ઓલિમ્પિકમાં પ્રથમ મહિલા ચંદ્રકવિજેતા : કર્ણમ મલ્લેશ્વરી

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 20th March 2024 08:40 EDT
 
 

ઓલિમ્પિકને ખેલોનો મહાકુંભ પણ કહે છે. ઓલિમ્પિક ખેલોનો ઈતિહાસ ઘણો પુરાણો છે. પ્રાચીન કાળમાં યૂનાનની રાજધાની એથેન્સમાં ૧૮૯૬માં ઓલિમ્પિક પર્વત પર રમતો રમાવાને કારણે આ ખેલનું નામ ઓલિમ્પિક પડ્યું. ઓલિમ્પિકના ધ્વજમાં પાંચ રંગનાં વર્તુળ બનેલાં છે. નીલો, પીળો, કાળો, લીલો અને લાલ. આ રંગો આફ્રિકા, અમેરિકા, એશિયા, યુરોપ અને ઓશિનિયાનું આપસમાં જોડાયેલા રહેવાનું પ્રતિનિધિત્વ કરે છે. દર ચાર વર્ષે ખેલાતા ઓલિમ્પિક ખેલ વિશ્વની સૌથી મોટી ખેલ પ્રતિયોગિતા છે.
દુનિયાના દેશો ઓલિમ્પિકમાં ભાગ લેતા રહ્યા અને ચંદ્રકો જીતતા રહ્યા. ભારત પણ ઓલિમ્પિકમાં ભાગ લેતું. પુરુષ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કરતા રહ્યા, પણ ઓલિમ્પિકના સો વર્ષ પછી પણ ભારતની મહિલા ખેલાડીઓના નસીબમાં ચંદ્રક લખાયો નહોતો. ભારતનાં મહિલા ખેલાડીઓ નિરાશ કે નાસીપાસ થયા વિના કરોળિયાની જેમ પરિશ્રમ કરતાં રહ્યાં. આખરે સૂતેલું ભાગ્ય આળસ મરડીને બેઠું થયું. વર્ષ ૨૦૦૦માં ભારતની વેઈટ લિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીએ ખેલોના મહાકુંભમાં વેઈટ લિફ્ટિંગ-ભારોત્તોલન પ્રતિયોગિતામાં ત્રીજો ક્રમાંક મેળવીને કાંસ્યચંદ્રક મેળવ્યો. દેશ માટે એ અત્યંત મહત્વની ઘડી એટલા માટે હતી કે ભલે ત્રીજો ક્રમાંક આવ્યો, પણ ભારતની મહિલા ખેલાડીને પહેલી વાર ઓલિમ્પિકમાં ચંદ્રક પ્રાપ્ત થયેલો....
કર્ણમ મલ્લેશ્વરીએ દુનિયાના આંગણામાં દેશનો ત્રિરંગો ફરકાવ્યો ત્યારે લોકોએ દેશની દીકરી પર પ્રશંસાનાં પુષ્પો વરસાવ્યાં, પણ એક સમય હતો જયારે એ જ લોકોને કર્ણમની ક્ષમતા પર વિશ્વાસ નહોતો. એનું કારણ એ હતું કે એણે ૧૯૯૬માં વિશ્વ ચેમ્પિયનશિપ જીતી નહોતી. ઉપરાંત એનું સ્થાનાંતરણ ૬૯ કિલોગ્રામ ભારવર્ગમાં થયેલું, એક એવી શ્રેણી જેમાં કર્ણમે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પહેલાં ભાગ લીધો નહોતો. પરંતુ કર્ણમ સહુને ખોટા પુરવાર કરવા ઉત્સુક હતી. સિડની ઓલિમ્પિકમાં વર્ષ ૨૦૦૦માં કર્ણમે એ કરી બતાડ્યું.
કર્ણમ મલ્લેશ્વરીએ પોતાના કોચની સલાહથી ૧૩૭.૫ કિલો વજન ઉઠાવીને શાનદાર જીત મેળવવાનું નક્કી કર્યું. અંતિમ વેઈટ લિફ્ટથી સાડા સાત કિલો વધારે. પણ કર્ણમને વેઈટ લિફ્ટની તાલીમમાં એટલું વજન ઉઠાવવાનો અભ્યાસ હતો. એથી એને એટલું વજન ઊંચકવા સંદર્ભે કોઈ સંદેહ નહોતો. જોકે નિર્ણાયક ક્ષણમાં કર્ણમ લથડી. એણે બારબેલ થોડો વહેલો ઉઠાવી લીધો. એથી એના ઘૂંટણ પર ઈજા થઈ. પરિણામે એના હાથમાંથી સુવર્ણચંદ્રક અને રજતચંદ્રક સરી ગયો. પણ કાંસ્ય એણે પકડી લીધો. ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટિંગમાં ત્રીજા ક્રમાંકે વિજેતા થઈને એણે કાંસ્ય ચંદ્રક જીત્યો, પણ ઈતિહાસમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી દીધું.
દુનિયામાં દેશનું ગૌરવ વધારનાર કર્ણમ મલ્લેશ્વરીને ભારત સરકારે પણ વિવિધ પુરસ્કારો દ્વારા બિરદાવી. ૧૯૯૪માં અર્જુન પુરસ્કાર, ૧૯૯૯માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર અને ૧૯૯૯માં દેશના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી પુરસ્કૃત કરી....
કર્ણમ મલ્લેશ્વરીની સફળતા પાછળ એની માતા શ્યામલાની બહુ મોટી ભૂમિકા હતી. ૧ જૂન ૧૯૭૫ના આંધ્ર પ્રદેશના હૈદરાબાદ સ્થિત શ્રીકાકુલમમાં જન્મેલી કર્ણમની માતા શ્યામલા ગૃહિણી હતી.
કર્ણમને બાળપણથી જ ખેલકૂદમાં રુચિ હતી. શ્યામલા કર્ણમને ગગામની વ્યાયામશાળામાં લઈ ગઈ. બાર વર્ષની કર્ણમને કોચ નીલમશેટ્ટી અપ્પન્ના ભારોત્તોલન શીખવતા, પણ પછી પ્રશિક્ષણ આપવાનું બંધ કર્યું. એમ કહીને કે, કર્ણમ પાતળી અને નબળી છે ! કર્ણમ નિરાશ થઈ ગઈ. પણ શ્યામલાએ પુત્રીને કહ્યું, ‘જો લોકોને તારી ક્ષમતા પર શંકા હોય તો એમને ખોટા સાબિત કર..’ આ એક જ વાક્યે કર્ણમનું જીવન બદલી નાખ્યું. એણે કઠોર પરિશ્રમ આદર્યો. ૧૯૯૨માં થાઈલેન્ડ ના ચિંગમેમાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈને રજત ચંદ્રક મેળવ્યો. ૧૯૯૩માં પોતાની પહેલી ભારોત્તોલન વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. એક વર્ષ પછી ૧૯૯૪માં વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મળ્યો. કર્ણમે ઓલિમ્પિકમાં પણ ઝંડો લહેરાવ્યો. કર્ણમ મલ્લેશ્વરીએ અગિયાર સુવર્ણચંદ્રક સહિત કુલ ઓગણત્રીસ ચંદ્રકો જીતીને દુનિયામાં દેશનું નામ રોશન કર્યું. વેઈટ લિફ્ટિંગમાં વિક્રમ સર્જનાર કર્ણમને લોકોએ ચંદ્રકરૂપે નવા નામનું બિરુદ આપ્યું : ધ આયરન લેડી...લોખંડી મહિલા !


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter