણ થયું. કથા સાંભળવા માનવમેદની ઊભરાયેલી. આ આખાય પ્રસંગની સંપૂર્ણ વિગત ‘ગુજરાત સમાચાર’ના મેનેજિંગ એડિટર શ્રીમતી કોકીલાબહેને વિસ્તારથી આપેલ. ઉપરાંત ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી સી. બી. સાહેબે પણ એ પ્રસંગોની પ્રશંસા કરી, આપણા યુવાવર્ગની ગેરહાજરી વિશે પણ અંગૂલિનિર્દેશ કરી, ખેદ વ્યક્ત કરેલો.

આ આખાયે પ્રસંગ દરમિયાન જાણવા યોગ્ય, ભક્તિભાવથી ભરપૂર છલકતો એક નાનો સમુદાય જોયો અને તે જોઈ આ લેખ લખવા અમે પ્રેરાયા. આખાયે પ્રસંગનું આયોજન, વ્યવસ્થા અને તેનું બધા દિવસો દરમિયાન શાંતિપૂર્વક, વિવેકપૂર્ણ સંચાલન થાય તે માટે દેશવિદેશથી સ્વામીનારાયણના કેટલાયે સેવાભાવી, શ્રદ્ધાળુ ભક્તજનો માત્ર સ્વાર્પણની જ આશાએ નિષ્ઠાપૂર્વક સેવા કરવા આવેલા. સો કરતા પણ વધારે સ્વયંસેવક ભાઈઓ - બહેનો, વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓએ કથાનું શ્રવણ જતું કરી, માત્ર જુદી જુદી સેવાનું કાર્ય કર્યું.

ભારતના અગિયારમા પ્રેસિડેન્ટ સંતયોગી સમાન શ્રી અબ્દુલ કલામજીએ થોડા સમય પહેલાં જ આપણા સૌ વચ્ચેથી ચિરવિદાય લીધી. એમનાં છેલ્લા પ્રકાશિત થયેલા પુસ્તકમાં એમણે લખ્યું કે 'કોઈપણ કાર્ય પાછળ, હિંમતપૂર્વક કરેલી તમારી સ્વાર્પણની ભાવના તમને સફળતાના માર્ગે પહોંચાડશે.' અનુપમ મિશનમાં નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આવા સ્વયંસેવકોની સેવા એજ સમર્પણ, એજ પ્રભુસેવા અને પ્રભુશરણ છે.

- કાંતાબહેન અને પ્રભાકાંત પટેલ, ઓકવુડ, લંડન

અનામતની વાત

અનામત માટે લખવામાં મગજ વિચારો ચકરાવે ચડી જાય તેમજ છે. અનામતની મનોવૃત્તિ ખૂબ જ ઊંડે સુધી પ્રસરી ચૂકી છે, ખરેખર તો રાજકીય ગતકડાં તરીકે અનામત પ્રથાનો ઊપયોગ થાય છે.

નિર્ણય લેવાની સત્તા જેમનાં હાથમાં છે, તે પ્રધાનો, વીઆઈપીઓ અને અન્યોને અોછા માર્ક સાથે અનામતનો લાભ મેળવનાર પાઇલોટના પ્લેનમાં બેસાડવા જોઇએ. આ મહાનુભાવો માંદા પડે છે ત્યારે સારવાર માટે અમેરિકા ઊપડે છે, ખરેખર તેમણે ભારતમાં જ અનામતનો લાભ લેનાર ડોક્ટર પાસે જ સારવાર કરાવવી જોઇએ.

ક્રિકેટમાં પણ અનામત ઘાલો. પછાતનું લેબલ ધરાવતા ખેલાડી સામે ફાસ્ટબોલ ફેંકવાની મનાઈ!!! તે ચોક્કો મારે તે સિક્સ ગણવાની, અહીં માત્ર પછાતપણું જ જોવાનું, ગુણવત્તા, લાયકાત, મેરિટની તો.... ઐસી કી તૈસી..

અહીં બ્રિટનમાં દેખાય છે ક્યાંય આવો ભેદભાવ?

જગદીશ ગણાત્રા, વેલીંગબરો.

વરવી ધાર્મિક માન્યતાઅો

જુલાઈમાં ‘જીવનપંથ’માં વિવિધતામાં એકતા દ્વારા અને શ્રાવણ મહિનાના આગમને ધાર્મિક તહેવારોની માહિતી આપીને ધર્મ કે ધાર્મિક ભાવના વિશે આ અખબારમાં સારી એવી માહિતી આપવામાં આવેલી એના અનુસંધાનમાં બે ઘટનાઓ અહીંયા ટાંકીને મારે વાંચકોનો અભિપ્રાય જાણવો છે.

પહેલી ઘટના થોડા દિવસો પહલા દુબઈના દરિયાકાંઠે એક એશિયન પરિવાર પાણીમાં તોફાનમસ્તી કરતાં હતાં તે દરમિયાન પરિવારની ૨૦ વર્ષની પુત્રી કોઈ કારણોસર દરિયામાં ડૂબવા લાગી. સદનસીબે ‘લાઈફ ગાર્ડઝ’ ત્યાં નજીકમાં જ મોજુદ હતા અને યુવતિને બચાવવા જતા હતા ત્યારે પિતાએ યુવતીના પિતાએ તેમને બળજબરીથી અટકાવીને કહ્યું કે ‘તમે મારી દીકરીને બચાવવાના પ્રયાસમાં અડકો, એના કરતાં મારી દીકરી મૃત્યુ પામે તે વધારે સારું છે’ ખરેખર તે ૨૦ વર્ષની દીકરીએ બાપની જીદને કારણે જાન ગુમાવ્યો.

બીજો અનુભવ – હિંદુ પરિવારના એક યુવાન અને યુવતી એક કંપનીમાં સાથે કામ કરતા હતા. તેમની ઉંમર લગભગ સરખી, સરખુ ભણેલા અને સારું કમાતા બન્નેનો પરિચય પરિણયમાં બદલાયો અને યરમણે લગ્નગ્રંથીથી જોડવાનો નિર્ણય કરી પરિવારને ઇચ્છા જણાવી. દીકરીના પિતાએ યુવકના કુટુંબ વિશે વધારે માહિતી મેળવી જાણ્યું કે તેઓ બીજા ધાર્મિક સંપ્રદાયમાં માને છે અને પિતાએ આ ‘પરફેક્ટ મેચ’ને પોતાની ધાર્મિક માન્યતાની જીદને કારણે આ લગ્ન કરવાની ના પાડી.

ઉપરોક્ત પ્રસંગો શું સૂચવે છે? મા-બાપે સંતાનોનું ભલું કર્યું કે પોતાની માન્યતા, અણસમજ કે અંધશ્રદ્ધાને લીધે સંતાનોને દુઃખી કર્યાં? બીજી ઘટનામાં યુવાન-યુવતીએ માબાપની ઉપરવટ જઈને લગ્ન કર્યા હોત તો સારું હતું કે પિતાનો નિર્ણય માથે ચડાવીને આદર્શ દીકરીની ફરજ બજાવી તે સારું હતું ?

આપણે ‘વસુદૈવ કુટુંબકમ્’ની વાતો કરીએ છીએ પણ એ ભાવનાને અપનાવીશુ ક્યારે? માતૃભૂમિ છોડીને જુદી જુદી કર્મભૂમિમાં સ્થિર થયા છીએ પરંતુ જૂની માન્યતાઓને ક્યારે છોડીશું?

-મુકુંદ આર. સામાણી, લેસ્ટર.

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી

ભારતની સાંસદમાં હોબાળો મચાવનાર ઘટનાચક્ર વર્ષોથી બંધ થતું નથી. રાજકર્તા પાર્ટી પોતાની ભૂલો છાવરવામાં વ્યસ્ત બની જાય છે. વિરોધપક્ષ દોષારોપણમાં લાગી જાય છે. મહત્ત્વના નિર્ણયો બાજુએ રહી જવા પામે છે. જનતાના કરોડો રૂપિયાનો વ્યય થાય છે. બુદ્ધિજીવી વર્ગ ટી.વી.ની ચેનલો પર ગરમાગરમ ચર્ચામાં ઉતરી જાય છે. સરવાળે ફીફાં ખાંડીને સંસદનું સત્ર સમાપ્ત થઈ જાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 'કોંગ્રેસે ગાંધી પરિવારને બચાવવો છે, અમારે દેશને બચાવવો છે'. મોદીજીનું કથન સાવ સાચું છે.

સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બાદ છેક ૪૦ વરસ પછી તેમને ભારતરત્નનો ઈલ્કાબ અપાયો. એક સાદો સમારંભ યોજીને આ મરણોત્તર ખિતાબ તેમના પૌત્ર વિપિન પટેલને સુપ્રત કરવામાં આવ્યો. જ્યારે 'ગાંધી પરિવાર બચાવો'વાળી કોંગ્રેસ સરકારે સરદારશ્રી પહેલાં રાજીવ ગાંધીને ભારતરત્નનો મરણોત્તર એવોર્ડ આપી ચુકી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ કરતા રાજીવ ગાંધીને ચડીયાતા ગણતી કોંગ્રેસને એટલું પણ ભાન નથી કે સરદારશ્રીની દેશસેવા આગળ 'ભારત રત્ન'નો ખિતાબ પણ ટૂંકો પડે, અને સવાલ એ પણ થાય છે કે શું રાજીવ ગાંધી ભારત રત્નને લાયક હતા? 'ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી'વાળી કહેવત યાદ આવી જાય છે.

- જગદીશ ગણાત્રા, વેલીંગબરો.

'ગુજરાત સમાચાર' તારા ગુણલાં...

'ગુજરાત સમાચાર' તારા ગુણલાં તે કેમ ગાઈએ મનમાં પુલકિત થઈએ

નવલાં છે રૂપ તારાં અને અનેરાં છે ગુણ તારા

હર સપ્તાહે મલપતું આવે આનંદની લહેરખી લાવે

ગુજરાત સમાચારની વણઝાર કદી ના અટકે

આકાશમાં જેમ તારલા ચમકે

અંતરની એજ અભિલાષા, પ્રભુ પૂર્ણ કરો અમ આશા.

સૌ સાથે મળીને કરીએ ગમતાંનો ગુલાલ, કોકિલાબહેન મજા આવી. તમને ખૂબ જ ધન્યવાદ. આમ જ ગુલાલ ઊડતો રહે એવી પ્રાર્થના.

'શ્રદ્ધા અને સંઘર્ષની જુગલબંધી' વિષ્ણુ પંડ્યાનો લેખ વાંચ્યો ખૂબ જ ગમ્યો. હું દરેક લખાણ વાચું છું અને મને બધું બહુ ગમે છે.

ડો. હરિ દેસાઈના લેખમાંથી ઘણું જાણવાનું મળ્યું. રવિન્દ્રનાથ ટાગોરને વંદન. વંદેમાતરમ્ સ્કૂલમાં પહેલી પ્રાર્થના થતી. આજે ૮૩ વર્ષે યાદ કરું છું અને ગાઈ લઉં છું.

જીવંત પંથ કેમ ભૂલીએ? 'પહેલું સુખ તે જાતે નર્યાં'. ખૂબ જાણવાનું અને વાંચકોને શીખવાનું મળ્યું તે બદલ આભાર. કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. હાક મારતો જા. મદદ તૈયાર. ભાઈ તમે ખૂબ મદદ કરો છો. ખરેખર ચાલતો રહેશે, ચાલતો રહેજે ખરું ને? ચિંતાથી ચતુરાઈ ઘટે, એવા ખૂબ જ મુદ્દા તમે જણાવ્યા છે. સ્વસ્થ જીવનનું અનુસરણ આપણા હાથમાં છે. સાચી વાત છે. સૌએ સમજવાનું છે. મને લાગે છે કે આ તમારા લખ્યા મુજબ અનુકરણ કરીને ચાલીશ તો હું ૮૩ વર્ષ પૂરાં કર્યાં પછી પણ એક દાયકો વધુ વટાવીશ અને તે પણ તકલીફ વગર ચાલતી રહીશ. તો સીબી ભાઈ, તમને ખૂબ જ અભિનંદન અને સૌ વાંચકો તરફથી પણ આભાર.

તમારું 'કર્મ યોગ હાઉસ' સદા ખીલતું રહે, આબાદ રહે અને સુખી રહો, ખુશ રહો અને 'ગુજરાત સમાચાર'માં ઝળકતા રહો એવા વડીલોના આશીર્વાદ.

- નીરુબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ

અનામત આંદોલન અયોગ્ય

પાટીદાર સમાજને કોઈ પછાત કે ગરીબ કોમ તરીકે ભારતીય સમુદાય કે સરકાર ઓળખાવી ન શકે. ભારતીય સમાજમાં પાટીદાર એક આગવું સ્થાન ધરાવે છે. વ્યવસાયે મૂળ ખેડૂ, પણ છેલ્લા ૬૦-૭૦ વર્ષો દરમયાન, પાટીદાર સમાજે દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. જેમ કે શિક્ષણ, વ્યાપાર, ઉદ્યોગ, રાજકારણ, નોકરી, ધંધો વિગેરે અને આર્થિક રીતે સધ્ધર થયા છે. સ્વભાવે મહેનતુ, પરિશ્રમી, પ્રગતિશીલ અને મહત્વકાંક્ષી પાટીદાર ભાયડો કદી પાછો ના પડે. સ્ત્રીઓ પણ એટલી જ મહેનતુ અને આગળ પડતી. પરદેશમાં પણ પાટીદારો દરેક ક્ષેત્રમાં મોખરે છે, પછી તે પૂર્વ આફ્રિકા હોય કે યુકે કે પછી અમેરિકા. પાટીદારે સરદાર પટેલ જેવા વિરલા, મહાપુરુષ ભારતને આપ્યા જેના માટે ખાસ કરીને ગુજરાતી સમાજ અને આખું ભારત ગર્વ લે છે. પાટીદાર સમાજને અનામત માટે નીચલી કક્ષામાં લઇ જવી એ ખરેખર દુઃખની વાત છે.

સદીઓથી આજની ગણાતી દલિત કોમની સાથે હિંદુ સમાજે જે દુર્વ્યવહાર, અન્યાય કર્યો અને અત્યાચાર કર્યો અને તેમને પછાત રાખ્યા છે, તે ભયંકર આચરણના બદલામાં ગાંધીજીએ આ અનામતની પ્રથા માટે આગ્રહ રાખ્યો હતો. જેથી તેમને આપણા સમાજમાં આગળ જતા સમાન દરજ્જો મળે. આ અનામતનો ગેરલાભ લેવો એ ગાંધીજીનું અપમાન કરવા બરાબર છે.

દેશ પાસે કઈ લેવાનું ન હોય, કંઇક આપવાનું હોય, તે સાચી દેશભક્તિ કહેવાય. ભારત દેશને મહાન બનાવવો હોય તો અમેરિકાના સ્વર્ગસ્થ પ્રેસિડેન્ટ જોન કેનેડીની એક સ્પીચનું વાક્ય અહી ટાંકું છુ: Do not ask what your country can do for you but do ask what you can do for your country.

નિરંજન વસંત, લંડન

-ટુરિસ્ટ વિઝા

આપણાં 'ગુજરાત સમાચાર'માં તા. ૧૫મી ઓગસ્ટના અંકના પ્રથમ પાને બ્રિટીશ નાગરીકો સહિત વિવિધ દેશોના નાગરીકોને ભારતમાં પ્રવાસ માટે ઇ-ટુરિસ્ટ વિઝાની સવલત મળી છે તે ખુબજ ગર્વની બાબત છે. ભારતના આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારથી ભારતના વડા પ્રધાન તરીકે આવ્યા છે ત્યારથી ભારત અને વિદેશમાં વસતા ભારતીયોને ખુબજ અનુકુળ રહે અને લાભ થાય તેવી અનેક યોજનાઅો બનાવીને ભારતની નીતિરીતીમાં સુધારો લાવી રહ્યા છે.

આજ દિન સુધીમાં હજારો નકમા કાયદાઓને નાબુદ કરીને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને રાહત લાવી રહ્યા છે. તેમાનું આ ઈ-ટુરીસ્ટ વિઝા છે. યાદ કરો થોડા વર્ષો પહેલા જ્યારે આપણે યુકે ખાતે આવેલી ભારતીય હાઇ કમિશનની અોફિસે વિઝા લેવા જવું પડતું ત્યારે કેવી તકલીફ પડતી હતી. વિઝા માટેનો સમય ખુબજ ઓછો હતો, સવારના ૬ વાગે લાઇનમાં ઉભા રહેવું પડતું અને બપોરે ૧૨ સુધી જ વિઝા આપતા. બીજા દિવસે કે સાંજે પાછો પાસપોર્ટ લેવા જવું પડતું. ઓફીસની બહાર લાંબી લાંબી કતારો લાગતી. રજાના સમયે આ તકલીફો વધી જતી.

નાના બાળકો, વૃદ્ધ, અપંગો સહિત સર્વેને વિઝા લેવા માટે પડતી તકલીફોનો એક જ ઝાટકે ઈ-ટુરિસ્ટ વિઝાની યોજનાથી અંત આવી જશે. આ ખુબજ ઉમદા કામ થયું છે. ભૂતકાળમાં ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસમાં ભારતના વિવિધ વિઝાની માહિતી આવતી હતી. તેવી OCI માટેની માહિતી આવે તો બહુ સારૂ થશે. મોદીજી નવેમ્બરમાં અહી આવે ત્યારે આપણે લંડન અમદાવાદની સીધી વિમાની સર્વિસ માટેની જોરદાર રજૂઆત કરી આપણી તકલીફોનો અંત લાવવાનો છે. શ્રાવણ મહિના પ્રસંગે સર્વે વાચકોને 'હર હર મહાદેવ'

ભરત સચાણીયા, લંડન

પરિવર્તનનો પવન

આપણે આફ્રિકામાં જ્યારે વર્ષો પહેલાં રહેતા હતા, ત્યારે આપણી પાસે એવી કમાણી નહોતી અને એટલા પૈસા પણ નહોતા. આપણે બધા મધ્યમ વર્ગના નોકરી કરી નાની કમાણી સાથે મા-બાપની છત્રછાયામાં કુટુંબ પરિવાર સાથે ભાડાના ઘરમાં શાંતિમય જીવન ગુજારતા. કમાણી બહુ ઓછી હતી પણ દિલ મોટા હતા. આપણે ત્યાં કોઈપણ સગાં-વહાલા, મહેમાનો આવે એમને હૃદયપૂર્વક આવકારતા અને ઘરમાં સમાવી શક્તિ પ્રમાણે સરભરા કરતા હતાં. એ જીવન હતું, જયાં એક બીજા માટે લાગણી અને સ્નેહભાવ જોવા મળતો. આપણે આફ્રિકા છોડીને આ દેશમાં આવ્યા અને ભાડાના મકાનમાં રહી નોકરી-ધંધા કરી સુખે દુઃખે કુટુંબ પરિવાર સાથે જીવન વ્યતિત કરી સંતાનોને ભણાવ્યાં-ગણાવ્યાં અને આજે પોતાના બાહુબળ અને સમજસૂઝથી કમાઈને સૌ બે પૈસાવાળાં થયાં છે.

પરંતુ માનવીમાં પરિવર્તન આવ્યું છે. આડંબર દેખાવા લાગ્યું છે, પહેલાં જેવો સ્નેહભાવ - લાગણી અને સગાં-સંબંધીઅો માટેના સ્નેહભાવ, પ્રેમ, લાગણીમાં ઉણપ દેખાવા લાગી છે. એકબીજાને ત્યાં જવા-મળવાનું ઓછું થયું છે, જાણે કે કોઈને સમય મળતો ન હોય તેમ ટેલિફોન, ઈ-મેઈલ, ફેસબુક પર જ સંપર્ક થાય છે. આજે ફક્ત દેખાડો જોવા મળે છે. દેખાદેખીના આ જમાનામાં સૌ પોતાની શ્રીમંતાઈ બતાવે છે.

ધામધૂમથી થતા લગ્નપ્રસંગમાં લગ્નનો ખર્ચ ૩૦-૩૫ હજાર પાઉન્ડ પહોંચી જાય છે. પણ મોટાઈ બતાવવા કરતા આજ લગ્ન સાદાઈથી કરી, પૈસાનો ખોટો વ્યય કરવા કરતા પોતાના દીકરા-દીકરીને જ તે પૈસા આપીએ તો એમનાં ઘર વ્યવસાયના કામમાં આવે. આજના માનવી આવું સમજે તો કેવું સારું!!!

- રતિલાલ ટેલર, સાઉથ ગેટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter