લંડનઃ વ્યક્તિના સર્વગ્રાહી આરોગ્ય પર પૂરતી ઊંઘની લાભકારી અસર જાણીતી છે. ટિકટોક વીડિયોથી મશહુર બનેલા ડોક્ટર કરણ રાજનનું કહેવું છે કે દંપતીએ રાતની સારી ઊંઘ મેળવવી હોય તો એક પથારીમાં સુવું ન જોઈએ. તેમણે દંપતીને અલગ અલગ પથારીમાં સુવાનો અનુરોધ કરતા કહ્યું છે કે એક જ પથારીમાં સુવાથી વ્યક્તિના આરોગ્ય પર ખરાબ અસર પડે છે.
એક વાત તો સાચી છે કે યોગ્ય ઊંઘ ન મળે તો વ્યક્તિના આરોગ્ય પર માનસિક અને શારીરિક અસર થાય છે. આ સંદર્ભે ડોક્ટર કરણ રાજન કહે છે કે જો તમારા પાર્ટનરને ઊંઘમાં પથારીમાં આળોટવાની અથવા નસકોરાં બોલાવવાની આદત હોય તો તમે સૌથી ગાઢ ઉંઘના તબક્કા રેપિડ આઈ મૂવમેન્ટ (REM)માં પ્રવેશવાની શક્યતા ઘટી જાય છે. જોકે, દરેક વ્યક્તિની ઊંઘની સાઈકલ એકસરખી હોતી નથી. આનો અર્થ એ છે કે એક પાર્ટનરને અપૂરતી ઊંઘ મળે છે જ્યારે બીજા પાર્ટનરને સારો આરામ મળી રહે છે.
અલગ પથારીમાં સુવાના સમર્થનમાં ડો. રાજન કહે છે કે અન્ય વ્યક્તિની સાથે સુવાથી શરીરની ગરમી વધે છે એને તેના પરિણામે વ્યક્તિને રાત્રે પૂરતો આરામ મળતો નથી. ઊંઘ આવે તે માટે શરીરનું તાપમાન ઓછું રહેવું જરૂરી છે. એક પથારીમાં સુવાથી ગાઢ નિદ્રા આવવામાં લાંબો સમય જાય છે. ટિકટોક પર 4.8 મિલિયન ફોલોઅર્સ ધરાવતા ડો. જોકે, તેમના ઘણા ફોલોઅર દંપતી અલગ પથારીમાં સુવા બાબતે સંમત થતા નથી. તેમનું માનવું છે કે પથારીમાં પાર્ટનર સાથે ન હોય અને ઊંઘ આવે તેવી કલ્પના પણ થઈ શકતી નથી.