આપકે પેર ઝમીં પર રખીયે, પર સુંદરતા બરકરાર રખેં પેડીક્યોર સે...

Monday 16th December 2019 09:20 EST
 
 

સામાન્ય રીતે આપણે હંમેશાં સુંદર ચહેરાની સુંદરતા પર વિશેષ ધ્યાન રાખીએ છીએ, પણ કેટલાય કિસ્સા એવા પણ જણાય છે કે પગની યોગ્ય સંભાળ ન રાખી હોવાથી પગના નખમાં મેલ ભરાઈને તેનાથી નખમાં અને ચામડીમાં ઇન્ફેક્શન થઈ જાય છે. પગની ત્વચા મેલી અને શુષ્ક થઈ જાય છે. સુંદરતા સાથે સાથે સ્વચ્છ સ્વસ્થ પગની જાળવણી માટે નિયમિત પેડીક્યોર જરૂરી છે. ક્યારેક ક્યારેક એવું બને કે બ્યુટીપાર્લરમાં જઈને પેડીક્યોર કરાવવાનો સમય ન મળે તો અઠવાડિયે એક કે બે વખત માત્ર પંદરથી વીસ મિનિટ ફાળવીને તમે પગને સ્વસ્થ અને સ્વચ્છ રાખી શકો એવા નુસખા અહીં આપેલા છે. આ નુસખામાં ઘરેલુ ચીજોનો વપરાશ છે તેથી તે સોંઘા પણ છે. બ્યુટીપાર્લરમાં પણ ક્યારેક કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફાયદા થવાની જગ્યા નુક્સાન થવા લાગે છે. તેથી તમે ઘરે આવા નુસખાથી પેડીકયોર કરી શકો છો. અહીં જણાવવા પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે પ્રાકૃતિક રીતે અને ઓછા ખર્ચમાં ઘરે પેડીક્યોર કરી શકાય છે અથવા પેડીક્યોર શક્ય ન હોય તો પણ પગને ચોખ્ખાં રાખી શકાય છે.

પેડીક્યોર માટે સામાન

• નેઈલ પેઈન્ટ રિમૂવર

• નેઈલકટર

• નેઈલ ફાઈલર

• પ્યૂમિક સ્ટોન

• નેઈલ બ્રશ

• સ્ક્રબર્સ – સ્ક્રબ બ્રશ

• મધ

• ટબ અથવા ડોલ

• શેમ્પુ

• લીંબુ

• હજારીગોટાના અથવા ગુલાબ અથવા ચંપાના ફૂલ

• હૂંફાળું પાણી

• મોશ્ચરાઈઝિંગ ક્રીમ

• ૨ ચમચી જેતૂનનું તેલ

• ટોવેલ

પેડીક્યોર કરવાની રીત

• સૌથી પહેલા પગના નખ પરના પેઈન્ટને નેઈલ પેઈન્ટ રિમૂવરથી સાફ કરવા અને પછી વધારાના નખને કાપી નાંખવા. એ પછી નખને નેઈલ ફાઈલરથી શેપ આપવો.

• હવે ટબમાં હૂંફાળું પાણી નાંખી તેમાં એક લીંબુનો રસ અથવા સ્લાઈસ અને ફૂલ નાંખવા. એ પછી તેમાં પગને ૧૦થી ૧૫ મિનિટ ડુબાડો. પગની ત્વચા નરમ થઈ જાય તો નખને બ્રશથી સાફ કરવા. એડીને સાફ કરવા માટે પ્યુમિક સ્ટોનનો ઉપયોગ કરવો અને બધી ડેડ સ્કિન કાઢી નાંખવી.

• લીંબુની સ્લાઈસને તમારા પગ પર હળવા હાથથી લગાવો. પછી હૂંફાળા પાણીથી પગ ધોઈ લો.

• મોશ્ચરાઈઝિંગ ક્રીમમાં બે ચમચી જેતૂનનું તેલ મિક્સ કરીને પગને મસાજ કરો અને પછી પગને સ્ક્રબ કરો. થોડીવાર સ્ક્રબ કર્યા પછી પગને ફરીથી હૂંફાળા પાણીથી સાફ કરવું.

• આખરે સ્ટેપમાં પગને સારી રીતે ધોયા પછી લૂંછી લો. પગને સારી રીતે સૂકાવ્યા પછી ક્રીમ લગાવવી.

કેટલીક ટીપ્સ

• જો તમારા પગમાં ખૂબ જ વાઢિયા પડ્યા હોય તો રોજ રાત્રે સૂતા પહેલાં હળવા ગરમ પાણીથી પગ ધોઈને પગમાં વેસેલિન અથવા કોપરેલ અથવા ક્લિન્સિંગ મિલ્ક લગાવીને પગમાં કોટનના મોજાં પહેરીને ઊંઘો. આવું અઠવાડિયા સુધી કરવાથી પગ મુલાયમ બનશે. વાઢિયા દૂર થશે.

• જો તમારા પગના નખમાં મેલ ભરાઈ જવાની સમસ્યા હોય તો અડધી ચમચી ટૂથપેસ્ટ સાથે અડધી ચમચી બેકિંગ પાઉડરને એક વાટકીમાં મિક્સ કરો. એમાં થોડું પાણી નાંખો પછી એ પેસ્ટને ટૂથ બ્રશ પર લઈને નખ પર બ્રશ કરો. મેલ સાફ ન થાય ત્યાં સુધી ટૂથ બ્રશથી ઘસીને મેલ કાઢો.

• જો તમારા પગની ત્વચા સૂકી હોય તો એક ચમચી ચણાના લોટમાં અડધા લીંબુનો રસ પા ટી સ્પૂન હળદર અને પેસ્ટ બને એટલું દૂધ એમાં મિક્સ કરો. ટૂથ બ્રશથી આ પેસ્ટથી પગ સાફ કરો. એ પછી હળવા પાણીથી પગ ઘોઈ નાંખો.

• તમારા પગની નમી સાચવી રાખવા માટે અડધી ચમચી કોકમના ઘી અથવા શુદ્ધ ઘી અથવા વેજિટેબલ ઘીમાં એક ચમચી બાજરાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી રગડીને પગ સાફ કરો. એ પછી પગને હળવા ગરમ પાણીથી ધોઈ લો. પગની ત્વચા સુંદર બનશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter