લંડનઃ સામાન્ય રીતે પુરુષો માટે સેક્સ સિવાય અન્ય બાબતો ગૌણ રહે છે પરંતુ, આ બધી જગ્યાએ લાગુ પડતું નથી. બ્રિટિશ પુરુષો સેક્સ કરતાં ફૂટબોલની રમતને વધુ પ્રાથમિકતા આપે છે. તેઓ સેક્સ માણવા કરતા પસંદગીની ટીમના વિજય અંગે વધારે ઉત્સાહિત રહે છે. ઓટોમોબાઈલ કંપની ‘નિસાન’ના સર્વેમાં લગભગ ૫૬ ટકા બ્રિટિશ પુરુષોએ જણાવ્યું હતું કે ચાદર નીચે આલિંગનબદ્ધ થવા કરતાં તેઓ પસંદગીની ફૂટબોલ ટીમને સારી રીતે રમતાં જોવાની વધારે ઈચ્છા રાખશે. બ્રિટિશ પુરુષ દર સપ્તાહે સરેરાશ સાડા ત્રણ કલાક ફૂટબોલ મેચ જુએ છે, જ્યારે સેક્સને માત્ર બે કલાકનો સમય આપે છે.
લગભગ ૭૦ ટકા બ્રિટિશ પુરુષોએ ફૂટબોલ મેચ માટે ખૂબ ઉત્સાહિત રહેતા હોવાનું સ્વીકાર્યું હતું, જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ ૪૬ ટકા છે. ૫૧ ટકા બ્રિટિશ પુરુષોએ કહ્યું કે તેઓ બાળકો અને પાર્ટનર સાથે સમય પસાર કરવા કરતાં મોટી ફૂટબોલ મેચોની તરફ વધારે ધ્યાન આપે છે. તેમણે એમ પણ જણાવ્યું કે જોબ કરતાં વધુ રોમાંચક પસંદગીની ફૂટબોલ ક્લબ મેચો છે.
બ્રિટિશ પુરુષો દરરોજ સરેરાશ એક કલાકથી વધારે સમય ફૂટબોલ મેચ જોવામાં વીતાવે છે. નિસાન એક્સાઈટમેન્ટ ઇન્ડેક્સનો ભાગરૂપ અભ્યાસનો હેતુ ફૂટબોલની મેચોની પાછળ લોકોની દિવાનગી જાણવાનો છે. યુકે, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં ૫,૦૦૦થી વધારે લોકો પર ગત મહિને સર્વે કરાયો હતો.