અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓને જિમ અને મનોરંજન પાર્કમાં જવાની મનાઇ

Friday 18th November 2022 08:19 EST
 
 

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારે મહિલાઓ પર દમન અને અત્યાચારનો સિલસિલો આગળ વધાર્યો છે. અગાઉ અનેક પ્રતિબંધો મૂક્યા પછી હવે તાલિબાની શાસકોએ મહિલાઓ જીમ અને મનોરંજન પાર્કમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તાલિબાનના પ્રવક્તાએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર મહિલાઓ સામે એક પછી એક ભેદભાવપૂર્ણ નિર્ણય કરી રહી છે. અગાઉ વિદ્યાર્થિનીઓને છ ધોરણ સુધી જ ભણવાની છૂટ આપતો કાયદો બનાવ્યો હતો. એ પછી મહિલાઓને એકલાં બહાર નીકળવાની મનાઇ ફરમાવતાં જણાવ્યું હતું કે તેઓ પિતા, પતિ, ભાઈ કે દીકરા સાથે જ ઘર બહાર નીકળવા આદેશ કર્યો હતો. આ પછી નોકરીમાંથી પણ મહિલાઓને હાંકી કાઢીને તેના સ્થાને પરિવારના પુરુષોને નોકરીએ રાખવાની શરૂઆત કરાઈ હતી.
એ સિલસિલામાં હવે નવી જાહેરાત થઈ છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ નવા ફરમાન પાછળનું કારણ આપતાં કહ્યું હતું કે મહિલાઓ જીમમાં ચોક્કસ પ્રકારના કપડાં અને હિજાબ પહેરવાના નિયમોનું પાલન કરતી નથી, એવું જ એમ્યૂઝમેન્ટ પાર્કમાં પણ થઈ રહ્યું છે. આ નિર્ણય પછી કાબુલમાં મહિલાઓને મનોરંજન પાર્કમાં જતી રોકવામાં આવી હોવાના બનાવો સામે આવ્યા હતા. પોતાના પૌત્રોને લઈને મનોરંજન પાર્કમાં પહોંચેલી મહિલાઓને પણ ત્યાંથી ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી.
તાલિબાનના આ અત્યાચાર અને ભેદભાવ સામે સ્થાનિક સંસ્થાઓ ધીમે ધીમે અવાજ ઉઠાવવા લાગી છે, પરંતુ તાલિબાને નવા પ્રતિબંધો મૂકવાનું ચાલુ રાખ્યું છે. તાલિબાન સરકારે અગાઉ એવું આશ્વાસન આપ્યું હતું કે તેમના શાસનમાં એક મહિલાઓ ઉપર કોઈ દમન કે અત્યાચાર થશે નહીં અને તેમને સમાન અધિકારો મળશે. પરંતુ સત્તા હાથમાં આવ્યા બાદ થોડા મહિનામાં જ તાલિબાનની સરકારે એક પછી એક પ્રતિબંધો મૂકવાનું શરૂ કરી દીધું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter