આજની દુલ્હનની પસંદ છે વજનમાં અને દેખાવમાં સોબર શણગાર

Wednesday 23rd November 2022 04:12 EST
 
 

એક સમય હતો જ્યારે નવવધૂ જ્વેલરીના હરતી-ફરતી દુકાન જેવી દેખાતી હતી, પણ હવે દિવસો બદલાયા છે. આવી બ્રાઇડ હવે ફક્ત ઇતિહાસમાં કે ફેશન શોના રૅમ્પ પર જ જોવા મળે છે. આજકાલની યુવતીઓને તો દેખાવમાં અને ખાસ કરીને વજનમાં હલકા-ફૂલકા હોય એવા ડ્રેસ પહેરવા ગમે છે. બ્રોકેડના મોટિફવાળા નેટના લહેંગાની જગ્યા હવે રિફ્રેશિંગ કલર્સ અને લાઇટ ફેબ્રિકે લઈ લીધી છે. જોઈએ આ લાઇટ વેઇડ બ્રાઇડલવેઅરના ટ્રેન્ડમાં બીજું શું છે.
વધુપડતી ચમકદમક નહીં
વધુપડતી ચમક હવે લોકોને નથી ગમતી. એને બદલે બ્રાઇટ અને ઊઠીને દેખાય એવા રંગો વધુ ડિમાન્ડમાં છે. કલ્ચર અને ટ્રેડિશનને નામે પહેરાતી હેવી જ્વેલરીમાં પણ યુવતીઓને હવે ઇન્ટરેસ્ટ નથી રહ્યો. વધુપડતા ચમકીલા ફેબ્રિક્સ તેમ જ એક્સેસરીઝ હવે આઉટ છે. ગોલ્ડ અને સિલ્વર પણ વપરાય તો એમાં ડલ લુક ઇન છે. અહીં ટિપિકલ બ્રાઇડલવેઅર કરતાં જે સૂટ થાય એ જ પહેરવાનો આગ્રહ હોવો જોઈએ.
ફેબ્રિક્સ અને કટ
તુલ્લીનું ફેબ્રિક બ્રાઇડલ લહેંગામાં વોલ્યુમ એડ કરે છે. આ ફેબ્રિક એટલે સિલ્ક કે નેટનું સ્ટાર્ચ કરેલું વર્ઝન. ટ્રાન્સપરન્ટ ફેબ્રિક સાથે લો-કટ ચોલી પણ હિટ છે. કોર્સેટમાં ફુમતા, દોરી, અને લહેંગામાં જૂડો પણ જામે. અર્બન બ્રાઇડ લો-નેક બ્લાઉઝ અને લહેંગા પસંદ કરી રહી છે, કારણ કે એ એક જ સમયે ટ્રેડિશનલ અને મોડર્ન બન્ને પ્રકારના લુકની ગરજ સારે છે. આજકાલ લગ્નનાં એકાદ-બે ફંક્શનમાં ગાઉન પહેરવાનો પણ ટ્રેન્ડ છે. લાંબી ટ્રેઇલ સાથેનો ગાઉન લુકમાં ડ્રામા એડ કરે છે. સેમી ટ્રાન્સપરન્ટ ફેબ્રિકની ડાયમન્ડ વર્કવાળી સાડી સારી ઇમ્પેક્ટ પાડશે. ગાઉન જેવા લાંબા અનારકલી કુરતા અને સાથે નીચે ટાઇટ્સ કે પેન્ટ્સ પહેરવાનો પણ ટ્રેન્ડ છે.
હળવું હેન્ડ વર્ક
વધુમાં વધુ લાઇટ વેઇટ વર્ક અત્યારે ઇન છે. યુવતીઓ એડિશનલ હેન્ડ વર્ક કરતાં ફેબ્રિક્સની મદદથી જ કરેલા વર્કને વધુ પ્રેફરન્સ આપે છે. લહેંગા સાડી, લહેંગા ચોલી સાથે લાંબું જેકેટ, ડબલ લેયરવાળા ઘાઘરા વગેરેમાં એડિશનલ વર્કને બદલે નેટ સાથે ગોલ્ડન કે સિલ્વર ફેબ્રિકનો જ પટ્ટો મૂકવામાં આવે છે. આ સિવાય બ્રાઇડલવેઅરમાં વેલ્વેટનું ચલણ પણ જોવા મળે છે. યોક, બોર્ડર, બ્લાઉઝ વગેરેમાં નેટ સાથે વેલ્વેટ મૂકવામાં આવે છે. પહેલેથી જ ડ્રેપ કરેલી હોય એવી રેડીમેડ સાડીનો કોન્સેપ્ટ યુવતીઓના વોર્ડરોબમાં મસ્ટ છે.
ટ્રેન્ડી અને સીઝનને શોભતા કલર્સ
રેડ, બ્રોન્ઝ અને ગોલ્ડ ઓલટાઇમ ફેવરિટ છે. અત્યારે ટ્રેન્ડી અને સીઝન પ્રમાણે શોભતા રંગોની ડિમાન્ડ વધુ છે. કોરલ, પીચ, એમરલ્ડ ગ્રીન, ડાર્ક પિન્ક, પર્પલ અને પેરટ ગ્રીન જેવા રંગો પણ બ્રાઇડલવેઅરમાં સ્થાન મેળવી ચૂક્યા છે. આ રંગોમાં પણ લગ્ન છે એટલે આંખ મીંચીને લાલ-લીલો પસંદ કરવાના દિવસો હવે ગયા છે. લોકો પોતાના સ્કિન ટોનને અનુરૂપ રંગો પસંદ કરતાં હવે શીખી ગયા છે. વધુમાં ડિઝાઇનરની હેલ્પ લેવી આજના સમયમાં આસાન બની ગઈ હોવાથી પોતાને શું સૂટ થશે એ ખબર ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. અહીં જો પોતાને કોઈ શેડ ખરેખર સૂટ થતો હોય તો એને વાપરો. પછી ભલેને એ બ્લેકનો કોઈ શેડ હોય.
એક્સેસરીઝ અને વાળ
બંગડી અને જાડા કડાઓને હવે બાજુ પર રાખી દો. આના કરતાં તમારી દાદી કે મમ્મીના જમાનાના કોઈ જૂના ડિઝાઇનના દાગીના હોય તો એને રિવેમ્પ કરવાની ટ્રાય કરો. ગોલ્ડની જ્વેલરી હોય તો એને બીજા પીસ વધુ ડાયમન્ડ્સ જડાવીને એનો લુક વધારી શકાય. એક્સેસરીઝમાં મોટા હેર ક્લિપ કે બ્રોચ વાપરી શકાય. માથામાં સીતેરના દાયકાનો બુફન જામશે. કપડાંમાં સોબર ચીજો સિલેક્ટ કરી હોય ત્યારે એક્સેસરીઝમાં થોડો હેવી લુક ચાલશે. ચોટલો પણ અત્યારે ઇન છે. બ્રાઇડલ ફૂટવેઅરમાં હેવી ડાયમન્ડ્સ લગાવેલા સેન્ડલ પહેરવાને બદલે ડલ ગોલ્ડ કે સિલ્વર શેડના પીપટો સેન્ડલ પહેરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter