ઓફિસ રૂટિનથી માંડી વાર તહેવારે પહેરો ડિઝાઈનર જ્વેલરી

Monday 18th March 2019 05:52 EDT
 
 

તહેવાર, પ્રસંગો કે રોજિંદી જિંદગીમાં યુવતીઓએ અને મહિલાઓએ કેવા પ્રકારની જ્વેલરી પહેરવી એ અંગે યુવતીઓ અને મહિલાઓ ઘણી સજાગ રહે છે. ખાસ કરીને રોજિંદી જિંદગીમાં ઓફિસે જતાં સ્ત્રીઓએ કેવા પ્રકારની જ્વેલરી પહેરવી એ અંગે જોકે સ્ત્રીઓને વધુ મૂંઝવણ રહે છે. સ્ત્રીઓએ પોતાના જ્વેલરી ક્લેક્શન તે પછી ઇમિટેશન હોય કે ગોલ્ડ ઓફિસે પહેરવા એવી જ્વેલરી પસંદ કરવી જોઈએ જે કોઈ પણ પ્રસંગે પણ પહેરી શકાય. વાર તહેવારમાં પણ પહેરી શકાય. જે દરેક પ્રકારના ડ્રેસિંગ સાથે સૂટ પણ થાય.

મોતી વિથ વ્હાઇટ ગોલ્ડ

મોતીની સુંદરતા અને સૌમ્યપણું હંમેશા રજવાડી ઠાઠ અને દમામ બક્ષે છે. અન્યથી વિશિષ્ટ તરી આવવા માટે તમારા કલેક્શનમાં પર્લ, ગોલ્ડ અને વ્હાઇડ ગોલ્ડનું કોમ્બિનેશન કરી શકો છો. મોતીમાં વ્હાઇટ તો એવરગ્રીન પસંદ છે જ પરંતુ તમે જો પર્પલ, રેડ, લાઇટ બ્લૂ જેવી પર્લ જ્વેલરી પહેરવા માગતા હો તો પણ તમને ઘણા વિકલ્પ મળી રહેશે.

ટેમ્પલ જ્વલેરી

આ જ્વેલરી સાથોસાથ જોડાયેલું ધાર્મિક મહત્ત્વ તેની ડિઝાઇનમાં પણ છલકાય છે. માંગલિક પ્રસંગમાં કે તહેવારની પૂજામાં પહેરવા ગણપતિ, ક્રિશ્ન અને લક્ષ્મીજી ઉપરાંત વિષ્ણુ, ગણપતિના વિવિધ સ્વરૂપો, નાગદમન જેવી કૃષ્ણ લીલાને પેન્ડન્ટમાં ઘડાવીને અલગ પ્રકારનું ટેમ્પલ જ્વેલરી ક્લેક્શન તૈયાર કરાવડાવી શકો. આ પ્રકારનું પેન્ડેન્ટ તમે ઓફિસમાં પણ પહેરી શકો છો. ટેમ્પલ જ્વેલરી થોડા હાર્ડ ફોર્મમાં હોવાથી દક્ષિણમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ મેટ્રો અને મેગા સિટીની મહિલાઓને પણ પસંદ પડે તેવું ડિઝાઇનર ક્લેક્શન પણ મળી રહ્યું છે. ગિફ્ટ આપવા માટે પણ ટેમ્પલ જ્વેલરી એક ઉમદા વિકલ્પ છે.

એનિમલ જ્વેલરી

ટીનેજર્સ સંતાનો તથા યુવા મિત્રોને ભેટમાં આપવા તથા એક અલાયદું ક્લેક્શન તમારા જ્વેલરી બોક્સમાં સામેલ કરવા માગતા હો તો એનિમલ ડિઝાઈનર જ્વેલરી ખાસ તમારા માટે જ છે. મોર તો આપણી જ્વેલરી ડિઝાઇનમાં વર્ષોથી દબદબો જમાવે જ છે ત્યાર બાદ એલિફન્ટ જ્વેલરી પણ લોકોને ખૂબ જ પસંદ આવી છે જો તમારે કંઇક હટકે ડિઝાઇન પસંદ કરવી હોય તો તમે બટરફ્લાય એરિંગ્સ અને રિંગ અને નેકલેસ, કેટ રિંગ, પેરોટ બ્રોચ, પાન્ડા રિંગ, ફ્રોગ રિંગ અને એરિગ્સ, ડ્રેગન પેન્ડન્ટ, ફિશ પેન્ડન્ટ જેવી અલગ અલગ એનિમલ ડિઝાઇનર ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ અને સ્ટોનના કોમ્બિનેશનથી બનાવડાવી શકો છો. આ ઉપરાંત ગોલ્ડમાં તો વિવિધ ડિઝાઇન સ્ત્રીઓને આકર્ષે છે. તેમાં પણ તમે એન્ટિક કે જડતર વિથ ગોલ્ડની પસંદગી કરી શકો છો. ઉપરોક્ત દરેક જ્વેલરી તમે ક્યારેય પણ પહેરીને સુંદર દેખાઈ શકો છો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter