ખુશ થવાના વિચારો પણ ખુશી લાવે છે!

મનને કલ્પનાવિહાર કરવા દેવાય તો પણ તેનાથી ઘણા ફાયદા થાય છે.

Wednesday 03rd August 2022 02:39 EDT
 
 

માનવીના અસ્તિત્વ માટે એક વાક્ય સરસ કહેવાયું છે કે ‘હું વિચારું છું, તેથી હું છું’.માનવી પોતાના વિચારોમાં એકલા ખોવાઈ જઈને પણ કેટલો સંતોષ કે આનંદ મેળવી શકે છે તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના ડો. આયા હાટાનોની ટીમના અભ્યાસમાં સ્માર્ટફોન્સ કે અન્ય ઉપકરણોમાં ખોવાઈ જઈને સમયનો વેડફાટ કરવાના ડહાપણ સામે પ્રશ્ન ઉઠાવાયો છે. ડો હાટાનો કહે છે કે,‘માનવીમાં પોતાના વિચારોમાં ડૂબી જવાની અસીમિત ક્ષમતા છે.’

જર્નલ ઓફ એક્સપરિમેન્ટલ સાઈકોલોજીમાં ડો હાટાનો અને સંશોધકો લખે છે કે,‘અમારું સંશોધન દર્શાવે છે કે વિચારવાની બાબત કેટલો સમય લઈ શકે તે સમજવાનું વ્યક્તિઓ માટે ભારે મુશ્કેલ બની રહે છે. આથી જ લોકો પોતાના રોજબરોજના જીવનમાં વિચારવામાં અને કલ્પના કરવામાં થોડી ક્ષણો વીતાવવાના બદલે ઉપકરણો અને અન્ય સાધનો સાથે રમતોમાં પોતાને વ્યસ્ત રાખવાનું પસંદ કરે છે.’

અગાઉના અભ્યાસો મુજબ મનને કલ્પનાવિહાર કરવા દેવાય તો પણ તેનાથી ઘણા ફાયદા થાય છે. અભ્યાસના સહલેખક અને યુનિવર્સિટી ઓફ ટુબિન્જેનના ડો. કોયુ મુરાયામાના કહેવા મુજબ ‘તેનાથી પ્રશ્નો ઉકેલી શકાય, રચનાત્મકતામાં વધારો થાય અને ઘણા લોકોને તો તેનાથી જીવનનો અર્થ સમજવામાં મદદ મળે છે. પરંતુ, લોકો સક્રિયપણે વિચારવાની પ્રવૃત્તિ ટાળીને આ મહત્ત્વના લાભો ગુમાવે છે.’

સંશોધકોએ જાપાન અને યુએસમાં 259 લોકો પરના 6 પ્રયોગોમાં પૂછ્યું હતું કે તેમને ‘માત્ર વિચારવાનું’ કેટલું ગમશે. પ્રથમ પ્રયોગમાં લોકોને 20 મિનિટ સુધી કોઈ ખલેલ વિના વિચારો સાથે બેસી રહેવાનું જણાવાયું હતું. સંશોધકોને જણાયું હતું કે લોકોએ આ સમય ધારણા કરતાં સારી રીતે માણ્યો હતો. બીજા પ્રયોગમાં એક જૂથને એકલા રહી માત્ર વિચારવાનું અને બીજા જૂથને સમાચાર વાંચવા જણાવાયું હતું. વિચારમગ્ન રહેનારા જૂથને પ્રમાણમાં ઓછો આનંદ મળશે તેવી ધારણા હતી પરંતુ, બંને જૂથને પોતાની કામગીરીમાં સરખો આનંદ મળ્યો હતો.

ડો. મુરાયામા કહે છે કે, ‘ એક હકીકત એ પણ છે કે તમામ પ્રકારના વિચાર આનંદ કે ખુશી આપતા નથી. કેટલાક લોકો નકારાત્મક વિચારના વિષચક્રમાં ખોવાઈ જાય છે. આમ છતાં, ઘણા લોકોને વિચારતા રહેવામાં વધુ આનંદ મળી શકે છે. અત્યારે તો સમય પસાર કરનું કામ ઘણું સરળ બની ગયું છે. તમે બસમાં કામે જતા હો ત્યારે પોતાની જાતને કલ્પના કે વિચારમાં ડૂબાડી દેવાના બદલે તમારા ફોનને ચેક કરતા રહો છો કારણકે વિચારવાથી કંટાળો આવશે તેમ તમે માનો છો.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter