અવંતિકાબાઈ ગોખલેઃ ગાંધીજીના પ્રથમ પટ્ટશિષ્યા

Wednesday 10th July 2024 05:59 EDT
 
 

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું.... ઓળખ્યાં એમને?
એમનું નામ અવંતિકાબાઈ ગોખલે. મરાઠીભાષી સ્વતંત્રતા સેનાની. નિ:સ્પૃહી, સ્પષ્ટવકતા અને અનુશાસનપ્રિય સેનાની તરીકે આઝાદી આંદોલનમાં જાણીતાં થયાં. એમનાં પ્રયત્નોને પરિણામે મુંબઈમાં સેંકડો સ્ત્રીઓ મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયેલી. સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે ‘હિંદ મહિલા સમાજ’ની સ્થાપના એમણે કરેલી. મિલમાં કામ કરતી મજૂર સ્ત્રીઓનાં બાળકો માટે એમણે દેશમાં પ્રથમ ઘોડિયાઘર શરૂ કરેલું.
અવંતિકાબાઈ ગોખલેનો જન્મ ૧૮૮૨માં ઇન્દોરમાં થયો. પિતા વિષ્ણુપંત જોશી ઇન્દોરમાં રેલવેના પ્રામાણિક કર્મચારી હતા. એ સમયમાં કન્યશિક્ષણનું પ્રચલન ન હોવાને કારણે પિતાએ અવંતિકાને ભણાવ્યાં નહોતાં. વળી પુરાણી પરંપરાઓને વળગી રહીને એમણે અવંતિકાને નવ વર્ષની વયે બબનરાવ ગોખલે સાથે પરણાવી દીધાં. બબનરાવ વિલાયતમાં સાત વર્ષ રહીને, ભણીને અને કામનો અનુભવ મેળવીને ભારત પાછા ફર્યા. એક યાંત્રિક દુર્ઘટનામાં આંગળીઓ સહિત હાથનાં પંજા કપાઈ ગયા. ભવિષ્યનો વિચાર કરીને બબનરાવે અવંતિકાને નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપી. એક વર્ષ સુધી તાલીમ લીધા બાદ અવંતિકાબાઇએ પરીક્ષા આપી. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયાં.
દરમિયાન ૧૯૧૩માં ઇચલકરંજીનાં રાણી સાથે ઇંગ્લેન્ડ જવાનો અવસર મળ્યો. ત્યાં પ્રતિષ્ઠિત ઘરની મહિલાઓને સામાજિક કાર્યો કરતી જોઇને અવંતિકાબાઈને પ્રેરણા મળી. ભારત પાછા ફરીને એ સમાજસેવામાં પરોવાયાં. ભારત સેવક સમિતિના કાર્યકર્તા દેવધરના માર્ગદર્શનમાં મુંબઈની પ્રખ્યાત સંસ્થા સેવાસદનમાં કાર્યરત થયાં.
આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. એ હજુ મહાત્મા તો નહોતા બન્યા, પણ એમના કાર્યોને પગલે ગાંધીના નામનો ડંકો વાગેલો. અવંતિકાબાઈએ ગાંધીજીનું નામ સાંભળેલું. પણ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીનો પરિચય ગોખલે દંપત્તી સાથે કરાવ્યો. ગાંધીજી હીરાની પરખ કરી જાણનારા કુશળ ઝવેરી હતા. અવંતિકાબાઈની શક્તિ પિછાણી. અવંતિકા પણ પહેલી નજરે જ ગાંધીજીથી પ્રભાવિત થયાં.
માળામાં એક પછી એક મણકા પરોવતા જાય એમ પ્રસંગોના અંકોડા સાંકળ બનીને ગોઠવાતા ગયા. પરિણામે ગાંધીજીના નેતૃત્વમાં બિહારમાં આઝાદી આંદોલનનો સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ થયો. ગાંધીજીએ સ્વયંસેવકોની જાહેર માગણી કરી. અવંતિકાબાઈ ગોખલેને તેડું મોકલ્યું ગાંધીજીનો આદેશ થતાં જ બબનરાવ અને અવંતિકાબાઈ મુંબઈથી ચંપારણ જવા નીકળી પડ્યા.
સ્વયં ગાંધીજીએ અવંતિકાબાઈની પ્રશંસા કરવી પડે એવું અદભુત કામ એમણે કરી બતાડેલું. પણ એનાથીયે મોટું કામ એમણે એ કર્યું કે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખ્યું.
ચંપારણમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વયંસેવિકાઓને કામ કરતી જોઇને અવંતિકાબાઈને ગાંધીજીનું ચરિત્ર લખવાનો વિચાર આવ્યો. મનમાં થયું કે આટલા મહાન મહાત્માના ચરિત્રને અક્ષરદેહે કંડારવાનું કામ મારા જેવી અલ્પમતિ સ્ત્રી કરે એ તો નાના મોંએ મોટી વાત કરવા જેવું થાય. પણ પછી વિચાર્યું કે જે રીતે પ્રભુનાં ગુણગાન કરવાનો અધિકાર સહુને છે, એ રીતે મહાત્માના ગુણોની ભક્તિ કરવાનો અધિકાર સૌને એકસમાન છે. આ ભાવનાથી પ્રેરાઈને અવંતિકાબાઇએ ભગીરથ કામ હાથ ધર્યું.
૧૯૧૮માં અવંતિકાબાઈ ગોખલે લિખિત ‘મહાત્મા ગાંધી યાંચે ચરિત્ર-વિશેષ પરિચય, લેખ વ વ્યાખ્યાન’ શીર્ષક સાથે ગાંધીજીનું સર્વપ્રથમ ચરિત્ર મરાઠી ભાષામાં પ્રકાશિત થયું. પ્રસ્તાવનામાં લોકમાન્ય ટિળકે સાચું જ કહ્યું છે કે, ભવિષ્યના ચરિત્રલેખકો માટે આ પુસ્તક દિશાદર્શકનું કામ કરશે!
મહાત્મા ગાંધીજીના મૃત્યુ પછી બે જ મહિનામાં ૨૫ માર્ચ ૧૯૪૮ના ગાંધીજીનાં પટ્ટશિષ્યા એવાં અવંતિકાબાઈનું નિધન થયું. પરંતુ આજે પણ ગાંધીજી વિશેનું એમનું પુસ્તક જીવનચરિત્રના લેખકો માટે સાચા અર્થમાં દિશાદર્શક બની રહ્યું છે !


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter