દત્તક પુત્રની હત્યાના કેસમાં પ્રત્યાર્પણનો ઈનકારઃ ભારતને અપીલની મંજૂરી

Wednesday 23rd October 2019 04:45 EDT
 
 

લંડનઃ ભારતના ગુજરાતમાં ૧૧ વર્ષના કિશોર ગોપાલ સેજાણીનું અપહરણ કરાયા પછી તેની હત્યાનું કાવતરું કરવાના આક્ષેપોમાં વેસ્ટ લંડનની ૫૫ વર્ષીય મહિલા આરતી ધીર અને કમલ રાયજાદાએ ગુનાનો ઈનકાર કર્યો હતો. ધીર અને રાયજાદાએ આ બાળકને દત્તક લીધો હતો અને તેને લંડન લાવવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દંપતીએ દત્તક પુત્રની ૧૫૦,૦૦૦ પાઉન્ડની વીમાની રકમ હાંસલ કરવા ગોપાલની હત્યા કરાવી હોવાનો આરોપ ભારતીય સત્તાવાળા દ્વારા લગાવાયો છે. જોકે, વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે આ દંપતીનું પ્રત્યાર્પણ કરવા દેવાનો ઈનકાર કર્યો છે પરંતુ, ભારત સરકારને નિર્ણય સામે અપીલ કરવાની મંજૂરી આપી છે.

ભારતીય સત્તાવાળાનું માનવું છે કે લંડનના આરતી ધીર અને કવલ રાયજાદાએ ૧૫૦,૦૦૦ પાઉન્ડની લાઈફ ઈન્સ્યુરન્સ પોલિસીની રકમ કબજે કરી શકાય તે માટે તેમનાં દત્તક પુત્ર ગોપાલની હત્યા કરાવી હતી. ભારત સરકારની વિનંતીના આધારે જૂન ૨૦૧૭માં તેમની યુકેમાં ધરપકડ કરાઈ હતી. આ લોકો સામે ભારતમાં હત્યાનો ખટલો ચલાવી શકાય તે માટે પ્રત્યાર્પણની અરજી કોર્ટે માનવાધિકારના મુદ્દા આધારે જુલાઈ મહિનામાં ફગાવી દીધી હતી.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના સીનિયર ડિસ્ટ્રિક્ટ જજ એમ્મા આર્બુથ્નોટે ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ યુકે કાયદા હેઠળ આ દંપતીના માનવ અધિકારો વિરુદ્ધ હશે કારણકે ગુજરાતમાં બેવડી હત્યા માટે પેરોલ વિના આજીવન કેદની સજા છે. ઘટાડી ન શકાય તેવી સજા અમાનવીય અને અપમાનજનક ગણાશે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે આરતી ધીર અને રાયજાદાએ સાથે મળીને અન્યોની સહાયથી આ ગુનો આચર્યો હોવાનો સંજોગો આધારિત પ્રથમ દર્શનીય કેસ બનતો હોવાથી પ્રત્યાર્પણને વાજબી ઠરાવતા પૂરતા પૂરાવા પણ છે. આ કારણોસર, હવે ભારત સરકારને આ નિર્ણય સામે અપીલ કરવાની પરવાનગી અપાઈ છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર આ દંપતીએ અનાથ બાળકને દત્તક લેવા ૨૦૧૫માં ગુજરાતના કેશોદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બહેન-બનેવી સાથે રહેતા ૧૧ વર્ષના ગોપાલ સેજાણીને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. દત્તક લેનાર માતાપિતાએ ગોપાલના નામે ૧૫૦,૦૦૦ પાઉન્ડની ૧૦ વર્ષની ઈન્સ્યુરન્સ પોલિસી લીધી હતી અને ૧૫,૦૦૦ પાઉન્ડનું પ્રીમિયમ પણ ભર્યું હતું. ૨૦૧૭ની આઠમી ફેબ્રુઆરીએ ગોપાલનું અપહરણ કરાયું હતું. ગોપાલને બચાવવા જતા તેના બનેવી હરસુખ કારદાણી પણ મોતને ભેટ્યા હતા. અગાઉ પણ ગોપાલને મારી નાખવાના બે પ્રયાસ કરાયા હતા. ઈન્સ્યુરન્સ પોલિસીના નાણા ચુકવાયા નથી. પોલીસે ધીર અને રાયજાદાની મદદ કરનારા મિત્રની પણ ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter