ઇન્ટરનેટથી ઝડપથી બદલાય છે ફેશનજગત

Monday 20th May 2019 05:59 EDT
 
 

જૂના જમાનામાં પેરિસને ફેશનહબ ગણાવમાં આવતું. જોકે. પ્રાંત પ્રમાણે ફેશન યથાવત રહેતી તેમાં સગવડિયા ફેરફાર દેશવિદેશથી આયાત થતાં તે ફેરફારો વચ્ચેનો ગાળો બહુ લાંબો રહેતો. જૂનો જમાનો અને જૂના જમાનાના લોકો ફેશન બાબતે સ્લો મોશનમાં આગળ વધી રહ્યા હોય એવું અત્યારે તો લાગે. આ નવા જમાનામાં નવી પેઢી જોકે ઈન્ટરનેટ સાથે ખૂબ ઝડપી દોડી રહી છે. ફેશનના પણ નાનામાં નાના ઉદ્યોગથી માંડીને સ્પેસ ટેક્નોલોજી સુધી બધે જ ફૂલ સ્પીડમાં ફેરફાર આવે છે. દેશના નાના ગામ કે શહેરો સુધી પણ ફેશન ફંડા એકદમ ઝડપથી પહોંચી રહ્યા છે.

સિનેમાની ફેશનનો ટ્રેન્ડ

પહેલા ભારતમાં ફક્ત સિનેમામાં જોઈને ફેશનનો ટ્રેન્ડ જ ચાલતો, મતલબ કોઈ ફિલ્મ રિલીઝ થાય એટલે પહેલાં દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મેટ્રોમાં એ ફેશનના કપડાં ચલણમાં આવે, યુવતીઓ એ ખરીદે અને પહેરે એટલે એકાદ વર્ષ પછી એ બધી નાના નાના શહેરોની યુવતીઓ પણ પ્રેમથી અપનાવે ત્યાં પાછી બીજી એકાદી ફિલ્મ રિલીઝ થાય એટલે પાછી એ જ સાઇકલ રિપિટ થાય, પરંતુ અત્યારે વાત જ સાવ નોંખી છે, રોજે રોજ તમને ગામમાં કંઈક નવીન કપડાં દેખાય, સ્ટાઇલ, કલર, કાપડ બધામાં હજારો વેરાઇટી બહાર પડે. નાના ગામ શહેરોની યુવતીઓને પણ કીમ કાર્દિશને છેલ્લા પબ્લિક અપિરિયન્સમાં શું પહેર્યું એની જાણકારી હોય છે. આ આનો શ્રેય આપણે સો ટકા ઇન્ટરનેટને આપી શકીએ કેમ કે ઘણી બધી વસ્તુઓની માહિતી હવે ખૂબ સરળ રીતે આ આપણી સુધી પહોંચતી થઈ છે.

ફેશન ટ્રેન્ડઝમાં અને રાજકારણમાં એક કોમન વાત એ છે કે ત્યાં કઈ જ કાયમી નથી હોતું. આજે આ તો કાલે બીજું કંઈક, કંઈ નવું ના મળે તો જૂનું જ રિવાઇવ કરી લેવાનું. હવે એ જમાના ગયા જ્યારે છોકરીઓ ખાલી પંજાબી સલવાર સૂટ પહેરીને કોલેજ જતી, જીન્સ, પ્લાઝો, ટેન્ક ટોપ્સ, ઓફ શોલ્ડર, કોલ્ડ શોલ્ડર, લો વેસ્ટ, અપવેસ્ટ, કોલર લાઇન, જમ્પસૂટ, સ્કર્ટ જેવા અઢળક વિકલ્પોમાંથી તેઓ પોતાના માટે કપડાં પસંદ કરી શકે છે. લોકો શું કહેશે? વાળી માનસિકતાને યુવતીઓએ જાકારો આપ્યો છે અને પોતાના ફેશન સેન્સને ફ્લોન્ટ કરવાનું ચૂકતી નથી.

અનારકલી ડ્રેસિસ જૂના જમાનામાં હોટ ફેવરિટ હતા ત્યાર બાદ તે ગાયબ થઈ ગયા હતા અને હવે પાછા એ ટ્રેન્ડમાં આવ્યા છે. કોઈ પણ યુવતીના વોર્ડરોબમાં એટલિસ્ટ ૩-૪ અનારકલી હોવાના જ. બુટકટ પેન્ટ્સની ફેશન લગભગ એક દાયકા પહેલા પૂરી થઈ હતી, પરંતુ હમણાં હમણાં જ દીપિકા પદુકોણે જેવી સેલિબ્રિટીઝ અને એરપોર્ટ સ્ટાઇલ તરીકે કેરી કરીને બુટકટ પેન્ટ્સને પાછા લાવી રહી છે. જૂના જમાનામાં ફાટેલા કપડાં પહેરવા અશુભ માનવામાં આવતા અને અત્યારે રિપ્ડ (ફાટેલું) જીન્સની ફેશન પિક પર ગણી શકાય. યુવક યુવતીઓ બધા જ રિપ્ડ જીન્સને એક મસ્ટ હેવ ફેશન ગારમેન્ટમાં ગણતરી કરે છે.

વાતાવરણને અનુરૂપ ફેશન

જ્યાં વસતા હોઈએ ત્યાંના વાતાવણ પ્રમાણે કે ઋતુ પ્રમાણે ફેશનના ફંડા બદલાઈ જાય છે. સમર ટ્રેન્ડ, વિન્ટર ટ્રેન્ડ અને મોનસૂન ટ્રેન્ડમાં ખૂબ જ ફરક જોવા મળે છે. પોતાની પર્સનાલિટી અને કમ્ફર્ટ મુજબ પહેરતાં કપડાં ભલે થોડા આઉટ ઓફ લીગ હોય છતાં એ બેસ્ટ ઓપશન પુરવાર થાય છે.

ઓનલાઈન વધતી જતી શોપિંગ અને મળતા અઢળક વિકલ્પોને લીધે લોકલ દુકાનદારોને હંમેશા ફેશનથી અપડેટ રહીને જ કાપડની ખરીદી કરવી પડે છે. આજની સ્માર્ટ યુવતીઓ મિક્સ એન્ડ મેચના કલ્ચરમાંથી થઈ હોવાથી એક આખો સેટ કોઈ એક જગ્યાએથી ખરીદતી નથી. ઘણી માનુનીઓ સસ્તી બજારના કાપડને હાઇ સોસાયટી ગારમેન્ટ બનાવી શકવાની આગવી સૂઝ ધરાવે છે. આ ગોડગિફ્ટની વાત છે, ઘણી છોકરીઓએ મોંઘાદાટ કપડાં પહેર્યાં હોય તો પણ એમાં એ લુક કે ક્લાસની કમી વર્તાય છે જ્યારે અમુક છોકરીઓ સાવ સામાન્ય કપડાંને પણ એલિગંટ લુક આપી શકે છે. જોકે ઈન્ટરનેટ પર વિકલ્પોએ યુવતીઓ કે મહિલાઓ માટે મનગમતા કપડાં શોધવાની મુશ્કેલી સાવ ટાળી દીધી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter